અનાજ સંગ્રહ એક એવી પ્રક્રિયા છે કે જેમાં સૂકવેલા કે કાચા માલને સૂક્ષ્મજીવોથી નુકસાન ન થવા પામે તે રીતે સંગ્રહવામાં આવે છે.ભેજ,સૂક્ષ્મજીવોે અને જીવાતોથી અનાજને બચાવવા માટે તેનો યોગ્ય સંગ્રહ કરવો એ જ એક મહત્ત્વનો ઉપાય છે.જો રોગ કે જીવાતોનો હૂમલો થાય તો અનાજની અંકુરિત થવાની ક્ષમતા નાશ પામે છે જેથી તેને સારી રીતે સૂકવીને કન્ટેનર કે શણના કોથળાઓમાં સંગ્રહ કરવો જોઇએ.લીમડાના પાનનો ઉપયોગ તેમાં રહેલ આલ્કલોઇડને કારણે જીવાતોનો ઉપદ્રવ અટકાવે છે.
અનાજ બગડવાના લક્ષણોઃ
(૧) ભેજમાં વધારો
(૨) ગરમીમાં વધારો
(૩) ઓકસીજનની માત્રામાં અચાનક વધારો થવો
(૪) જુદો જુદો દેખાવ
(૫) રંગોમાં ફેરફાર
(૬) બનાવટમાં પરિવર્તન
(૭) અપ્રિય ગંધ કે ખરાબ સ્વાદ
(૮) ઉત્પાદન ઉપર મોલ્ડની હાજરી
ભારત દેશમાં અનાજના સંગ્રહ દરમ્યાન થતો ઘટાડો ઓછો કરવો આવશ્યક છે.હાલ ભારતમાં સંગ્રહ દરમ્યાન ૧૦ ટકા જેટલો ઘટાડો થાય છે જે અન્ય દેશોની સરખામણીએ ઘણો વધુ છે.દેશમાં ઉત્પાદન થતા ૬૦ થી ૭૦ ટકા અનાજનો જથ્થો ઘરગથ્થુ રીતે સંગ્રહવામાં આવે છે.અનાજનો સંગ્રહ બેગોમાં કરવામાં આવે છે.વેપારીઓ ધ્વારા તેમજ સરકારી ગોદામોમાં જથ્થાબંધ અનાજનો સંગ્રહ બેગોની થથ્પીઓ બનાવી કરવામાં આવે છે.અનાજના સંગ્રહ માટે ત્રણ જાતની પદ્ધતિઓનો ઉપયોગ થાય છે.
(૧) પરંગપરાગત સંગ્રહઃવખાર,કોઠીઓ,બેગ,ગોદામો વગેરે
(૨) સારી રીતે સંગ્રહઃપુસાબીન,ઇંટ અને સિમેન્ટથી બનાવેલ કોઠીઓ
(૩) આધુનિક સંગ્રહઃસાયલો, શેડ (ગોદાખો)
નાના ખેડૂતો મોટે ભાગે પરંગપરાગત રીતે અનાજનો સંગ્રહ કરે છે.આધુનિક રીતે અનાજનો સંગ્રહ વિવિધ ક્ષમતા ધરાવતા સાયલોમાં કરવામાં આવે છે. અનાજ સંગ્રહ મટેના ભારતીય માનકો કોઠા-1 માં દર્શાવેલ છે.
કોઠા-૧:સુરક્ષિત સંગ્રહ માટે ભેજનું મહત્તમ પ્રમાણ (ટકા)
| કૃષિ પેદાશ | ભેજના ટકા |
| અનાજ,ચોખા | ૧૪ |
| ઘઉં,ચણા | ૧૨ |
| જુવાર બાજરી મકાઇ જવ, | |
| રાગી, હળદર, લોટ, મેંદો, બેસન | ૧૨.૫ |
| ધાણા,મરચાં | ૧૦ |
| મગફળી | ૬થી૭ |
| સરસવ | ૫થી૬ |
કોઠા-૨: અનાજ સંગ્રહ માટેના ભારતીય માનકો
| ક્રમ | આઇએસ (IS) | સંચરના (બનાવટ) |
| ૧ | ૬૦૭-૧૯૭૨ | બેગવાળી અનાજ સંગ્રહની રચના |
| ૨ | ૮૪૫૩-૧૯૭૭ | ડબા,માટી પોલીથીનમાં અનાજ સંગ્રહ કરવાની રચનાઓ |
| ૩ | ૭૭૧૫-૧૯૭૫ | અનાજના સુરક્ષિત સંગ્રહ માટેની ડબાની રચના |
| ૪ | ૬૦૦-૧૯૫૫ | વખાર-અનાજ સંગ્રહ માટેની રચના |
| ૫ | ૫૮૨૬-૧૯૭૦ | અનાજ સંગ્રહ માટે ફલૈટ સંગ્રહ રચના |
| ૬ | ૬૨૦૧-૧૯૭૧ | ફલેટ સ્ટોરેજ સ્ટ્રકચર |
| ૭ | ૬૦૧-૧૯૫૫ | કોઠાર-ગ્રામીણ અનાજ સંગ્રહ માટેની બનાવટ |
| ૮ | ૬૦૨-૧૯૬૯ | અનાજ સંગ્રહ કરવા માટે સાયલોનું નિર્માણ |
| ૯ | ૫૫૦૩-૧૯૭૩ | અનાજની હેરફેર માટેના સાધનો અને સહાયક સાધનો |
| ૧૦ | ૭૧૭૪-૧૯૭૦ | ઘરગથ્થુ સંગ્રહ માટે સ્ટીલના ડબા |
| ૧૧ | ૫૬૦૬-૧૯૭૦ | અનાજ સંગ્રહ માટે સ્ટીલના ડબા |
| ૧૨ | ૬૧૫૧-૧૯૭૧ | કૃષિ ઉત્પાદનના સંચાલન અને સંગ્રહ માટેની સામાન્ય દેખરેખ |
| ૧૩ | ૬૦૩-૧૯૬૦ | ભૂમિગત ગ્રામીણ અનાજ સંગ્રહની સંરચના |
પર્યાવરણના પરિબળોની સંગ્રહ પર અસરઃ
લાંબા ગાળાના સંગ્રહ માટે ઉત્પાદનની ગુણવત્તા જાણવાઇ રહે તે માટે પર્યાવરણીય પ્રકિયા ધીમી હોવી જોઇએ કે બંધ રહેવી જોઇએ તો જ અનાજ સુરક્ષિત રહી શકે.અનાજ સંગ્રહ દરમ્યાન બગાડ થવા માટે નીચેના પાંચ પરિબળો જવાબદાર છેઃ
(૧) સમય
(૨) તાપમાન અને આદ્રતા
(૩) ભેજ
(૪) ઓકસીજન
(૫) પ્રકાશ
અનાજના સંગહ દરમ્યાન કે ત્યારબાદ ઉપરોકત પરિબળોની સંયુકત અસરથી કોઇવાર નુકસાન થવા પામે છે તે સિવાય જીવાતો અને મોલ્ડ યીસ્ટ કે જીવાણુ જેવા સૂક્ષ્મજીવોનો વિકાસ થતાં સમય પહેલાં બીજનું અંકુરણ થાય છે.સામાન્ય રીતે આ પાંચે પરિબળો અધિક પ્રમાણમાં હોય તો અનાજ જલ્દીથી બગાડી જાય છે સુરક્ષિત સંગ્રહ માટે કેટલો મહત્તમ ભેજ જરૂરી છે તેની વિગત કોઠામાં દર્શાવેલ છેઃ
સંગ્રહ માટે ધ્યાનમાં રાખવાના મુદાઓઃ
(૧) અનાજમાં થોડો પણ ભેજ હોય તો તેને બરાબર સૂકવો.
(૨) અનાજને જમીનથી ઉપર રાખો.
(૩) જો બારીઓ બંધ હોય તો તેને ખોલી નાખો જેથી અંદરની ગરમ હવા બહાર નીકળી જાય.
(૪) અનાજને ખરાબ થતું અટકાવવા માટે વારંવાર તેની તપાસ કરો જેથી તેની ગુણવત્તા જળવાઇ રહે.
અનાજ સંગ્રહના લાભો :
(૧) અનાજનો સંગ્રહ કરવાનો સાચો રસ્તો તેનો સંગ્રહ કરતી વખતે તાપમાન ઓછુ રાખવું તે છે જેથી અનાજનો લાંબો સમય સાચવી શકાય.
(૨) જો શકય હોય તો સ્ટોરેજનું ઉષ્ણતામાન ૨૫0 સે. થી ઓછું રાખવું જોઇએ સ્ટોરેજના રૂમમાં સાપેક્ષ ભેજનું પ્રમાણ ૧૫ ટકાથી ઓછું હોવું જોઇએ.ખાસ કરીને અનાજના બિયારણના સંગ્રહ માટે તે જરૂરી છે.
(૩) અનાજના સંગ્રહમાં ભેજની ટકાવારી ઓછી હોય તો તેનું જીવન બમણું થઇ જાય છે.અનાજમાં ભેજનું પ્રમાણ ૫ થી ૧૪ ટકા હોય તો તે સારૂ ગણાય છે.
(૪) અનાજનો સંગ્રહ કરી તેનું સારી રીતે પરિવહન કરી શકાય છે.
(૫) સંગ્રહ માટેનું ભાડુ ઓછુ હોય છે.
(૬) શ્રમની આવશ્કયતા ઓછી રહે છે.
(૭) પેદાશની હેરફેર ઝડપથી કરી શકાય છે.
(૮)સંગ્રહ માટેની કામગીરી કુશળતાથી અને અસરકારક રીતે કરી શકાય છે.
(૯) સંગ્રહ માટે જમીનની ઓછી જરૂર પડે છે.
(૧૦) વાયુમંડળ ઉપર પૂરૂ નિયંત્રણ રહે છે.
(૧૧) લાંબા સમય સુધી અનાજનો સંગ્રહ કરી શકાય છે.
(૧૨) થોડા સમય માટે પણ અનાજનો સંગ્રહ કરી શકાય છે.
સંદર્ભઃ ખેતી,મે-૨૦૨૨
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

