સામાનું અંગ્રેજી નામ Barnyard millet, Japanese millet કે Sanwa millet અને વૈજ્ઞાનિક નામ Echinochloa frumentacea છે. તે હિન્દીમાં સાંવા, સનવા, સાંઉ, સામા અને સંસ્કૃતમાં શ્યામાક તરીકે ઓળખાય છે.
વાવેતરઃ
સામાનું વાવેતર ગૌણ ધાન્ય તરીકે દાણા તેમજ ઘાસચારા માટે ભારત, ચીન, જાપાન, કોરીયા, પાકિસ્તાન, નેપાળ અને આફ્રિકાના અર્ધ શુષ્ક વિસ્તારોમાં મોટા પાયે થાય છે. ભારતમાં સામાનું વાવેતર મુખ્યત્વે ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, બિહાર, ગુજરાત, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ વગેરે રાજ્યોેમાં થાય છે.
પોષણ મૂલ્ય :
તેના ૧૦૦ ગ્રામ દાણામાં ૬૫.૫ ગ્રામ કાર્બોહાઇડ્રેટસ, ૬.૨ ગ્રામ પ્રોટીન, ૨:૨ ગ્રામ ફેટ, ૯.૮ ગ્રામ ક્રુડ ફાયબર, ૪.૪ ગ્રામ ખનીજ પદાર્થો, ૨૦ મિ.ગ્રા.કેલ્શિયમ, ૨૮૦ મિ.ગ્રા. ફોસ્ફરસ, ૫ મિ.ગ્રા આયર્ન ધરાવે છે અને તે ૩૦૭ ગ્રામ શક્તિ (એનર્જી) આપે છે. સામો ઊંચા પ્રમાણમાં ખાદ્ય રેસા અને આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઝિન્ક જેવા ખનીજતત્વો વગેરે પોષકતત્તવોથી સમૃદ્ધ હોઇ એક આરોગ્યપ્રદ ખોરાક તરીકે તેનું મહત્ત્વ વધી રહ્યુ છે. તે ઓછો ગ્લાયસેમિક આંક ધરાવતું ધાન્ય હોઇ આરોગ્ય માટે સારૂ છે. તેમાં ચોખા અને ઘઉંની સરખામણીએ લાયસીન, સીસ્ટીન અને આઇસોલ્યુસાઇન જેવા એમિનો એસિડ ઊંચા પ્રમાણમાં રહેલ છે.
ઔષધિય મૂલ્ય :
સામો મધુર, શીતળ, શોષક, રૂક્ષ, તુરો, લઘુ તથા વાતકર છે અને કફ, પિત્ત, રક્તપિત્ત તથા વિષ દોષનો નાશ કરે છે.મંદવાડમાં સામાનો ભાત ખવાય છે. અન્નદ્રવ શૂળ ઉપર સામાની ખીર હિતકર છે. તેનો ડાયાબિટીસના દરદીઓ, બાળકો અને સગર્ભા મહિલાઓ માટે વધુ સાનુકુળ આરોગ્યપ્રદ ખોરાક તરીકે ભલામણ કરવામાં આવેલ છે અને તે એન્ટિઓક્સીડેન્ટ, બળતરા વિરોધી અને ગાંઠ (ટયુમર) વિરોધી તરીકે અગત્યનો ભાગ ભજવે છે.
ઉપયોગ :
તેના દાણા એકાદશીના ફરાળ માટે અને તેનો ભાત ગરીબોના ખોરાક તરીકે વપરાય છે. તે ઢોરો માટે સરસ ચારો છે.
સામાની જાતો :
વિવિધ રાજ્યોમાં ભલામણ કરેલ સામાની જાતો કોઠામાં દર્શાવેલ છે.

આબોહવા :
તે દરેક ઋતુના હવામાનમાં થાય છે.અનિયમિત વરસાદ અને વિવિધ હવામાનની પરિસ્થિતિમાં ઓછામાં ઓછા ઇનપુટસના ઉપયોગ સાથે તેનું વાવેતર સૂકારાની પરિસ્થિતિ સામે ટકી શકતા સખત પાક તરીકે કરી શકાય છે.તે વાર્ષિક ૫૦ થી ૭૦ સે.મી.વરસાદ પડતોે હોય તેવા વિસ્તારોમાં સારી રીતે થાય છે.
જમીન :
સામાને લોમ અથવા રેતાળ લોમ પ્રકારની અને પુરતા પ્રમાણમાં સેન્દ્રિય તત્વ ધરાવતી હોય તેવી જમીન જરૂરી છે. તે હલકી કે નબળી જમીનમાં પણ થાય છે. જ્યાં અન્ય પાકો થઇ શકતા નથી તેવી જમીનમાં પણ તેનું વાવેતર કરી શકાય છે.
જમીનની તૈયારી :
જમીનને હળથી ઊંડી ખેડ કરી બે વખત કરબ મારી તૈયારી કરવી.
વાવણી સમય :
ખરીફમાં ચોમાસુ બેસતાંની સાથે તેનું વાવેતર કરવું લાભદાયી છે. તેનું ખરીફ વાવેતર જૂનના મધ્યથી જુલાઇના પ્રથમ અઠવાડીયા સુધીમાં, રવી વાવેતર સપ્ટેમ્બર-ઓકટોબર માસમાં અને ઉનાળુ વાવેતર ફેબ્રુઆરી થી માર્ચ મહિનાના સમય દરમ્યાન કરી શકાય છે.
બિયારણનો દર અને માવજત :
તેનું હારમાં વાવેતર કરવા માટે હેકટરદીઠ ૧૦ કિ.ગ્રા. બિયારણ જ્યારે પૂંખીને વાવેતર કરવા માટે હેકટર દીઠ ૧૨ થી ૧૫ કિ.ગ્રા. બિયારણની જરૂર રહે છે.
એક કિલોગ્રામ બિયારણ દીઠ ૨ ગ્રામ કલોરોથેલોનિલ અથવા કાર્બેન્ડાઝિમ દવાની માવજત આપવી.એક કિલોગ્રામ બિયારણ દીઠ ૨૫ ગ્રામ નાઇટ્રોજન જમા કરતા બેકટેરીયા (Azospirulum brasilense) અને ફોસ્ફેટને દ્રાવ્ય કરનાર ફુગ (Aspergillus awamouri) ની માવજત આપી વાવેતર કરવું ફાયદાકારક છે.
વાવણી અંતર :
તેનું વાવેતર બે હાર વચ્ચે ૨૫ થી ૩૦ સે.મી. નું અંતર રાખી કરવામાં આવે છે. હારમાં બે છોડ વચ્ચે ૧૦ સે.મી.નું અંતર રાખવું. બિયારણ જમીનમાં ૩ થી ૪ સે.મી.ની ઊંડાઇએ વાવવું.
ખાતરો :
પાકની વાવણીના એક માસ અગાઉ હેકટર દીઠ ૫ થી ૭.૫ ટન કમ્પોસ્ટ અથવા છાણિયુ ખાતર જમીનમાં આપવું. સામાન્ય રીતે પિયત પાક તરીકે સારો પાક લેવા માટે હેકટર દીઠ ૪૦+૨૦ +૨૦ કિ.ગ્રા. ના.ફો.પો.ની ભલામણ કરવા આવેલ છે. જમીન ચકાસણી અહેવાલના આધારે ખાતરો આપવાની ભલામણ છે. ફોસ્ફરસ અને પોટાશનો પુરેપુરો જથ્થો અને નાઇટ્રોજનનો અડધો જથ્થો પાકની વાવણી સમયે અને બાકી રહેલ નાઇટ્રોજનનો અડધો જથ્થો પાકની વાવણી બાદ ૩૦ દિવસે આપવો.
નીંદામણ અને આંતરખેડ :
પાકને વાવણી બાદ ૩૫ દિવસ સુધી નીંદણ મુક્ત રાખવો જરૂરી છે. અસરકારક નીંદણ વ્યવસ્થા માટે બે વખત આંતરખેડ અને એક વખત હાથનીંદામણ કરવું જરૂરી છે. પાકની વાવણી બાદ પાકના સ્ફુરણ પહેલાં (પ્રી ઇમરજન્સ) હેકટરદીઠ ૦.૫ કિ.ગ્રા. આઇસોપ્રોટયુરોન સક્રિય તત્વ અને પાકના ઉગાવાના ૨૦ થી ૨૫ દિવસ બાદ હેકટર દીઠ ૧ કિ.ગ્રા ૨,૪ ડી સોડિયમ સોલ્ટ સક્રિય તત્વનો છંટકાવ કરવાથી અસરકારક રીતે નીંદણ નિયંત્રણ થાય છે.
પિયત :
ખરીફ ઋતુમાં આ પાકને ઓછામાં ઓછા પાણીની જરૂર પડે છે પરંતુ જો લાંબો સમય સૂકો ગાળો રહે તો વાવણી બાદ ૨૫ થી ૩૦ દિવસે પ્રથમ પિયત અને વાવણી બાદ ૪૫ થી ૫૦ દિવસે કંટી નીકળે ત્યારે આપવાથી સારૂ ઉત્પાદન મળે છે.ઉનાળુ પાકમાં જમીનનો પ્રકાર અને હવામાનની પરિસ્થિતિ મુજબ ૨ થી ૪ પિયત આપવાની જરૂર રહે છે.
પાક પદ્ધતિ :
(૧) આંતરપાક :
સામો + રાઇસબીન / કળથી (૪ઃ૧)
સામો + રાજગરો (૪ઃ૧)
(૨) મિશ્રપાક :
૯૦ ટકા સામો અને ૧૦ ટકા સોયાબીનના બી લઇ મિશ્ર પાક તરીકે વાવણી કરવી
(૩) પાક હરોળ પદ્ધતિ :
સામો + રાઇસબીન (૪:૧)-ફણસી/સરસવ
રોગ : સામાન્ય રીતે પાકના વિકાસના વિવિધ તબક્કે હેડ સ્મટ, ગ્રેઇન સ્મટ અને કર્નેલ સ્મટ એમ ત્રણ જાતના અંગારીયા રોગનો ઉપદ્રવ થતો જોવા મળે છે જેમાં દાણાનો અંગારીયો મહત્ત્વનો છે.
દાણાના અંગારીયાના ઉપદ્રવમાં દાણા તેના સામાન્ય કદ કરતાં ૨ થી ૩ ગણા મોટા અને તેની સપાટી રૂંવાટીવાળી થાય છે જ્યારે ઉષ્ણતામાન ૨૦૦ થી ૨૫૦ સે. હોય ત્યારે આ રોગનો ઉપદ્રવ જોવા મળે છે.
નિયંત્રણ :
(૧) એક કિલો બિયારણને ૨ ગ્રામ પ્રમાણે થાયરમ અથવા કાર્બેન્ડાઝિમ ફુગનાશક દવાનો પટ આપવાથી રોગનો ચેપ લાગવાનું જોખમ ઘટે છે.
(૨) બિયારણને ૫૫૦ સે. ગરમ પાણીમાં ૭ થી ૧૨ કલાક પલાળ્યા બાદ વાવણી કરવી.
જીવાત : આ પાકમાં સાંઠાની માખી, ગાભમારાની ઇયળ,ઊધઇ વગેરે મુખ્ય જીવાતોનો ઉપદ્રવ જોવા મળે છે.
(૧) સાંઠાની માખી :
નુકસાન :
આ જીવાતનો ઉપદ્રવ પાકની વાવણીથી માંડી ૬ અઠવાડીયા સુધીના સમય દરમ્યાન જોવા મળે છે. તેના કીડા સાંઠાના મધ્ય ભાગમાં કોરાણ કરી પીલાને કાપી ખાય છે જેથી પીલો સુકાઇને મરી જાય છે જેને ‘ડેટ હાર્ટ’ કહે છે. પાછલી અવસ્થાએ ઉપદ્રવ થાય તો ફુટ ઓછી થાય છે. નુકસાન પામેલ ફુટમાં કંટી આવે છે પરંતુ તેમાં દાણા હોતા નથી. તેનો વધુમાં વધુ ઉપદ્રવ જુલાઇના મધ્ય બાદ અને ઓગષ્ટની શરૂઆતના ગાળામાં જોવા મળે છે.
નિયંત્રણ :
(૧) ચોમાસુ બેસતાં પહેલાં ૭ થી ૧૦ દિવસ અગાઉ પાકની વહેલી વાવણી કરવી
(૨) બીજી મહત્વની રીત બિયારણનો દર વધારી ડેડ હાર્ટ થી નુકસાન પામેલ છોડ દૂર કરી છોડની સંખ્યા જાળવવી.
(૩) બિયારણને ઇમિડાકલોપ્રિડ ૧૦ થી ૧૨ મિ.લિ. અથવા ૩ ગ્રામ થાયોમેથોકઝામ ૭૦ ડબલ્યુએસનો પટ આપવો.
(૪) પાકની વાવણી સમયે જમીન ઉપર ઉગાડેલ ચાસમાં હેકટર દીઠ ૨૦ કિ.ગ્રા. પ્રમાણે કાર્બોફયુરાન (ફયુરાડાન ૩જી) અથવા ફોરેટ ૧૦જી દવા આપવી.
(૨) ગાભમારાની ઇયળ :
તેની ઇયળ પ્રકાંડમાં પ્રવેશીને કુમળો ભાગ કોરી ખાય છે પરિણામે મધ્ય પીલો સુકાય છે જેને ગાભમારો કહે છે. વધુ ઉપદ્રવ થાય તો ભૂંગળીના પાનમાં સમાંતર કાણાં જોવા મળે છે અને કંટીમાં દાણા બેસતા નથી.
નિયંત્રણ :જમીન તૈયાર કરતી વખતે હેકટરદીઠ ૧૫ કિ.ગ્રા. ફોરેટ ૧૦ જી જમીનમાં આપવું.
(૩) ઊધઇ :
જમીનમાં રાફડા બનાવી રહેતું આ સામાજીક કીટક ધરૂ તેમજ ઉગેલા છોડ ઉપર હૂમલો કરે છે. ઉપદ્રવ થવાથી છોડ સૂકાઇને મરી જાય છે. ખેતરમાં કૂંડાળા સ્વરૂપે સુકાઇ ગયેલ છોડ એ ઊધઇનો ઉપદ્રવ બતાવે છે.
નિયંત્રણ :
જમીનમાં વાવણી સમયે હેકટરદીઠ ૩૫ કિ.ગ્રા. કલોરપાયરીફોસ પડી મિશ્ર કરવું. વાવણી પહેલાં હેકટર દીઠ ૨૦ થી ૨૫ કિ.ગ્રા મીથાઇલ પેરાથિયોન ૨ ટકા ભૂકી આપવી.
કાપણી :
આ પાક જે તે જાત અને સ્થાનિક હવામાનની પરિસ્થતિ મુજબ વાવણી બાદ ૭૫ થી ૯૦ દિવસે કાપણી લાયક તૈયાર થાય છે.
ઉત્પાદન :
હેકટર દીઠ ૧,૨૦૦ થી ૧,૫૦૦ કિ.ગ્રા. દાણા અને ૨,૦૦૦ થી ૨,૫૦૦ કિ.ગ્રા. ઘાસચારો આપે છે.
સ્ત્રોત : આઇ.આઇ.એમ.આર., હૈદ્રાબાદ
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in