ભારતમાં ફ્લોરીકલ્ચર ઉદ્યોગ બળદગાડાંથી શરૂ થઈ છેલ્લા બે દસકામાં ચાર્ટર્ડ વિમાનો સુધી વિકાસ પામ્યો છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં રહેતા મધ્યમ વર્ગના લોકોની આવક વધતાં, ટેવોમાં ફેરફાર થતાં તેમજ ઝડપી શહેરીકરણ થવાને પરિણામે દૈનિક ધોરણે ફૂલોની માંગ સતત વધતી જાય છે. ફૂલો કુદરતી રીતે જલ્દી નાશ પામે તેવાં એટલે કે તેની આવરદા ઓછી હોઈ તેમજ અપુરતી પરિવહન વ્યવસ્થાને કારણે મોટા ભાગના ફૂલો બગડી જાય છે કે નાશ પામે છે. તે જોતાં ફૂલોને સૂકવી તેનો ઉપયોગ કરવો એ એક વૈકલ્પિક ઉપાય છે. ફ્લોરીકલ્ચરની પેદાશોના નિકાસમાં સૂકાં ફૂલોનો હિસ્સો વધારે છે. તાજાં ફૂલોની સરખામણીએ સૂકાં ફૂલોનું મૂલ્ય સારૂ મળે છે અને ઘણા વર્ષો સુધી સંરક્ષિત પણે રાખી શકાય છે. વળતર રૂપ ઊંચા ભાવો, જૈવવૈવિધ્યતાથી સમૃદ્ધ અને અનુરૂપ હવામાન પરિસ્થિતિ ભારતમાં હોવાથી ઉદ્યોગસાહસિકતા ક્ષેત્રે રસ ધરાવતી વ્યક્તિઓમાં સૂકાં ફૂલોનો રસ વધવા પામેલ છે. જેને પરિણામે સૂકાં ફૂલો મેળવવા માટે નવીનત્તમ પદ્ધતિઓની શોધ અને ઉપયોગ શરૂ થવા પામેલ છે. સૂકાં ફૂલો મોટે ભાગે હસ્તકલાની ચીજવસ્તુઓ, ફ્લોરેલ જ્વેલરી, ફ્લોરેલ કેન્ડલ, બકેટ અને પોટપોરી વગેરેમાં વપરાય છે.
છેલ્લાં 40 વર્ષોથી વૈશ્વિક બજારમાં સૂકાં ફૂલો અને છોડની સામગ્રીની નિકાસ થાય છે. સૂકા આભૂષણોની નિકાસ ક્ષેત્રે વિશ્વમાં ભારત દેશ પાંચમાં સ્થાને છે. ભારતમાં દર વર્ષે 150 કરોડ રૂપિયાથી વધુ કિંમત ધરાવતા સૂકાં ફૂલો અને છોડની સામગ્રીની નિકાસ કરવામાં આવે છે. ફ્લોરીકલ્ચર ઉદ્યોગમાં 500 જાતના ફૂલોની 20 દેશોમાં નિકાસ થાય છે જેમાં યુ.એસ.એ અને યુકે ના બજારમાં તેની ઊંચી માંગ છે. સને 2016-17 દરમ્યાન ભારતમાંથી 22,086. 01 મિલિયન ટન ફૂલોની નિકાસ અમેરિકા, જર્મની, યુકે, નેધરલેન્ડ વગેરે દેશોમાં કરવામાં આવેલ. દર વર્ષે સૂકાં ફૂલોની વિવિધ પ્રોડક્ટસમાં મુખ્ય સૂકાં ફૂલો તરીકે 55 કરોડ રૂપિયાની કિંમત ધરાવતી પોટપોરી બનાવટનો નિકાસમાં મોટો ફાળો છે. ભારત સરકારે ફ્લોરીકલ્ચરને 100 ટકા નિકાસલક્ષી ઉદ્યોગ તરીકે તેમજ સુવર્ણ ક્રાંતિનો દરજ્જો (Status of Golden revolutions) આપેલ છે. ઉપલબ્ધ સ્ત્રોતો મુજબ ભારત દેશ સુશોભનના છોડ અને તેની બનાવટોના નિકાસ ક્ષેત્રે 23મું સ્થાન ધરાવે છે.
સૂકાં ફૂલોની ગોઠવણી એ પ્રાચીનકાળથી એક કલા તરીકે ગણાય છે. જાપાનીઓ સાચવેલ ફૂલોની કળાને ઓશિબાના (Oshibana) કહે છે. ઈજીપ્તના લોકો પિરામિડમાં સુગંધિત સૂકાં ફૂલો અને છોડનો ઉપયોગ આભૂષણ તરીકે કરતા હતા.મધ્ય યુગમાં સાધુઓ સૂકાં ફૂલોનો ઉપયોગ પુસ્તકોના હસ્ત વડે થતા છાપકામના રંગ મેળવવા કરતા હતા. ઈ.સ. 1700 પૂર્વે સમૂહમાં રહેતા અમેરિકન લોકો ગાઢ શિયાળાના સમયે ઘરને ચમકાવવા માટે સૂકાં ફૂલોનો ઉપયોગ કરતા હતા. ઝડપી આધુનિકરણ અને નવી ટેકનિકોનો વિકાસ થતાં સૂકાં ફૂલોનો ઉપયોગ વૈશ્વિક ધોરણે વધતો જાય છે.
સૂકવણીની રીતો :

(ક) હવા ધ્વારા સૂકવણી (Air drying) :
આ પદ્ધતિમાં નીચેની રીતોનો ઉપયોગ થાય છે.
(1) છોડની કુદરતી સૂકવણી (Natural drying in plants) :
દેવદાર, અમલતાસ, પાઈન, બીલી વગેરેના ફૂલો અને અન્ય છોડના મહત્વના ભાગોની સૂકવણી છોડ ઉપર કુદરતી રીતે કરવામાં આવે છે.
(2) લટકાવીને (Hanging method) :
આ સ્ટેટાઈસ (Statice), બોગનવેલ, સ્ટોક, પેપર ફ્લાવર વગેરે જાતોના ફૂલોને સૂકવવા માટે વપરાતી પરંપરાગત અને પ્રાચીન રીત છે. આ ગરમ, હૂંફાળા અને ઓછો સૂર્યપ્રકાશ હોય તેવા વિસ્તારોમાં વધુ અસરકારક રીત છે.
આ રીતમાં ફૂલો કળી અવસ્થામાં હોય અથવા હમણાં જ ખિલેલ હોય તેને સૂકા દિવસોએ ચૂંટવામાં આવે છે. પાન દૂર કરી ફૂલની 7 થી 10 દાંડી સાથે રાખી ટોચથી એક ઈંચ નીચે રબર રીંગ વડે તેના બંડલ બાંધવામાં આવે છે. સૂકવણીની પ્રક્રિયા સમયે ફરીથી રબર રીંગને ચુસ્ત રીતે બાંધવી પડે છે. છતથી 15 સે.મી. નીચે તાર કે વાંસ લટકાવી તેના ઉપર હૂક લગાવી તેના ઉપર ફૂલોના બંડલ લટકાવવામાં આવે છે જેથી ફૂલો સૂકવવાની પ્રક્રિયા ઝડપી બને છે. છોડની સામગ્રી મુજબ 1 થી 3 અઠવાડિયામાં
આ પ્રક્રિયા પૂર્ણ થાય છે.
(3) સપાટ સૂકવણી (Flat drying) :
આ એક સૂકવણીની પરંપરાગત રીત છે જેમાં બારીના પડદા, સૂકવણી માટે વપરાતી ટ્રે, મસલીન કાપડ વગેરે જેવી સપાટ સપાટીનો ઉપયોગ કરી નેટ અથવા કેનવાસની પથારી અથવા ન્યૂઝપેપર પાથરીને સારી રીતે હવાની અવરજવર થાય તે રીતે પર્ણસમૂહ, ફૂલની છૂટક પાંદડીઓ અને ફૂલો સૂકવવામાં આવે છે. આ સૂકવણી પ્રક્રિયામાં થોડા દિવસો કે અઠવાડિયાનો સમય લાગે છે.
(ખ) એમ્બેડેડ સૂકવણી (Embedded drying) :
આ પદ્ધતિમાં ફૂલોના આકાર અને રંગમાં કોઈ ફેરફાર કર્યા વિના સૂકવણી કરવામાં આવે છે. ગુલાબ, ક્રીસેન્થીમમ, ઝિનિયા, કેલેન્ડયુલા, મેરીગોલ્ડ, કાર્નેશન, મોગરા વગેરે ફૂલોની સિલિકા જેલ, બોરેક્ષ, બોરિક એસિડ, નદીની રેતી, એલમ પાઉડર, એલ્યુમિનિયમ સલ્ફેટ, લાકડાનો વ્હેર અને કોર્ન ગ્રેન્યુલ્સ (મકાઈના દાણા) પૈકી એક, બે કે તેથી વધુ શુષ્કકારકો એટલે કે ભેજ દૂર કરે તેવા પદાર્થોનો ઉપયોગ કરી સૂકવણી માટે હોટ એર ઓવન, માઈક્રોવેવ ઓવન અને સોલર ડ્રાયરનો ઉપયોગ વિવિધ શુષ્કકારકો સાથે કરવામાં આવે છે.
રીત :-
અડધા થી પોણા ખીલેલા ફૂલો દાંડી સહિત કાપી તેની દાંડીની નીચેના ભાગે રહેલ પાન દૂર કરવામાં આવે છે. હવાચુસ્ત કન્ટેઈનરના તળીયે 1/2 થી 1 ઈંચ જાડાઈવાળું શુષ્કકારકનું સ્તર બનાવવું અને તેમાં ફૂલોની દાંડીને ઊભી રાખવી. ત્યારબાદ શુષ્કકારો ધીરે ધીરે ઉમેરી ફૂલોને સંપૂર્ણપણે આવરી લેવાં. ફૂલોના આકારને અસર ન થાય તે રીતે શુષ્કકારકો વાપરવામાં કાળજી રાખવી. ત્યારબાદ ક્ન્ટેઈનરને 4 થી 5 કલાક હોટ એર ઓવનમાં 400 થી 450 સે. તાપમાને અથવા 2 થી 5 મિનિટ માઈક્રોઓવનમાં અથવા છાંયાવાળા સ્થળે 2 થી 7 દિવસ રાખવાં.
(ગ) જળ સૂકવણી (water drying):
હાઈડ્રાન્જીયા (Hydrangea), કોર્નફ્લાવર અને બેબીઝ બ્રેથ (Babay’s breath) જેવા ફૂલોને જળ વડે સૂકવણી કરવા વપરાતી જૂની પુરાણી રીત છે.
રીત :
સૂર્યપ્રકાશ ન હોય તેવા હૂંફાળા વિસ્તારમાં 5 સે.મી. ઊંડે ઠંડા જળમાં ફૂલોની દાંડીને રાખવી. આ રીતમાં સંપૂર્ણ સૂકવણી માટે 1 થી 2 અઠવાડીયાનો સમય લાગે છે.
(ઘ) ઠંડીથી સૂકવણી / ફ્રીઝ ડ્રાઈંગ (Freeze drying) :
આ એક ખર્ચાળ રીત છે તેમ છતાં તે વિશ્વમાં વધુ પ્રચલિત છે. તેમાં ફૂલોની ગુણવત્તા બમણી થાય છે, ફૂલો તાજાં લાગે છે અને આવરદા વધે છે.
આ પદ્ધતિમાં ફૂલોને ચેમ્બરમાં ગોઠવીને -350 સે. તાપમાને થીઝવવામાં આવે છે. આ રીતથી અલ્સ્ટ્રોમેરિયા (Alstromeria), એમરેન્થસ, એસ્ટર, બર્ડ ઑફ પેરેડાઈઝ, કેલ્લા લીલી, કાર્નેશન, કેટ્ટલેયા ઓર્કિડ, ડે ફ્ફોડિલ, ડહાલિયા, ડેન્ડ્રોબિયમ ઓર્કિડ, ડાયન્થસ, ગ્લેડિયોલસ, જીપ્સોફિલિયા, ફેલિયોનોપ્સિસ ઓર્કિડ, ગુલાબની તમામ જાતો, સ્નેપડ્રેગોન વગેરે ફૂલોની સૂકવણી કરવામાં આવે છે.
(ચ) દબાણ ધ્વારા સૂકવણી/પ્રેસ ડ્રાઈંગ (Press drying) :
તાજાં ફૂલો અને પર્ણસમૂહને પુસ્તક, સામયિક, બ્લોટિંગ પેપર અથવા સમાચારપત્રના કાગળોની વચ્ચે છૂટા છૂટા ગોઠવીને મૂકવામાં આવે છે. આવી શીટો વચ્ચે કાર્ડબોર્ડ એટલે કે પૂંઠું મૂકી એક ઉપર એક એમ બંડલ બનાવી એક ઓરડામાં 3 થી 5 દિવસ રાખવામાં આવે છે.
જો ઝડપથી સૂકવણી કરવી હોય તો 12 થી 24 કલાક સુધી 450 સે. તાપમાને હોટ એર ઓવન અથવા ફૂલો અને પર્ણસમૂહમાં રહેલ ભેજના પ્રમાણને ધ્યાને લઈ 30 થી 60 સેકન્ડ માઈક્રોવેવ ઓવનમાં રાખવાં.
(છ) ગ્લિસરીન વડે સૂકવણી (Glyceride drying) :
એક ભાગ ગ્લિસરીન અને બે ભાગ પાણી લઈ તેનું મિશ્રણ બનાવી કન્ટેઈનરમાં 10 થી 12 સે.મી. સુધી લેવું. આ મિશ્રણમાં 2 થી 3 અઠવાડિયા માટે ફૂલની દાંડી રાખવી અને ત્યારબાદ ફૂલોને લટકાવીને સૂકવવાં. આ રીત મેગ્નોલિયસ (Magnolius), બેલ્સ ઑફ આયરલેન્ડ (Bells of Ireland), જીપ્સોફિલા, ફોરસીથિયા (Forsythia) વગેરે ફૂલોની સૂકવણી માટે વધુ અનુકુળ છે.
સૂકાં ફૂલોમાં મૂલ્ય વર્ધન :
(1) રંગ પૂરવો – ટિન્ટિંગ/સ્ટેઈનિંગ (Tinting/staining) :-
સૂકાં ફૂલો અને પર્ણસમૂહ તેનું મૂલ્ય વધારવા અને સારો દેખાવ આપવા માટે રંગ ચઢાવવામાં આવે છે. બેન્કસિયા હૂકરિયાના ( Banksia hookeriana) , બી. પ્રાયોનોટસ (B. Prionotes) જેવા ઓસ્ટ્રેલિયાના છોડના પુષ્પસમૂહને સામાન્ય રીતે રંગનો ઓપ આપ્યા બાદ બજારમાં વેચવામાં આવે છે. રંગ મોટે ભાગે ગ્લિસરીન યુક્ત દ્રાવણમાં ઉમેરી છોડની સામગ્રીને કાયમી રંગ આપવામાં આવે છે. આ માટે સામાન્ય રીતે એક લિટર દ્રાવણ દીઠ 1.5 થી 5 મિ.લિ. રંગ વપરાય છે. રંગની માવજત બાદ છોડની સામગ્રીને છાંયામાં સૂકવવામાં આવે છે. છોડની સામગ્રી ઉપર 2 થી 3 સ્તરમાં રંગનો છંટકાવ કરીને ત્યારબાદ 10 થી 15 મિનિટ સૂકવવામાં આવે છે.
બ્લીચિંગ (Bleaching) :
છોડની સામગ્રી ઉપર રહેલ અનિચ્છિત રંગકણો અથવા કથ્થાઈ રંગ અથવા રંગ ઉડી ગયેલ હોય ત્યારે આ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. બ્લીચિંગમાં છોડની સામગ્રીને રંગીન બનાવવા માટે રંગનો ઉપયોગ કરવામાં આવે છે. બ્લીચિંગ એજન્ટ તરીકે હાઈપોક્લોરાઈટ, ક્લોરાઈટ, પેરોક્સાઈડ, સલ્ફાઈટ અને બોરોહાઈડ્રાઈડ વગેરે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે. સોડિયમ કલોરાઈડ એ ઉત્તમ બ્લીચિંગ એજન્ટ છે તે ઉપરાંત સોડિયમ પેરોક્સાઈડ પણ ઘણીવાર ઉપયોગમાં લેવાય છે. બ્લીચિંગ બાદ છોડની સામગ્રીને પીળાશ પડતી બનતી અટકાવવા માટે એક થી વધુ વાર બ્લીચ કરી બે ટકાના દ્રાવણ યુકત બેરિયમ હાઈડ્રોક્સાઈડ, કેલ્શિયમ હાઈડ્રોકસાઈડ સોડિયમ કાર્બોનેટ અથવા એલ્યુમિનિયમ સલ્ફેટમાં છેલ્લે ધોવા.
(3) સ્કેલેટોનાઈઝિંગ (Skeletonizing) :
આ રીત છોડનું માળખુ અથવા પાણીની નસો અને ભારે બાંધાવાળા પાન માટે વધુ અનુકુળ છે. પાનના માળખાને ચળકાટ આપી રંગીન બનાવવા માટે બ્લીચિંગ કરવામાં આવે છે.
(4) પેકેજિંગ (Packaging) :
સૂકાં ફૂલોના આભૂષણોને પેક કરવા માટે પૂંઠાના બૉક્સ, પ્લાસ્ટિક કે મીણયુક્ત પેપરવાળા કાર્ટન, ધાતુના ડબા અને થર્મોકોલ બૉક્સ વપરાય છે. કાર્ટન કે બૉક્સમાં સિલિકા જેલવાળા નાના પાઉચ મૂકવામાં આવે છે. જેથી તેમાં રહેલ ભેજ શોષી લે. પૅકેજિંગમાં વાપરવામાં આવેલ મટીરિયલ આકર્ષક હોવું જોઈએ અને તેમાં રાખેલ ચીજવસ્તુઓનું નામ, ઉત્પાદન તારીખ અને મેન્યુફેક્ચરનું નામ-સરનામું પેકિંગ ઉપર આપવું જોઈએ.
સૂકાં ફૂલોની મૂલ્ય વર્ધિત બનાવટો :
(1). આમંત્રણ કાર્ડ (Invitation card) :
ઊંચી ગુણવત્તા ધરાવતા પેપર એટલે કે આઈવરી શીટને આમંત્રણ કાર્ડના આકારમાં કાપી તેની ઉપર ચારે બાજુ સરખી જગ્યા છોડી વેલ્વેટ પેપર ચીપકાવવું, ત્યારબાદ 30 મિનિટ પછી ફૂલોની સૂકી પાંદડીઓ અને પાનને ગુંદર વડે ચોંટાડી કાચ નીચે 10 થી 15 મિનિટ દબાણ આપી રાખવા.
(2). દિવાલ પરની ફ્રેમ (Wall fram) :
આઈવરી શીટ ઉપર સૂકાં ફૂલો અને પાંદડાંને ચોંટાડી ગ્લાસ નીચે થોડા સમય માટે રાખવા ત્યારબાદ લાકડાની ફ્રેમમાં મઢીને દિવાલ ઉપર ફ્રેમ લટકાવવી.
(3) બૂક માર્ક (Book mark) :
2.5 થી 4 સે.મીની પહોળાઈ રાખી આઈવરી શીટને ઈચ્છિત લંબાઈ રાખી કાપવી. તેના ઉપર સૂકાં ફૂલો અને પાનને ચોંટાડી ગ્લાસ નીચે રાખી દબાણ કરવું. ત્યારબાદ સુંદર દોરી કે પટ્ટી (રિબિન) સાથે જોડવી.
(4) ફૂલોના આભૂષણો (Floral jewellery) :
મલેશિયા, થાઈલેન્ડ અને સિંગાપુરમાં ઓર્કિડના ફૂલોને સોના અને પ્લેટિનમનો ઓપ ચડાવીને સુંદર જ્વેલરી બનાવવામાં આવે છે જે ઘણી મોંઘી હોય છે. ભારતમાં પણ તુલસી, રૂદ્રાક્ષ, ઓર્કિડના ફૂલો વગેરેનો ઉપયોગ મોંઘા આભૂષણો બનાવવામાં થાય છે. તુલસી અને રૂદ્રાક્ષના મણકાની માળા સોના કે ચાંદીનો ઉપયોગ કરી બનાવાય છે.
(5) ફૂલોની બકેટ (Floral bouquet) :
બકેટમાં સૂકા ફૂલોના આભૂષણોને સુંદર રીતે ગોઠવવામાં આવે છે. બકેટમાં રેતી ભરી તેમાં સૂકાં ફૂલોની દાંડીને વિવિધ રંગની રિબિન સાથે આકર્ષક રીતે મૂકવામાં આવે છે.
(6) ફૂલો યુક્ત મીણબત્તી (Floral candles) :
મીણબત્તીની બહારની બાજુએ સૂકાં ફૂલો અથવા પાનથી સુશોભિત કરવામાં આવે છે. તેને વેક્સ પેપરમાં મૂકી તેને મીણથી આવરિત કરી મીણબત્તી બનાવાય છે.
(7). પોટ-પોરી (Pot-pourri) :

આ એક ખાસ પ્રકારની સૂકાં ફૂલોની ગોઠવણી છે કે જેમાં મીઠી સુગંધ આપતાં ફૂલોના આભૂષણો અને નિસ્યંદિત આવશ્યક તેલના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે. આ બનાવટમાં સામાન્ય રીતે ગુલાબ, લિલાક્સ, લવેન્ડર વગેરે ફૂલો ઉપયોગમાં લેવામાં આવે છે. આ રીતમાં એક ભાગના સૂકાં ફૂલોના આભૂષણોને એક ચમચી ઓરિસ રૂટ પાઉડર (Orris root powder) અને 9 થી 10 ટીપા આવશ્યક તેલમાં મિશ્ર કરી એક અંધારિયા ઓરડામાં 5 થી 6 અઠવાડિયા માટે હવાચુસ્ત કન્ટેઈનરમાં રાખવામાં આવે છે. ત્યારબાદ પારદર્શક પોલીથીન બેગમાં આવશ્યક તેલની નાની બોટલ સહિત ફેરબદલ કરવામાં આવે છે. પછી રંગીન રિબિન વડે સુંદર ગાંઠ લગાવી તૈયાર કરવામાં આવે છે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, ઓક્ટોબર 2018
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

