શ્રી ભાસ્કર સાવે – પ્રાકૃતિક ખેતીના ગાઁધી (Shri bhaskar Save – The Gandhi of natural farming)

        શ્રી ભાસ્કર સાવે છેલ્લી ત્રણ પેઢીથી પ્રાકૃતિક ખેતી કરે છે. તેઓ કુદરત સાથે વણાઈ ગયા છે. ઈન્ટરનેશનલ ફેડરેશન ઍાફ ઓર્ગેનિક એગ્રિકલ્ચર મુવેમેન્ટ (IFOAM) કે જે વિશ્વમાં પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલ સંસ્થા છે તેના દ્વારા સને ર૦૧૦ મા શ્રી ભાસ્કર સાવેને ‘વન વર્લ્ડ એવોર્ડ ફોર લાઈફસ્ટાઈલ એચિવમેન્ટ’ આપવામાં આવેલ.        

        દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે શ્રી ભાસ્કર સાવેનું ૧૪ એકરનું ‘કલ્પવૃક્ષ ફાર્મ’ વલસાડ જીલ્લાના દહેરી ગામ ખાતે આવેલ છે. તેઓની ૧૦ એકર જમીનમાં નાળિયેરી અને ચીકુની વાડી આવેલ છે અને ર એકરમાં પરંપરાગત રીતે ખેતીપાકો લેવામાં આવે છે. એક પ્લોટ નાળિયેરીના રોપા ઉછેર માટે નર્સરી તરીકે રાખેલ છે.કુલ જથ્થો,પોષણની ગુણવત્તા, સ્વાદ, જૈવ વૈવિધ્યતા,પરિસ્થિતિકીય અનુકુલનતા,જળ સંરક્ષણ, અસરકારક ઊર્જા અને આર્થિક નફાકારકતાની રીતે ખેતીનું  ઉત્પાદન મેળવે છે જેમાં કોઈ રસાયણનો ઉપયોગ કરતા નથી તેમજ કાપણી માટેના મજૂરીનો ખર્ચ પણ ઓછામાં ઓછો થાય છે અને બહારથી કોઈ ઈનપુટસ આપવામાં આવતા નથી.

કલ્પવૃક્ષ ફાર્મ ખાતે કુદરતી ભરપૂરતા :

        શ્રી ભાસ્કર સાવેના ફાર્મ ખાતે પ્રવેશદ્વાર ઉપર બોર્ડ મારેલ છે કે ‘સહકાર એ કુદરતનો મુળભૂત કાયદો છે’ (Cooperation is the fundamental law of nature).આ પ્રાકૃતિક ખેતીની એકદમ સાદી અને ટુંકી ઓળખ છે. ફાર્મના રસ્તા ઉપર વિવિધ સૂત્રો પણ આપેલ છે જે દરેકનું ધ્યાન ખેંચે છે. આ સૂત્રો દ્વારા કુદરતનું શાણપણ,ખેતી,આરોગ્ય,   સંસ્કૃતિ,આદ્યાત્મિકતા વગેરેનો માર્ગ દર્શાવે છે.

        તેમના ફાર્મ ખાતે આવેલ નાળિયેરીના વૃક્ષો વધુ સંખ્યામાં ફળો આપે છે. કેટલાક વૃક્ષો વર્ષે ૪૦૦ નંગથી વધુ નાળિયેર જ્યારે વૃક્ષ દીઠ સરેરાશ ૩પ૦ નાળિયેર ઉતરે છે. ચીકુનું વાવેતર ૪પ વર્ષ પહેલા કરવામાં આવેલ જે વૃક્ષ દીઠ ૩૦૦ કિ.ગ્રા. ચીકુના મધુર ફળોનું ઉત્પાદન આપે છે. આ ઉપરાંત કેળ, પપૈયા, સોપારી અને થોડા પ્રમાણમાં ખજૂર,આંબો, જેકફ્રુટ, તાડ, સીતાફળ, જામફળ, જાંબુ, દાડમ, લીંબુ, પોમેલો, મહુડો, આમલી, લીમડો, વડ જેવા  વૃક્ષો તથા થોડા વાંસ અને તે સિવાય મીઠી લીમડી, ક્રોટોન, તુલસી અને મરી, નાગરવેલ વગેરેના વેલા ધરાવે છે.ઊંચી થતી, સ્વાદિષ્ટ વધુ ઉત્પન્ન આપતી ડાંગરની નવાબી કોલમ જાત, કેટલાક કઠોળ,શિયાળામાં ઘઉં અને કેટલાક શાકભાજી અને કંદમૂળ ઋતુ પ્રમાણે બે એકર વિસ્તારમાં ઉગાડે છે. આ ઉત્પાદન તેમના કુટુંબના સભ્યો અને આવનાર મહેમાનો માટે પૂરતુ થઈ રહે છે. જો ડાંગર વધુ પાકે તો વધારાનો જથ્થો તેની ગુણવત્તા અને સુગંધને લઈ પોતાના સગાસંબંધીઓને ભેટ તરીકે આપે છે.

        તેઓના ખેતરમાં ભાગ્યે જ કોઈ જમીન ખાલી જોવા મળે.ગીચ લીલા આવરણથી ખેતર છવાયેલ હોય છે. ચીકુના છાંયાવાળો વિસ્તાર પણ વર્ષાયુ નીદણોથી ઢંકાયેલો જોવા મળે છે. જમીનની સૂક્ષ્મ આબોહવા પર ગાઢ લીલા આવરણની અસર થાય છે જે ખેતી માટે મહત્ત્વની છે.જમીન ઉપરનું વનસ્પતિનું ગાઢ આવરણ કે લીલાં પાંદડાનું મલ્ચ જમીનની સપાટીને ઠંડી રાખે છે. શિયાળાની ઠંડી રાત્રિઓ દરમ્યાન જમીન ઉપર લીલી વનસ્પતિનું આવરણ જમીનને હૂંફાળી રાખે છે અને બાસ્પીભવનમાં મોટો ઘટાડો કરે છે.તેના પરિણામે પિયતની ઘણી ઓછી જરૂર રહે છે.આ પરિસ્થિતિ મિત્ર કીટકો અને જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો માટે અનુકૂળ હોય છે.

        દશ એકર વિસ્તારમાં ઉગાડેલ ફળપાકો વાર્ષિક એકરદીઠ સરેરાશ ૧પ,૦૦૦ કિ.ગ્રા. થી વધારે ઉત્પાદન આપે છે. પંજાબ, હરિયાણા અને દેશના અન્ય ભાગોમાં ઝેરી રસાયણોનો ઘનિષ્ઠ ઉપયોગ થાય છે તેની સરખામણીએ આ ફાર્મમાં મળતા ખાદ્યનું પોષણ મૂલ્ય ઘણું ઊંચુ છે.

અળસિયાંકુદરતના ખેડૂ અને ફળદ્રુપતાના બંધક :

        અળસિયાં એ કુદરતી ખેડ કરનાર અને જમીનની ફળદ્રુપતા વધારનાર છે.શ્રી ભાસ્કર સાવેના જણાવ્યા અનુસાર ખેડૂત કુદરતી રીતે અળસિયાનો ઉછેર જમીનમાં થવા દે તો તેની સમૃદ્ધિ વધે છે. આ ઉપરાંત કીડીઓ, ઊધઈ,ઘણા સૂક્ષ્મજીવો વગેરે જમીનની ભૌતિક સ્થિતિને જાળવવામાં મદદરૂપ થાય છે.

        આધુનિક ખેતીકીય પદ્ધતિઓનો ઉપયોગ જમીનને નુકસાન રૂપ સાબિત થયેલ છે.  જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે આપણે બહારથી ઈનપુટસ આપવા પડે છે અને બિનજરૂરી મજૂરી ખર્ચ કરવો પડે છે જે ઘણો ખર્ચાળ નીવડે છે. તેઓના મતે જમીનને જીવંત રાખવા માટે તેમાંના જીવોનું કુદરતી રીતે સંરક્ષણ કરવું જોઈએ અને પ્રાકૃતિક ખેતીનો રસ્તો અપનાવવો જોઈએ.

નીંદણોમિત્ર તરીકે :

        ઈકો સીસ્ટમના કાર્યમાં કોઈપણ જીવ કે છોડ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ દરેક આહાર શૃંખલાના એક ભાગ તરીકે કામ કરે છે.  જમીનમાં રસાયણો આપવામાં આવતા નથી અને ઊંડી ખેડ કરવામાં આવતી નથી તે સંજોગોમાં મિશ્ર પાક પદ્ધતિ અને પાકની ફેરબદલી અપનાવવામાં નીંદણો “રૂટ ક્યોર” તરીકે કાર્ય કરે છે.  જે નીંદણો પાકની સાથે હરીફાઈ કરે તેને ફૂલ આવતા પહેલાં કાપીને જમીન ઉપર નાખી પાક નીચે ૩ થી ૪ ઈંચનું આવરણ કરવું.નીંદણોના બીજને સૂર્યપ્રકાશ ન મળવાને કારણે જમીનમાં દબાવા છતાં ઉગી  શકતા નથી.

        ખેડૂતો જ્યારે પ્રાકૃતિક ખેતી તરફ વળે છે ત્યારે દર વર્ષે જમીનમાં સુધારો થતો  જાય છે જેથી સમય જતાં પાકનો વિકાસ સારો થાય છે અને નીંદણની વૃદ્ધિમાં ઘટાડો થાય છે. બે-ત્રણ વર્ષ બાદ નીંદામણ કરવાની જરૂરિયાત પડતી નથી. તેમ છતાં ખેડૂતે નીંદણોમાં ફૂલો અને પરાગરજ તૈયાર થાય તે પહેલાં કાપીને મલ્ચ તરીકે ઉપયોગ કરવો એ એક મહત્ત્વની બાબત છે. જો ખેડૂત આ બાબતે મોડો પડે તો તેવા બીજ સાથેના નીંદણો મલ્ચ તરીકે ઉપયોગ કરતાં ખેતરમાં નીંદણોનો ફેલાવો વધતો જાય છે. 

        નીંદણને પાકના મૂળને અસર ન થાય તેમ જમીન સરસા કાપી જમીન ઉપર તેનો મલ્ચ તરીકે ઉપયાગ કરવો જોઈએ જેથી અનેક ફાયદાઓ થાય છે. મલ્ચિંગને કારણે પવન કે વરસાદથી જમીનનું ધોવાણ થતું નથી,બાસ્પીભવન ઘટે છેે અને  પિયતની ઓછી જરૂર રહે છે. જમીનમાં હવાની અવરજવર સારી રહે છે જેથી જમીનમાં ભેજનું શોષણ સારું થાય છે અને ગરમી તથા ઠંડી સામે જમીનને રક્ષણ આપે છે. મલ્ચ દ્વારા અળસિયાંને ખોરાક પૂરો પાડવામાં આવે છે અને જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો પાકને પોષકતત્વો પુરા પડે છે. તે ઉપરાંત નીંદણના મૂળીયાં જમીનમાં જ રહેતા હોઈ જમીનને બાંધે છે અને જમીનને જીવંત રાખે છે. મૃત પામેલ મૂળો સૂક્ષ્મજીવોને ખોરાક પુરો પાડે છે.

કાંઈ કરો :

        પ્રાકૃતિક ખેતીમાં આધુનિક ખેતીની  માફક ભૌતિક કામગીરી કરવામાં આવતી નથી એટલે કહેવાય છે કે ખેતરમાં ખેડૂતનાં પગથિયાં જ તેના પાક માટે ઉત્તમ ખાતર છે. વૃક્ષોની બાબતમાં શરૂઆતના થોડા વર્ષો દરમ્યાન આ બાબત મહત્ત્વની છે. વૃક્ષો ઉછરી જઈ પગભર થાય ત્યારબાદ ખેડૂતને કાંઈ કરવાનું રહેતું નથી સિવાય કે કાપણી કાર્ય.તેણે નાળિયેરને પાકી જઈ પોતાની જાતે નીચે ખરતાં જમીન ઉપરથી એકઠા કરવાનું કાર્ય કરવાનું રહે છે.ખેતરમાં ડાંગર, ઘઉં, કઠોળ, શાકભાજી વગેરે પાકોનું ઋતુ પ્રમાણે ઉછેરવાનું આયોજન કરવું પડે છે. શ્રી ભાસ્કરભાઈ  ખેતીપાકોને સજીવ ખેતીથી જ ઉછેરે છે.

ખેતીની મુખ્ય પાંચ બાબતો :

        શ્રી ભાસ્કર સાવેએ પ્રાકૃતિક ખેતી માટે મુખ્ય પાંચ બાબતો ધ્યાને લેવાની વાત કરી છે જેમાં ખેડ, ફળદ્રુપતા આપનાર ઈનપુટસ, નીંદામણ, પિયત અને પાક સંરક્ષણનો સમાવેશ થાય છે.

() ખેડ : ફક્ત વૃક્ષોના વાવેતર માટે ફક્ત એક જ વખત જમીનને પોચી બનાવવા કે રોપાને ઉગાડવા માટે ખેડ કરવી જરૂરી છે. છોડને રોપ્યા બાદ જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો માટે જમીનની છીદ્રાળુતા જાળવી રાખવા અને જમીનમાં હવાની સારી અવરજવર માટે ખેડ જરૂરી છે.

() ફળદ્રુપતા આપનાર ઈનપુટસ : પાકના અવશેષો અને બાયોમાસનો ઉપયોગ કરી જમીનની ફળદ્રુપતા જાળવી શકાય છે. જો બાયોમાસની અછત હોય તો તેવા સંજોગોમાં સેન્દ્રિય ઈનપુટસનો ઉપયોગ મદદરૂપ થાય છે પરંતુ રાસાયણિક ખાતરોેનો ઉપયોગ કરવો નહિ.

()નીંદામણ : નીંદામણ સંપૂર્ણપણે કરવું નહિ.જો પાકના વિકાસ કરતાં નીંદણનો વિકાસ વધુ થયો હોય તેવા સંજોગોમાં પાકને સૂર્યપ્રકાશ પુરો પાડવા માટે મૂળમાંથી ઉપાડવાને બદલે નીંદામણને કાપી તેનો મલ્ચ તરીકે ઉપયોગ કરવો.કોઇપણ સંજોગોમાં નીદંણનાશક રસાયણોનો ઉપયોગ કરવો નહિ.

() પિયત : જમીનને જરૂર જણાય તેટલા પ્રમાણમાં જ પિયત આપવું.જમીનને પૂર્ણ રીતે વનસ્પતિથી આવરિત કરેલ   હોય,બહુવિધ પાક લીધેલ હોય અને મલ્ચિંગ કરેલ હોય તો પાણીની જરૂરિયાત ઘટે છે.

() પાક સંરક્ષણ : પાક સંરક્ષણ કુદરતી રીતે ઉપલબ્ધ ફાયદાકારક જીવાતો દ્વારા જૈવિક નિયંત્રણની રીતે થવા દેવું જોઈએ .પાક અને જમીન તંદુરસ્ત હોય તો જીવાતના હૂમલા સામે પ્રતિકાર કરી શકે છે.તેમ છતાં કોઈ નુકસાની થાય તો તે નહિવત હોય છે. આ માટે બિન રાસાયણિક પગલાં જેવા કે લીંબોળી,દેશી ગાયના મૂત્રનો છંટકાવ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ અને તે પણ જરૂર હોય તો જ.

        શ્રી સાવે કહે છેઃ પ્રાકૃતિક ખેતીને અન્નપૂર્ણાના આશીર્વાદ છે અને દરેક જીવો માટે માતા અન્નપૂર્ણા દેવી પૂરતા પ્રમાણમાં ખોરાક પેદા કરે છે.

ખેતીના ચાર સિદ્ધાંતોની કુદરત સાથે સંવાદિતા :

        શ્રી ભાસ્કર સાવે સાવે એ જણાવ્યા મુજબ પ્રાકૃતિક ખેતીના ચાર મુળભુત સિદ્ધાંતો એકદમ સરળ છે.તેમાંનો પ્રથમ સિદ્ધાંત છે : દરેક જીવંતને પોતાને જીવવા માટેનો સમાન અધિકાર છે. આ અધિકારને માન આપવા માટે ખેતી એ અહિંસક હોવી જોઈએ.

        બીજો સિદ્ધાંત જણાવે છે કે કુદરતમાં રહેલી દરેક  વસ્તુ ઉપયોગી છે અને જીવનના દરેક તબક્કે તે સેવા આપે છે.

        ત્રીજો સિદ્ધાંત એ છે કે ખેતી એ ધર્મ છે. તે કુદરત અને સાથી જીવોની સેવા કરવાનો એક રસ્તો છે. તે એક ધંધો કે નાણાં કમાવવાનો વ્યાપાર નથી. લોભી માણસો વધુ મેળવવા માટે કુદરતના કાયદાનું ઉલ્લંઘન કરે છે જેનાથી ઉત્પન્ન થયેલ પ્રશ્નોનો આપણે હાલમાં સામનો કરી રહ્યા છીએ.

        ચોથો સિદ્ધાંત છે જમીનની ફળદ્રુપતા બારેમાસ જાળવી રાખવી.આપણે જે ખેતીપાકો ઉછેરીએ છીએ તેના ફક્ત ફળો અને બીજ ઉપર મનુષ્યોનો હક છે જે બાયોમાસ ઉત્પાદનના ફક્ત પ થી ૧પ ટકા થવા જાય છે. બાકીના ૮પ થી ૯પ ટકા બાયોમાસ,પાકના અવશેષો વગેરેને જમીનની ફળદ્રુપતા માટે પાછા જમીનમાં સીધા કે મલ્ચ તરીકે અથવા પશુઓના છાણના સેન્દ્રિય ખાતર રૂપે ઉમેરવા જોઈએ. જો આનું ધાર્મિક રીતે અનુસરણ કરવામાં આવે તો બહારથી કોઈપણ વસ્તુ આપવાની જરૂરિયાત રહે નહિ અને જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય નહિ.

વિશેષ માહિતી માટે : ધી વિઝન નેચરલ ફામિંગ લે.ભારત મન્સાતા (ઈમેઈલ : bharatmansata@yahoo.com)


સ્ત્રોત : લેઈસા ઈન્ડિયા(LEISA INDIA), સપ્ટેમ્બર – ર૦ર૧


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *