
સને ૨૦૧૯ ના વૈશ્વિક ભૂખમરા આંક (Global Hunger Index-GHI)મુજબ વિશ્વના ૧૧૭ દેશોમાં ભારત ૧૦૨માં ક્રમાંકે અને તેના પાડોશી દેશો નેપાળ,પાકિસ્તાન,જાપાન,ચીન,મ્યાનમાર અને બંગ્લાદેશથી પાછળ છે.ભારતમાં કુપોષણના પ્રમાણમાં વધારો થતો જાય છે. હવામાન પરિવર્તનને કારણે ઉત્પાદન તથા અનાજમાં પ્રોટીન,ઝિંક અને આયર્નના પ્રમાણમાં ફેરફાર થતાં અનાજની પોષણ ગુણવત્તામાં ઘટાડો થયો છે.તેના પરિણામ સ્વરૂપ આવતા વર્ષોમાં હજારો લોકો પોષકતત્વોની ઉણપથી પીડાતા હશે.કુપોષણ માટે શહેરીકરણ,ઔદ્યોગિકરણ,વસ્તી વધારો,જીવનશૈલીમાં ફેરફાર અને ખોરાક લેવાની ટેવ વગેરે મુખ્ય કારણો જવાબદાર છે. ફાસ્ટ ફૂડ,સ્નેકસ અને તૈયાર ખોરાકનો વપરાશ વધતાં ભારત દેશના બાળકોમાં પ્રોટીન અને સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપ વર્તાય છે.યુનિસેફ (UNICEF)ના રીપોર્ટ મુજબ પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકોમાંથી ૬૯ ટકા બાળકો કુપોષણને કારણે મૃત્યુ પામે છે.ભારતના લાખો લોકોને ઘઉં,ચોખા,મકાઇ જેવા અનાજમાં સમતોલ આહાર માટે જરૂરી મહત્ત્વના ખનીજતત્વો અને વિટામિનો હોતા નથી.તેથી મુખ્યત્વે પ્રોટીન,સૂક્ષ્મતત્વો અને વિટામિનો મળી રહે તેવા સારી ગુણવત્તાવાળા પોષક આહાર તરીકે રાજગરાનો ઉપયોગ ખોરાકમાં કરવો જોઇએ જેથી ભૂખમરો અને કુપોષણ દૂર કરી શકાય.
રાજગરો એ મુખ્ય ધાન્ય તરીકે ઉગાડવામાં આવતો નથી.તેનો વપરાશ ઘણો ઓછો છે.તે િપ્રસેન્સ ફીધર,મિરેકલ ગ્રેઇન,કિંગ ગ્રેઇન,રામદાણા,ગ્રેઇન ઓફ ફયુચર,ગોડઝ ગ્રેઇન,પ્રિન્સ ઓફ વેલ્સ ફીધર,મિલેનીયમ ક્રોપ વગેરે નામે ઓળખાય છે.
વિવિધ ખેત-હવામાન પરિસ્થિતિઓમાં તેનો પાક લેવાય છે.ભારતમાં પરંપરાગત રીતે હિમાલયના વિસ્તારમાં મિશ્ર પાક તરીકે ઉગાડવામાં આવે છે.તે સર્વત્ર થતો,ઝડપથી વધતો,સૂકી પરિસ્થિતિનો સામનો કરે તેવો,રોગ-જીવાતનો પ્રતિકાર કરે તેવો,વધુ,ઉત્પાદન આપતો અને ઊંચુ પોષણ મૂલ્ય ધરાવતો પાક છે.
રાજગરાની વિવિધ જાતો :
રાજગરો એ એમરેન્થેસી કુટુંબનો છોડ છે જેમાં નીચે જણાવેલ જાતિઓનો સમાવેશ થાય છેઃ
(૧) રાજગરો(Amaranthus paniculatus)-ભારતમાં તેનું વાવેતર પાનની ભાજી અને દાણા માટે થાય છે.બગીચામાં તેના લાલ અને સફેદ ફૂલોની મોટી માંજરોને કારણે સુંદરતા માટે ઉગાડાય છે જેને અંગ્રેજો પ્રિન્સેસ ફીધર કહે છે.
(૨) Amaranthus hypochoudriacus -મેકિસકો અને ગ્વાટેમાલા તેનું મુળ વતન છે.તેના ફૂલો સુંદર હોઇ બગીચામાં વવાય છે.તેની ઘણી જાતો છે જે ફલાવર વેલ્યુર,ફલોરા મોર,વેલવેટ ફલાવર,પ્રિન્સ ફલાવર વગેરે નામે ઓળખાય છે.આ જાતની ખેતી હિમાચલ પ્રદેશની સતલજની ખીણ,ઉત્તરપ્રદેશનો ઘરવાલી અને કુમાઉ પ્રદેશ,તામિલનાડુ,ગુજરાત તથા કર્ણાટકના કેટલાક ભાગોમાં થાય છે.
(૩) Amaranthus cruentus-તે મેકિસકો અને ગ્વાટેમાલાની વતની છે.
(૪) Amaranthus caudatus-તેનું મૂળ વતન પેરૂ દેશ છે.
રાજગરાની સંક્ષિપ્ત ખેતી પદ્ધતિ :
જાતો (ગુજરાત ) : ગુજરાત રાજગરો-૧ અને ગુજરાત રાજગરો-૨
વાવેતર સમય : ઓકટોબર-નવેમ્બર
બિયારણનો દર : ૨ કિ.ગ્રા.પ્રતિ હેકટર
વાવેતર અંતર : ૪૫ સે.મી. ના અંતરે હારમાં વાવેતર કરવું
રાસાયણિક ખાતર : (૧) પાયામાં ૧૫ કિ.ગ્રા. નાઇટ્રોજન + ૧૫ કિ.ગ્રા. ફોસ્ફરસ પ્રતિ હેકટર
(૨) વાવણી બાદ ૩૦ દિવસે ૧૫ કિ.ગ્રા. નાઇટ્રોજન પ્રતિ હેકટર
અન્ય માવજત : ૩૫ થી ૪૦ દિવસે પાળા ચઢાવવા
પિયત : વાવણી બાદ ૩૦ દિવસે પ્રથમ પિયત અને ૪૫ દિવસે (કૂલ અવસ્થાએ) બીજું
પિયત આપવું.
ઉત્પાદન : ૧૫૦૦ થી ૨૦૦૦ કિ.ગ્રા. પ્રતિ હેકટર
પોષણ મૂલ્યતા :
(૧)પ્રોટીન :
રાજગરાના દાણા ૧૪.૫ થી ૧૫.૧ ટકા જેટલું ઊંચુ પ્રોટીન ધરાવે છે જેથી માનવીના સમતોલ આહાર માટે વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO) અને ફાઓ(FAO)ધ્વારા તેના ઉપયોગની ભલામણ કરવામાં આવી છે.તેના ૧૦૦ ગ્રામ દાણામાં ૫.૨ થી ૬.૧ ગ્રામ આવશ્યક એમિનો એસિડ લાયસીન રહેલો છે કે જેની સામાન્ય રીતે ઘઉં,ચોખા અને મકાઇ જેવા ધાન્યોેમાં ખામી જોવા મળે છે.તેના દાણામાં રહેલ એમિનો એસિડના બંધારણને જોતાં તે એલેનાઇન,પ્રોલીન્સ,વેલીન,સેરીન્સ,ફીનાઇલ એલેનાઇન,લ્યુસીન, આર્જેનાઇન,ટ્રીપ્ટોફેન અને મિથીયોનાઇનનો ઊંચો સ્ત્રોત છે.તેના ૪.૪ ટકા જેટલો સલ્ફર એમિનો એસિડ ધરાવે છે જે મોટા ભાગે કઠોળમાં જોવા મળે છે.રાજગરામાં ઊંચા પ્રોટીનના પ્રમાણ માટે જવાબદાર જનીન(AmA1)નુ ટ્રાન્સજેનિક એપ્રોચ ધ્વારા બટાટામાં સફળતાપૂર્વક દાખલ કરવામાં આવેલ છે જે બટાટાનું પોષણ મૂલ્ય વધારવામાં ઉપયોગી સાબિત થશે.
(૨)ફેટ અને તેલ :
રાજગરાના બીજ ૪.૮ થી ૮.૧ ટકા જેટલું તેલ ધરાવે છે. તેની ફેટમાં મુખ્યત્વે લીનોલીક એસિડ ધરાવતા એન્ટિઓકસીડેન્ટ સ્ક્વાલીનની હાજરી રહેલી છે કે જે ચામડી પર કરચલીને થતી અટકાવે છે.
(૩)સ્ટાર્ચ,ખનીજતત્વો અને વિટામિનો :
તેના દાણામાં વિવિધ જાતો મુજબ ૪૮ થી ૬૨ ટકા જેટલો સ્ટાર્ચ હોય છે.પરંપરાગત ધાન્યોમાં રહેલ સ્ટાર્ચની સરખામણીએ તેની ફુલવાની ક્ષમતા વધુ,ઓછો એમાયલેઝ અને દ્રાવ્યતા ધરાવતો હોઇ તેનો ઉપયોગ વિવિધ વાનગીઓ બનાવવા માટે થાય છે.તેના પાન,કુમળી ડાળીઓ અને પકવ દાણા ખાદ્ય છે જે કેલ્શિયમ,આયર્ન,મેગ્નેશીયમ,ફોસ્ફરસ,પોટેશીયમ,ઝિંક અને સોડિયમ વગેરે જરૂરી ખનીજતત્વો ધરાવે છે.તેના પાન વિટામિન એ અને રાઇબોફલેવિનનો ઉત્તમ સ્ત્રોત છે.તેના ખનીજતત્વો અને વિટામિનો અંગેના અભ્યાસ કરતાં જણાયેલ છે કે પ્રતિ એક કિલોગ્રામ દાણા દીઠ ૭૨ થી ૧૭૪ મિ.ગ્રા.આયર્ન,૧,૩૦૦ થી ૨,૮૫૦ મિ.ગ્રા.કેલ્શિયમ,૧૬૦ થી ૪૮૦ મિ.ગ્રા.સોડિયમ,૨,૩૦૦ થી ૩,૩૬૦ મિ.ગ્રા. મેગ્નેશિયમ અને ૩૬.૨ થી ૪૦ મિ.ગ્રા.ઝિંક તેમજ ૧૦૦ ગ્રામ લોટ દીઠ ૦.૧૯ થી ૦.૨૩ મિ.ગ્રા.રાઇબોફલેવિન અને ૪.૫ મિ.ગ્રા.એસ્કોર્બિક એસિડ ધરાવે છે.
(૪)અન્ય કમ્પાઉન્ડસ :
તેની વિવિધ જાતોમાં૧૯.૫ થી ૪૯.૩ ટકા જેટલા રેસાનું પ્રમાણ નોંધાયેલ છે.તેની કેટલીક જાતો ફાયટિક એસિડ અને સેપોનીન્સ ધરાવે છે.જો કે તેમાં નાઇટ્રેટ અને ઓકઝેલેટ જેવા નુકસાનકર્તા તત્વોની હાજરી હોઇ તેને દૂર કરવા માટે પાંદડાં અને દાણાને વાનગી બનાવતા પહેલાં ૫ મિનિટ ગરમ પાણીમાં ઉકાળવા જરૂરી છે.
ઔદ્યોગિક અને આહારમાં ઉપયોગી :
રાજગરાનો ઉદ્યોગોમાં તેમજ આહાર તરીકે ઉપયોગ થાય છે.તેનો ઉપયોગ કરી સ્વીટ રોલ,બ્રેડ,પેસ્ટી,બિસ્કીટ,ફલેકસ, નૂડલ્સ,લાયસીનથી સમૃદ્ધ બેબી ફૂડ અને કૂકીઝ વગેરે બનાવવામાં આવે છે.જે લોકોને ઘઉંના ગલુટેનની એલર્જી હોય તેઓ માટે રાજગરો ખોરાકમાં લેવો ઉત્તમ છે કારણકે તે ગ્લુટેનરહિત છે.હિમાલયના પ્રદેશોના લોકો તેના લોટની રોટલી બનાવી ખાય છે.તેને મધ કે સીરપ સાથે િંમશ્ર કરી લાડુ બનાવાય છે.પ્રાચીનકાળમાં હિંદુ લોકો તેના દાણાને દૂધમાં પલાળી ધાર્મિક તહેવારોમાં પરંપરાગત રીતે ખોરાક લેતા હતા.હિમાચલ પ્રદેશમાં દૂધ સાથે ખીર બનાવી,દહીં કે છાશ સાથે તેનું રાયતું બનાવી અને રાજગરાને ભાત સાથે રાંધીને ખવાય છે.
રાજગરાના પાક અંગેનું સંવધન કાર્ય હજુ પ્રાથમિક તબકકામાં છે.ખાસ કરીને આ પાકમાં પ્રોટીન અને લાઇસીન ધરાવતી ઊંચા પોષણ મૂલ્ય વાળી જાતો વિકસાવવાની સારી તકો છે ભારત જેવા વિકાસશીલ દેશોમાં ગરીબ લોકોને પ્રોટીન અને સારા પોષકતત્વો પુરા પાડવા માટેનો આ વૈકલ્પિક પાક છે.વર્તમાન સમયે તેની ઓછા ઓકઝેલેટ અને નાઇટ્રેટ તત્વો ધરાવતી જાતો શોધવા માટે વધારે સંશોધન કરવાની જરૂરિયાત છે.રાજગરાનો પ્રાથમિક શાળાના બાળકોના મધ્યાન્હ ભોજન કાર્યક્રમમાં આહાર તરીકે સમાવેશ કરવામાં આવે તો કુપોષણનો પ્રશ્ન મહદ્દ અંશે હલ કરી શકાય.
ઔષધિય મૂલ્ય :
રાજગરાનું પોષક મૂલ્ય ઊંચુ છે.તેની સાથે તેમાં રહેલા ટોકોફીરોલ્સ,ફાયટોસ્ટીરોલ્સ અને બાયોએકટીવ ફલેવોનોઇડસની હાજરીને લીધે ઔષધિય ગુણો ધરાવે છે.તેના બીમાં રહેલ પ્રોટીન કેન્સર વિરોધી ગુણ ધરાવે છે.ભારતમાં તે દવા તરીકે વપરાય છે.તેનો આખો છોડ તંદુરસ્તી જાળવવામાં,લોહી શુદ્ધિકરણમાં,ગોયટર અને મૂત્રપિંડના રોગોમાં ઉપયોગી છે.તેનાં પાન ચાની પત્તી તરીકે વપરાય છે જે હરસ,શ્વસનતંત્ર અને મૂત્રાશયના રોગો વગેરેમાં રાહત આપે છે.તેના દાણા કોલેસ્ટીરોલનું સ્તર ઘટાડે છે,રોગ-પ્રતિકારક શકિત (ઇમ્યુનિટી) વધારે છે,ગાંઠને અટકાવે છે અને એનેમીયા દૂર કરે છે. તેના દાણામાં રહેલ ફાયટીક એસિડ લોહીમાંના કોલેસ્ટીરોલના પ્રમાણને ઓછુ કરી હૃદયરોગો થતા અટકાવે છે.હિમાચલ પ્રદેશના આદિવાસીઓ તેની ખીર બનાવી શીતળા અને ઓરીની સારવારમાં ઉપયોગ કરે છે.
તેનાં પાદડાં રકતશુદ્ધિકર અને મૂત્રલ હોઇ ભાજી તરીકે ખવાય છે.અર્શ અને મૂત્રકૃચ્છમાં તેનો રસ સારૂ કામ કરે છે.ગંડમાળમાં થોડા દિવસ તેના શાકનું સેવન અને પાંદડાંનો લેપ કરવાથી આરામ થાય છે.ભાવપ્રકાશના મતે રાજગરો મધુર, રૂક્ષ, રકતપિત્ત અને કફનો સંહાર કરનાર,શીત,લઘુ,વાજીકરણ છે.રતેનાં બી સારક, રકતશોધક, મૂત્રલ અને થોડા પૌષ્ટિક ગુણ ધરાવે છે.કંઠમાળ પર તેનો લેપ કરવાથી પરૂ ખેંચી રૂઝ લાવે છે.
તેનાં પાદડાં રકતશુદ્ધિકર અને મૂત્રલ હોઇ ભાજી તરીકે ખવાય છે.અર્શ અને મૂત્રકૃચ્છમાં તેનો રસ સારૂ કામ કરે છે.ગંડમાળમાં થોડા દિવસ તેના શાકનું સેવન અને પાંદડાંનો લેપ કરવાથી આરામ થાય છે.ભાવપ્રકાશના મતે રાજગરો મધુર, રૂક્ષ, રકતપિત્ત અને કફનો સંહાર કરનાર,શીત,લઘુ,વાજીકરણ છે. તેનાં બી સારક,રકતશોધક,મૂત્રલ અને થોડા પૌષ્ટિક ગુણ ધરાવે છે.કંઠમાળ પર તેનો લેપ કરવાથી પરૂ ખેંચી રૂઝ લાવે છે.
સ્ત્રોત : વનસ્પતિ સૃષ્ટિ લે.ગો.ખી.બાંભડાઇ અને કિસાન વર્લ્ડ, જૂન-૨૦૨૦
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in