ભારત દેશ ધ્વારા સને ૨૦૨૩ ના વર્ષને ‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ રાષ્ટ્રસંઘની ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO) પાસે મૂકવામાં આવેલ તે એક મહત્ત્વની બાબત છે. આ મુજબ સને ૨૦૨૩ ના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ જાહેર કરી ઉજવવાની ઘોષણા કરેલ છે. આ પ્રસ્તાવનું નેતૃત્વ ભારતે કરેલ જેને ૭૦ થી વધુ દેશોએ સમર્થન આપ્યું હતું.
ભારતમાં ગઇ સદીમાં મિલેટની ખેતી પરંપરાગત રીતે કરવામાં આવતી હતી. એવું કહેવાય છે કે આપણા પૂર્વજો હજારો વર્ષોેથી મિલેટનું ઉત્પાદન કરતા હતા. ભારતીય હિન્દુ પરંપરામાં યજુર્વેદમાં પણ મિલેટના ઉપયોગની માહિતી મળે છે. આજથી ૫૦ વર્ષ પહેલાં મધ્ય ભારત અને દક્ષિણ ભારતના પહાડી વિસ્તારોમાં મિલેટનું મોટા પાયે ઉત્પાદન થતું હતું. એક અનુમાન મુજબ દેશના કુલ ખાદ્યાન્ન ઉત્પાદનમાં મિલેટનો ફાળો ૪૦ ટકા હતો.
મોટુ અનાજ (મિલેટ) શું છે ?
મિલેટને પોષક અનાજ પણ કહે છે. આ એક સામૂહિક શબ્દ છે કે કેટલાયે નાના બી ધરાવતા પાકોને સંબંધિત છે જેની ખાદ્ય પાકના રૂપે સમશીતોષ્ણ, ઉપોષ્ણ, ઉષ્ણ કટીબંધના વિસ્તારો અને સૂકી ખેતી ધરાવતા વિસ્તારોમાંની સીમાંત જમીન ઉપર ખેતી કરવામાં આવે છે.
મિલેટને પોષણ માટેનું પાવર હાઉસ કહેવામાં આવે છે. મિલેટની શ્રેણીમાં જુવાર, બાજરી, રાગી, ચીણો, કોદરા, સામો, કુટકી, કુટ્ટૂ અને રાજગરો મુખ્ય છે. આ દરેક દષ્ટિએ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. કેલ્શિયમ, પ્રોટીન, આયર્ન અને રેસાથી ભરપૂર મિલેટ ડાયાબાટીસ, હૃદયરોગ, ઉચ્ચ રક્તચાપ (હાઇ બ્લડ પ્રેસર) વગેરે રોગોના ખતરાને ઘટાડે છે. મિલેટમાં ખનીજ તત્વો પ્રચુર માત્રામાં હોઇ કુપોષણને દૂર કરે છે. મિલેટ સૂક્ષ્મ પોષકતત્વો, વિટામિનો અને ખનીજોનો ભંડાર છે. તે નાના બાળકો અને પ્રજનન યોગ્ય યુવાન મહિલાઓના પોષણ માટે વિશેષ લાભદાયક છે. સરકારી ખાદ્ય પદાર્થોની માંગમાં થતો વધારો મિલેટને વૈકલ્પિક ખાદ્ય પ્રણાલી પ્રદાન કરે છે.
મિલેટને મોટુ અનાજ એટલા માટે કહેવામાં આવે છે કે તેના ઉત્પાદન માટે કોઇ વધારે કાળજી લેવાની જરૂર પડતી નથી. આ ધાન્ય ઓછા પાણી અને બિન ઉત્પાદક જમીનમાં પણ થઇ શકે છે. ડાંગર અને ઘઉંની સરખામણીએ મિલેટના ઉત્પાદનમાં બહુ જ ઓછા પાણીનો વપરાશ થાય છે. તેની ખેતીમાં યુરિયા અને અન્ય રસાયણોની પણ જરૂર પડતી નથી એટલે તે પર્યાવરણ માટે પણ સલામત છે.
મિલેટનો સંગ્રહ પણ સરળ છે અને તેને લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે. દેશમાં કેટલાક દશક પહેલાં ભોજનની થાળીમાં મિલેટ એ મુખ્ય ભાગ તરીકે જોવા મળતું હતું પરંતુ હરિયાળી ક્રાંતિ અને ડાંગર તથા ઘઉંની શોધે બાદ તેનો વ્યાપક ઉપયોગ થવા લાગતાં મિલેટ તરફનું ધ્યાન ઓછુ થતું ગયું તેમ છતાં પશુઓનો ચારો તથા ઔદ્યોગિક ઉપયોગ વધવાને કારણે તેનું મહત્વ ટકી રહ્યું. કોરોનાની મહામારી પછી મિલેટને ‘ઇમ્યુનિટી બૂસ્ટર’ ના રૂપે પ્રતિષ્ઠા મળી અને જેને હાલમાં ‘સુપર ફૂડ’ પણ કહે છે.
ફક્ત સ્વાસ્થ્ય જ નહિં પરંતુ પર્યાવરણની દષ્ટિએ પણ મિલેટ એ એક વરદાન રૂપ છે. વિવિધ દષ્ટિકોણથી જોતાં મિલેટ એ ખેડૂતોને મદદરૂપ પાક છે. ખાદ્ય અને પોષણની સુરક્ષાની સાથે તે પશુઓ માટેનો ચારો પણ આપે છે. મિલેટની ખેતી હવામાનમાં થતા ફેરફારનો સામનો કરી શકે છે. તેનો અર્થ છે કે પાણીની અછત અને વધતા જતા તાપમાનને કારણે ખાદ્યાન્નના ઉત્પાદન ઉપર આવનાર સંકટનો મિલેટ સામનો કરી શકશે તેવી આશા છે કારણકે મિલેટની ખેતી વધુ પડતા વરસાદ આધારિત વિસ્તારો સિવાયના પ્રદેશોમાં ખાતર અને કીટનાશકોના ઉપયોગ વિના થઇ શકે છે.
આ મિલેટ પાકો ખાદ્ય પ્રોસેસિંગ ઉદ્યોગોમાં અને નિકાસ માટેની વિશાળ તકો પુરી પાડશે તેવી સંભાવના છે માનવ માટે આહાર, પશુઓ માટે ચારો અને મરઘાં માટે ખોરાક પુરો પાડવા માટે સૂકા વિસ્તારોમાં તેની ખેતી કરવી હિતાવહ છે. મિલેટની ખેતી ઉદ્યોગો અને ઇંધણ માટે પણ ઉપયોગી થશે.
હેતુઓ :
સને ૨૦૨૩ના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ જાહેર કરવાનો મુખ્ય ઉદેશ ખાદ્ય સુરક્ષા અને પોષણ માટે મિલેટના યોગદાન અંગે લોકોમાં જાગૃતતા પેદા કરવાનો છે. મિલેટનું ઉત્પાદન ટકાવી રાખવા અને તેની ગુણવત્તામાં સુધારો કરવાની પ્રેરણા પુરી પાડવાનો પણ એક આશય છે. આ માટે મિલેટના સંશોધન, વિકાસ અને વિસ્તરણ ઉપર ભાર મૂકવો પડશે. તેની સાથોસાથ ભારતના મિલેટની મૂલ્ય વર્ધિત બનાવટો વિશ્વમાં લોકપ્રિય બને તે માટે પ્રયાસો કરવા પડશે.
મિલેટના વિતરણ ધ્વારા ખાદ્ય અને પોષણ સુરક્ષા પુરી પાડી શકાશે અને ઘઉં અને ચોખાના વિતરણમાં મુક્તિ મળી શકશે. મિલેટના વાવેતરથી વિવિધતાપૂર્ણ ખેતી થશે અને જમીનની ફળદ્રુપતા વધશે. તેની સાથે રાસાયણિક ખાતરો અને ક્રીટનાશકોના વપરાશમાં ઘટાડો થશે. સિંચાઇ ધરાવતા વિસ્તારોમાં ઉત્પાદન સ્થગિત થઇ ગયેલ હોઇ મિલેટની ખેતીમાં વધારો કરવો જોઇએ.
મિલેટની ખેતી વધારવા માટેનાં મુખ્ય બે કારણો જોવા મળે છે જેમાંનું એક વિશ્વમાં કુપોષણ એક પડકાર રૂપ બાબત છે અને બીજુ રશિયા યુક્રેન યુદ્ધને કારણે ખાદ્યાન્નની કિંમતોમાં ઝડપી ગતિએ વધારો થયો તે છે.દેશ અને દુનિયામાં ભૂખમરા અને કુપોષણના પડકાર બાબતે હાલમાં જ સંયુક્ત રાષ્ટ્રસંઘ ધ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ‘ધી સ્ટેટ ઓફ ફંડ સીકયુુરિટી એન્ડ ન્યુટ્રિશન ઇન ધી વર્લ્ડ રિપોર્ટ ૨૦૨૨’ માં જણાવ્યા મુજબ સને ૨૦૨૧ દરમ્યાન ભારતમાં ૨૨.૪ કરોડ લોકો ભૂખ અને કુપોષણના પડકારનો સામનો રહ્યા છે જ્યારે સમગ્ર વિશ્વમાં ૭૬.૮ કરોડ લોકો ભૂખ અને કુપોષણથી પીડાય છે. આ વિગતોને ધ્યાને લઇ દેશના કરોડો લોકો માટે પોષણ યુક્ત આહારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવી જરૂરી છે.
સરકાર ધ્વારા લેવામાં આવેલ પગલાં :
સરકારે મિલેટની નિકાસને પ્રોત્સાહન આપવા નીતિ તૈયાર કરેલ છે જેમાં વિદેશમાં આવેલ ભારતીય દૂતાવાસની સાથે વૈશ્વિક સુપરમાર્કેટ, વોલમાર્ટ વગેરેનો સાથ લેવામાં આવનાર છે. આ અંગેની રણનીતિના ભાગ રૂપે ભારતીય દૂતાવાસોને ઘરેલુ મિલેટના બ્રાન્ડિંગ અને પ્રચાર માટે સામેલ કરવામાં આવશે.દૂતાવાસોને ડીપાર્ટમેન્ટલ સ્ટોર, સુપર માર્કેટ અને હાયપર માર્કેટ જેવા સંભવિત ખરીદકર્તાઓની જાણ કરવા માટે જણાવેલ છે. આ માટે બિઝનેસ ટુ બિઝનેસ (બીટુબી) બેઠકો યોજી મિલેટની સીધી ખરીદી થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. મિલેટના પ્રચારની રણનીતિ મુજબ ‘મિલેટ કોર્નર’ સ્થાપવા માટે લુલુ સમૂહ, કૈર ફોર, અલ જજીરા, અલ માયા, વોલમાર્ટ જેવા મુખ્ય આંતરરાષ્ટ્રીય સુપર માર્કેટનો સાથ લેવામાં આવશે.
કેન્દ્રિય કૃષિ મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમરના માનવા મુજબ હવે સાર્વજનિક વિતરણ પ્રણાલીમાં ઘઉં અને ચોખાની જગ્યાએ મિલેટ આપવાની જરૂરિયાત છે. તેનાથી પોષણમાં સુધારાની સાથે મિલેટના ઉત્પાદન અને વપરાશને પ્રોત્સાહન મળશે.
કૃષિ વ ખેડૂત કલ્યાણ મંત્રાલય ધ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ૨૦૨૩ ની ઉજવણીના ભાગ રૂપે કેટલાક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ અંતર્ગત ઇન્ડિયા વેલ્થ, મિલેટસ ફોર હેલ્થ, મિલેટ સ્ટાર્ટઅપ ઇનોવેશન ચેલેન્જ, માઇટી મિલેટસ કિવઝ, લોગો અને સ્લોગન પ્રતિયોગિતા વગેરે કાર્યક્રમો શરૂ કરવામાં આવેલ છે.
ભારતના મોટા ભાગના રાજ્યોમાં એક યા વધારે મિલેટની જાતોનું વાવેતર થાય છે. ખાસ કરીને એપ્રિલ ૨૦૧૮ થી સરકાર દેશમાં મિલેટનું ઉત્પાદન વધે તે દિશામાં કાર્ય કરી રહી છે. સરકારે મિલેટના ન્યૂનતમ ટેકાના ભાવમાં પણ વધારો કરેલ છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન હેઠળ ૧૪ રાજ્યોના ૨૧૨ જીલ્લાઓમાં પોષક અનાજ તરીકે મિલેટનો સમાવેશ કરેલ છે. આ માટે રાજ્યોના ખેડૂતોને અનેક પ્રકારની સહાય પુરી પાડવામાં આવેલ છે. દેશમાં મિલેટના મૂલ્ય વર્ધન માટે ૫૦૦ થી પણ વધુ સ્ટાર્ટઅપ કાર્ય કરી રહ્યા છે. મિલેટના વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો હિસ્સો ૪૦ ટકાની આસપાસ છે. વિશ્વમાં મિલેટના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે ભારત પ્રથમ ક્રમે છે. ભારતમાં મિલેટના વધુ ઉત્પાદન માટે રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં વિશેષ પ્રયાસો કરવામાં આવેલ છે. ખાસ કરીને મધ્યપ્રદેશમાં મિલેટના ઉત્પાદનમાં ઊંચી સફળતા મળેલ છે.
વિદેશોમાં મિલેટની માંગમાં વધારો :
ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO) ના જણાવ્યા અનુસાર સને ૨૦૨૦ માં મિલેટનું વૈશ્વિક ઉત્પાદન ૩૦૪.૬૪ લાખ મે.ટન થયેલ જેમાં ભારતનો હિસ્સો ૧૨૪.૯ લાખ મે. ટન હતો જે કુલ મિલેટના ૪૧ ટકા જેટલો થાય છે. ભારતે સને ૨૦૨૧-૨૨ માં મિલેટના ઉત્પાદનમાં ૨૭ ટકાની વૃદ્ધિ હાંસલ કરી છે જ્યારે અગાઉના વર્ષમાં મિલેટનું ઉત્પાદન ૧૫૯.૨ લાખ મે ટન હતું.
સ્વાસ્થ્ય માટે જાગૃતતા વધવાને પરિણામે વિદેશોમાં મિલેટની માંગ નિરંતર વધી રહી છે જેના કારણે મિલેટની નિકાસ ધ્વારા વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત થશે જે ભારત દેશના હિતમાં છે. સને ૨૦૨૧-૨૨ માં ભારત દેશે ૩.૪૩ કરોડ ડોલરની મૂલ્યના મિલેટની નિકાસ કરી હતી. એક અનુમાન મુજબ હાલમાં મિલેટનું બજાર ૯ અબજ ડોલરથી વધીને સને ૨૦૨૫માં ૧૨ અબજ ડોલરથી પણ વધારે થશે. અપેડા (APEDA) ધ્વારા વર્ષ ૨૦૨૫ સુધીમાં મિલેટના નિકાસનો લક્ષ્યાંક ૨૦૦૦ કરોડ રૂપિયાનો રાખેલ છે.
વિશ્વમાં મિલેટની આયાત કરતા મુખ્ય દેશોમાં ઇન્ડોનેશિયા, બેલ્ેજીયમ, જાપાન, જર્મની, મેકિસકો, ઇટાલી, અમેરિકા, બ્રિટન, બ્રાઝિલ અને નેધરલેન્ડનો સમાવેશ થાય છે. વિશ્વના લગભગ ૧૩૧ દેશોમાં મિલેટની ખેતી થાય છે અને એશિયા તથા આફ્રિકાના લગભગ ૬૦ કરોડ લોકોનો પરંગપરાગત આહાર છે. વિશ્વમાં ભારત બાજરીના મોટો ઉત્પાદક દેશ છે જે વૈશ્વિક ઉત્પાદનના ૨૦ ટકા અને એશિયાના ઉત્પાદનમાં ૮૦ ટકા ફાળો ધરાવે છે.
સંદર્ભઃ ડ્રીમ 2047, ફેબ્રુઆરી 2023
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail : krushikiran2023@gmail.com
www.krushikiran.in