આબોહવા પરિવર્તનની પરિસ્થતિને ધ્યાને લઇ અન્નની સલામતી માટે આબોહવા સ્માર્ટ કૃષિ અભિગમ એક ચાવી રૂપ બાબત છે. આ પ્રકારની પદ્ધતિ અપનાવવાથી કૃષિની પદ્ધતિઓને યોગ્ય માર્ગદર્શન અને તેના વિકાસ માટે ટેકો મળતાં ચોક્કસપણે અન્નની સલામતીમાં વધારો થશે.આ પદ્ધતિનો ઉપયોગ જમીનને ઉતરતી કક્ષાની બનવી, અન્નની સલામતી અને આબોહવા પરિર્વતન જેવા પશ્નોને હલ કરવામાં મદદરૂપ થશે જેથી કૃષિની ઉત્પાદકતા અને આવકમાં વધારો થશે,આબોહવા પરિવર્તનને નાથી શકાશે અને ખેતી ધ્વારા પેદા થતા ગ્રીનહાઉસ ગેસના પ્રમાણમાં ઘટાડો કરી શકાશે.આબોહવા સ્માર્ટ કૃષિની તાંત્રિકતા અપનાવતાં જમીનની ફળદ્ધપ વ્યવસ્થા, ખેતવન,માનવ સંચાલિત જમીનની જાળવણી,સંરક્ષિત કૃષિ,વરસાદના પાણીનું એકત્રિકરણ,સુધારેલી પશુ વ્યવસ્થા અને ડાંગર ઉત્પાદન(ભીની અને સૂકી પદ્ધતિ) પધ્દ્રતિ વગેરે બાબતે ફાયદારૂપ સાબિત થશે.
આબોહવા પરિવર્તન એ કૃષિ,અન્નની સલામતી અને વિશ્વમાં રહેતા લાખો લોકોના જીવન માટે ઊભુ થયેલ એક મોટું જોખમ છે.કેટલાક અભ્યાસો ધ્વારા જાણવા મળેલ છે કે તાપમાનમાં વધારો,વરસાદના માળખામાં ફેરફાર અને એકાએક પૂર આવવું અને દૂષ્કાળ પડવો વગેરે જેવા ફેરફારોની કૃષિના ઉત્પાદન ઉપર નોંધપાત્ર અસર થવા પામી છે.આબોહવાના વૈશ્વિક ફેરફારોની અસરો સજીવો અને ઇકોસીસ્ટમ તેમજ માનવીની જીવનશૈલી ઉપર થયેલ છે.કૃષિ ધ્વારા વર્તમાન સમયમાં ૧૯ થી ૨૦ ટકા ગ્રીનહાઉસ ગેસ પેદા થાય છે જેનો આબોહવા પરિવર્તનમાં મોટો ફાળો રહેલો છે.તેના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોના તાપમાનમાં ૧.૫0 સે.જેટલો વધારો થવા પામશે.
આબોહવા પરિવર્તનના પડકારોને પહોંચી વળવા માટે આબોહવા સ્માર્ટ કૃષિનો અભિગમ અપનાવવો જરૂરી છે. તેના મુખ્ય ત્રણ હેતુઓ છે જેમાં પ્રથમ હેતુ આવકમાં વધારો,અન્નની સલામતી અને વિકાસને ટેકો આપી કૃષિની ઉત્પાદકતા વધારવી.બીજો હેતુ ખેતરથી રાષ્ટ્ર કક્ષા એમ દરેક સ્તરે અનુકુળ ક્ષમતાનો વધારો કરવો અને ત્રીજો હેતુ ગ્રીનહાઉસ ગેસમાં ઘટાડો કરવો અને કાર્બન સિન્કમાં વધારો કરવો. આ હેતુઓ પૈકી કોને પ્રાધાન્ય આપવું તે સ્થાનિક પરિસ્થિતિ ઉપર નિર્ભર કરે છે જેમ કે ઓછા વિકસિત દેશોમાં ઓછા ઇનપુટસ વાપરી ખેતી કરતા નાના અને સીમાંત ખેડૂતો માટે ઉત્પાદકતા અને ક્ષમતા વધારવા ઉપર ભાર મૂકવામાં આવે છે. આબોહવા સ્માર્ટ કૃષિ આબોહવા પરિર્વતન મુજબ આયોજન વડે ટકાઉ કૃષિ અપનાવી જરૂર પ્રમાણે અગ્રિમતાના ધોરણે સંકલન સાધે છે.
આબોહવા સ્માર્ટ કૃષિ એટલે :
લિપર અને સાથીઓ(૨૦૧૪)ના મત મુજબ આબોહવા પરિવર્તન નવી પરિસ્થિતિને ધ્યાને લઇ કૃષિ વિકાસમાં રૂપાંતર અને પુનઃરચના કરવાની પ્રક્રિયાને આબોેહવા સ્માર્ટ કૃષિ કહેવાય.રાષ્ટ્રસંઘની ફૂડ એન્ડ એગ્રિકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન ધ્વારા આપેલ વ્યાખ્યા મુજબ આબોહવા સ્માર્ટ કૃષિ એટલે ‘એવી કૃષિ પદ્ધતિ કે જે ઉત્પાદતામાં વધારો કરે છે,સ્થિતિસ્થાપકતા (અનુકૂલન)માં સુધારણા કરે છે,ગ્રીનહાઉસ ગેસને દૂર કરે છે કે ઘટાડે છે કે જેના ધ્વારા દેશની અન્ન સલામતી અને વિકાસના હેતુઓમાં વધારો થાય છે.
આબોહવા સ્માર્ટ કૃષિ શા માટે ?
કૃષિ અને આબોહવા પરિવર્તન એ બંને દ્રિપક્ષીય બાબતો છે.એક તરફ કૃષિ ઉપર આબોહવા પરિવર્તનની અસર થાય છે અને બીજી બાજુ પાકો અને પશુઓ ધ્વારા પેદા થતા ગ્રીનહાઉસ ગેસને કારણે આબોહવા પરિવર્તન પેદા થાય છે.વૈશ્વિક કક્ષાએ આબોહવા પરિવર્તનને કારણે એકંદરે સરેરાશ તાપમાનમાં વધારો થવા પામ્યો છે અને ભવિષ્યમાં તાપમાનમાં વધારો થશે તેવું નોંધપાત્ર અનુમાન છે.આમ હવામાન પરિવર્તનને કારણે હરિકેન જેવા તોફાનો, પુર, ગરમીના મોજાં, બરફના તોફાનો અને દુષ્કાળ વગેરે જેવી આબોહવાની વિષમ પરિસ્થિતિઓ અને તેની તીવ્રતામાં વધારો થવા સંભવ છે.તેના કારણે સમુદ્રની સપાટી અને તેની ખારાશમાં વધારો થશે તેમજ તેમાં ખલેલ પડશે.આ બધા ફેરફારોની અસરો કૃષિ,જંગલ અને પશુઓ ઉપર થશે.આ બાબત ધ્યાને લઇ વિશ્વની સલામતી માટે આબોહવા સ્માર્ટ કૃષિને અપનાવવી જરૂરી છે કે જેથી આબોહવા પરિવર્તનને કારણે થનાર અસરોને ઘટાડી તેની સામે રક્ષણ મેળવી શકાય.
આબોહવા સ્માર્ટ કૃષિના અભિગમો :
(૧) જળ વ્યવસ્થા :
- વરસાદના પાણીનું એકત્રિકરણ-ઘર કે છાપરા ઉપર પડતા વરસાદનુ પાણી એકઠું કરવું.
- જળ સંગ્રહ-તળાવડી,તળાવો,ખેતતલાવડી,બંધ(ડેમ),જળાશયો ધ્વારા જળનો સંગ્રહ કરવો.
- સુધારેલી પિયત પધ્દ્રતિઓ-ટપક અને ફુવારા પિયત,ડાંગરના બિયારણની સીધી વાવણી,ગાદી કયારા બનાવવા,એસઆરઆઇ (SRI) તાંત્રિકતા અપનાવવી વગરે.
- બાજરી જેવા ધાન્યોની ખેતી-આવા પાકની ખેતીમાં ઓછા પાણીની જરૂરીયાત હોઇ પાણીની બચત થાય છે.
(૨) જમીન વ્યવસ્થા :
- જમીનને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડવું-શૂન્ય ખેડ(ઝીરો ટિલેજ)અપનાવવી.
- પાક અવશેષોને જાળવી રાખવા.
- કૃષિ વ્યવસ્થાના ઉપાયો-પાકની ગીચતામાં વધઘટ કરવી,બે હાર વચ્ચેના અંતરમાં વધ-ઘટ કરવી,વાવણી કે રોપણી સમયમાં ફેરફાર કરવો,પાકની ફેરબદલી કરવી વગેરે.
- જંમીન સંરક્ષણ-કન્ટુર ખેતી અપનાવવી.
- આવરણ(મલ્ચિંગ)નો ઉપયોગ કરવો.
(૩) પોષણ વ્યવસ્થા :
- કૃષિ માટે પોષણ નિષ્ણાતોએ વિકસાવેલ તાંત્રિકતાઓનો ઉપયોગ કરવો.
- જમીનમાં નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરતા કઠોળપાકોની પાકની ફેરબદલીમાં વાવેતર માટે ભલામણ કરવી.
- જમીનમાં ફોરફરસનું સ્તર ઊંચુ આવે તેવા પ્રયાસો કરવા-જમીનમાં ભેજની સાચવણી કરવી.
- પ્રતિકુળ આબોહવાની પરિસ્થિતિમાં રાસાયણિક ખાતરોની સાથે સૂક્ષ્મતત્વ યુકત ખાતર અને જૈવિક ખાતરોનો સંકલિત ઉપયોગ કરતાં પાકના વિકાસમાં વધારો થતાં ઉત્પાદનમાં ૬૦ ટકા જેટલો વધારો થઇ શકે છે.
- સૂકી પરિસ્થિતિમાં વિવિધ ઊંડાઇએ બે વખત ખનીજતત્વો યુકત ખાતરો છોડને આપવામાં આવે તો પાક ઉત્પાદનમાં ૪૩ ટકા વધારો થઇ શકે છે.
(૪) ઊર્જા વ્યવસ્થા :
- બાયોગેસ મારફતે ઊર્જાનું ઉત્પાદન કરવું.
- સૂર્ય ઊર્જા અને પવન ઊર્જાને અપનાવી કોલસા આધારીત ઊર્જા ધ્વારા પેદા થતા ગ્રીનહાઉસ ગેસના પ્રમાણમાં ઘટાડો કરવો.
- ગંદા પાણીનો ઉપયોગ કરી ઊર્જા પેદા કરવી.
- કાર્બન ખેતી.
(૫) જનીનિક સંસાધન વ્યવસ્થા :
દુષ્કાળ,રોગ અને જીવાત સામે રક્ષણ મેળવવા માટે કૃષિની જૈવ વૈવિધ્યતાની અને છોડના જનીનિક સંસાધનોની ભવિષ્યની અન્ન સલામતી માટે યોગ્ય જાળવણી કરવી.
(૬) પશુ વ્યવસ્થા :
- વૈશ્વિક ધોરણે ગ્રીનહાઉસ ગેસ પેદા કરવા માટે પશુઓ જવાબદાર ગણાય છે.
- આહાર અને પોષણ-ઘાસીયા જમીનની સુધારણા,ગ્રીનહાઉસ ગેસ ઘટાડવો અને વૈશ્વિક અન્ન સલામતીમાં સુધારો કરવો.
- પશુઓના આરોગ્યની સુધારણા કરવી.
(૭) ખેત વન :
- જંગલોની બહારના વિસ્તારોમાં વૃક્ષોની સંખ્યામાં વધારો કરવો.
- જંગલમાંના કાર્બન સંગ્રહમાં વધારો કરવો.
- જૈવ વૈવિધ્યતાનું સંરક્ષણ કરવું.
- અવશેષ વ્યવસ્થા અપનાવવી.
- ક્રીસ્ટમસ ટ્રી મીથેનને શોષી લે છે જે એક મહત્ત્વની બાબત છે.
આબોહવા સ્માર્ટ કૃષિ અભિગમ અપનાવી ઉપરોકત વિવિધ ઉપાયોનો સંકલિત પણે ઉપયોગ કરવામાં આવે તો અન્નની સલામતી જળવાય અને ગ્રીનહાઉસ ગેસના પ્રમાણમાં ઘટાડો થઇ શકે. ટુંકમાં આબોહવા પરિવર્તન સામે અનુકુલન સાધવું અને આબોહવા પરિવર્તન સામે રક્ષણ પૂરૂ પાડવું એ બે મુખ્ય બાબતો છે.આ અભિગમ ફકત ગ્રીનહાઉસ ગેસના પ્રમાણમાં ઘટાડો કરતો નથી પરંતુ તેના અમલથી વિવિધ ક્ષેત્રોને દુષ્કાળ,પુર,વધુ પડતો વરસાદ અને વૈશ્વિક તાપમાન સામે રક્ષણ પૂરૂ પાડી શકાય છે.
સ્ત્રોતઃ સીએયુ ફાર્મ મેગેઝીન,જુલાઇ-સપ્ટે.૨૦૧૯
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

