ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી એ નવીન અને ટકાઉ ખેતી પદ્ધતિ છે જેનો હેતુ કૃત્રિમ સંસાધનોના ઉપયોગથી દૂર રહીને ખેડૂતના ઉપર પડતા નાણાકીય બોજાને ઘટાડવાનો છે. આ પદ્ધતિ પદ્મશ્રી એવોર્ડ મેળવનાર શ્રી સુભાષ પાલેકર એ વિકસાવી છે. આ પદ્ધતિ કુદરતી પ્રક્રિયાએ ઉપર ભાર મૂકે છે અને પરંપરાગત ખેતીના શાણપણ વડે પરિસ્થિતિકીય સંતુલન અને જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે.
આ પદ્ધતિ પરંપરાગત ખેતીમાં આવતા પડકારોને ઝીલવાની ક્ષમતા ધરાવે છે અને વધુ ટકાઉતા અને ખર્ચ બાબતે અસરકારક વિકલ્પ પુરો પાડે છે.
ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો :
(1) બાહ્યના ઈનપુટસનો ઉપયોગ કરવો નહિ :
આ પદ્ધતિ બાહ્ય ઈનપુટસનો વપરાશ નહિ કરવાના સિદ્ધાંત ઉપર કામ કરે છે એટલે કે ખેડૂતોએ કૃત્રિમ ખાતરો, જંતુનાશકો અથવા અન્ય રસાયણોની ખરીદી કરવાની જરૂર નથી. તેના બદલે સ્થાનિક રીતે પ્રાપ્ય સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં આવે છે.
(2) દેશી બિયારણો અને બીની માવજત :
આ પદ્ધતિમાં દેશી જાતોના બિયારણોનો ઉપયોગ કરવામાં આવે છે અને કુદરતી બીજ માવજત અપનાવવામાં આવે છે. બિયારણને ગાયનું છાણ અને મૂત્રના મિશ્રણનો પટ આપવામાં આવે છે તેમજ બીના સ્ફુરણમાં વધારો કરવા અને રોગોથી બચાવવા બીને જીવામૃતનો પટ આપવામાં આવે છે.
(3) મલ્ચિંગ (આવરણ) :
આ પદ્ધતિમાં મલ્ચિંગ મહત્વનો ભાગ ભજવે છે જેમાં પરાળ, પાંદડાં અથવા પાક અવશેષો વગેરે સેન્દ્રિય પદાર્થોથી જમીનને આવરિત કરવામાં આવે છે. મલ્ચિંગ જમીનમાંના ભેજને જાળવવામાં, નીંદણની વૃદ્ધિને દબાવવામાં અને ફાયદાકારક સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિઓમાં વધારો કરવામાં મદદ કરે છે.
(4) પાકની ફેરબદલ અને વૈવિધ્યકરણ :
આ પદ્ધતિ પાકની ફેરબદલ અને વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપી જમીનના આરોગ્યમાં સુધારો અને રોગ-જીવાતના ઉપદ્રવ સામેના જોખમમાં ઘટાડો કરે છે.
(5) સંકલિત જીવાત વ્યવસ્થાપન :
આ પદ્ધતિમાં કુદરતી પરભક્ષીઓ, પિંજર પાક અને જીવાતો માટે વનસ્પતિજ અર્કનો ઉપયોગ કરવામાં આવે છે. જીવાતો અને તેના કુદરતી દુશ્મનો વચ્ચેનું સંતુલન જાળવી ખેડૂતો જંતુનાશક રસાયણોનો ઓછામાં ઓછો ઉપયોગ કરી શકે છે.
(6) ગાય આધારિત ખેતી :
આ પદ્ધતિમાં ગાયને કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે. ગાયનું છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરી જીવામૃત અને અમૃતપાની જેવી વિવિધ સેન્દ્રિય બનાવટો તૈયાર કરી જમીનની ફળદ્રુપતા વધારવા અને સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિઓને ઉત્તેજીત કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીના લાભો :
(1) ખર્ચમાં ઘટાડો :
આ પદ્ધતિનો એક પ્રાથમિક ફાયદો ખેડૂતોના ઈનપુટસના ખર્ચમાં નોંધપાત્ર રીતે ઘટાડો કરવાનો છે. ખર્ચાળ કૃત્રિમ ઈનપુટસના ઉપયોગથી દૂર રહી ખેડૂત નાણાકીય ટકાઉતા પ્રાપ્ત કરી શકે છે.
(2) જમીન આરોગ્યમાં સુધારણા :
આ પદ્ધતિ જમીનનું આરોગ્ય જાળવવા ઉપર ધ્યાન આપે છે. સેન્દ્રિય પદાર્થો, મલ્ચિંગ અને અન્ય પદ્ધતિઓના ઉપયોગ વડે જમીનની ફળદ્રુપતા, બાંધો અને જળ પકડી રાખવાની ક્ષમતામાં વધારો કરી શકાય છે.
(3) પર્યાવરણીય ટકાઉતા :
આ પદ્ધતિમાં રાસાયણિક ઈનપુટસનો ઉપયોગ કરવામાં આવતો નથી જેથી પર્યાવરણીય પ્રદૂષણ ઓછુ થાય છે. તેમાં વાતાવરણીય-મિત્ર પદ્ધતિઓના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવે છે જે જૈવવૈવિધ્યતાનું સંરક્ષણ કરવામાં અને કુદરતી સ્ત્રોતોનું રક્ષણ કરવામાં નોંધપાત્ર ફાળો આપે છે.
(4) સમાજનું સશક્તિકરણ :
આ પદ્ધતિ સમાજ અને પરંપરાગત જ્ઞાનની ભાગીદારીને પ્રોત્સાહન આપે છે. ખેડૂતો આત્મનિર્ભર બની સક્ષમ બને છે અને બજારમાંથી મળતા ઈનપુટસ ઉપર ઓછો આધાર રાખે છે.
ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીના પાયાઓ :
પ્રાકૃતિક ખેતીને કેટલીક વાર ‘ખેતીમાં કશું કરવું નહિ’ તેવો કૃષિનો અભિગમ કહેવાય છે જેમાં માનવી ધ્વારા ઓછામાં ઓછો હસ્તક્ષેપ કરવામાં આવે છે અને કુદરતી ઈકોસીસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. મસનોબુ ફુકુઓકા નામના જાપાની ખેડૂત અને તત્વચિંતકે કુદરતી ખેતીના ચાવી રૂપ ચાર પાયા જણાવેલ છે જે સિદ્ધાંતો અને પદ્ધતિઓ અંગેનું માર્ગદર્શન પૂરૂ પાડે છે જે અત્રે દર્શાવેલ છે.
(1) ખેડ નહિ :
પ્રાકૃતિક ખેતીનો પ્રથમ પાયો પરંપરાગત રીતમાં વપરાતી જમીનમાંની ખેડને પડકારે છે. ફુકુઓકા જમીનનો કુદરતી બાંધો જાળવી રાખવા અને નીંદણના બીજનો ફેલાવો અટકાવવા માટે જમીનને ઓછામાં ઓછો વિક્ષેપ પહોંચાડવાનું જણાવે છે. ખેડથી દૂર રહેતાં, જમીનમાંના સૂક્ષ્મજીવોને અસર ન થતાં છોડની વૃદ્ધિ માટે જરૂરી તંદુરસ્ત પર્યાવરણ મળી રહે છે. હળથી ખેડ નહિ કરવાને કારણે જમીનનું ધોવાણ અને પાણીનો પ્રવાહ ઘટે છે.
(2) રાસાયણિક ખાતરો અથવા જંતુનાશકો નહિ :
પ્રાકૃતિક ખેતી કૃત્રિમ ખાતરો અને જંતુનાશકોના ઉપયોગને નકારે છે. તેના બદલે તે નાઈટ્રોજન સ્થિરીકરણ કરતા પાકો, લીલો પડવાશ અને પાક અવશેષોનો ઉપયોગ કરી જમીનની ફળદ્રુપતા વધારવા ઉપર ભાર મૂકે છે. રાસાયણિક ઈનપુટસને નકારી પ્રાકૃતિક ખેતી પર્યાવરણીય ટકાઉતા અને રસાયણ મુક્ત આહારના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે.
(3) નીંદામણ નહિ :
પરંપરાગત ખેતી પદ્ધતિમાં પાક સાથે પોષણ અને પ્રકાશ માટે નકામા છોડ હરીફાઈ કરે છે જેને નીંદામણ વડે દૂર કરવાના નોંધપાત્ર પ્રયાસો કરવા પડે છે. પ્રાકૃતિક ખેતીમાં નીંદણને ઈકોસીસ્ટમના એક ભાગ તરીકે ગણવામાં આવે છે. ફુકુઓકા એ જણાવ્યા મુજબ નીંદણો કુદરતી રીતે જમીન ઉપર આવરણ પૂરૂ પાડે છે, જમીનનું ધોવાણ અટકાવે છે, જમીનમાંનો ભેજ જાળવે છે અને જૈવવૈવિધ્યતાને ટેકો પુરો પાડે છે. નીંદણને દૂર કરવાને બદલે જાળવી રાખવાથી પ્રાકૃતિક ખેતીમાં મજૂરીના કાર્યોમાં ઘટાડો થાય છે અને વધુ સ્થિતિસ્થાપકતા તથા જમીન પરના કુદરતી કૃષિ વૈવિધ્યતાને જાળવી રાખે છે.
(4) ટેકનોલૉજી ઉપર આધારિત નહિ :
પ્રાકૃતિક ખેતી ઓછામાં ઓછાં ટેકનોલૉજીનો ઉપયોગ કરવા ઉપર ભાર મૂકે છે. ફુકુઓકા માને છે કે વધારે પડતો ટેકનોલૉજીનો ઉપયોગ ઈકોસીસ્ટમનું કુદરતી સંતુલનમાં વિક્ષેપ પેદા કરી શકે છે. પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતો મશીનરી અને આધુનિક સાધનોનો ઉપયોગ કરવાને બદલે હાથ વડે કરવામાં આવતા મજૂરીના કાર્યોને પ્રાધાન્ય આપે છે. આ પ્રકારનો અભિગમ ખેડૂત અને જમીનને ગાઢ રીતે જોડે છે અને કાર્યમાં કુદરતી પ્રક્રિયાની વધુ સમજ પેદા કરે છે.
આ ચારે પ્રકારના પાયાઓ સામૂહિક રીતે ખેતીની એવી ફિલસૂફીની રચના કરે છે જેમાં પર્યાવરણ ઉપર માનવીના નિયંત્રણને બદલે કુદરત સાથે સુમેળ સાધવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીના હેતુ ઈકોસીસ્ટમ સાથે સુમેળ સાધી કુદરતી માળખાઓ અને ચક્રો જાળવીને કાર્ય કરવા ઉપર મહત્વનો ભાર મૂકવામાં આવે છે. ઉપરોક્ત સિદ્ધાંતોનો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓને ટકાઉ, પુનઃજીવિત અને સ્થિતિસ્થાપક બનાવી શકાય છે જેના વડે પર્યાવરણ અને માનવજાતને પ્રોત્સાહિત કરી શકાય છે.
પડકારો અને અમલ :
ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીએ પ્રોત્સાહક પરિણામો આપેલ છે તેમછતાં તેનો મોટા પાયે અમલ કરવામાં પ્રાકૃતિક ખેતીની જાણકારીની જરૂરિયાત, તાલીમ અને સરકારી એજન્સીઓનો ટેકો વગેરે પડકારો હોવા છતાં કેટલાક રાજ્યોએ ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી કૃષિમાં બદલાવ અને ખેડૂતોના જીવનધોરણમાં સુધારો લાવવાનો પ્રયાસ કરેલ છે.
સારાંશ :
ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી એ ટકાઉ ખેતીનો સર્વગ્રાહી અભિગમ છે જે કુદરતી પ્રક્રિયાઓ, પરંપરાગત ડહાપણ અને સમાજના જોડાણને પ્રાધાન્ય આપે છે. વિશ્વ આજે હવામાન ફેરફાર અને પર્યાવરણની અધોગતિને કારણે ઊભા થયેલ પડકારોનો સામનો કરી રહેલ છે ત્યારે પરંપરાગત ખેતીને બદલે ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ એક વિકલ્પ છે. તેની મોટા પાયે જાણકારી, શિક્ષણ અને ટેકો પુરો પાડી કૃષિના ભાવિને વધુ ટકાઉ અને સ્થિતિસ્થાપક બનાવી શકાશે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, જૂન – 2024
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

