‘શ્રી અન્ન’ ધ્વારા નવી હરિયાળી ક્રાન્તિના શ્રીગણેશ (New green revolution by millets)

        આજે સમગ્ર વિશ્વ સને ૨૦૨૩ ના વર્ષને આંતરરાષ્ટ્રિય મિલેટ વર્ષ તરીકે ઉજવણી કરી રહ્યું છે ત્યારે આપણને ગર્વ થાય છે કે હજારો વર્ષોથી આપણે આપણા આહારમાં મિલેટનો સમાવેશ કરેલ છે. એટલું જ નહિ આપણા અનેક રીત-રીવાજોમાં પણ તેનો અગણિત હિસ્સો રહેલો છે. બ્રિટિશરોની હકુમત દરમ્યાન આધુનિકતાનો પવન શરૂ થયો તેની સાથે આપણા આહારમાંથી મિલેટના પ્રમાણમાં ઘટાડો થવા પામ્યો. તે સમયે આપણને ખ્યાલ ન હતો કે જે ખુશીથી આપણે આધુનિક જીવનશૈલી અપનાવી રહ્યા છીએ તે એક દિવસ આપણા સ્વાસ્થ્યને  હાનિ પહોંચાડશે. જો કે આ બાબતનો ખ્યાલ સમગ્ર વિશ્વને ન હતો કે કારોનાની મહામારી પછી આપણી પ્રતિકારક શક્તિ વધારવા માટે મિલેટના વર્ષની ઉજવણી કરવી પડશે. ભારત સરકારે સને ૨૦૧૮ થી મિલેટનું ઉત્પાદન વધારવા અને તેને લોકપ્રિય બનાવવા માટેના પ્રયાસો શરૂ કરેલ છે તે બાબતે આપણને આનંદ છે. આજે મિલેટને ‘શ્રી અન્ન’ નામ આપી એક નવી હરિયાળી ક્રાંતિના શ્રીગણેશ કરવાની તૈયારી ચાલી રહી છે.

        આ અગાઉની સદી સાંસ્કૃતિક સામાજવાદની સદી હતી. એકવિસમી સદીના પહેલા દશકમાં તેની હાનિકારક અસરો જોવા મળી. સંસ્કૃતિનો એક મોટો ભાગ આહાર સાથે જોડાયેલો છે. આહાર અને વેશભૂષાની સંસ્કૃતિ ઉપર ઝડપી ગતિએ બજારનો પ્રભાવ પડે છે. આમાં આહાર એ એક નબળી કડી છે. સ્વાદને કારણે આહારનો ઝડપથી પ્રસાર થાય છે એટલે જ વાનગીની દુનિયામાં રોજબરોજ નવી નવી બનાવટો ઉમેરાતી જાય છે. એક જ ઘરમાં પેઢી દર પેઢી સ્વાદનો પ્રસાર થતો રહે છે. આધુનિક ભાષામાં તેને ખોરાકની ટેવ (ફૂડ હેબિટ) કહે છે. ખોરાકની ટેવનો સીધો સંબંધ ખોરાકની ફેશન (ફૂડ ફેશન) સાથે રહેલો છે. આથી ઝડપથી આધુનિકતા સાથે જોડાવા માટે આપણે બજારના પ્રચાર-પ્રસાર ધ્વારા પરંપરાગત આહારને છોડી નવી નવી ફૂડ ફેશન અપનાવી આયાત કરેલ ખોરાકની ટેવ અપનાવતા થઇ ગયા.

        ભારતમાં મિલેટનું ઉત્પાદન અને તેના ઉપયોગ અંગેનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે. આપણા પુરાતન ગ્રંથ યજુર્વેદમાં પણ કાંગ, સામો અને રાગીનો ઉલ્લેખ જોવા મળે છે. ભારતમાં બ્રિટિશરોની સત્તા આવી તે પહેલાં મિલેટની ખેતી મોટા પ્રમાણમાં થતી હતી. મિલેટની ખેતીમાં વધારે પાણીની જરૂરિયાત હોતી નથી અને તેમાં યુરિયા જેવા ખાતરોનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવો પડતો નથી. કમોસમી વાતાવરણની પણ તેના ઉપર ઓછી અસર થાય છે. પુરાતન ગ્રંથોના પૃષ્ઠોમાં મિલેટની વાનગીઓના ઉપયોગનો ઉલ્લેખ જોવા મળે છે. જેમ જેમ ભારતીય સમાજ ઉપર બ્રિટિશ હકૂમતનો પ્રભાવ વધતો ગયો તેમ તેમ તેમની સંસ્કૃતિ, વેશભૂષા અને આહારનો વિસ્તાર થતો ગયો. તેના પરિણામે લોકો વિદેશી સંસ્કૃતિ, વેશભૂષા અને આહારના ઉપયોગને જ  આધુનિકતા તરીકે માનવા લાગ્યા. વધુ ને વધુ લાભ મેળવવાના હેતુથી અંગ્રેજોએ આપણી આ માનસિકતાનો ઉપયોગ કર્યો. તેઓ ભારતની ખેતી અને ગૃહઉદ્યોગોને નબળા પાડવા માગતા હોઇ આપણી પરંપરાગત ખેતી પદ્ધતિને બદલવા માટે લાગી ગયા.

        સામાન્ય રીતે જે તે સ્થળ, હવામાન અને જમીનના પ્રકાર પ્રમાણે ખેતી પદ્ધતિ અપનાવવામાં આવતી હોય છે. વરસાદ આધારિત અને સૂકા પ્રદેશોમાં અનુકુળતાને કારણે મિલેટની ખેતી મોટા પ્રમાણમાં થતી હતી. એવું નથી કે પાણીની અછતવાળા વિસ્તારોમાં મિલેટની ખેતી કરવામાં આવતી હતી. તે દિવસોમાં મિલેટનો આહાર તરીકેનો ઉપયોગ લોકપ્રિય હતો અને તેને કઠોળ સાથે પણ ઉગાડવામાં આવતા હતા. જ્યાં તેનું ઉત્પાદન થતું ન હતું ત્યાં તેની લોકપ્રિયતાને કારણે અન્ય વિસ્તારોમાંથી મિલેટને મંગાવી ઉપયોગ કરવામાં આવતો હતો. ઘણા ઓછા માણસો જાણે છે કે તે દિવસોમાં ભારતના ત્રાવણકોર અને કોચીન જેવા વિસ્તારો માટે હાલના પાકિસ્તાનના બલુચિસ્તાન અને બહાવલપુર વિસ્તારોમાંથી મિલેટ આયાત કરવામાં આવતું હતું. આ દિવસોમાં મિલેટની લોકપ્રિયતાનો કોઇ પ્રચાર કરવામાં આવતો નહી. ભારતના અનેક વિસ્તારોમાં મિલેટનો ઉપયોગ સામાજીક, સાંસ્કૃતિક અને ધાર્મિક અનુષ્ઠાનના રૂપે થતો હતો. આધુનિકતાની હરીફાઇમાં જોેડાયા પછી પણ લોકોેએ અનુષ્ઠાન માટે મિલેટનો ઉપયોગ બંધ કર્યો નથી. જે બાબત અંગ્રેજોને ખૂંચતી હતી. તેથી અંગ્રેજોએ મિલેટના બદલે ઘઉં અને ડાંગરને આગળ કરી તેનો આહાર અને વાનગીઓના માર્કેટિંગ ઉપર ભાર મૂક્યો.

        બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ખાદ્યાન્નની અછત ઊભી થઇ ત્યારે પરિસ્થિતિ વધુ ગંભીર બની. તે સમયે અંગ્રેજોએ મિલેટને સંજીવની ગણી તેની ખેતી ઉપર ધ્યાન  આપવાનું શરૂ કર્યુ. સને ૧૯૪૨ માં રચાયેલ ખાદ્ય વિભાગ ધ્વારા સને ૧૯૪૪ માં મિલેટની ખરીફ યોજના તૈયાર કરવામાં આવી. આ યોજનાનો હેતુ વિવિધ વિસ્તારોમાં મિલેટનું ઉત્પાદન અને વિતરણ કરવાનો હતો કે જેથી તેના ઉત્પાદન અને માંગ વચ્ચેનુ સંતુલન જળવાઇ રહે. પરંતુ તેના અમલની ફક્ત વાતો થઇ. બીજી બાજુ ભારત સહિત લગભગ મોટા ભાગના વિકાસશીલ દેશોએ વિકાસ માટેના પશ્ચિમી મોડેલનું અનુસરણ કર્યુ જેમાં અનેક ઉપયોગી ચીજવસ્તુઓનો અમલ ન થયો કે ખોવાઇ ગઇ જેમાં આપણા આહાર સાથે જોડાયેલ કેટલીક ચીજોનો સમાવેશ થાય છે. રેડીમેઇડ ફૂડ એટલે કે તૈયાર આહારનો ઉપયોગ વધતાં આપણા સ્વદેશી ખાદ્યપદાર્થની બનાવટોનો ઉપયોગ ઝડપથી ભૂલવા લાગ્યો અથવા તો તેનો ઉપયોગ કોઇ કોઇ વાર જ થવા લાગ્યો. આમાં મિલેટનો પણ સમાવેશ થાય છે કે જેને આપણે ગામડાંઓને ખોરાક કે દેહાતી ખોરાક ગણી તેને બાજુ પર મૂકી દીધો.

        દેશની આઝાદી મળ્યા બાદ વધતી જતી વસ્તી અને અન્ન ઉત્પાદનની સમતુલા જાળવવા માટે ચોખા અને ઘઉંના વધુ ઉત્પાદન મેળવવા માટેની નીતિઓ બનાવવામાં આવી પરંતુ મિલેટના ઉત્પાદન અને તેના ઉપયોગમાં થયેલ ઘટાડા ઉપર કોઇ ધ્યાન આપવામાં ન આવ્યું. એક અંદાજ મુજબ હરિયાળી ક્રાંતિ અને સાર્વજનિક વિતરણ પ્રણાલીની શરૂઆત થઇ તે પહેલાં ગ્રામ્ય વિસ્તારોમાં મિલેટનું દૈનિક આહારમાં પ્રમુખ સ્થાન હતું. સાર્વજનિક વિતરણ પ્રણાલી ધ્વારા ચોખા અને ઘઉં સહાય રૂપે લોકોને ઉપલબ્ધ કરાવવાને કારણે આહારમાં ચોખા અને  ઘઉંએ મિલેટનું સ્થાન લઇ લીધું. હરિયાળી ક્રાંતિ પહેલાં અનાજમાં૨૦ ટકા ફાળો મિલેટનો હતો જે હરિયાળી ક્રાંતિ બાદ ઘટી માત્ર ૫ થી ૬ ટકા સુધી આવી ગયો.

        અગાઉની સદીમાં આપણા દેશની સરકારોનું ધ્યાન એ બાબત ઉપર ગયુ જ નહિ કે મિલેટ દેશની પોષણ સુરક્ષામાં યોગદાન આપવા માટેની મોટી ક્ષમતા ધરાવે છે. મિલેટ એ પોષકતત્વોનો ભંડાર છે. તેની સાથોસાથ પોષણ સંબંધી અદભૂત વિશેષતાઓ પણ ધરાવે છે. આ બાબતે લોકોને જાગૃત કરવામાં ન આવ્યા તેમજ તેની ખેતી કરતા ખેડૂતોને કોઇપણ પ્રકારનું પ્રોત્સાહન આપવામાં ન આવ્યું. તેના પરિણામે હરિયાળી ક્રાંતિ પહેલાં જેટલા વિસ્તારોમાં મિલેટની ખેતી થતી હતી તે વિસ્તાર ઘટીને અડધો થઇ ગયો. પાછલા ૫૦ વર્ષોમાં ભારતનો મિલેટ વિસ્તાર ૬૦ ટકા જેટલો ઘટ્યો છે. તેની જગ્યાએ હાલ ચોખા અને ઘઉંની ખેતી વધુ પ્રમાણમાં થાય છે.અત્રે એ બાબત પણ જણાવવી જરૂરી છે કે ડાંગર અને ઘઉં ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન કરે છે. આ અંગે કોઇ ધ્યાન આપવામાં આવતું નથી કે વિચાર કરવામાં આવતો નથી.

        સને ૨૦૧૮ બાદ મિલેટના સંશોધન અને વિકાસને પ્રોત્સાહન મળ્યું. તેનું કારણ ભારત સરકારે સને ૨૦૧૮ ના વર્ષને ‘રાષ્ટ્રીય મિલેટ વર્ષ’ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો અને તેની ખેતી તથા ઉપયોગ માટે પ્રોત્સાહન આપવાની શરૂઆત કરવામાં આવી. આજે મિલેટની વ્યાપારી ખેતી કરવા માટે ચાર બાયોફોર્ટિફાઇડ જાતો સહિત ૧૨ વધુ ઉત્પાદન આપતી જાતો બહાર પાડવામાં આવી છે. આ સિવાય મિલેટની ૬૭ જેટલી મૂલ્ય વર્ધિત બનાવટોના વ્યાપારી ઉત્પાદન માટેની ટેકનોલોજી પણ વિકસાવવામાં આવી છે અને તેને ૪૦ સ્ટાર્ટઅપ તેમજ ખેડૂત ઉત્પાદક સંગઠનોને આપવામાં આવી છે.

        સંયુક્ત રાષ્ટ્રસંઘના ખાદ્ય વ કૃષિ સંગઠન (FAO) ના જણાવ્યા અનુસાર વિશ્વમાં ૭૩૫.૫૫ લાખ હેકટર વિસ્તારમાં મિલેટની ખેતી થાય છે. તેમાંનો ૧૪૩ લાખ હેકટર વિસ્તાર ભારતમાં આવેલો છે. સરકારી આંકડા મુજબ સને ૨૦૧૬-૧૭ માં સરકાર ધ્વારા ફ્કત ૭૨,૨૫૪ ટન મિલેટની ખરીદી કરવામાં આવી હતી જે આજે વધીને ૧૩ લાખ ટન સુધી પહોંચી છે. આપણા દેશમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, ગુજરાત, ઝારખંડ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તેલંગણાના ખેડૂતો મોટા પાયા પર મિલેટની ખેતી કરે છે. આસામ અને બિહારમાં મિલેટનો વધુમાં વધુ વપરાશ થાય છે.

ભારત જેવા દેશમાં મિલેટનો રીત-રીવાજો અને અનુષ્ઠાનોમાં સમાવેશ થાય છે ત્યાં એક નવી હરિયાળી ક્રાંતિની તૈયારી ચાલી રહી છે. ઉતર ભારતના કેટલાયે વિસ્તારોની મહિલાઓ આજે પણ બરગદી અમાવાસ્યા જેવા કેટલાયે ધાર્મિક પર્વ સમયે સાત અનાજ લઇ પૂજા વિધિ કરે છે જે કોઇનાથી અજાણ નથી. મિલેટનો સમાવેશ કર્યા વિના સાત અનાજ પુરા કરવા શક્ય નથી. તેથી ભારત સરકાર આ સાત અનાજને સાથે રાખી હરિયાળી ક્રાંતિની રૂપરેખા તૈયાર કરે છે. આ બાબતની જાણ સને ૨૦૨૩ ના બજેટ ભાષણ દરમ્યાન નાણાં પ્રધાન શ્રી િનર્મલા સીતારામને મિલેટને ‘શ્રી અન્ન’ નામ આપી કરેલ. આ ‘શ્રી અન્ન’ નામકરણની સાથે જ નવી હરિયાળી ક્રાંતિના શ્રીગણેશ થઇ ચૂક્યા છે. મિલેટનું ઉત્પાદન વધારી જળવાયુ પરિવર્તન, ઊર્જા સંકટ, ભૂજળનો નાશ, સ્વાસ્થ્ય અને ખાદ્યાન્ન સંકટ વગેરે જેવી સમસ્યાઓને સહેલાઇથી નિવારી શકાશે. એક ખાસ બાબત એ પણ છે કે મિલેટને પાણી, ખાતરો અને કીટનાશકોની જરુર રહેતી નથી. વળી મિલેટ એ પર્યાવરણને સહયોગ આપતા પાકો છે. બીજી બાજુ તેના ઉત્પાદન માટે ઓછો ખર્ચ થતો હોવાથી ખેડૂતોને વધુ લાભ થાય તેવી સંભાવના છે. મિલેટમાં પ્રોટીન, રેસા, કેલ્શિયમ, આયર્ન અને વિટામિનો અધિક માત્રામાં રહેલાં છે. આ જોતાં આપણા કૃષિ વૈજ્ઞાનિકો અને નીતિ ઘડવૈયાઓ મિલેટ માટે પેદા થયેલ સકારાત્મક વલણનો પુરો લાભ લેવા માગે છે. આમ દેશ એક નવી હરિયાળી ક્રાંતિ તરફ આગળ વધી રહ્યો છે.


સંદર્ભ  ડ્રીમ 2047, ફેબ્રુઆરી 2023


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail : krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *