વિશ્વમાં આધુનિક યાત્રા માટે વિમાનનો ઉપયોગ થાય છે જે દરેક રીતે સુરક્ષિત છે. તો પણ કેટલીકવાર દુર્ઘટનાને કારણે તેમાં રહેલ જવલનશીલ બળતણ કે જે તુરંત જ આગ પકડી લે છે તેના કારણે ભયંકર ખતરો રહે છે. આંતરરાષ્ટ્રીય વાહનવ્યવાહર માટે જેટ વિમાનમાં તેના પ્રસ્થાન પહેલાં ૧૦,૦૦૦ લિટર જેટલું બળતણ ભરવામાં આવે છે જેથી આગ લાગવાનો ખતરો વધી જાય છે. એક અનુમાન મુજબ વિમાની દુર્ઘટનાઓમાં થતા ૪૦ ટકા મોતનું કારણ વિમાનમાં લાગેલી આગ છે. તેના લીધે આશરે ૫૦૦ થી ૧૦૦૦ લોકોના મોત થાય છે. આ માટે જો સારા બળતણનો ઉપયોગ કરવામાં આવે તો તેમાં સુધારો લાવી શકાય છે. સંશોધકોએ એક જાતના પોલીમર બળતણના પદાર્થની શોધ કરી છે જે દુર્ઘટના સમયે થતા વિસ્ફોટની તીવ્રતાને ઘટાડી શકે છે. તેના ઉપયોગના પ્રારંભિક પરિણામો સારા મળ્યા છે.
વિમાનના જેટ એન્જીનમાં આગ જલ્દીથી ફેલાવાનું કારણ તેમાં ભરવામાં આવેલ બળતણ વધુ જ્વલનશીલ હોય છે. સંશોધકોએ બળતણમાં દીર્ધ શ્રૃંખલા પોલીમરનું મિશ્રણ કર્યુ. વધુ અણભાર ધરાવતા પોલીમરની ઉપસ્થિતિથી ગંભીર વિસ્ફોટ અને આગનો ફેલાવો ઓછો થાય છે.
કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી (પસૈદેના-યુએસએ) ના રસાયણવિજ્ઞાનના શ્રી જૂલિયા એ. કોર્નફીલ્ડની આગેવાની હેઠળ સંશોધકોની ટુકડીએ આ વિરલ પોલીમરની શોધ કરી છે. સંશોધકોના જણાવ્યા અનુસાર તેને બળતણમાં મિશ્ર કરતાં તે મેગા-સુપરમોલેકયુલ્સની શક્તિના પ્રમાણ, પૃષ્ઠ તનાવ કે ઘનતામાં પરિવર્તન કરતા નથી. જયારે કોઈ આઘાત લાગે ત્યારે આ મેગા સુપરમોલેકયુલ્સ સક્રિય થઈ જાય છે. દુર્ઘટનાના સમયે આ પોલીમરના અણુઓ ખુલ્લા થઈ ફેલાય છે અને બળતણના ફેલાવામાં પ્રતિરોધ ઉત્પન્ન કરે છે એટલે તેના કારણે વિસ્ફોટની માત્રા ઘટી જાય છે. સંશોધકોને આશા છે કે આ નવીન પોલીમર પદાર્થ હવાઈ દુર્ધટનાઓ દરમ્યાન લાગતી આગને ઓછી કરી માનવીના જીવનને બચાવવામાં સહાયભૂત નિવડશે.
સંદર્ભ : ડ્રીમ ર૦૪૭, ડિસેમ્બર-ર૦૧પ
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

