કોઈપણ રાજ્યના કૃષિ વિકાસમાં ફળો અને શાકભાજીનો ફાળો અગત્યનો છે. વર્તમાન સમયે વૈવિધ્યકરણના આયોજનમાં ફળો અને શાકભાજી ઉપર નોંધપાત્ર ધ્યાન આપવામાં આવે છે. તેના કારણે મોટા ભાગના રાજ્યોમાં ફળો અને શાકભાજીના વાવેતર વિસ્તારમાં વધારો થવા પામેલ છે. અર્થકરણના ઝડપી વિકાસને કારણે તેમજ લોકોની ખોરાકની ટેવામાં ફેરફાર થતાં ફળો અને શાકભાજીનો વપરાશ આહારમાં વધવા પામેલ છે. ફળો અને શાકભાજીના ઉત્પાદન અને માર્કેટિંગમાં પડતી મુશ્કેલીઓ અંગેનો એક સંશોધન અભ્યાસ પંજાબ ખાતે હાથ ધરવામાં આવેલ. તેના સર્વેમાં ખેડૂતોએ જણાવેલ મુશ્કેલીઓની વિગતો અત્રે દર્શાવેલ છે.
(ક) ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં પડતી મુશ્કેલીઓ :
કૃષિ ઉત્પાદન મેળવવામાં પડતી મુશ્કેલીઓમાં ખેતરના કદ પ્રમાણે વિવિધતા જોવા મળેલ. નાના ખેડૂતોને મોટા ખેડૂતો કરતાં ઉત્પાદન મેળવવામાં વધુ મુશ્કેલી પડી હતી. ખેડૂતોની મોજણી દરમ્યાન કૃષિ ઉત્પાદન મેળવવામાં પડતી મુશ્કેલીઓની વિગતો અત્રે દર્શાવેલ છે.
(૧) નવીન તાંત્રિકતાની ખામી : ફળ અને શાકભાજી ઉત્પાદનની તાંત્રિકતાની માહિતી અપુરતી હોઈ તેના ઉત્પાદનમાં કોઈ નોંધપાત્ર સુધારો થઈ શક્યો નથી. ખેડૂતોમાં નવીન તાંત્રિકતાની માહિતીનો અભાવ હોઈ ઓછો નફો મળે છે.
(ર) ઈનપુટસની ઊંચી કિંમત : ખેડૂતો રાસાયણિક ખાતરો, સેન્દ્રિય ખાતરો, ફૂગનાશકો, જંતુનાશકો વગેરેનો ઉપયોગ કરે છે તેની કિંમતો ઘણી ઊંચી છે એટલે ખેડૂતોએ ઈનપુટસ માટે વધુ ખર્ચ કરવો પડે છે. ઈનપુટસની ઊંચી કિંમતની સરખામણીએ ઉત્પાદનમાં ભાવ ઘણા ઓછા મળે છે. મજૂરીનો દર પણ ઘણો વધુ છે.
(૩) અન્ય પાકની સરખામણી કરતાં ફાયદો ઓછો : ઘઉં અને ડાંગર જેવા ખેતીપાકોમાં વપરાતી તાંત્રિકતા ફળ અને શાકભાજીના પાકો કરતા વધુ અદ્યતન છે. તેથી ફળ અને શાકભાજી કરતા તે પાકોમાં વધુ ફાયદો થાય છે.
(૪) સરકારી નીતિનો અભાવ : ઘઉં અને ડાંગર જેવા પાકોમાં સરકારની નીતિ જાહેર થયેલી હોય છે. તે મુજબ તે પાકોના ઉત્પાદન માટે સરકાર ઓછામાં ઓછા ટેકાના ભાવ (એમએસપી-મિનિમમ સપોર્ટ પ્રાઈસ) જાહેર કરે છે જેથી ઉત્પાદનના ભાવ માટેની બાંહેધરી મળે છે તે પ્રમાણેની બાંહેધરી ફળો અને શાકભાજીના ભાવો માટે મળતી નથી.
(પ) ખેતરનું કદ : ફળ અને શાકભાજીના ઉત્પાદન પર ખેતરના કદની સીધી અસર જોવા મળે છે. નાના કદના ખેતરો બિનઅર્થક્ષમ હોઈ ઓછું ઉત્પાદન આપે છે.
(ખ) ફળો અને શાકભાજીના માર્કેટિંગમાં પડતી મુશ્કેલીઓ :
ફળ અને શાકભાજી પેદા કરનાર ખેડૂતો માર્કેટિંગની આધુનિક પદ્ધતિઓથી અજાણ હોઈ તેમજ માર્કેટિંગના માળખા પર તેમનો કોઈ કાબૂ ન હોઈ સફળ થતા નથી. માર્કેટિંગમાં પડતી મુખ્ય મુશ્કેલીઓની વિગત અત્રે દર્શાવેલ છે.
(૧) બજારમાં સંકળાયેલ એક કરતા વધુ પદાધિકારીઓ / વચેટીયાઓ / કાર્યકરો : કાપણી પહેલા કોન્ટ્રાકટ કરતા કોન્ટ્રાકટરો, કમિશન એજન્ટો, હોલસેલર્સ, રીટેલર્સ, માર્કેટિંગ ક્ષેત્રે કામગીરી કરતા કાર્યકરો કે વેચેટીયાઓ વગેરે ફળ અને શાકભાજીના બજાર સાથે સંકળાયેલા છે. વચેટીયાઓ તાજા ફળો-શાકભાજીના માર્કેટિંગમાં અન્યાયી અને શોષણકારી પ્રવૃત્તઓ કરે છે. વચેટીયાઓ ખેડૂતો કરતા વધુ ઊંચા ભાવે ગ્રાહકોને વેચાણ કરી ખેડૂતો કરતાં વધુ નફો રળે છે.
(ર) વાહનવ્યવહારમાં મુશ્કેલી : વાહનવ્યવહારની અપુરતી સવલત છે. પાકા રોડ હોવા છતાં ખેડૂતોએ કે વેચાણ કરનારે વધુ ઊંચા ભાવો વાહનો માટે ચૂકવવા પડે છે. વાહનોના ભાડા ઊંચા છે. ચોમાસાની ઋતુમાં વાહનવ્યવહારમાં મુશ્કેલી રહે છે.
(૩) ખરીદકર્તા એજન્સી દ્વારા માલનો અસ્વિકાર કરવો : ફળ અને શકભાજીનું ઉત્પાદન જલ્દીથી બગડી જાય તેવું હોઈ કેટલીકવાર ઉત્પાદન બગડી જવાને કારણે કે યોગ્ય રીતે ગ્રેડિંગ કરવામાં આવેલ ન હોય તો ખરીદકર્તા એજન્સી આવા માલનો ઉપાડ કરવા તૈયાર થતી નથી. આવી પરિસ્થિતિમાં ખેડૂતોનો ઘણી મોટી ખોટ જાય છે અને ઉત્પાદનના ભાવો પણ ઓછા મળે છે.
(૪) માળખાકીય સવલતોની ખામી : તાજા ઉત્પાદન બાદ તેની કાપણી પછીની પ્રક્રિયા માટેની માળખાકીય સવલતોનો અભાવ જોવા મળે છે જેથી નાના ખેડૂતો પોતાની પેદાશ દૂરના બજાર સુધી મોકલી શકતા નથી.
(પ) નાણાંકીય મુશ્કેલી : ખેડૂતોને નાણાંકીય મુશ્કેલી રહેતી હોય છે. એજન્સી મારફતે ધિરાણ તરીકે નાણાં મળે તેવી યોગ્ય સવલતો નથી અને હોય તો તેઓ ઊંચા વ્યાજ દરે ધિરાણ કરતી હોય છે જે ખડૂતોને પોષાય તેમ નથી.
(૬) કોલ્ડ સ્ટોરોજનો અભાવ : ફળો અને શાકભાજીની જીવન મર્યાદા ઘણી ઓછી એટલે કે મર્યાદિત હોઈ નજીકના બજારો કે વપરાશકારો સુધી માલ પહોંચાડવામાં મુશ્કેલી પડે છે. આ ઉપરાંત કોલ્ડ સ્ટોરેજ અને કૂલ ચેઈન સવલતોના અભાવને કારણે પણ તેનો લાંબા સમય માટે સંગ્રહ થઈ શકતો નથી. બજારમાં ઓછા ખર્ચે સંગ્રહ કરી શકાય તેવી કોઈ સવલત નથી. આ કારણોસર ખેડૂતોએ અપેક્ષા કરતા નીચા ભાવે પોતાનો માલ વેચી નાખવો પડે છે. ઉત્પાદનની સરખામણીએ તેના સંગ્રહ માટેની સવલતો ઘણી ઓછી છે.
(૭) પ્રોસેસિંગ ઉદ્યોગોની ખામી : ફળ અને શાકભાજી એ પ્રોસેસિંગ ઉદ્યોગો માટેનો કાચો માલ છે. પ્રોસેસિંગ ઉદ્યોગોના અભાવને કારણે ઉત્પાદિત માલના જથ્થાનું પ્રાસેસિંગ થઈ શકતું નથી.
(૮) ખેડૂતોમાં એકતા અને સંગઠનનો અભાવ : ખેડૂતોમાં એકતા અને સંગઠનનો અભાવ છે. તેના કારણે ખેડૂતોના કલસ્ટર જૂથો કે સહકારી મંડળી બનાવી શકાતી નથી જે એક મોટો અવરોધ છે.
(૯) પોતાનો માલ એકજ એજન્સીને વેચવા માટેની બાંહેધરી : ખેડૂતો પોતાનો માલ ઊંચા નૂર દરને કારણે ઈચ્છિત બજારમાં વેચી શકવા સક્ષમ નથી. ફળ અને શાકભાજીના ઉત્પાદનમાં મોટી વધ-ઘટ જોવા મળતી હોઈ તેના વેપારમાં પણ મુશ્કેલી પડે છે. નાના અને ગરીબ ખેડૂતોએ લોન લીધેલી હોય તે જ એજન્સીને પોતાનો માલ વેચી દેવો પડે છે.
(૧૦) બિનઅસરકારક અને અપૂર્ણ બજાર : બજારમાં વચેટીયાઓ મારફતે ફળ અને શાકભાજીની પેદાશના ભાવ કે ઓકશન નક્કી કરવામાં ખોટી રીતરસમો અજમાવાય છે જેના કારણે ખેડૂતોને ઓછા ભાવ મળે છે અને ગ્રાહકોએ વધુ ભાવ ચૂકવવા પડે છે.
(૧૧) ઘરેલું બજારમાં ગ્રાહકલક્ષી પેકિંગનો અભાવ : પાકની કાપણી પહેલાં અને પછી તેની પેદાશની યોગ્ય હેરફેરના અભાવે માલ ગ્રાહક પાસે પહોંચે ત્યાં સુધીમાં આશરે ર૦ થી ૪૦ ટકા જેટલી પેદાશનો બગાડ થાય છે.
(૧ર) બિનકાર્યક્ષમ એગ્રિ એક્ષપોર્ટ ઝોન : દશ વર્ષ પહેલાં એગ્રિ એક્ષપોર્ટ ઝોનની શરૂઆત કરેલ તેમ છતાં સામાજીક અને રાજકીય કારણોસર પૂર્ણ રીતે તે કાર્યશીલ નથી જેના કારણે તેના સંપૂર્ણ ફાયદાઓ ખેડૂતોને મળી શકયા નથી.
ફળો અને શાકભાજીના ઉત્પાદન અને બજારમાં પડતી મુશ્કેલીઓના નિવારણ માટેના કેટલાક સૂચનો :
- વૈજ્ઞાનિક ભલામણ મુજબ તાંત્રિકતાઓ અપનાવવી જોઈએ તો જ ખેડૂતોને ઉત્પાદનનું યોગ્ય વળતર મળે અને ગ્રાહકોને સંતોષકારક પેદાશ મળે. ખેડૂતોને ફળ અને શાકભાજીનું વૈજ્ઞાનિક રીતે તાંત્રિક જ્ઞાન મળી રહે તે માટે ખાસ પ્રકારના વર્કશોપ, સેમિનાર અને તાલીમ કેમ્પો યોજવા જોઈએ.
- નાફેડ, માર્કફેડ જેવી સરકારી એજન્સીઓએ ખેડૂતો પાસેથી માલ ખરીદવો જોઈએ અને ખેડૂતોએ ગ્રાહકોને સીધો માલ વેચવો જોઈએ.
- ખેડૂતોએ ભેગા મળી સહકારી માર્કેટિંગ સોસાયટી રચવી જોઈએ કે જે માર્કેટિંગની તમામ બાબતોને સંભાળે તેના લીધે વચેટીયાઓ નીકળી જતાં ખેડૂતોને ગ્રાહકો પાસેથી સારા ભાવ મળે.
- ખેડૂતોને વિવિધ બજારોના રોજેરોજના ભાવોની વિગત નિયમિત રીતે મળી રહે તેવી વ્યવસ્થા ગોેઠવવી જોઈએ જેથી જે બજારમાં ઊંચા ભાવો મળે તે બજારમાં પોતાનો માલ વેચી વધુ વળતર મેળવી શકાય.
- યોગ્ય હરાજી કે બીડ પદ્ધતિ સ્થાપવી જોઈએ કે જેથી ખેડૂતોને હરિફાઈ થતાં ઊંચા ભાવો મળી શકે.
- ફળ-શાકભાજીનો જથ્થો એક સાથે ઉત્પાદિત થતો હોઈ તે સમયે તેનો સંગ્રહ કરવા માટે જાહેર સ્ટોરેજની સવલતો ઊભી કરવી જોઈએ કે જેથી વધુ સારૂં વળતર ખેડૂતોને મળી રહે.
- ફળ અને શાકભાજીનું પ્રોસેસિંગ કરી અન્ય દેશોમાં તેની નિકાસ કરવી જોઈએ કે જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેની માંગ પેદા થાય.
- દૂરના બજારો સુધી માલ પહોંચાડવા માટે પુરતી વાહનવ્યવહારની સવલતો ઊભી કરવી જોઈએ કે જેથી ખેડૂતોને પોતાની પેદાશના આર્થિક ભાવ મળી રહે. દૂરના બજારો સુધી માલ મોકલવા માટે વાહનવ્યવહાર ખર્ચમાં ઘટાડો કરવા માટે ખેડૂતોને સબસિડી/સહાય આપવી જોઈએ
- બજારના સ્થળે ખેડૂતો માટે આરામઘર, શેડ, પાર્કિંગની જગ્યા, પીવાના પાણીની સવલત તેમજ રાહત દરે નાસ્તો આપવાની વ્યવસ્થા પુરી પાડવી જોઈએ.
- ખેતીમાં ઈનપુટસની ખરીદી માટે ખેડૂતોને ધિરાણની સવલત પુરી પાડવી જોઈએ જેથી પોતાનો માલ નીચા ભાવે વેચવાની જરૂર ન પડે.
- પાકની કાપણી, સફાઈ, ગ્રેડિંગ વગેરે માટે કુશળ મજૂરો અને સારા નિરીક્ષણની જરૂરિયાત છે કે જેથી ઉત્પાદનમાં થતો ઘટાડો નિવારી શકાય.
- પાકના ઉત્પાદન સ્થળને બજાર સાથે જોડવું જોઈએ કે જેથી યોગ્ય પૂરવઠા સાંકળની વ્યવસ્થા થઈ શકે.
- બજારમાં થતી અન્યાયી રમતો જેવી કે વજનમાં ચોરી, ગ્રેડિંગમાં ચોરી અને હરાજીમાં વિલંબ વગેરે ઉપર ચાંપતી નજર રાખવા માટે બજારના પદાધિકારીઓ અને ફળ તથા શાકભાજી ઉગાડનાર ખેડૂતોના સભ્યોની એક ખાસ ટુકડીની રચના કરવી જોઈએ.
- ખાનગી કંપનીઓએે પોતાના શોરૂમ શરૂ કરવા જોઈએ જેવા કે હરિયાળી કિસાન બજાર, ઈઝી ડે વગેરે. કંપનીઓએ ખેડૂતો સાથે કોન્ટ્રાકટ ફાર્મિંગ અંગેના કરાર કરી પેદા થતો માલ ખરીદી લેવો જોઈએ જેથી બજારની સમસ્યાઓનો સામનો ખેડૂતોને કરવો ન પડે.
જો ઉપરોક્ત સૂચનો અમલ કરવામાં આવે તો ખેડૂતોને ફળો અને શાકભાજીના ઉત્પાદન અને બજાર અંગે પડતી મુશ્કેલીઓનું નિવારણ કરી શકાય તેમ છે.
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

