બયોફોર્ટિફિકેશન અંગેનો વિચાર સને ૧૯૬૬ થી ૧૯૮૫ દરમ્યાન હરિયાળી ક્રાંતિના સમયમાં આવેલ. સને ૧૯૯૦ ની શરૂઆતમાં સૂક્ષ્મતત્વોના કુપોષણના નિવારણ માટે હાવર્થ બોઇસ નામના અર્થશાસ્ત્રીએ બાયોફોર્ટિફિકેશન ઉપર કાર્ય કરવાની શરૂઆત કરેલ. સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપ સામાન્ય છે જે અંગેના એક અંદાજ મુજબ દુનિયાની કુલ વસ્તીનો ત્રીજો ભાગ મુખ્યત્વે વિટામિન એ અને સી તથા આયર્ન જેવા ખનીજોની ઉણપથી પીડાય છે.
ભારતમાં અંદાજે ૪૮૦ લાખ લોકો કુપોષણથી પીડાય છે.ભારતમાં કુપોષણ એ માનવના વિકાસ અને બાળ મુત્યુ દર ઉપર અસર કરે છે. કન્સલ્ટેટિવ ગૃપ ઓન ઇન્ટરનેશનલ એગ્રિકલ્ચર રિસર્ચ (CGIAR) ના સહકારથી હાર્વેસ્ટ પ્લસપ્રોગ્રામ થકી વિશ્વમાંની સંસ્થાઓના ૭૦ જેટલા સંશોધન પાર્ટનરો સાથે મળી બાયોફોર્ટિફાઇડ પાકોના વિકાસ અંગેનું સંશોધન અને સુધારણા અંગેનું કાર્ય કરે છે. ખાસ કરીને શાકાહારી લોકો માટે બાયોફોર્ટિફાઇડ પાક જેવા કે આયર્ન રાઇસ અને ગોલ્ડ રાઇસ મહત્વના છે કારણકે મોટા ભાગના ભારતીય લોકો પોતાને જોઇતા સૂક્ષ્મ પોષકતત્વો અને વિટામિનો પાકમાંથી મેળવી શકે. જો આપણે છોડમાં રહેલ પોષકતત્વોના પ્રમાણમાં થોડા પ્રમાણમાં પણ વધારો કરી શકીએ તો તેની વધુ સારી અસર લોકોના સ્વાસ્થ્ય ઉપર થશે.
બાયોફોર્ટિફિકેશન એટલે :
બાયોફોર્ટિફિકેશનનો મુખ્ય હેતુ એવા ખાદ્ય પાકોનો વિકાસ કરવાનો છે કે જે પ્રોવિટામિન-એ, આયર્ન અને ઝિન્ક જેવા સૂક્ષ્મ પોષકતત્વો ધરાવે અને પોષણના પ્રમાણમાં નોંધપાત્ર વધારો કરે તે છે.
બાયોફોર્ટિફિકેશન પદ્ધતિ :
આ માટેની મુખ્ય ત્રણ પદ્ધતિઓ છે.
(૧) સસ્યવિજ્ઞાનની પદ્ધતિઓ ધ્વારા :
આ પદ્ધતિમાં સૂક્ષ્મતત્વોની ઉણપ હોય તેવી જમીનમાં રાસાયણિક ખાતરો આપવાં કે જેથી પાકને જોઇતાં સૂક્ષ્મ પોષકતત્વો/ખનીજો પુરતા પ્રમાણમાં મળી રહે.
(૨) પાક સુધારણા ધ્વારા :
આમાં કુદરતી રીતે વધુ પોષણ મૂલ્ય ધરાવતા પાકોની વધુ પાક ઉત્પાદન આપતી પાકની જાત જોડે સંકરણ કરી પાક સુધારણા કરવામાં આવે છે. આ રીતે પેદા થતી સંકર જાતના પોષણ મૂલ્યની પોષણશાસ્ત્રીઓ ધ્વારા ચકાસણી કરવામાં આવે છે અને તેના સંગ્રહ, પ્રોસેસિંગ અને કૂકિંગ પર થતી અસરો જોવામાં આવે છે.
(૩) જનીનિક ઇજનેરી ધ્વારા :
પાકની અંદર તે જે પાકની જંગલી જાતના જનીનને દાખલ કરી ચોક્કસ પોષતત્વોના ઉત્પાદનમાં વધારો થાય તેવા પ્રયત્નો કરવા. વિવિધ પ્રકારના જનીન વિવિધ પોષકતત્વો માટે જવાબદાર હોય છે તેનો ઉપયોગ કરી પાકને પોષકતત્વોથી સમૃદ્ધ બને તેવા પ્રયાસો કરવા. આ માટેનું એક ખાસ ઉદાહરણ છે ડાંગરની જાત-ગોલ્ડન રાઇસ (સોનેરી ડાંગર)કે જે વિટામિન-એના પુરોગામી બીટા-કોરોટીનથી સમૃદ્ધ છે.
બાયોફોર્ટિફિકેશનના ઉદાહરણ :
ખાદ્ય પાકોમાં બાયોફોર્ટિફિકેશન કરવામાં આવેલ તેવા પાકોના ઉદાહરણ અત્રે દર્શાવેલ છેઃ
(૧) આયર્ન બાયોફોર્ટિફિકેશન :ડાંગર, શક્કરીયાં, કઠોળ, ટેપિઓકા.
(૨) ઝિન્ક બાયોફોર્ટિફિકેશન : ડાંગર, ઘઉં, શક્કરીયા, મકાઇ, કઠોળ
(૩) પ્રોવિટામિન-એ-કેરોટીનોઇડ બાયોફોર્ટિફિકેશન : ટેપિઓકા,મકાઇ, શક્કરીયાં.
(૪) એમિનો એસિડ અને પ્રોટીન બાયોફોર્ટિફિકેશન : ટેપિઓકા, જુવાર.
બાયોફોર્ટિફિકેશન લાભો :
ભારતમાં મહારાષ્ટ્ર રાજ્યમાં ઊંચા પ્રમાણમાં આર્યન અને ઝિન્ક ધરાવતી બાજરીની બાયોફોર્ટિફાઇડ જાતોનું વિશાળ પાયે વાવેતર થાય છે. એક અભ્યાસ મુજબ આ નવી બાજરીએ નોંધપાત્ર પ્રમાણમાં આયર્ન અને ઝિન્ક ખોરાકમાં પુરૂ પાડેલ છે. આર્યન ફોર્ટિફાઇડ બાજરીએ શાળાએ જતાં બાળકોના આર્યન સ્ટેટસમાં સુધારો દર્શાવેલ છે.
- ટુંકા સમયમાં ઝડપી રીતે મોટી વસ્તીને પોષણના લાભો આપી શકાય છે.
- ગરીબો અને તગંવર એમ બંનેને સાંકળી લઇ વધુ ખોરાકમાં લેવાતા પાકોમાં ફોર્ટિફિકેશન ધ્વારા પાકોમાં પોષણનું સ્તર સુધારી શકાય છે.
- જે લોકોના ખોરાકમાં સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપ હોય તેવા લોકોને ફોર્ટિફાય ખોરાક આપી તેની ઉણપ દૂર કરી શકાય છે.
- ભારત જેવો દેશ કુપોષણના પડકારોનો સામનો કરી રહ્યો છે તેના માટે બાયોફોર્ટિફિકેશન એ ટકાઉ અને ઓછા ખર્ચે અસરકારક પદ્ધતિ છે કે જે આ પડકારનો સામનો કરી શકે છે.
- ઘણા લોકો પોતાના આહારમાં પુરતા પોષકતત્વો લઇ શકતા નથી અને છૂપી ભૂખ (હિડન હંગર) થી પીડાય છે જે ઝિન્ક અને આયર્ન જેવા સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપથી પેદા થાય છે. આ છૂપી ભૂખને બાયોફોર્ટિફાઇડ ખાદ્ય પાકોનાં ઉપયોગથી દૂર કરી શકાય છે.
બાયોફોર્ટિફિકેશનના પડકારો :
ભારતમાં દૈનિક આહારમાં બાયોફોર્ટિફાઇડ ખાદ્ય પાકોના ઉપયોગની શરૂઆત કરાતાં કેટલાક પડકારો ઊભા થવા પામેલ છે જેવા કે
- દાણાનો રંગ બદલાવાના કારણે લોકો ખોરાક તરીકે તેનો ઉપયોગ કરવામાં હિચકાટ અનુભવે છે કે આનાકાની કરે છે જેમ કે સોનેરી ચોખા (ગોલ્ડ રાઇસ)
- ખેડૂતો મોટા પાયે આવા પાકો ઉગાડે તે પણ એક પડકાર છે.
- તેને અપનાવવા માટે શરૂઆતમાં કરવો પડતો ખર્ચ પણ એક કારણ છે.
બાયોફોર્ટિફાઇડ જાતો :
(ક) ડાંગર :
(૧) સીઆરધાન ૩૧૦ : તેના પોલીશ કરેલ ચોખા ૧૦.૩ ટકા પ્રોટીન ધરાવે છે તેની સરખામણીએ પ્રખ્યાત જાતો ૭ થી ૮ ટકા પ્રોટીન ધરાવે છે.
(૨) ડીઆરઆર ધાન ૪૫ : તેના પોલીશ કરેલ ચોખા ૨૨.૬ પીપીએમ ઝિન્ક ધરાવે છે તેની સરખામણીએ પ્રખ્યાત જાતો ૧૨ તી ૧૬ પીપીએમ ઝિન્ક ધરાવે છે.
(૩) ઝિન્કોરાઇસ એમએસ : તેના પોલીશ કરેલ ચોખા ૨૭.૪ પીપીએમ ઝિન્ક ધરાવે છે તેની સરખામણીએ પ્રખ્યાત જાતો ૧૨ થી ૧૬ પીપીએમ ઝિન્ક ધરવે છે.
(ખ) ઘઉં :
પુસા તેજસ (એચઆઇ ૮૭૫૯) ડયુરમ : આ જાત ૧૨ ટકા પ્રોટીન, ૪૧.૧ પીપીએમ આયર્ન અને ૪૨.૮ પીપીએમ ઝિન્ક ધરાવે છે તેની સરખામણીએ પ્રખ્યાત જાતો ૮ થી ૧૦ ટકા પ્રોટીન, ૨૮ થી ૩૨ પીપીએમ આયર્ન અને ૩૦ થી ૩૨ પીપીએમ ઝિન્ક ધરાવે છે.
(ગ) મસુર :
પુસા અગેતી મસુર : આ જાત ૬૫ પીપીએમ આયર્ન ધરાવે છે તેની સરખામણીએ પ્રખ્યાત જાતો ૪૫ થી ૫૦ પીપીએમ આયર્ન ધરાવે છે.
સ્ત્રોતઃ ઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, જાન્યુઆરી-૨૦૨૨
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

