ભારતમાં શ્રી અન્ન ઉત્પાદનના પ્રયાસો, તેની વિવિધતા અને જૈવરાસાયણિક મહત્ત્વ (Production, diversity and biochemical importance of millets in India)

        હાલમાં જાહેર થયેલ વર્ષ ૨૦૨૩ ના બજેટમાં મિલેટસ એટલે કે મોટા અનાજને ‘શ્રી અન્ન’ એમ નવું નામ આપવામાં આવેલ છે એટલે આ લેખમાં મિલેટને બદલે શ્રી અન્ન શબ્દનો જ ઉપયોગ કરવામાં આવેલ છે. શ્રી અન્નના ઉત્પાદનમાં વધારો કરવા માટે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ મિલેટસની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય દેશમાં શ્રી અન્ન યોજના શરૂ કરવાની અને ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થા અંતર્ગત હૈદ્રાબાદ ખાતે કાર્યરત ઇન્ડિયન ઇિન્સ્ટટ્યૂટ ઓફ મિલેટ રિસર્ચને ઉત્કૃષ્ઠ કેન્દ્ર બનાવવાની તેમજ અન્ય જોગવાઇઓનો બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે.

        ભારત અને શ્રી અન્નનો સંબંધ પુરાતનકાળથી રહેલો છે જે સિંધુ ઘાટીની સભ્યતા માટે આપવામાં આવેલ કેટલાયે પ્રમાણોમાં શ્રી અન્નની ખેતી ભારતમાં કરવામાં આવતી હતી તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે. ભારતના ઇતિહાસમાં આવેલ ચઢાવ-ઉતારનો પ્રભાવ શ્રી અન્નના ઉત્પાદન ઉપર જોવા મળે છે. એક સમય એવો હતો કે શ્રી અન્નની જાતો વિલુપ્ત થવા સુધી પહોંચી ગઇ હતી પરંતુ પાછલા કેટલાક દસકાથી સ્વાસ્થ્ય તેમજ આર્થિક મહત્ત્વ સમજાતાં ફરીથી શ્રી અન્નના ઉત્પાદન વધારવાની દિશામાં પગલાં ભરવામાં આવેલ છે.

ભારતમાં શ્રી અન્ન ઉત્પાદનના અદ્યતન પ્રયાસો :

        આજે ભારતનું સ્થાન શ્રી અન્નના અગ્રણી ઉત્પાદકો પૈકીનું એક સ્થાન છે. ભારતીય કૃષિ મંત્રાલયના એક રિપોર્ટ મુજબ સને ૨૦૧૯ માં શ્રી અન્નના વૈશ્વિક ઉત્પાદનમાં ભારતની ભાગીદારી  ૨૦ ટકા હતી. સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO) ના જણાવ્યા મુજબ અને ૨૦૨૦ માં શ્રી અન્નનું વૈશ્વિક ઉત્પાદન ૩૦૪.૬૪ લાખ મે.ટન હતુ અને તેમાં ભારતની ભાગીદારી ૧૨૪.૯ લાખ મે.ટન હતી જે કુલ  શ્રી અન્ન ઉત્પાદનના ૪૧ ટકા જેટલી થાય છે. તેથી આગળના આંકડાઓ પર દષ્ટિ કરીએ તો સને ૨૦૨૧-૨૨ દરમ્યાન શ્રી અન્ન ઉત્પાદનમાં ૨૭ ટકા વૃધ્ધિ જોવા મળેલ હતી. અપેડા (APEDA) ના જણાવ્યા મુજબ શ્રી અન્ન ઉત્પાદક પાંચ મુખ્ય રાજ્યોમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે. અપેડાના એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ શ્રી અન્નના નિકાસનો હિસ્સો કુલ શ્રી અન્ન ઉત્પાદનના અેક ટકા જેટલો છે. ભારતમાંથી અન્નની નિકાસમાં મુખ્યત્વે ધાન્યનો જ સમાવેશ થાય છે જ્યારે મૂલ્ય વર્ધિત બનાવટોનો હિસ્સો નહિવત છે. ભારતમાં શ્રી અન્ન બજારનું વર્તમાન મૂલ્ય ૯ અબજ ડોલરથી વધુ છે તે મુજબ અનુમાન લગાવતાં સને ૨૦૨૫ સુધીમાં તેનું બજાર મૂલ્ય ૧૨ અબજ ડોલરથી વધારે થશે.

        ભારતમાં શ્રી અન્નની નિકાસ કરતા મુખ્ય દેશોમાં યુએઇ, નેપાળ, સાઉદી અરબ, લીબિયા, ઓમાન, મિસ્ત્ર, ટ્યૂનિશિયા, યમન, બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે. દેશમાંથી નિકાસ કરવામાં આવતા શ્રી અન્નમાં બાજરી, રાગી, કેનેરી, જુવાર અને કુટ્ટુ (બક વ્હીટ) નો સમાવેશ થાય છે. વિશ્વમાં શ્રી અન્નની આયાત કરતા મુખ્ય દેશોમાં ઇન્ડોનેશિયા, બેલ્જીયમ, જાપાન, જર્મની, મેકિસકો, ઇટાલી, અમેરિકા, બ્રિટન, બ્રાઝિલ અને નેધરલેન્ડનો સમાવેશ થાય છે. નિકાસ અને આયાત કરવામાં આવતા શ્રી અન્નમાં તેના ૧૬ પ્રકારનો સમાવેશ થાય છે જે પૈકી જુવાર, બાજરી, રાગી, ર્કાંગ, ચીણો, કોદરા, મોરૈયો, કુરી, કુટ્ટૂ (બક વ્હીટ), રાજગરો તેમજ બ્રાઉન ટોપ મિલેટનો સમાવેશ થાય છે. અપેડા ધ્વારા જાન્યુઆરી ૨૦૨૩ માં શ્રી અન્નની મૂલ્ય વર્ધિત બનાવટોની નિકાસ કરવા માટે સંયુક્ત અરબ અમિરાત સાથે વીડિયો કોન્ફરન્સ ધ્વારા તેના વિક્રેતાઓ સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે ઇ-કેટલોગ જાહેર કરવામાં આવેલ જેમાં ભારતીય શ્રી અન્ન અને તેના મૂલ્ય વર્ધિત ઉત્પાદનોની યાદી, સક્રિય નિકાસકારોની યાદી, આ ક્ષેત્રમાં કાર્યરત સ્ટાર્ટઅપ અને આયાતકારો, ધાન્યોની શ્રૃંખલા, હાયપર બજાર વગેરે માહિતી આપવામાં આવેલ છે. મૂલ્ય વર્ધનમાં વધારો કરવા અને ખેડૂતોની આવક વધે તે માટે આઇઆઇએમઆર (IIMR) સાથે હસ્તાક્ષર કરવામાં આવેલ છે. અપેડાએ એશિયાના સૌથી મોટા ખાદ્ય તથા આતિથ્ય મેળા દરમ્યાન ૫ રૂપિયાથી ૧૫ રૂપિયા સુધીની કિફાયત મૂલ્ય ધરાવતી કેટલીક શ્રી અન્નની બનાવટોના ઉત્પાદનની શરૂઆત કરેલ છે. શ્રી અન્ન માટે કરવામાં આવેલ આ તમામ ભારતીય પ્રયાસો તેની સફળતાને સુનિશ્ચિત કરશે.

વૈશ્વિક દષ્ટિએ શ્રી અન્ન :

        વર્તમાન સમયમાં એશિયા અને આફ્રિકાના ૧૩૦ થી વધુ દેશોની લગભગ ૬૦ કરોડ વસ્તી પોતાના પંરપરાગત આહારમાં શ્રી અન્નનો ઉપયોગ કરે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના ખાદ્ય અને કૃષિ સંગઠન ના સને ૨૦૨૧ ના રિપોર્ટ મુજબ શ્રી અન્નના વૈશ્વિક ઉત્પાદનમાં ૪૯ ટકા થી વધુ ફાળો આફ્રિકા અને લગભગ ૨૫ ટકા ફાળો એશિયાનો છે જ્યારે યુરોપ વિશ્વ બજારના ફક્ત બે ટકાનું જ પ્રતિનિધિત્વ કરે છે. વિશ્વના શ્રી અન્ન ઉત્પાદન સંબંધિત આંકડા કોઠામાં દર્શાવેલ છે.

શ્રી અન્નનું વૈશ્વિક ઉત્પાદન (વર્ષ-૨૦૧૯)

શ્રી અન્ન એટલે :

        શ્રી અન્ન એ વાસ્તવમાં શું છે તે વિસ્તારથી જાણીએ. ઘઉં અને ચોખા જેવા અનાજની સરખામણીએ શ્રી અન્ન એ નાના આકારના દાણા ધરાવતાં ખાદ્યાન્નનો સમૂહ છે જેની ખેતી મુખ્યત્વે આફ્રિકા અને એશિયા ખંડના અર્ધસૂકા અને સૂકા વિસ્તારોમાં થાય છે. શ્રી અન્નને તેના દાણાના આકારને આધારે બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે. એક મોટા દાણાવાળા શ્રી અન્ન જેવા કે બાજરી અને જુવાર અને બીજા નાના દાણાવાળા શ્રી અન્ન જેવા કે રાગી, સામો, ચીણો, કાંગ, કોદરા વગેરે. શ્રી અન્ન હંમેશાં આહાર અને ચારા માટે આ ખંડમાં વપરાય છે કે જે જીવનનો આધાર છે. વિશ્વના કેટલાક વિસ્તારોમાં શ્રી અન્ન મુખ્ય ખાદ્યપદાર્થના રૂપે પણ ઉપયોગ લેવાય છે. તેનો ઉપયાોગ ખોરાક, પશુનો ચારો, પક્ષીઓ માટે દાણા, બળતણ, મૂલ્ય વર્ધિત ઉત્પાદનો, ફાસ્ટ ફૂડ ઉત્પાદનો તથા અન્ય ઔદ્યોગિક સામગ્રી વગેરે માટે પણ થાય છે. તે સૂકા વિસ્તારોમાં રહેતા લાખો લોકોનો મુખ્ય આહાર છે. શ્રી અન્નની ખેતી દુષ્કાળની પરિસ્થિતિ સમયે પણ સારૂ ઉત્પાદન આપે છે. બજારમાં શ્રી અન્નની માંગ ઓછી છે અને તેના લાભો પણ અન્ય પાકની સરખામણીએ ઓછા છે તેમજ આહાર અને પોષણની સુરક્ષાના સાધન તરીકે શ્રી અન્નનું યોગદાન મહત્વનું બની ગયું છે. સરકારે ‘પોષક અનાજ’ નો દરજ્જે આપી સને ૨૦૧૮ માં રાષ્ટ્રીય મિલેટ વર્ષ જાહેર કરેલ. ભારતના પ્રસ્તાવને સ્વિકાર કરી સંયુક્ત રાષ્ટ્રસંઘ ધ્વારા સને ૨૦૨૩ ના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવણી કરવાની જાહેરાત કરી છે. વર્તમાન સમયે શ્રી અન્ન તેના પોષણ મૂલ્ય, સ્વાસ્થ્ય લાભો, પર્યાવરણ અનુકુલન, ખેતીમાં ઓછો ખર્ચ અને જૈવિક ખેતીમાં સ્થિરતા વગેરે જેવા ગુણોને કારણે તેનું મહત્ત્વ વધી રહયું છે.

ભારતમાં શ્રી અન્નની વિવિધતા :

        ભારતમાં શ્રી અન્ન અર્ધસૂકા ઉષ્ણ કટીબંધીય પ્રદેશો જેવા કે કર્ણાટક, ઉત્તરાખંડ, તામિલનાડુ, છત્તીસગઢ તથા આંધ્રપ્રદેશ વગેરેમાં થાય છે. શ્રી અન્નનો સૂકા વિસ્તારની જમીન માટેના પાકોમાં સમાવેશ થાય છે કારણકે તે ૫૦ થી ૧૦૦ સે.મી. વરસાદ વાળા વિસ્તારોમાં પણ થઇ શકે છે. શ્રી અન્નમાં સમાવેશ થયેલ પાકો હલકી કે બિનફળદ્રુપ જમીનોમાં પણ થઇ શકે છે. તેનું ઉત્પાદન ઓછા પાણી અને ખાતર વગર, ઓછી ફળદ્રુપ જમીન અને વધુ તાપમાનમાં પણ અનુકુલન સાધી શકે છે એટલે કે વિપરિત મોસમી પરિસ્થિતિમાં પણ તેનું ઉત્પાદન મેળવી શકાય છે. તેને રોગ કે કીટકોનો ઉપદ્રવ ઓછો થાય છે. ટુંકમાં મોટા ભાગે શ્રી અન્ન ખરીફ ઋતુમાં થતા પાકો છે જેની વાવણી મે-જૂન માસ અને કાપણી સપ્ટેમ્બર-ઓકટોબર દરમ્યાન થાય છે. આમાંના મોટા ભાગના પાકો શિયાળામાં એટલે કે ઓકટોબર-માર્ચ અને ઉનાળામાં એટલે કે જાન્યુઆરી-એપ્રિલ દરમિયાન સારૂ ઉત્પાદન આપે છે.

        ભારતના શ્રી અન્નના મુખ્ય પાકોમાં જુવાર, બાજરી, રાગી, કુરી, કોદરા, સામો અને ચીણાનો સમાવેશ થાય છે. આફ્રિકાના કેટલાક દેશોમાં ફોનિયા અને ટેફ જેવા મોટા દાણાવાળા ધાન્ય ઉગાડાય છે. ભારતમાં હિમાલયના વિસ્તારો અને ઉત્તર ભારત થી માંડી દક્ષિણ ભારતના રાજ્યોમાં વિવિધ પ્રકારના શ્રી અન્ન ઉગાડવામાં આવે છે. ભારતની વિવિધ ભાષાઓમાં શ્રી અન્નના વિવિધ પાકોના નામોની વિગત કોઠામાં દર્શાવેલ છે.

વિવિધ શ્રી અન્નની માહિતી :

() જુવાર :  

        જુવાર એ પોએસી કુળનો મહત્ત્વનો પાક છે જેનું વૈજ્ઞાનિક નામ Sorghum Bicolour છે. જુવારની ખેતી ઉત્તર ભારતમાં ખરીફ ઋતુમાં અને દક્ષિણ ભારતમાં ખરીફ અને રવી એમ બંને ઋતુમાં થાય છે. જુવારનો પાક દરેક પ્રકારની જમીન તેમજ ભારે, પડતર કે રેતાળ જમીનમાં પણ થાય છે. સારા નિતારવાળી ફળદ્રુપ જમીન આ પાક માટે સર્વોત્તમ ગણાય છે. પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભારતની કાળી જમીનમાં તેની ખેતી બહુ સારી રીતે થાય છે. વધુ જળ ગ્રહણ કરી શકે તેવી બિનપિયત વિસ્તારવાળી જમીનમાં તેનું ઉત્પાદન વધુ મળે છે. મધ્ય પ્રદેશમાં ભારે જમીનથી માંડી પથરાળ જમીનમાં તેની ખેતી થાય છે. જુવારની ખેતી ૬ થી ૮.૫ પીએચ વાળી જમીનમાં સફળતાપૂર્વક કરી શકાય છે. મીઠી જુવાર સી-૪ પ્રકારનો છોડ હોવાને કારણે એક ચોરસ મીટર દીઠ ૫૦ ગ્રામ સૂકા પદાર્થનું ઉત્પાદન આપી શકે છે.

() બાજરી :

        બાજરી પણ પોએસી કુળનો મહત્ત્વનો પાક છે જેનુ વૈજ્ઞાનિક નામ Penisetum Typhodies છે. ભારતમાં ઇ.સ. ૨૦૦૦ પહેલાં તેની ખેતી થતી હોવાના પ્રમાણ મળેલ છે. આ એક ખરીફ પાક છે જે ગરમ હવામાન અને ૪૦૦ થી ૬૦૦ મિ.લિ. વરસાદ થતો હોય તેવા વિસ્તારોમાં સહેલાઇથી ઉગાડી શકાય છે. જુવારની માફક બાજરીની સાથે તુવેર, મઠ, ચોળા જેવા કઠોળપાકો લેવાથી બાજરીનું ઉત્પાદન વધે છે અને જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થાય છે. ભારતમાં બાજરીના મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં આંધ્રપ્રદેશ, તામિલનાડુ, ગુજરાત, પંજાબ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. તેની ખેતી રાજ્યોના સૂકા અને અર્ધસૂકા વિસ્તારોમાં થાય છે.

() રાગી :

        પોએસી કુળમાં આવેલ રાગીનું વૈજ્ઞાનિક નામ Elusine Corecona છે. તે દક્ષિણ એશિયા અને આફ્રિકાના કેટલાક ભાગોમાં થતો મુખ્ય શ્રી અન્ન પાક છે. રાગીને ઇથિયોપિયામાં ‘રેપોકો’ અને આફ્રિકામાં ‘ડાગુસા’ ના નામે ઓળખાય છે. સંયુક્ત રાજ્ય અમેરિકા (USA) ની રાષ્ટ્રીય વિજ્ઞાન  અકાદમીએ રાગીને તેમાં અધિક પૌષ્ટિક તત્વોને કારણે તેને ‘સુપર અનાજ’ ની ઉપાધિ આપેલ છે. તેના છોડ સામાન્ય રીતે ૧ થી ૧.૫ મીટર ઊંચા થાય છે. રાગીનો પાક આખા વર્ષ દરમ્યાન થઇ શકે છે પરંતુ ભારતમાં તેની ખેતી ગરમીની ઋતુમાં ખરીફ પાકની સાથે થાય છે. તેને સૂકુ અને ભેજવાળુ હવામાન તથા ફળદ્રુપ જમીન વધુ માફક આવે છે. બજારમાં ઉપલબ્ધ ઉત્તમ જાતોમાં એન.આર.૮૫૨, જીપીયુ ૪૫, ચિલિકા, જેએનઆર ૧૦૦૮, પીઇએસ ૪૦૦, વીએલ ૧૪૨ અને આર એચ ૩૭૪ મુખ્ય છે.

() ગજરો /કુરી :

        પેનિકમ ફુળની કુરીનું વૈજ્ઞાનિક નામ Panicum Sumatrense છે. કુરી એ ભારતના પૂર્વ ઘાટના વિસ્તારમાં રહેતા આદિવાસીઓનો મુખ્ય ખોરાક છે જેનો ફેલાવો શ્રીલંકા, નેપાળ અને મ્યાનમાર સુધી થયો છે. તેને કોદરા જેવી મનાય છે પરંતુ તેના દાણા કોદરાથી નાના હોય છે. તેના પુષ્પસમૂહ અને બીજ નાનાં હોય છે. તેને સીમાંત જમીનમાં કોઇપણ દેખરેખ વિના ઉગાડી શકાય છે. તે જલદીથી પાકી જાય છે અને સૂકી તથા પાણી ભરાઇ રહે તેવી પરિસ્થિતિનો પણ સામનો કરવાની ક્ષમતા ધરાવે છે. વિશ્વ પ્રજાતિ સંગ્રહમાં અન્ય પ્રજાતિઓની સરખામણીએ કુરીની ઘણી ઓછી આનુવંશિક વિવિધતા જોવા મળે છે.  તે ચોખા જેવી હોય છે. ભારત સિવાય બહારના વિસ્તારોમાં તેનું ઓછી માત્રામાં વાવેતર થાય છે. ભારતમાં કુરીનું વાવેતર મુખ્યત્વે પંજાબ, ગંગાના મેદાનો તથા હિમાલય તેમજ ઓરિસ્સા, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં થાય છે.

() કોદરા :  

        કોદરાનું વૈજ્ઞાનિક નામ Paspalum Scrobiculatum છે. તેનું ભારત સિવાય ફિલિપાઇન્સ, વિયેટનામ, મલેશિયા, થાઇલેન્ડ, દક્ષિણ આફ્રિકામાં વાવેતર થાય છે. કોદરા મુખ્યત્વે ઉષ્ણકટીબંધના આફ્રિકામાં થતું અનાજ  છે. તે પશ્ચિમ આફ્રિકાના જંગલોમાં એક બારમાસી પાક તરીકે થતો પાક છે. એવું માનવામાં આવે છે કે આશરે ૩૦૦૦ વર્ષ પહેલાં આ પાક ભારતમાં આવેલ છે. તેના છોડ મોટા ઘાસ જેવા થાય છે. પાક પક્વ થાય ત્યારે તેના દાણા કાઢી ચોખાની જેમ ખોરાકમાં લેવાય છે. ભારતમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ રાજ્યોના આદિવાસી વિસ્તારોમાં બિનપિયત પાક તરીકે  કોદરાની ખેતી મોટા અનાજના રૂપે થાય છે. તે સિવાય ખરીફ ઋતુમાં વરસાદ અનિયમિત પડતો હોય તેવા વિસ્તારોમાં પણ તેને ઉગાડવામાં આવે છે. તેનો પાક સહેલાઇથી ઉગાડી શકાય છે. આ પાકને વાર્ષિક ૪૦ થી ૫૦ સે.મી. વરસાદ થતો હોય તેવા વિસ્તાર અનુકુળ છે. કોદરાને વર્તમાનમાં ‘સુગર ફ્રી ચાવલ’ તરીકે ઓળખવામાં આવે છે,

() કાંગ :

        પોએસી કુળના કાંગનું વૈજ્ઞાનિક નામ Setaria Italica છે. કાંગ એ શ્રી અન્ન પાકોમાં ત્રીજો મહત્ત્વનો પાક છે જે એશિયાના અધંસૂકા ઉષ્ણકટીબંધના વિસ્તારોમાં ખોરાક તરીકે અને યુરોપ, ઉત્તર અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ઉત્તર આફ્રિકામાં ચારા તરીકે ઉગાડવામાં આવે છે. ભારતમાં નાગાલેન્ડ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, રાજસ્થાન અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં મુખ્ય અનાજ તરીકે કાંગની ખેતી કરવામાં આવે છે. આ આદિવાસી વિસ્તારોના સૂકા પ્રદેશોમાં થતો પાક છે. આ એક વર્ષાયુ ઘાસ છે જેના છોડ ૧.૨ થી ૨.૧ મીટર (૪ થી ૭ ફુટ) ઊંચા થાય છે. તેના બીજ પણ નાનાં આશરે ૨ મિ.મી. વ્યાસવાળાં હોય છે. આ ગરમીમાં થતો પાક છે. તે ચારા માટે ૭૫ દિવસે અને દાણા માટે ૯૦ દિવસમાં તૈયાર થતો પાક છે. કાંગ સૂકી પરિસ્થિતિને સહન કરી શકે તેવો પાક છે. તેમાં રોગ-જીવાતનો ઉપદ્રવ નહિવત જોવા મળે છે તેમજ લાંબા સમય સુધી સંગ્રહ કરતાં તેમાં જીવાત પડતી નથી. કાંગની ઉત્તમ જાતોમાં અર્જુન, એસઆઇએ-૩૨૬, ગવરી (એસઆર ૧૧) અને મીરા (એસઆર ૧૬) વગેરેનો સમાવેશ થાય છે.

() સામો :

        સામો  એ પોએસી કુળનો પાક છે જેનું વૈજ્ઞાનિક નામ Echinochola Frumentacea છે. તેની ખેતી ભારતમાં જ નહિ પરંતુ ચીન, અમેરિકા અને કેટલાક યુરોપિય દેશોમાં થાય છે. ઉત્તરાખંડ સહિત ભારતના પહાડી વિસ્તારોમાં ૨૨૦૦ મીટરની ઊંચાઇ સુધી તેનો પાક થાય છે. તેના છોડ ઊંચા, પુષ્ટ, ચીકણા હોય છે. આ એક કુદરતી રીતે ઉગતું ધાન્ય છે જે માટે વધુ દેખરેખ રાખવાની જરૂર પડતી નથી. બિનપિયત વિસ્તારવાળી જમીનમાં ફ્રેબુઆરી-માર્ચ માસ દરમ્યાન  વાવેતર કરતાં ઓકટોબર સુધીમાં તે પાકીને તૈયાર થઇ જાય છે.

() ચીણો :

        પેનિકમ કુળના ચીણાના પાકનું વૈજ્ઞાનિક નામ Panicum Miliaceum છે. તે પ્રોસો મિલેટ ના નામે પ્રખ્યાત છે જે એશિયા, આફ્રિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને ઉત્તર અમેરિકાના સૂકા વિસ્તારોમાં વવાતો એક મોસમી પાક છે. આ બહુ પુરાતન ધાન્ય છે જેની ખેતી લગભગ ઇસ. પૂર્વે ૧૦,૦૦૦ થી ભારત, ચીન, મ્યાનમાર અને મલેશિયા જેવા દેશોમાં થતી રહી છે. આ ખરીફ પાક છે  જેને ઉગાડવામાં ઓછો સમય લાગે છે. તેના છોડ રોપ્યા બાદ ઓછામાં ઓેછા ૬૦ થી ૯૦ દિવસે તેની કાપણી કરવામાં આવે છે. ભારતમાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક વગેરે રાજ્યોમાં તેની ખેતી થાય છે.  

શ્રી અન્નનું જૈવરાસાયણિક મહત્ત્વ :

        શ્રી અન્ન ઊર્જા, ગ્લુટેન મુક્ત પ્રોટીન, વિટામિન, એન્ટિઓકસીડેન્ટ અને ખનીજોનો બહુ સારો સ્ત્રોત છે. તેના પ્રોટીનમાં થ્રિયોનીન સિવાય દરેક પ્રકારના આવશ્યક એમિનો એસિડ રહેલા છે. વિશેષ રૂપે લાઇસિન, મિથયોનિન અને સિસ્ટીન વધુ માત્રામાં રહેલા છે. તેમાં મહત્ત્વપૂૂર્ણ વિટામિનો જેવા કે થાયમિન, રાઇબોફલેવિન, ફોલિક એસિડ અને નિયાસિન યોગ્ય પ્રમાણમાં હોય છે. વિવિધ સંશોધનો દર્શાવે છે કે શ્રી અન્નમાં વિટામિન એ નો સ્ત્રોત બીટાકેરોટીન સારા પ્રમાણમાં રહેલુ છે કે જે ચોખામાં નગણ્ય પ્રમાણમાં છે. તેના કાર્બોહાઇડ્રેટમાં ૬૫ થી ૭૦ ટકા સ્ટાર્ચ અને ૧૬ થી ૨૦ ટકા બિનસ્ટાર્ચ કાર્બોજ હોય છે જેથી લગભગ ૯૫ ટકા આહારયુક્ત રેસાઓની પ્રાપ્તિ થાય છે. તેમાં પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, કોપર અને ઝિન્ક વધુ માત્રામાં હોય છે. એક નવા સંશોધનથી જાણવા મળેલ છે કે બાજરીનું નિયમિત સેવન કરવાથી આયર્નની ખામીને કારણે થતા એનીમિયામાં ઘટાડો થાય છે અને હીમોગ્લોબિન અને સીરમ ફેરિટિનના સ્તરમાં સુધારો થાય છે. અન્ય સંશોધન દર્શાવે છે કે શ્રી અન્નમાં ટેનિન, ફિનોલિક એસિડ અને એન્થોસાયનિન જેવા ફાયટોરસાયણો તથા સૂક્ષ્મ પોષકતત્વો પ્રચુર માત્રામાં રહેલા છે. આ તેની પૌષ્ટિકતા અને ઔષધિય ગુણો માટે વિશેષ રૂપમાં મહત્ત્વૂર્ણ માનવામાં આવે છે. તેમાં રહેલ વધારે મેગ્નેશિયમ માઇગ્રેન અને હૃદયઘાતના નિવારણમાં સહાયક નીવડે છે. લોહીમાં કોલેસ્ટીરોલની માત્રાને નિયંત્રિત રાખવા માટે શ્રી અન્નની જાતોમાં રહેલ નિયાસિન બહુ ઉપયોગી માનવામાં આવે છે. તેમા રહેલ ફોસ્ફરસ શરીરના કોષોની મરામત, વસા ચયાપચય અને આહારથી ઊર્જા પરિવર્તન પ્રક્રિયા માટે ઉપયોગી થાય છે. અનેક શોધ ધ્વારા એ સ્પષ્ટ થઇ ચૂક્યુ છે કે શ્રી અન્નના નિયમિત સેવનથી ટાઇપ-૨ પ્રકારના ડાયાબીટીસનું નિયંત્રણ થઇ શકે છે. શ્રી અન્નના દાણાનું સેવન કરવાથી તેનામાં રહેલ ગુણવત્તાયુક્ત રેસાઓ ધ્વારા સ્તન કેન્સર અને બાળકોમાં શ્વાસ સંબંધી બિમારીઓ ઓછી કરી શકાય છે.

        શ્રી અન્નની પોષણ ગુણવત્તા અને શુષ્ક પ્રતિરોધી ગુણોને કારણે વિશ્વની વિભિન્ન સંશોધન સંસ્થાઓનું ધ્યાન તેના તરફ આકર્ષાયેલ છે અને તેની જાતોમાં સુધારણા અને પ્રોસેસ્ડ ખાદ્ય ઉત્પાદનોનો ઉપયોગ વધારવા માટેનું સંશોધન ચાલુ છે. આજ સુધીમાં શ્રી અન્નની વિવિધ જાતો પર થયેલ વિવિધ શોધ ધ્વારા સિદ્ધ થયું છે કે શ્રી અન્ન પોષકતત્વોથી ભરપુર હોવાના કારણે દરેક માટે તે સ્વાસ્થ્યવર્ધક છે. પોષણ અને ઔષધિય ગુણોથી સમૃદ્ધ શ્રી અન્ન નજીકના ભવિષ્યમાં મનુષ્યના આહારમાં મુખ્ય ભોજનના રૂપે તેનું સ્થાન મેળવશે. શ્રી અન્નની વિવિધ જાતો વિશ્વ ખાદ્ય સુરક્ષા અને પોષક સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. આ ફ્કત ખેડૂતો માટે એક આવક આપનાર પાક તરીકે કામ કરશે એટલું જ નહિ સમગ્ર રૂપે માનવ સમુદાયના સ્વાસ્થ્યમાં પણ સુધારો કરશે.


સંદર્ભ : ડ્રીમ 2047, ફેબ્રુઆરી-2023


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *