જળ એ માનવ જીવન માટે એક આવશ્યક વિરલ તત્વ છે કે જેના વિના માનવ જીવિત રહી શકતો નથી એટલે કે પાણી એ માનવ જીવન માટે અતિ મહત્ત્વનું છે.નેશનલ જીયોગ્રાફિક(૨૦૧૦) માં જણાવ્યા અનુસાર પૃથ્વી ઉપરનું ૯૭ ટકા પાણી ક્ષારયુકત છે,બે ટકા બરફના રૂપે છે અને ફકત એક ટકા પાણી માનવ જરૂરિયાતના ઉપયોગ માટે ઉપલબ્ધ છે.ખેતી,ઘરગથ્થું અને વેપારી ઉપયોગ માટે વરસાદનું પાણી એ સારો સ્ત્રોત છે.જો કે વરસાદનું પાણી આખુ વર્ષ ઉપલબ્ધ થઇ શકે તેમ ન હોઇ તેને ભવિષ્યના ઉપયોગ માટે એકત્ર કરવું જરૂરી છે જેને પાકની માફક વરસાદની કાપણી કહી શકાય.આવા એકત્ર કરેલ પાણીનો સંગ્રહ કરી ભવિષ્યમાં જ્યારે તેની જરૂરિયાત હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે.વરસાદનું પાણી પડે ત્યારબાદ જમીનમાં ઉતરી ભૂગર્ભ જળમાં ભળે તે પહેલાં તેને એકત્ર કરવું જોઇએ.આ માટે કેટલીક પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઇએ.પરંગપરાગત રૂપે પણ કેટલીક પદ્ધતિઓ જળ સંગ્રહ અને એકત્રિકરણ કરવા માટે વપરાય છે.
નળમાંથી આવતા પાણીની માફક જ છાપરા ઉપર પડેલ વરસાદના પાણીનો સંગ્રહ કરી તેનો ઉપયોગ પીવા,ખોરાક રાંધવા માટે કરી શકાય છે.વરસાદના પાણીને એકઠું કરી ખેતી પાકોને જ્યારે જરૂર હોય ત્યારે આપી શકાય છે.ભારતના સૂકા વિસ્તારોમાં સો વર્ષથી પણ વધુ સમયથી વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવે છે.છાપરા ઉપરથી વરસાદનું પાણી એકત્ર કરી બગીચામાં,પશુઓને,પિપત માટે તેમજ ઘરવપરાશ માટેના ઉપયોગમાં લઇ શકાય છે.આવું પાણી પીવા માટે લાંબા સમય સુધી સંગ્રહ માટે તેમજ જમીનમાં પાણીને રીચાર્જ કરવા માટે વાપરી શકાય છે.
વરસાદના પાણીના એકત્રિકરણની જરૂરિયાત :
કોઇપણ જીવન માટે પાણી એ મૂળભૂત જરૂરિયાત છે.વર્તમાન સમયે ભારત દેશમાં પાણીની અછત એ એક મહત્ત્વનો પશ્ન છે.પૃથ્વી ઉપર ઉપલબ્ધ કુલ પ્રાપ્ત જળના ફકત ત્રણ ટકા તાજુ પાણી પીવા માટે વપરાય છે. જુલાઇ થી સપ્ટેમ્બર માસ દરમ્યાન પડતા વરસાદ ધ્વારા ૮૦થી ૯૦ ટકા પાણી ઉપલબ્ધ થાય છે જ્યારે બાકીનો સમય સૂકો ગાળો હોય છે.બીજી મહત્ત્વની બાબત એ છે કે દર વર્ષૈ મોટા ભાગે ૯૦ જીલ્લાઓ દુષ્કાળગ્રસ્ત રહે છે અને ૮૩ જીલ્લાઓની અંદાજે ૪૦૦ લાખ હેકટર જમીન પુરથી પ્રભાવિત થાય છે.પાણીની જરૂરિયાત માટે ભૂગર્ભમાં રહેલ પાણીનો ઉપયોગ કરવો પડે છે.મેટ્રોપોલિટન શહેરોમાં પીવાના પાણીની ખેંચ વર્તાય છે.દિલ્હી જેવા પાટનગરમાં પીવાના પાણીની ખેંચ વર્તાતાં નજીકના રાજ્યોમાંથી પીવાનું પાણી મેળવવું પડે છે.વધુમાં પાણીના પૂરવઠાની ખામીયુકત લાઇનોને કારણે પણ મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થાય છે.આ પરિસ્થતિ જોતાં પાણીના એકે એક ટીપાનો સંગ્રહ કરી બચત કરવી અતિ જરૂરી છે.આથી વરસાદના પાણીનો વહી જતું અટકાવી અસરકારક રીતે એકઠું કરવું જોઇએ.
ભારતમાં વરસાદના પાણીની વર્તમાન સ્થિતિ :
ભારત દેશ સંપૂર્ણ પણે મોસમ આધારિત છે જે જળસંકટને કારણે અછતની પરિસ્થિતિ ઉદભવતો ઇતિહાસ દર્શાવે છે.નીતિ આયોગ(૨૦૧૯)ના રિપોર્ટમાં જણાવ્યા મુજબ સને ૨૦૨૦ સુધીમાં દેશના ૨૧ શહેરોના ભૂગર્ભ જળમાં ઘટાડો થવા પામશે.ભૂગર્ભ જળમાં થતો ઘટાડો અટકાવવા માટે તામિલનાડુ રાજ્ય એ છાપરા ઉપર પડતા વરસાદના પાણીનું ફરજીયાત પણે એકત્રિકરણ કરવાનુ શરૂ કરનાર પ્રથમ રાજ્ય છે.આ યોજના સને ૨૦૦૧માં શરૂ કરવામાં આવેેલ અને તામિલનાડુના ગ્રામ્ય વિચારો સહિત દરેક વિસ્તારોમાં વરસાદના પાણીનું એકત્રિકરણ કરવા અંગેના પોસ્ટરોથી જાગૃત્તિ લાવવામાં આવી છે.છેલ્લા પાંચ વર્ષમાં તેના ધ્વારા રાજ્યમાં અસરકારક પરિણામો મળ્યા છે.અને દરેક રાજ્ય માટે તામિલનાડુ એક મોડલ રાજ્ય બન્યું છે.તેના અમલને કારણે છેલ્લા પાંચ વર્ષમાં ચેન્નાઇમાં પાણીના સ્તરમાં ૫૦ ટકા વધારો થયો છે અને પાણીની ગુણવત્તામાં પણ નોંધપાત્ર સુધારો થવા પામ્યો છે.
બેંગલોર ખાતે મકાનોના માલિકોને વરસાદના પાણીનું મરજીયાતપણે ૬૦ ફૂટ X ૪૦ ફૂટના કે નવા બાંધકામો માટે ૩૦ ફૂટ X ૪૦ ફૂટ વિસ્તારમાં એકત્રિકરણ અપનાવવા માટે જણાવેલ છે. બેંગલોર વોટર સપ્લાય અને સેવરેજ બોર્ડ ધ્વારા જયાનગર(બેંગલોર)ખાતે૧.૨ એકર(૪૯૦૦ ચો.મીટર)વિસ્તારમાંના સર એમ.વિશ્વેશ્વરૈયાના નામે રેઇન વોટર હાર્વેસ્ટિંગ થીમ પાર્ક બનાવ્યો છે.આ પાકમાં જળ સંરક્ષણ સહિત જળ એકત્રિકરણ માટેના ૨૦ વિવિધ મોડેલો પ્રદર્શિત કરેલ છે.તેના ઓડિટોરીયમમાં વિદ્યાર્થીઓ તેમજ જાહેર જનતાને વિડીયો કિલપ મારફતે અને મીટિંગો ગોઠવી વરસાદના પાણીના એકત્રિકરણ અંગેની માહિતી પુરી પાડવામાં આવશે.
રાજસ્થાનમાં થરના રણ વિસ્તારના લોકો પરંપરાગત રીતે વરસાદના પાણીનું એકત્રિકરણ કરે છે.રાજસ્થાનમાં વરસાદના પાણીના એકત્રિકરણની ઘણી પ્રચીન રીતોને પુર્નજીવિત કરવામાં આવી છે.રાજસ્થાનના અન્ય વિસ્તારોમાં પણ (દા.ત જયપુર જીલ્લામાં ચૌકા સીસ્ટમ)વરસાદના પાણીના એકત્રિકરણ પદ્ધતિઓ વપરાય છે.
મહારાષ્ટ્ર રાજ્યના પુના ખાતે પણ નવી બાંધવામાં આવતી સોસાયટીઓમાં વરસાદના પાણીના એકત્રિકરણની પદ્ધતિઓનો ઉપયોગ ફરજીયાત કરવામાં આપ્યો છે.દિલ્હી ખાતેની મિનિસ્ટ્રી ઓફ અર્બન ડેવલપમેન્ટ એન્ડ પોવર્ટી એલીવિએશન એ દરેક નવા બિલ્ડીંગો માટે ૧૦૦ ચો.મી.નો પ્લોટ વિસ્તાર વરસાદના પાણીનું એકત્રિકરણ કરી તેનોે સંગ્રહ કરવા માટે ફરજીયાત કરેલ છે.
વરસાદના પાણીના એકત્રિકરણ માટેની મુખ્ય બાબતો :
(૧) કેચમેન્ટ વિસ્તાર :
કેચમેન્ટ એટલે કે એવો વિસ્તાર કે જેની સપાટી ઉપર પાણીને એકત્રિકરણ કરવામાં આવે છે જેમાં ઘરના છાપરા ઉપરનો કે બાંધકામના વિસ્તાર અને જમીન ઉપરના વિસ્તારનો સમાવેશ થાય છે.જો સપાટીનો વિસ્તાર સમતળ અને ને ઢાળયુકત હોય તો જગ્યા સંતૃપ્ત થયા બાદ પાણીનું એકત્રિકરણ થવા પામે છે.પાણી એકત્રિકરણનો આધાર વરસાદનો ગાળો,વરસાદનો સમય અને જમીનની સપાટી વગેરે ઉપર રહેલો છે.
(૨) એકત્રિકરણ કરવાની રીત :
વરસાદના પાણીની ઘટ ન પડે તે રીતે પાણી એકઠું કરવું જોઇએ.પાણી પાઇપો મારફતે સિમેન્ટની ટાંકી કે પાત્રમાં એકઠું કરી સંગ્રહ કરવામાં આવે છે.
(૩) વપરાશની રીત :
સંગ્રહિત કરવામાં આવેલ પાણીનો ઉપયોગી હેતુ માટે વપરાશ કરવા માટે જુદી જુદી રીતોનો ઉપયોગ કરવામાં આવે છે જેવી કે પાઇપ,કેનાલ,ફુવારા પદ્ધતિ,ટપક પિપત પદ્ધતિ, વગેરે. જો ગુરૂત્વાકર્ષણથી પાણી આગળ ન જઇ શકે તેમ હોય તો જળ વિતરણ માટે ઇલેકટ્રીક પંપનો ઉપયોગ કરવામાં આવે છે.બાગબગીચા કે ખેતરમાં પિયત આપવાનું હોય તો તે રીતે પાણી એકત્ર કરી તેનું વિતરણ કરવામાં આવે છે.વરસાદના પાણીના એકત્રિકરણનો હેતુ પુર આવતું અટકાવવાનો હોય ત્યારે ખુલ્લી કેનાલો,દરવાજા અને પાણીને અન્ય સ્થળે વાળવા અંગેની રીતોનો ઉપયોગ કરવામાં આવે છે.
વરસાદના પાણીના એકત્રિકરણ કરવાની રીતો :
આજે વરસાદના પાણીને એકત્ર કરવા માટે વિવિધ રીતોને ઉપયોગ કરવામાં આવે છે.તેમાંની ઘણી રીતો વેપારી પ્રવૃત્તિઓ માટે તેમજ ઘરવપરાશ માટે પાણી એકત્ર કરવા માટે અસરકારક છે.આવી સામાન્ય રીતે વપરાશમાં લેવાતી રીતોની માહિતી અત્રે દર્શાવેલ છેઃ
(૧) ઘરના છાપરા ઉપરથી પાણીનું એકત્રિકરણ :
આ રીતમાં છાપરાનો વિસ્તાર કેચમેન્ટ વિસ્તાર છે જેના ઉપર પડતું વરસાદનુ પાણી ઘરે પાઇપ ધ્વારા એકઠું કરી જમીનમાં બનાવેલ ટાંકીમાં એકઠું કરવામાં આવે છે.આ એક અસરકારક રીત છે અને જમીનમાં પાણીના સ્તરને રીચાર્જ કરવામાં મદદ કરી શકે છે.
(૨) સપાટી પરના પાણીનું એકત્રિકરણ :
જમીનની સપાટી ઉપર પડતા વરસાદના પાણીને એકત્ર કરવાની રીત છે.સામાન્ય રીતે વરસાદનું પડતું પાણી ઢાળ હોય તે દિશામાં જાય છે.આ રીતમાં નદીઓ,તળાવો ને કૂવા વગેરેનો સમાવેશ થાય છે.ડ્રેનેજ પાઇપોનો ઉપયોગ પણ થાય છે.આવી રીતે એકત્ર થતા પાણીનો વિવિધ હેતુઓ માટે ઉપયોગ થાય છે.
(૩) બંધ/ડેમ/રીઝવિયર :
જે તે સ્થળની રચના મુજબ વરસાદ પ્રમાણે પડતા પાણીને એકત્ર કરવા માટે બંધ બનાવવામાં આવે છે.આ રીતે બંધમાં સંગ્રહાયેલ પાણીનો મોટા ભાગે પિયત અને ઘરઉપયોગી હેતુ માટે ઉપયોગ કરવામાં આવે છે.આવી રીતે એકઠું થયેલ પાણી સ્વચ્છ હોતું નથી એટલે દૂષિત હોય છે.તળાવોમાં સંગ્રહાયેલ વરસાદનું પાણી જમીનમાં ઉતરી જતું હોય છે.
(૪) ભૂગર્ભ ટાંકીઓ :
વરસાદના પાણીને એકત્ર કરવાની આ એક આદર્શ રીત છે.તેમાં જમીનમાં સિમેન્ટની પાકી ટાંકી બનાવવામાં આવે છે કે જેથી તેમાં સંગ્રહાયેલ પાણી જમીનમાં શોષાઇ જાય નહિ.ટાંકીના મુખને સીલ કરવામાં આવે છે અને તેમાં પાઇપ ધ્વારા સીધુ પાણી ટાંકીમાં ભરવામાં આવે છે.તેમાંથી પાણી બહાર કાઢવા માટે પંપનો ઉપયોગ કરવામાં આવે છે.આવી ભૂગર્ભ ટાંકીઓ એ આશ્ચર્યજનક છે કારણ કે તેમાંનું પાણી ખુલ્લા વાતાવરણની માફક બાસ્પીભવન વડે ઉડી જતું નથી તેમજ ત્યાં સૂર્યપ્રકાશ પણ પહોંચી શકતો નથી.
(૫) રેઇનસોસર :
કોઇવાર વરસાદ ધ્વારા આકાશમાંથી પડતું પાણી છત્રી અથવા મોટી ગળણી જેવી રેઇનસોસર વડે સીધુ જ એકઠું કરી શકાય છે. આ એક સરળ અને અસરકારક રીત છે. કેટલાક તેની સાથે પાઇપ જોડીને સીધુ પાણી એકઠું કરે છે.કેટલાક લોકો જમીન સરસી રેઇનસોર રાખી સીધુ જ વરસાદનું પાણી જમીનમાં રાખેલ પાત્રમાં એકત્ર કરે છે.
(૬) બેરેજ :
બેરેજ એ એક પ્રકારનો બંધ છે જેમાં કેટલાક દરવાજા બંધ ને ખુલ્લા રાખી પાણીના જથ્થાને નિયંત્રિત કરી પસાર કરવામાં આવે છે.તે ઘણા માટા હોય છે અને તેમાં મોટા પાયે પાણીનો સંગ્રહ કરવામાં આવે છે.
(૭) ટ્રેન્ચીસ(નીકો) :
વરસાદના પાણીને પિયત માટે ઉપયોગ કરવા માટેની આ એક પ્રખ્યાત રીત છે.જ્યારે વરસાદ પડે ત્યારે ટ્રેન્ચ મારફતે સીધુ જ પાણી ખેતરમાં જાય છે.આ એક પરંગપરાગત રીતે વપરાતી રીત છે કે જેનો આજે પણ મોટા પાયે ઉપયોગ થાય છે.
(૮) રેઇન બેરલ્સ :
ખાસ હેતુથી બનાવવામાં આવેલ પીપમાં વરસાદનું પાણી એકત્ર કરવામાં આવે છે.સામાન્યતઃ છાપરા ઉપર પડતા પાણીને એકત્ર કરવા માટે આવા પીપનો ઉપયોગ થાય છે.
વરસાદ એકત્રિકરણના લાભો :
(૧) વરસાદથી પડેલ પાણીનું એકત્રિકરણ કરી તેનો ઉનાળામાં પિયત તરીકે ઉપયોગ કરી શકાય છે જેથી પાક ઉત્પાદનમાં વધારો કરે છે.
(૨) વરસાદના પાણીનું યોગ્ય રીતે એકત્રિકરણ કરવાને લીધે તેનો વેગ ઘટતાં પાણી ધ્વારા થતા ધોવાણમાં ઘટાડો થવા પામે છે.
(૩) ઘરગથ્થું પાણીનો પૂરવઠો પૂરો પાડવા માટે વરસાદના પાણીનો ઉપયોગ થઇ શકે છે.
(૪) આવા પાણીનો ઉપયોગ સફાઇ,કપડાં ધોવા માટે અને રાંધવાના હેતુ માટે થઇ શકે છે.
(૫)જો આવા પાણીને યોગ્ય માવજત આપવામાં આવે તો તેનો પીવાના પાણી તરીકે ઉપયોગ કરી શકાય છે.
(૬) જે વિસ્તારમાં વરસાદ ઓછો થતો હોય ત્યાં ઉનાળામાં પાણીની અછત હોય તો વરસાદથી એકત્ર કરેલ પાણી આપી શકાય છે.
(૭) પૂરથી થતું જોખમ ઘટાડવા અને દુષ્કાળ સામે રક્ષણ કરવા માટે પાણીનું એકત્રિકરણ કરવું જરૂરી છે.
(૮) અન્ય રીતોની સરખામણીએ વરસાદથી એકત્ર કરેલ પાણી ઓછા ખર્ચે એકત્ર કરી શકાય છે.
(૯) ઉદ્યોગો પણ આવા એકઠા કરેલ વરસાદના પાણીને પ્રોસેસ કરી ઉપયોગમાં લઇ શકે છે.
(૧૦) મકાનોના બાંધકામ માટે મોટા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે જે માટે આવા વરસાદના પાણીને એકઠું કરી શકાય છે.
ગેરલાભોઃ
(૧) વરસાદના પાણીનું એકત્રિકરણ કરવાને કારણે નદીઓનો પવાહ ઘટે છે પરિણામે ઓછું પાણી ઉપલબ્ધ થવાને કારણે જંગલી જીવોના જીવન ઉપર અસર થવા પામે છે.
(૨) ઊંચા પ્રદૂષણને કારણે એસિડનો વરસાદ થવાની ઘણી તકો રહે છે જેની અસર પાક તેમજ મનુષ્ય ઉપર થાય છે.
(૩) આવી રીતો કેટલીકવાર માવજત માટે થતા ખર્ચને કારણે વધુ ખર્ચાળ હોેય છે.
(૪) વરસાદના પાણીના એકત્રિકરણ કરવા માટે વરસાદ ઉપર આધાર રાખવો પડે છે જેથી આપણે તેના આધારે સંપૂર્ણપણે રહી શકાય નહિ.
(૫) એસિડ વરસાદ જંતુનાશકો,નીંદણનાશકો વગેરે ભળવાને કારણે વરસાદનું પાણી ખરાબ થાય તો તેવું પાણી પીવામાં આવે તો માનવીઓને પાણીના સંસર્ગને કારણે થતા રોગો થાય છે.
(૬) કેટલાક ઘરોના છાપરાં રસાયણો યુકત હોય તો તેના કારણે તેવા રસાયણો વરસાદના પાણી સાથે ભળી માનવ આરોગ્યને હાનિ પહોંચાડી શકે છે.
સંદર્ભઃ ઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ,ફેબ્રુઆરી-૨૦૨૦
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

