ભારતની અંદાજે ૪૯ ટકા વસ્તી કૃષિ ઉપર નમે છે જે દેશની કુલ ઘરગથ્થું આવક(જીડીપી)માં ૧૩.૮ ટકા ફાળો આપે છે.અન્ય ઉદ્યોગપતિઓ,ધંધાર્થીઓ,દુકાનદારો, ટ્રાન્સપોટર્સ વગેરે પણ સીધી કે આડકતરી રીતે કૃષિ ઉપર આધાર રાખે છે.બદલાતા પર્યાવરણને જોતાં કૃષિની નફાકારકતા અને ટકાઉપણાને જાળવી રાખવા જરૂરી છે.વર્તમાન કૃષિમાં બદલાતી જતી પરિસ્થિતિને જોતાં ઝીરો બજેટ કુદરતી ખેતી (જેને અંગ્રેજીમાં ઝીરો બજેટ નેચરલ ફામિઁગ કહે છે)ના નવા વિચારને અમલમાં મૂકવાની જરૂરિયાત છે.આ પદ્ધતિમાં પાકને ઉગાડવા માટેનો ખર્ચ શૂન્ય આવે છે કારણ કે પાકના વિકાસ માટે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે કોઇ ખર્ચ કરવાની જરૂરીયાત રહેતી નથી.બજેટ શબ્દ ધિરાણ અને ખર્ચને સંબંધિત છે અને ઝીરો બજેટ એટલે કે ધિરાણ લીધા વગર અને ઇનપુટસ માટે કોઇપણ પ્રકારનો ખર્ચ કરવો નહિ તે.કુદરતી ખેતી એટલે કે કોઇપણ જાતના રસાયણોના ઉપયોગ વગર કરેલ ખેતી.કુદરતી ખેતીમાં મળતી પેદાશ એ ઓર્ગેનિક પેદાશ છે કે જે કુદરતી ઇનપુટનો મુકત રીતે ઉપયોગ કરી પેદા કરવામાં આવે છે.
ઝીરો બજેટ કુદરતી ખેતી એ એક એવી ખેત પદ્ધતિ છે કે જેમાં કોઇપણ પ્રકારના રાસાયણિક ખાતરો ,જંતુનાશક દવાઓ કે અન્ય તત્વો ઉમેર્યા વગર પાકનો કુદરતી રીતે વિકાસ થવા દેવામાં આવે છે.આ પદ્ધતિ જમીનની ફળદ્વુપતાને જાળવે છે અને હવામાન ફેરફાર સામે રક્ષણ આપે છે વિવિધ સંશો ધકો એજણાવેલ છે કે રાસાયણિક ખાતરો અને અન્ય ઇનપુટસ વધારે આપવા છતાં પાક ઉત્પાદકતા સ્થિર રહી છે કે ઘટતી ગઇ છે. ૮૬ ટકા જેટલા નાના અને સીમાંત ખેડૂતો માટે ઇનપુટસનો ઊંચો ખર્ચ અને બજાર એ દરેક માટેની સામાન્ય મુશ્કેેલી છે.તે ખેડૂતના રોકાણમાં વધારો અને નફાકારકતામાં ઘટાડો કરે છે.ભારતના ખેડૂતો ઊંચા ઉત્પાદન ખર્ચ,ધિરાણમાં ઊંચો વ્યાજ દર,બજારમાં પાકની પેદાશની કિંમતમાં તરલતા, બળતણ આધારિત ઇનપુટના ખર્ચમાં વધારો,ખાનગી બિયારણો વગેરે કારણોસર દેવાના ચક્રમાં ફસાઇને પીસાય છે.
એનએસએસઓ(NSSO)દ્વારા સને ૨૦૧૬ માં પ્રકાશિત કરવામાં આવેલ એક રિપોર્ટમાં માં જણાવ્યા મુજબ જુલાઇ ૨૦૧૨ અને જૂન ૨૦૧૩ દરમ્યાન સરેરાશ આવક રૂપિયા ૬૪૨૬/- હતી જે કોઠો-૧ માં દર્શાવેલ છે.
કોઠો-૧: જમીનના કદ અનુસાર ખેડૂતોની સરેરાશ માસિક આવક(રૂપિયામાં)
ક્રમ | જમીનનું કદ (હેકટરમાં) | વર્ષ ૨૦૧૨-૧૩ | વર્ષ ૨૦૧૮-૧૯(અંદાજીત) |
૧ | ૦.૦૧ થી ઓછુ | ૪,૫૬૧ | ૭,૩૩૧ |
૨ | ૦.૦૧ થી ૦.૪૦ | ૪,૧૫૨ | ૬,૬૭૪ |
૩ | ૦.૪૧ થી ૧.૦૦ | ૫,૨૪૭ | ૮,૪૩૪ |
૪ | ૧.૦૧ થી ૨.૦૦ | ૭,૩૪૮ | ૧૧,૮૧૧ |
૫ | ૨.૦૧ થી ૪.૦૦ | ૧૦,૭૩૦ | ૧૭,૨૪૭ |
૬ | ૪.૦૧ થી ૧૦.૦૦ | ૧૯,૬૩૭ | ૩૧,૫૬૩ |
૭ | ૧૦.૦૦ થી વધારે | ૪૧,૩૮૮ | ૬૬,૫૪૨ |
૮ | સરેરાશ | ૬,૪૨૬ | ૧૦,૩૨૯ |
ઓછી આવક અને વધુ ખર્ચને કારણે ખેડૂતોમાં આપઘાતનું પ્રમાણ પણ જોવા મળેલ છે. આ દરેક સમસ્યાનો એક ઉકેલ ઝીરો બજેટ આધારિત કુદરતી ખેતી છે.
ભારતમાં ઝીરો બજેટ કુદરતી ખેતીનો વિકાસ :
ભારતના વિવિધ રાજ્યોમાં આ ખેતી પદ્ધતિની ચળવળ ઊભી થઈ છે. દક્ષિણના રાજ્યો અને તેમાંય કર્ણાટક સરકાર દ્વારા આ દિશામાં પણ પ્રયાસો કરેલ છે. શ્રી સુભાષ પાલેકર દ્વારા આ કુદરતી ખેતી પદ્ધતિને પ્રોત્સાહિત કરવામાં આવી છે. તેઓને સને ૨૦૧૬માં ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરેલ છે. કેન્દ્ર સરકાર અને અન્ય રાજ્યોએ આ દિશામાં પ્રયોસો શરૂ કરેલ છે. એક આર્થિક મોજણી મુજબ ૧૦૦૦ ગામડાઓના ૧.૬ લાખ થી વધુ ખેડૂતોએ રાજ્ય સરકારના ટેકાથી આ પદ્ધતિની શરૂઆત કરી છે. આ પદ્ધતિનું મુળ સ્થાપક કર્ણાટક રાજ્ય છે કે જયાં સ્ટેટ ફાર્મર્સ એસોસિયેશન દ્વારા એક ચળવળના ભાગ રૂપે આ પદ્ધતિ અપનાવવામાં આવી છે.
તાજેતરમાં આંધ્રપ્રદેશ રાજ્યના મુખ્ય મંત્રીશ્રીએ તમામ ૬૦ લાખ ખેડૂતો સને ર૦ર૪ સુધીમાં આ પદ્ધતિ અપનાવનાર ભારત દેશનું પ્રથમ રાજ્ય બનશે તેવું જાહેર કરેલ છે. કર્ણાટક અને હિમાચલ પ્રદેશ એ પણ આ પદ્ધતિને પ્રોત્સાહન આપેલ છે. કેન્દ્ર સરકાર પણ પરંપરાગત કૃષિ વિકાસ યોજના (PKVY) અને રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (RKVY) જેવા કાર્યક્રમો દ્વારા ખેડૂતોને આ પદ્ધતિ અપનાવવા માટે મદદ કરે છે.
આ પદ્ધતિની સંભાવનાઓ :
ભારતનો અંદાજે ૭૦ ટકા વિસ્તાર સૂકી ખેતી હેઠળ છે જેના માલિક ગરીબ ખેડૂતો છે કે જે મર્યાદિત સંસાધનો ધરાવે છે.
ભારત દેશનો સરેરાશ જંતુનાશક દવાઓનો વપરાશ ૦.૬ કિ.ગ્રા./હેકટર છે જ્યારે ચીનમાં ૧૦ કિ.ગ્રા./હેકટર અને કોરીયામાં ૧૬.૫૬ કિ.ગ્રા. હેકટર છે. જેથી આ પદ્ધતિનો સહેલાઇથી અમલ કરી શકાય તેમ છે.
૮૦ ટકા પરંપરાગત ઉત્પાદન આ પદ્ધતિ વડે મેળવી શકાય તેમ છે.
પરંપરાગત રીતે મેળવાતી પેદાશની કિંમત કરતાં ખેડૂત ૨૨ થી ૩૫ ટકા વધુ કિંમત મેળવી શકે છે.
વિવિધ પાકોના વાવેતરને કારણે ખેડૂત આખુ વર્ષ આવક અને પાક નિષ્ફળતા સામે રક્ષણ મેળવી શકે છે.
ઓછા ઇનપુટસ થકી ખેતીમાં વધુ આવક મેળવી શકે છે.
ઝીરો બજેટ કુદરતી ખેતી પદ્ધતિ :
શ્રી પાલેકર દ્વારા સને ૧૯૯૦ પહેલા ભારતમાં જે પદ્ધતિઓ અપનાવવા આવતી હતી તેના પર પોતાના ખેતર ઉપર સંશોધન કરી આ પદ્ધતિ વિકાસાવેલ છે. તેના મુખ્ય ચાર તબક્કા અત્રે જણાવેલ છે
(૧) જીવામૃત :
જીવામૃત એ સૂક્ષ્મજીવો દ્વારા આથવણ લાવી તૈયાર કરવામાં આવે છે.તે પોષકતત્વો પુરા પાડે છે.જમીનમાંના સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિને કેટાલિટીક એજન્ટ તરીકે પ્રોત્સાહન આપે છે એટલું જ નહી અળસિયાંની પ્રવૃત્તિમાં વધારોે કરે છે. ૪૮ કલાકની આથવણ ક્રિયામાં ગાયના છાણ અને મૂત્રમાં રહેલ વાતજીવી અને અવાતજીવી જીવાણુઓ ચણાના લોટ જેવા સેન્દ્રિય પદાર્થોનો ખોરાક તરીકે ઉપયોગ કરી તેમની સંખ્યામાં વધારો કરે છે.તે જમીનમાં રહેલ સૂક્ષ્મજીવોની પ્રજાતિઓને ચેપ લગાડે છે.જીવામૃત ફુગ અને જીવાણુઓથી થતા રોગોને આવતા અટકાવે છે.પાલેકરના જણાવ્યા મુજબ પ્રથમ ત્રણ વર્ષ દરમ્યાન જીવામૃત આપવાની જરૂર છે ત્યારબાદ તે પોતાની રીતે જમીનમાં ટકી રહે છે.
જીવામૃત બનાવવાની પદ્ધતિ :
એક પીપમાં ૨૦૦ લિટર પાણી લેવું.તેમાં ૧૦ કિલો ગાયનું છાણ અને ૫ થી ૧૦ લિટર મૂત્ર,૨ કિલો દેશી ગોળ, ૨ કિલો ચણાનો લોટ અને ખેતરના શેઢા ઉપરની ખેડયા વિનાની એક મૂઠી માટી ઉમેરવી.આ દ્રાવણને બરાબર હલાવવું અને છાંયા હેઠળ ૪૮ કલાક માટે આથો લાવવા મૂકવું.૪૮ કલાક બાદ તૈયાર થયેલ જીવામૃત ઉપયોગમાં લેવું.એક એકર વિસ્તાર માટે ૨૦૦ લિટર જીવામૃત પૂરતુ છે.જીવામૃત મહિનામાં બે વખત પિયતના પાણી સાથે અથવા ૧૦ ટકા પાંદડાં ઉપર છંટકાવ રૂપે આપી શકાય છે.
(૨) બીજામૃત :
બીજામૃત એ બિયારણ,રોપા કે રોપણી માટેેના અન્ય ભાગોને માવજત આપવા માટે વપરાય છે.ચોમાસાની ઋતુમાં પાકમાં ફુગથી થતા અને જમીન કે બી મારફતે ફેલાતા રોગોને અટકાવવા માટે બીજામૃત અસરકારક છે.તે પણ જીવામૃતમાં વપરાતા પદાર્થોમાંથી બનાવાય છે જેવા કે ગાયનું છાણ (એ કુદરતી શકિતશાળી ફુગનાશક છે)ગાયનું મૂત્ર (એ મજબૂત જીવાણુવિરોધી પ્રવાહી છે)ચૂનો અને માટી.પાકના બિયારણને બીજામૃત ઉમેરી તેને હાથ વડે મિશ્ર કરી સૂકવવા દેવું અને ત્યારબાદ વાવણી માટે બિયારણનો ઉપયોગ કરવો.
(૩) આવરણ/આચ્છાદન(મલ્ચ) :
શ્રી પાલેકરના જણાવા મુજબ ત્રણ પ્રકારના આચ્છાદનનો ઉપયોગ કરવામાં આવે છે
(ક) જમીન આવરણ : તેમાં ખેતી દરમ્યાન જમીન ઉપરના પડને નુકસાન પહોચાડવામાં આવતું નથી એટલે કે જમીનના ઉપરના પડમાં ખેડ કરવામાં આવતી નથી.તે હવાની અવરજવરને પ્રોત્સાહન આપે છે અને જમીનમાં પાણીને ધારણ કરે છે.પાલેકર ઊંડી ખેડ કરવાથી દૂર રહેવાનું જણાવે છે.
(ખ) પરાળ(સ્ટ્રો)નું આવરણ : અગાઉ વાવેલ પાકના નકામાં સૂકા અવશેષોને પરાળ કહે છે જેનો ઉપયોગ આવરણ તરીકે કરવામાં આવે છે.પાલેકરના સૂચન મુુજબ વનસ્પતિ,પ્રાણી વગરના મૃત અવશેષોનો ઉપયોગ આચ્છાદન તરીકે કરી શકાય છે. સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિઓ દ્વારા સૂકા સેન્દ્રિય પદાર્થો કહોવાઇને હયુમસ બનાવી જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે.
(ગ) જીવંત આવરણ : ખેતીમાં એક કરતાં વધુ પાકો અને મિશ્રપાકો લેવાની પદ્ધતિ વિકસાવવી જરૂરી છે જેમાં ધાન્ય અને કઠોળ એમ બંને પાકો એક જ સ્થળે સાથે ઉગાડવા જેથી જમીન અને પાક બંનેને જોઇતા આવશ્યક તત્વો પુરાં પાડી શકાય દા.ત કઠોળ વર્ગના છોડ તેના મૂળ ઉપરની ગંડિકાઓ દ્વારા જમીનમાં નાઇટ્રોજન ઉમેરે છે જ્યારે ડાંગર અને ઘઉં જેવા છોેડ પોટાશ,ફોસ્ફેટ અને સલ્ફેટ જેવા તત્ત્વો પુરા પાડે છે.
(૪) જમીનમાંનો વાસ્ફા–ભેજ :
શ્રી પાલેકરના જણાવ્યા મુજબ પાકના મૂળોને વધુ પાણીની જરૂર પડે છે એટલે કે હરિયાળી ખેતીમાં પિયત ઉપર આધાર રાખવો પડે છે.તેઓના મતે પાણી બાસ્પ રૂપે મૂળને જરૂરી છે.વાસ્ફા એક એવી સ્થિતિ છે કે જેમાં હવા અને પાણીના અણુઓ જમીનમાં રહે છે અને તે પિયત ઓછુ આપવા માટે પ્રોત્સાહિત કરે છે.પિયત ફકત બપોરના સમયે આપવું અને તે પણ એકાંતરે નીકમાં જેથી પિયતની જરૂરિયાતમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય.જો જમીનમાં હવાની અવરજવર ન હોય તો છોડ નાશ પામે તેથી ખેતરની જમીન ઉપર કહોવાય નહિ તેવા વિઘટનક્ષમ પદાર્થ ઉપર પાણીનો છંટકાવ કરવો.તેનાથી હયુમસ બનતાં જમીનમાં ભેજ અને પોષકતત્વોને જાળવી રાખવામાં મદદ કરે છે.
અન્ય મહત્ત્વની બાબતો :
(૧) આંતરપાક : આ પદ્ધતિને ઝીરો બજેટ નામ આપેલ છે એનો મતલબ એવો નથી કે ખેડૂતને કોઇ ખર્ચ થતો નથી પરંતુ આંતરપાક લેવાથી જે આવક થાય તેનાથી ખર્ચનું વળતર મેળવી શકાય છે.
(૨) કન્ટુર અને બંધપાળા : કન્ટુર અને બંધપાળાનો ઉપયોગ કરી વરસાદના પાણીનો સંગ્રહ કરી શકાય છે જે વિવિધ પાકો માટે મહત્તમ અસરકારક નીવડે છે.
(૩) અળસિયાંની સ્થાનિક પ્રજાતિઓ : જમીનમાં સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરી સ્થાનિક અળસિયાંની જાતોને જમીનમાં ઊંડે સુધી પુનઃજીવિત રાખી શકાય છે.
(૪) ગાયનુું છાણ : ભારતીય ગાયનું છાણ વધુ લાભકાર્ય છે કારણ કે તેમાં યુરોપિયન પરદેશી ગાય (દા.ત હોલ્સ્ટેન)કરતાં સૂક્ષ્મજીવો ઊંચા પ્રમાણમાં રહેલા છે.આ પદ્ધતિ ભારતીય ગાયને કેન્દ્રમાં રાખી બનાવેલ છે જે ઐતિહાસિક રીતે ભારતીય ગ્રામ્ય જીવનનો એક ભાગ છે.
ઝીરો બજેટ કુદરતી ખેતીના ફાયદાઓ :
(૧) આ પદ્ધતિ જમીનની ફળદ્વપતા,ઉત્પાદન અને પેદાશની ગુુણવત્તામાં સુધારો કરે છે તથા વધારામાં ખેડૂતોને દેવામાંથી મુકત કરે છે.
(૨) વનસ્પતિ અને પ્રાણીજ પદાર્થો અળસિયાંથી કહોવાતાં બનતા હયુમસથી જમીન સમૃદ્ધ થાય છે.તે જમીનમાં હવાની અવરજવર અને જમીનની પાણી જકડી રાખવાની ક્ષમતામાં સુધારો કરે છે.
(૩) જીવાત વ્યવસ્થા માટેની જે પદ્ધતિનો ઉપયોગ આ પદ્ધતિમાં થાય છે તેના વડે જીવાતથી થતું નુકસાન અટકે છે અને રસાયણોના ઉપયોગથી થતી આડઅસરો થતી અટકાવે છે જેવી કે કોષોનું વિસ્તૃતીકરણ,પ્રદૂષણ,કેન્સરજનક તત્વો,ખોરાકમાં ઝેરની અસર વગેરે.
(૪) પાકની ફેરબદલી કરવાથી અને આંતરપાક લેવાથી જમીનમાં ભેજ અને પોષકતત્વોનુું રક્ષણ થાય છે. આચ્છાદનને કારણે બાસ્પીભવન ઓછુ થવા પામે છે અને જમીનમાં પુરતો ભેજ જાળવી શકાય છે.તે જમીનમાં રહેલ સૂક્ષ્મજીવોને સાનુકૂળ વાતાવરણ પૂરૂ પાડે છે.
(૫) પેદાશની ગુણવત્તા દર્શાવે છે કે તેમાં કોઇ રોગ પેદા કરતા તત્વોની હાજરી નથી કે જે વર્તમાનમાં જોવા મળતી ગંભીર બાબત છે.
આમ ઝીરો બજેટ કુદરતી ખેતી એ આર્થિક,સામાજીક,જૈવિક અને દેહધાર્મિક રીતે નિશંકપણે સાબિત થયેલી પદ્ધતિ છે.
સારાંશ :
આ પદ્ધતિ અપનાવેલ મોટા ભાગના ખેડૂતો જણાવે છે કે તેઓને ઉત્પાદન,જમીન સંરક્ષણ, બિયારણની વિવિધતા,પેદાશની ગુણવત્તા, ઘરવપરાશના ખોરાક તથા આવક અને આરોગ્ય વગેરેમાં સુુધારો જોેવા મળેલ છે.મોટા ભાગના ખેડૂતોએ ખેતી ખર્ચ અને ધિરાણ જરૂરિયાતમાં ઘટાડો અનુભવ્યો છે કે જે ભારતીય ખેડૂતોની મુખ્ય મુશ્કેલી છે. જમીન એ અન્નપૂર્ણા(પોષકતત્વોથી સમૃદ્ધ)છે અને તેને બહારથી કોેઇપણ વસ્તુ આપવાની જરૂરિયાત નથી.
સ્ત્રોત : કિસાન વર્લ્ડ, જૂન-૨૦૨૦ અને ઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, જુલાઇ-૨૦૨૦
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in