વરી/કુરી/ગજરો/બંટીની વૈજ્ઞાનિક ખેતી (Little millet farming)

        વરી એ ઝડપથી વધતું અને ટુંકા સમયમાં પાકતું ધાન્ય છે કે જે દુષ્કાળ અને પાણીના ભરાવા સામે ટક્કર જીલે છે. તે ગરીબોના પાક તરીકે જાણીતો છે. તે ખોરાક અને ઘાસચારા એમ બંને રીતે ઉગાડાતો મહત્ત્વનો પાક છે.વરીને ગુજરાતીમાં બંટી, ગજરો અને કુરી પણ કહે છે. તેનું અંગ્રેજી નામ Little millet અને વૈજ્ઞાનિક નામ Panicum sumatrense છે. તે હિન્દીમાં કુટકી, શાવન, શામઇ વગેરે નામે ઓળખાય છે.

વાવેતર :

         ભારત દેશના પૂર્વ ઘાટના વિસ્તારોમાં રહેતાં આદિવાસી લોકોનો તે મુખ્ય ખોરાક છે જેનો ફેલાવો શ્રીલંકા, નેપાળ અને મ્યાનમાર સુધી જોવા મળે છે.ભારતમાં મુખ્યત્વે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશના આદિવાસી પટ વિસ્તારમાં તેનું વાવેતર જોવા મળે છે. 

પોષણ મૂલ્ય :

        વરીના ૧૦૦ ગ્રામ દાણા ૬૭ ગ્રામ કાર્બોહાઇડ્રેટ્‌સ, ૭.૭ ગ્રામ પ્રોટીન, ૪.૭ ગ્રામ ફેટ, ૭.૬ ગ્રામ ક્રુડ રેસા, ૧.૫ ગ્રામ ખનીજતત્વો ૧૭ મિ.ગ્રા. કેલ્શિયમ,૨૨૦ મિ.ગ્રા. ફોસ્ફરસ, ૯.૩ મિ.ગ્રા. આયર્ન ધરાવે છે અને ૩૪૧ ગ્રામ શક્તિ આપે છે. તેમાં રહેલ રેસાના ઊંચા પ્રમાણને કારણે તે શરીરમાં ચરબીને જમા થતી ઘટાડવામાં મદદ કરે છે. વરી ફીનોલ્સ, ટેનિન્સ અને ફાયટેટ વગેરે સહિત અન્ય પોષકતત્વો ધરાવે છે જે શરીરની તંદુરસ્તી માટે મહત્વના છે.

ઔષધિય મૂલ્ય :

        આ એક ચમત્કારિક ધાન્ય છે કે  જે દરેક ઉંમરના લોકો માટે અનુકુળ છે તે કબજીયાતને અટકાવવા અને જઠરને સંબંધિત પ્રશ્નોને હલ કરવામાં મદદ કરે છે. વરી એ કોલેસ્ટીરોલથી સમૃદ્ધ છે. તેનો ખોરાક તરીકે ઉપયોગ કરતાં તે સારા કોલેસ્ટીરોલમાં વધારો કરે છે. ઉછરતાં બાળકો અને શરીરને મજબૂત બનાવે છે. તેમાં રહેલ કાર્બોહાઇડ્રેટ ધીરે ધીરે પાચન થતો હોઇ ડાયાબિટીસના દર્દીઓ માટે વધુ મદદરૂપ છે.

ઉપયોગ :

        તેના દાણા રાંધીને ભાતની જેમ ખવાય છે. તેના લોટમાંથી રોટલી બનાવી ખવાય છે.

વરીની જાતો :

વિવિધ રાજ્યોમાં વાવેતર કરવામાં આવતી વરીની જાતો કોઠામાં દર્શાવેલ છે.

આબોહવા :

        આ પાક ઉષ્ણ કટીબંધ તથા ગરમ વિસ્તારોમાં થાય છે.વરી દુષ્કાળ તેમજ પાણીના ભરાવા સામે પ્રતિકાર કરી શકે છે તેથી તે વરસાદ આધારિત વિસ્તારોમાં લઇ શકાતો સારો ‘કેચ ક્રોપ’ છે. તે સરેરાશ ૩૦ થી ૫૦ સે.મી. વરસાદવાળા વિસ્તારોમાં થાય છે. તેનું વાવેતર પહાડી વિસ્તારોમાં ૨૦૦૦ મીટરની ઊંચાઇ સુધી કરી શકાય છે. આ પાક ૧૦ સે.થી નીચું તાપમાન સહન કરી શકતો નથી.

જમીન :  

        વરીનો પાક વિવિધ પ્રકારની જમીનો જેવી કે પાણીનો ભરાવો થતો હોઇ તેવી,ઊંડી, લોમ, હલકી, રાતી, ગોરાડુ, બેસર, ફળદ્રુપ જમીન વગેરેમાં થઇ શકે છે. યોગ્ય નિતારવાળી અને સેન્દ્રિય તત્વો ધરાવતી ફળદ્રુપ જમીનમાં વરીના પાકનો વિકાસ સારો થાય છે. તે ક્ષારીય અને આલ્કલાઇન જમીનોમાં પણ થઇ શકે છે.

જમીનની તૈયારી :

        અગાઉના પાકની કાપણી બાદ જમીનને હળથી ખેડી તૈયાર કરવી. ચોમાસુ બેસે ત્યારે બે વખત કરબ મારી જમીનને સમાર મારી વાવણી માટે તૈયાર કરવી.

વાવણી સમય :

        ખરીફમાં ચોમાસુ બેસી ગયા બાદ જુલાઇના પહેલા પખવાડીયામાં,રવીમાં ઓકટોબર અને ઉનાળામાં જાન્યુઆરી માસમાં વરીનું વાવેતર કરવું. તામિલનાડુ અને આંધપ્રદેશમાં રવી પાક તરીકે સપ્ટેમ્બર-ઓકટોેબર દરમ્યાન વાવેતર કરવામાં આવે છે. બિહાર અને ઉત્તરપ્રદેશ રાજ્યમાં માર્ચની મધ્યથી મે માસની મધ્યમાં પિયત કેચ ક્રોપ તરીકે વાવેતર કરવામાં આવે છે.

વાવણી અંતર :

        તેનું વાવેતર બે હાર વચ્ચે ૨૫ થી ૩૦ સે.મી. અંતર અને હારમાં બે છોડ વચ્ચે ૧૦ સે.મી. અંતર રાખી કરવામાં આવે છે. તેનું ૩૦ સે.મી ૧૫ સે.મી.ના અંતરે પણ વાવેતર કરવામાં આવે છે. બિયારણને જમીનમાં ૩ થી ૪ સે.મી ઊંડુ વાવવામાં આવે છે.

બિયારણનો દર :

        પાકનું હારમાં વાવેતર કરવા માટે હેકટર દીઠ ૮ તી ૧૦ કિ.ગ્રા.બિયારણ જ્યારે પૂંખીને વાવેતર કરવા માટે હેકટર દીઠ ૧૨ થી ૧૫ કિ.ગ્રા. બિયારણની જરૂર રહે છે.

ખાતરો :

        પાકની વાવણીના એક માસ અગાઉ જમીન તૈયાર કરતી વખતે હેકટરદીઠ ૫ થી ૭.૫ ટન કમ્પોસ્ટ અથવા છાણિયુ ખાતર જમીનમાં ઉમેરવું. સામાન્ય રીતે પાકના સારા વિકાસ માટે ૪૦+૨૦ +૨૦ કિ.ગ્રા.ના.ફો.પો. પ્રતિ હેકટર રાસાયણિક ખાતરો આપવાની ભલામણ છે. ગુજરાતમાં ૪૦+૨૦ + ૦૦ કિ.ગ્રા.ના ફો. પો ખાતર પ્રતિ હેકટરે આપવાની ભલામણ છે. ફોસ્ફરસ અને પોટાશનો પુરેપુરો જથ્થો અને નાઇટ્રોજનનો અડધો જથ્થો પાકની વાવણી સમયે અને બાકીના નાઇટ્રોજનનો અડધો જથ્થો પ્રથમ પિયત સાથે આપવો.

નીંદામણ અને આંતરખેડ :

        પાકને વાવણીના પ્રથમ ૪૦ દિવસ સુધી નીંદણ મુક્ત રાખવામાં આવે તો ઉત્પાદન સારૂ મળે છે. હારથી વાવેતર કરેલ પાકમાં  ૨૦ દિવસ અને ૪૦ દિવસે એમ બે આંતરખેડ અને એક હાથનીંદામણ કરવાની ભલામણ છે.પૂંખીને કરેલ પાકના વાવેતરમાં પ્રથમ નીંદામણ પાક ઉગ્યા બાદ ૧૫ થી ૨૦ દિવસે અને બીજું નીદામણ પ્રથમ નીંદામણ બાદ ૧૫ થી ૨૦ દિવસે કરવાની ભલામણ છે.પાકની વાવણી બાદ પાકના સ્ફુરણ પહેલાં (પ્રી ઇમરજન્સ) હેકટર દીઠ ૦.૫ કિ.ગ્રા. આઇસોપ્રોટયુરોન સક્રિય તત્વ અને પાકની વાવણીના ૨૦ થી ૨૫ દિવસ બાદ હેકટર દીઠ ૧ કિ.ગ્રા. સક્રિય તત્વ ૨,૪-ડી સોડિયમ સોલ્ટ (૮૦ ટકા) નો છંટકાવ કરવાથી અસરકારક રીતે નીંદણ નિયંત્રણ થાય છે.

પિયત :

        ખરીફ પાકમાં ચોમાસા દરમ્યાન પિયતની જરૂર પડતી નથી. તેનું મુખ્યત્વે વરસાદ આધારિત પાક તરીકે વાવેતર કરવામાં આવે છે તેમ છતાં જો લાંબા સમય સુધી વરસાદ ન પડે તો પાકનું ઉત્પાદન મેળવવા માટે પાકની વાવણી બાદ ૨૫ થી ૩૦ દિવસે પ્રથમ પિયત અને ૪૫ થી ૫૦ દિવસે બીજુ પિયત આપવું જોઇએ. ઉનાળુ પાકમાં જમીનનો પ્રકાર અને આબોહવાની પરિસ્થિતિ મુજબ બે થી પાંચ પિયત આપવાની જરૂર રહે છે.

આંતરપાક : પાક હરોળ પદ્ધતિ :

        વરી અને અડદ (૮:૨/૪:૨), વરી અને મગફળી/ સોયાબીન /તલ /રામતલ (૨:૧ અથવા ૨:૨), વરી અને તલ (૪:૧), વરી અને શાકભાજી માટેની ચોળી (૪:૨) નું આંતરપાક તરીકે હારમાં વાવેતર કરવામાં આવે છે. વિવિધ રાજ્યોમાં આંતરપાકના વાવેતરની વિગત નીચે મુજબ છે.

                ઓરિસ્સામાં વરી અને અડદના પાકનું ૨ઃ૧,મધ્યપ્રદેશમાં વરી અને તલ/સોયાબીન/તુવેર ના પાકનું ૨ઃ૧ જ્યારે દક્ષિણ બિહારમાં વરી અને તુવેરના પાકનું ૨:૧,મહારાષ્ટ્રમાં વરી અને રામતલનું ૪ઃ૧ તથા અથિયાન્દલ, ડીંડોરી અને રેવા વિસ્તારમાં વરી અને તુવેર (૮:૨) ની હાર પ્રમાણે વાવેતર કરવામાં આવે છે..

        નીચે જણાવેલ પાક હરોળ પદ્ધતિ અપનાવવામાં આવે છે.

(૧)     વરી (ખરીફ)-તુવેર/રામતલ/સરસવ (૨વી)

(૨)     વરી+તુવેર (૪:૨)-પડતર

(૩)     વરી-રામતલ (દક્ષિણ બિહાર)

(૪)    વરી કઠોળ પાક (બે વર્ષ લેવાથી પાકની ઉત્પાદકતા વધે છે અને જમીનની ફળદ્રુપતા જળવાય છે.)

રોગ : આ પાકોમાં કોઇ ગંભીર રોગોનો ઉપદ્રવ જોવા મળતો નથી. વરીમાં દાણાનો અંગારીયો રોગ સામાન્ય રીતે જોવા મળે છે. 

દાણાનો અંગારીયો :

લક્ષણો : કંટીમાં દાણાની જગ્યાએ કાળી ભૂકી જણાય છે.

નિયંત્રણ :

(૧)     રોગપ્રતિકારક જાતોનું વાવેતર કરવાથી આ રોગ અટકાવી શકાય છે  જેવી કે ડીપીઆઇ ૨૩૯૪, પીએલએમ ૨૦૨, ઓએલએમ-૨૦૩, ડીપીઆઇ ૨૩૮૬ અને સીઓ-૨.

(૨)    વાવણી મોડી કરવાથી રોગ આવતો અટકાવી શકાય છે.

(૩)     એક કિલો બિયારણ દીઠ ૨ ગ્રામ કાર્બેન્ડાઝીમ ફૂગનાશક દવાનો પટ આપવો.

જીવાત : વરીમાં સાંઠાની માખી એ મુખ્ય જીવાત છે

સાંઠાની માખી :

નુકસાન :

        આ જીવાતનો ઉપદ્રવ પાકની વાવણીથી માંડી ૬ અઠવાડીયા સુધીના સમય દરમ્યાન જોવા મળે છે. તેના કીડા સાંઠાના મધ્ય ભાગમાં કોરાણ કરી પીલાને કાપી ખાય છે જેથી પીલો સુકાઇને મરી જાય છે જેને ‘ડેટ હાર્ટ’ કહે છે. પાછલી અવસ્થાએ ઉપદ્રવ થાય તો ફુટ ઓછી થાય છે. નુકસાન પામેલ ફુટમાં કંટી આવે છે પરંતુ તેમાં દાણા હોતા નથી.

નિયંત્રણ :

(૧)     ચોમાસુ બેસતાં પહેલાં ૭ થી ૧૦ દિવસ અગાઉ પાકની વહેલી વાવણી કરવી.

(૨)    બીજી મહત્વની રીત બિયારણનો દર વધારી ડેડ હાર્ટ થી નુકસાન પામેલ છોડ દૂર કરી છોડની સંખ્યા જાળવવી.

(૩)    બિયારણને ઇમિડાકલોપ્રિડ ૧૦ થી ૧૨ મિ.લિ અથવા ૩ ગ્રામ થાયોમેથોકઝામ ૭૦ ડબલ્યુએસનો પટ આપવો.

(૪)   પાકની વાવણી સમયે જમીન ઉપર ઉગાડેલ ચાસમાં હેકટર દીઠ ૨૦ કિ.ગ્રા. પ્રમાણે કાર્બોફયુરાન (ફયુરાડાન ૩જી) અથવા ફોરેટ ૧૦જી દવા આપવી.

કાપણી : કંટીઓ પરિપક્વ થાય એટલે પાકની કાપણી કરવી. વાવણી બાદ ૬૫ થી ૭૫ દિવસે પાક કાપણી માટે તૈયાર થાય છે.

ઉત્પાદન : હેકટરદીઠ ૧,૨૦૦ થી ૧,૫૦૦ કિ.ગ્રા. દાણા અને ૨,૦૦૦ થી ૨,૫૦૦ કિ.ગ્રા. પરાળનું ઉત્પાદન મળે છે.


સ્ત્રોત : આઇ.આઇ.એમ.આર., હૈદ્રાબાદ


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *