પર્યાવરણને મદદરૂપ થાય તે રીતેહોળીનો તહેવાર ઉજવીએ (Celebrate Holi festival – Eco-friendly)

                હોળી રંગો,  મસ્તી અને સામાજીક સમરસતાનો તહેવાર છે. બંગાળ, ત્રિપુરા અને આસામમાં  વસંતોત્સવ કે ડોલયાત્રા તરીકે આ તહેવાર ઓળખાય છે. હોળીના તહેવારનો ઉલ્લેખ હિન્દુ પુરાણો, દશકુમાર ચરિત્ર અને ચોથી શતાબ્દીમાં થયેલ પ્રસિદ્ધ સંસ્કૃત કવિ કાલીદાસ રચિત કાવ્યોમાં જોવા મળે છે. સાતમી શતાબ્દીમાં શ્રી હર્ષ દ્વારા રચિત પ્રસિદ્ધ સંસ્કૃત નાટક રત્નાવલીમાં પણ તેનો ઉલ્લેખ છે. આ તહેવાર ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે જે ફેબ્રુઆરી કે માર્ચ માસમાં આવે છે. આ તહેવાર વસંત ઋતુનું સ્વાગત કરે છે. આ તહેવાર બે ઋતુઓ વચ્ચેનો પરિવર્તનકાળ છે જેમાં ઠંડી પુરી થાય છે અને  ગરમીની શરૂઆત થાય છે. આ તહેવાર સારી ફસલનું  પણ પ્રતિક મનાય છે. આ તહેવાર અંગે અસુરરાજ હિરણ્યકશ્યપની બહેન હોલિકા કે જે અગ્નિમાં બળીને મૃત્યુ પામેલ અને ભક્ત પ્રહલાદનો બચાવ થયેલ તેવી પૌરાણિક કથા વણાયેલી છે.

                ભારતમાં પ્રાકૃતિક રંગોના ઉપયોગ અંગેની પરંપરા રહી છે. પ્રાચીન કાળમાં કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ કરીને હોળી માટેના રંગો તૈયાર કરવામાં આવતા હતા જેમાં વૃક્ષોના ફૂલ, ફળ અને પાનના ભાગોનો સમાવેશ થાય છે. સાહિત્યમાં જણાવ્યા અનુસાર હોળી માટે ખાખરો (કેશૂડો), મેરીગોલ્ડ, પારીજાત, મહેંદી, હળદર અને બીટરૂટ વગેરેમાંથી કુદરતી રંગો મેળવવામાં આવતા હતા અને તેનો ઉપયોગ હોળીમાં રંગ છંટકાવ માટે થતો હતો. ૧૯ મી સદીના મધ્ય ભાગમાં બજારમાં કૃત્રિમ રંગો આવ્યા જેને પરિણામે કુદરતી રંગો બનાવવાની પરંપરા સમાપ્ત થઈ.

કૃત્રિમ રંગોમાંના રસાયણો અને તેની સ્વાસ્થ્ય પર અસર :

                આજની એક બહુ જ મોટી વિડંબના છે કે હોળી ઝેરી અને અસ્વાસ્થ્યકર રસાયણોનો ઉપયોગ કરી મનાવવામાં આવે છે. કૃત્રિમ રંગો સસ્તા અને ચળકાટવાળા હોય છે. પરંતુ  તેની સાથે તે આપણા સ્વાસ્થ્ય તેમજ પર્યારવણ માટે વધુ ખતરનાક છે. સામાન્ય રીતે આવા રંગોમાં ભારે ધાતુઓ, એસિડ, ક્ષાર, અભરખ, ચોક, પાઉડર અને કાચના બારીક ભૂકા વગેરેનો સમાવેશ થાય છે. કાચનો ભૂકો રંગમાં વધારાની ચમક આપે છે. આમ આવા કૃત્રિમ રંગોનો ઉપયોગ કરીને જે લોકો હોળી ખેલે છે તે બહુ જ ખતરનાક છે. કેટલાક લોકો ગાઢ રંગ બનાવવા તેમાં પાણીનો ઓછો વપરાશ કરે છે. જ્યારે  આવા ગાઢ રંગ માનવીના ચહેરા ઉપર ચોપડવામાં આવે છે. ત્યારે તેમાં કાચનો ભૂકો આંખોમાં જતાં આંખોમાં બળતરા થાય છે, સોજો આવે છે. કે દુઃખાવો થાય છે. કેટલાક લોકો ગુલાલ એટલે કે સૂકા રંગો એકબીજાના મોં ઉપર લગાવે છે. જેના લીધે ચામડી પર ખંજવાળ, જલન, ચકામા, એલર્જી, આંખોમાં બળતરા વગેરે થાય છે. હોળીમાં વાપરવામાં આવતા રંગોને કારણે આંખોની દૃષ્ટિ મંદ પડવી, શ્વસનની મુશ્કેલી થવી અને કેન્સર જેવા ગંભીર રોગો પણ થવા પામે છે.

                હોળીમાં રંગો પેસ્ટ, સૂકા રંગ અને પાણીમાં ઓગાળીને એમ ત્રણ રૂપે તૈયાર કરવામાં આવે છે. આજકાલ આવા રંગોનું ઉત્પાદન કરતા ઉત્પાદકો ઔદ્યોગિક રંગો અને એન્જિનના તેલનો ઉપયોગ કરે છે. આવા કૃત્રિમ રંગોમાં તેલ ભેળવવાને કારણે તેમાં ઝેરના પ્રમાણનું સ્તર વધે છે તેમજ તે માનવ ત્વચા ઉપર પડતાં જલ્દીથી શરીરમાં દાખલ થાય છે. હોળી દરમ્યાન બજારમાં મળતા કૃત્રિમ રંગો પાકા કલરનો ઉપયોગ કરી બનાવાય છે જે આપણા શરીરની ત્વચા અને આંખો માટે વધુ ઝેરી છે.

                હોળી મોના કૃત્રિમ રંગો તરીકે વપરાતા રંગોમાં રોડામાઈન-બી (ચળકતો લાલ રંગ), ઓરામાઈન (પીળો), મેલાકાઈટ ગ્રીન સીરીઝ (લીલો), મીથાઈલ વાયોલેટ (રીંગણ જેવો વાયોલેટ કલર) અન મિથાયલીન બ્લ્યૂ (વાદળી) વગેરેનો સમાવેશ થાય છે જે આંખો, હાડકાં, ફેફસાં  અને અન્ય અંગોને હાનિકારક અસર કરે છે. રોડામાઈન-બી ને કારણે આનુવંશિક વિકાર તથા  યકૃત, મૂત્રપિંડ, બરોળ, મૂત્રાશય વગેરેની કામગીરીને અસર કરે છે. ઓરામાઈનને કારણે ચામડી પર ખંજવાળ, આંખોમાં એલર્જી, મૂત્રપિંડની બિમારી અને આંખમાં ઝાંખપ આવે છે. તેનાથી  યકૃતમાં ટયુમર અને શરીરની વૃદ્ધિ પર અસર થાય છે. મેલાકાઈટ ડાયની આંખો, હાડકાં અને ફેફસાં પર ઘાતક અસર થાય છે. તે સ્તન, મૂત્રપિંડ, યકૃત, બરોળ, શુક્રપિંડ, અંડાશય, મૂત્રાશય વગેરેમાં કેન્સર થવા માટે પણ જવાબદાર છે.

પાણીમાં દ્રાવ્ય રંગોતંદુરસ્તી માટે નુકસાનકર્તા :

                હોળીમાં સામાન્યતઃ જેન્ટિયન વાયલોટ નામનો રંગ ઉપયોગમાં લેવામાં આવે છે જે પાણીમાં સહેલાઈથી ઓગળી જાય છે. આ એક ઝેરી રાસાયણિક પદાર્થ છે. આ રંગના સંપર્કમાં આવતા ચામડી પર વિકારો અને આંખોમાં એલર્જી જેવા ગંભીર પરિણામો જોવા મળે છે. પાણીમાં ઓગળે તેવા હાનિકારક રાસાયણિક રંગો તરીકે શ્યાહી, મેથીલીન બ્લ્યુ, ઓયોડિન સોલ્યુશન, મરક્યુરોક્રોમ અને પોટેશિયમ પરમેંગેનેટ વગેરેનો ઉપયોગ થાય છે.

સૂકા રંગો :  

                સૂકા રંગોનો ઉપયોગ વિવિધ તહેવારો અને ઘર સજાવટ માટે થાય છે. હોળીના તહેવારમાં કોઠામાં દર્શાવેલ સૂકા રંગોનો ઉપયોગ થાય છે જે તેની હાનિકારક અસર સાથે દર્શાવેલ છે.

ક્રમ સૂકા રંગો તરીકે વપરાતુ રસાયણ માનવ સ્વાસ્થ્ય પર અસર
1 કોપર (તાંબુ) ત્વચા અને આંખોમાં એલર્જી, યકૃત, મૂત્રપિંડ અને શ્વસન પ્રણાલીમાં વિકારો આવે છે.
2 સિલિકા ત્વચા બરછટ અને સૂકી થાય છે.
3 એસ્બેસ્ટોસ કેન્સર જનક છે
4 ઝિંક (જસત) શરદી થાય છે
5 આયર્ન (લોહ) ત્વચા પર એલર્જી થાય છે.
6 સીસુ પ્રજનન અને ચેતાતંત્ર પર અસર, બાળકો માટે વધુ ઝેરી જેમાં શીખવાની અક્ષમતા, એનિમીયા (અરકતતા)અને ઓસ્ટીયોપોરોસીસ (હાડકાંની નબળાઈ) થાય છે.
7 કૈડમિયમ હાંડકા દુર્બળ બનાવે છે.
8 મરક્યુરી (પારો)  યકૃત, મૂત્રપિંડ અને ચેતાતંત્ર પર અસર તથા કેન્સર જનક છે.

                હાલમાં વપરાતા કૃત્રિમ સૂકા રંગોમાં રંગોથી મિશ્રિત ગુલાલ વધુ વપરાય છે. માટી, રેતી, ચોક, સ્ટાર્ચ, ડોલોમાઈટ વગેરે સૂકા રંગમાં જોવા મળતા મુખ્ય પદાર્થો છે. માયકા (અભરખા) પાઉડરનો ઉપયોગ ગુલાલમાં કરવામાં આવે છે જે આંખોની ગંભીર બિમારીઓનું એક કારણ છે.

                સામાન્ય રીતે ગુલાલ એ ઝેરી ભારે ધાતુઓની, અભરખ કે સિલિકાથી બનેલ ઘાતક સંયોજન છે. ભારે ધાતુઓ એ ઝેરી પદાર્થોના રૂપે ઓળખાય છે અને તે માનવ શરીરની ચયાપચયની ક્રિયાને પ્રતિકુળ અસર કરે છે. આવા ઝેરી પદાર્થો યકૃત, મૂત્રપિંડ અને હાડકાં જેવા મહત્વપૂર્ણ અંગોને પણ ખરાબ અસર કરે છે. સિલિકા અને અભરખ શ્વસનતંત્ર માટે હાનિકારક છે. સીસુ પણ એક ભારે ધાતુ છે જે માનવીના પ્રજનન અને ચેતાતંત્ર ઉપર ખરાબ અસર કરે છે. સીસાના સંપર્કમાં આવવાને કારણે માથાનો દુઃખાવો, એનેમિયા, વૃદ્ધાવસ્થામાં ઓસ્ટીયોપોરોસીસ (હાડકાંની નબળાઈ), શીખવાની અક્ષમતા વગેરે પરિણામો જોવા મળે છે જો સગર્ભા મહિલા સીસાના સંપર્કમાં આવે તો ગર્ભવસ્ત્રાવ, ગર્ભપાત, ભ્રુણના ચેતાતંત્ર ઉપર અને ખોડખાંપણવાળા બાળકોનો જન્મ વગેરે વિકારો જોવા મળે છે. લાલ રંગમાં મોટેભાગે પારો હોય છે જે એક ભારે ધાતુ છે. હોળીના રંગોમાં જોવા મળતા પારાને કારણે માથાનો દુઃખાવો ખંજવાળ, હૃદયની ગતિમાં વધારો, રક્તચાપ (બીપી)માં ઘટાડો, ગંભીર ખાંસી અને ન્યૂમોનિયા પણ થઈ શકે છે. તે ત્વચાના કેન્સરનું પણ એક કારણ છે.

                આમ ઉપરોક્ત વિગતો જોતાં આપણી સ્વાસ્થ્ય રક્ષા માટે આવા હાનિકર્તા અને ઘાતક રંગો ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. વિશ્વમાં જર્મની એક પ્રથમ એવો દેશ છે કે જેણે ડાયમાં ભારે ધાતુઓનો ઉપયોગ પર પ્રતિબંધ મૂકેલ છે. આપણા દેશમાં પણ પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ ૧૯૮૬ દ્વારા વિશેષ રંગોના ઉપયેાગ પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. કૃત્રિમ રંગ અને ગુલાલની સ્વાસ્થ્ય ઉપર થતી પ્રતિકૂળ અને ગંભીર અસરોથી તેના ઉત્પાદકો, દુકાનદારો અને વપરાશકારો અજાણ છે એટલે જ હોળીના તહેવારની ઉજવણી સાથે વપરાતા રંગો અને તેની અસર લોકોમાં જાગૃતતા આવે તે જરૂરી છે.

પર્યાવરણ ઉપર કૃત્રિમ રંગોની અસર :

                હોળીમાં ઉપયેાગમાં લેવામાં આવતા રંગોની પર્યારવણ પર થતી હાનિકારક અસરો  વિષે ભાગ્યે જ પ્રચાર કરવામાં આવે છે. પાણીના સ્ત્રોત, જમીન અને પર્યારવણ પર લાખો ટન ઝેરી રસાયણોની હાનિકારક અસર થાય છે જેની આપણે કલ્પના પણ કરી શકીએ તેમ નથી. તહેવારમાં રંગોનો  ઉપયેાગ આપણને આનંદ આપે છે પરંતુ તેની સાથોસાથ રંગોમાં રહેલી ભારે ધાતુઓ પ્રદૂષકો તરીકે કાર્ય કરે છે. આવા કૃત્રિમ રંગોનો જળ અને જમીનમાં નિકાલ કરતા તેની ભયંકર અસરો જોવા મળે છે. આવા રંગો જમીનમાં રહેલા સૂક્ષ્મજીવોનો નાશ કરે છે અને જમીનને બિનફળદ્રુપ બનાવે છે એટલું જ નહિ તે પાણીના સ્ત્રોતોને પણ પ્રદૂષત કરે છે. કુદરતી પરિસ્થિતિમાં આવા કૃત્રિમ રંગોનો સહેલાઈથી નાશ થતો નથી તેમજ પરંપરાગત પદ્ધતિઓના ઉપયોગથી પાણીમાંના પ્રદૂષકો દૂર કરી શકાતા નથી. આવા રસાયણો પાણી સાથે ભળીને વાતાવરણમાંની જૈવિક ક્રિયાઓને ખરાબ અસર કરે છે. આવા રંગના રસાયણો જળસ્ત્રોતને જ ખરાબ કરે છે એટલું જ નહિ પાણી સાથે જમીનમાં ઉતરીને જમીનને પણ બગાડે છે.

કૃત્રિમ રંગોનો વિકલ્પ :

                પ્રાચીન ભારતમાં લોકોને પર્યાવરણને અનુકૂળ રંગો વિષેની જાણકારી હતી. આવા રંગો પરંપરાગત રીતે લીમડો, હળદર અને કુમકુમ વગેરેમાંથી બનાવવામાં આવતા હતા. ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં આજે પણ હોળી ફૂલોથી ઉજવાય છે. ઝેરી કૃત્રિમ રંગોથી આપણી રક્ષા કરવા માટે વનસ્પતિના વિભિન્ન અંગોથી મેળવાતા કુદરતી રંગોથી હોળીની ઉજવણી કરવી જોઈએ.

            કેટલાક સરકારી સંસ્થાઓ, પ્રયોગશાળાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ પર્યાવરણને અનુકૂળ રંગોનું ઉત્પાદન કરવાનો પ્રયાસ કરે છે. સીએસઆઈઆર (CSIR), નેશનલ બોટાનિકલ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (NBRI)લખનૌ, દ્વારા કુદરતી રંગોની ‘હર્બલ ગુલાલ’ તૈયાર કરવાની પદ્ધતિ વિકસાવી છે. સીએસઆઈઆર, ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટોકસીકોલાજી રિસર્ચ (IITR) લખનૌ દ્વારા વિવિધ છોડના અર્કમાંથી વાનસ્પતિક રંગો વિકસાવ્યા છે જે રાસાયણિક રંગોનો ઉત્કૃષ્ટ વિકલ્પ છે.

                પર્યાવરણને અનુકૂળ હોળી મનાવવા માટે આપણે પ્રાચીન પરંપરાગત રીતોનો ઉપયોગ કરવો જોઈએ. આપણે હળદર, કેશૂડો, લીમડો વગેરે વનસ્પતિઓનો ઉપયોગ કરી ઓછામાં ઓછા સંસાધનો વાપરીને આપણા ઘરે જ કુદરતી રંગો બનાવી શકીએ છીએ જેની વિગત નીચેના કોઠામાં દર્શાવેલ છે.

ક્રમ રંગ કુદરતી સ્ત્રોત રંગ બનાવવાની રીત
લીલો મહેંદી, ગુલમહોરના સૂકા પાન પાણીમાં ઉકાળીને
નારંગી-લાલ મહેંદીના સૂકા પાન મહેંદીના સૂકા પાનનો ભૂકો પાણીમાં મેળવીને
પીળો પાઉડર હળદર, ચણાનો લોટ (બેસન) હળદરનો પાઉડર બેસનમાં મિશ્ર કરીને
પીળુ પ્રવાહી હજારી (મેરીગોલ્ડ) અને કેશૂડાના ફૂલ પાણીમાં ફૂલોને ઉકાળીને
ગુલાબી બીટ પાણીમાં બીટના ટુકડાને બોળીને
વાદળી ગળી, જાંબુ, દ્રાક્ષ બ્લ્યુ હિબિસ્કસ સામગ્રીને પાણીમાં મેળવીને
ભૂરો ચાનાં સૂકાં પાન, કાથો, લાલ મેપલના પાન ચાના સૂકા પાન અને કાથાને પાણીમાં મેળવીને
કાળો કાળી દ્રાક્ષ અને આમળાં ઉકાળેલ પાણીમાં આમળાં અને કાળી દ્રાક્ષ મેળવીને

                આમ કૃત્રિમ રસાયણોની ઝેરી અને નુકસાનકર્તા અસરોને ધ્યાને લઈ તેના ઉપયોગ અંગે પ્રોત્સાહન આપવું જોઈએ નહિ. કૃત્રિમ રંગ બનાવતા ઉત્પાદકોને બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) અને ફૂડ એન્ડ ડ્રગ કોસ્મેટિક એકટ અંગેની માર્ગદર્શિકા પુરી પાડવી જોઈએ. આવી કૃત્રિમ રંગો બનાવતી કંપનીઓની નિયમિત રીતે તપાસ અને ગુણવત્તા અંગેની ચકાસણી થવી જોઈએ. રાસાયણિક રંગો ગુલાબ અને ડાયનું  રાસાયણિક બંધારણ અને ઝેરની માત્રાની માહિતી સાથે મુક્ત રીતે વેચાણ કરવું જોઈએ. કૃત્રિમ રંગોની ખરાબ અસર અંગે દાકતરોએ પણ લોકોને જાગૃત્તિ પુરી પાડવી જોઈએ. આમ આપણે હોળીમાં વપરાતા કૃત્રિમ રંગના વપરાશ માટે ના પાડીએ અને ચાલુ વર્ષે કુદરતી રંગો કે ‘હર્બલ ગુલાલ’ થી હોળીની ઉજવણી કરીએ.


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *