પર્યાવરણ ઉપર થતી પ્લાસ્ટિકની હાનિકારક અસરો અંગે સર્વ લોકોને જાણકારી છે. પ્લાસ્ટિકના ઉત્પાદન દ્વારા તેનું પર્યાવરણમાં એકત્ર થવાથી વન્ય જીવન, વન્ય જીવોનું પર્યારવણ અને માનવ જીવન ઉપર ખરાબ અસર થાય છે. પ્લાસ્ટિકની મુખ્ય સમસ્યા એ છે કે તે બાયોડીગ્રેડેબલ હોતું નથી એટલે કે વર્ષોના વર્ષો સુધી જે તે જગ્યાએ પડી રહે છે. હમણા સુધી એમ માનવામાં આવતું હતું કે પ્લાસ્ટિકના અવશેષોથી ફક્ત નદી, જળાશયો અને જળસ્ત્રોતોને જ નુકસાન થાય છે તેવું નથી પરંતુ પૃથ્વીનો કોઈપણ વિસ્તાર પ્લાસ્ટિક પ્રદૂષણથી મુક્ત નથી. યુકેની બ્રિસ્ટલ તેમજ ઓકસફોર્ડ યુનિવર્સિટીએ કરેલ એક અભ્યાસ મુજબ પ્લાસ્ટિકના અવશેષો માઈક્રોપ્લાસ્ટિકના રૂપે સામુદ્રિક જીવન માટે પણ ખતરા રૂપ છે.
માઈક્રોપ્લાસ્ટિક એ નાના કણો રૂપે હોય છે જેની લંબાઈ પ મિલિમીટરથી પણ નાની હોય છે અને તેમાં સૌંદર્ય પ્રસાધનો અને ક્લિનિંગ પ્રોડક્ટસના ઉત્પાદનમાં જોવા મળતા માઈક્રોફાયબર્સ વ માઈક્રોબીડઝ એટલે કે સૂક્ષ્મ તંતુઓ હોય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર પોલીસ્ટર, નાયલોન અને એક્રેલિકના અવશેષો માઈક્રોપ્લાસ્ટિકમાં હોય છે જે કૃત્રિમ કાપડના પોષાકોને ધોવાથી પાણી સાથે સમુદ્રમાં પહોંચે છે. સાયન્ટીફિક રિપોર્ટ (તા.૩૦/૦૯/ર૦૧૬)માં જણાવ્યા મુજબ મધ્ય એટલાન્ટિક અને દક્ષિણ પશ્ચિમ હિન્દ મહાસાગરમાંના અનેક સામુદ્રિક જીવોના સંશોધન દરમ્યાન તેઓના શરીરમાં માઈક્રોપ્લાસ્ટિકની ઉપસ્થિતિ જોવા મળેલ છે જેમાં મહાસાગરમાં ૩૦૦ થી ૧૮૦૦ મીટરની ઊંડાઈએ રહેલા હરમિટ કરચલા, લોબસ્ટર અને સમુદ્ર કાકડી (સી કુકુમ્બર)નો સમાવેશ થાય છે. આ અંગેના સંશોધક શ્રી મિશેલ ટેલરના જણાવ્યા અનુસાર જમીનના સ્ત્રોતોથી હજારો માઈલ દૂર સમુદ્રમાં માઈક્રોપ્લાસ્ટિક પહોંચી ગયું છે તે સહુથી વધારે ખરાબ બાબત છે.
મરીન પોલ્યુશન બુલેટિન (સપ્ટે. ર૦૧૬)માં જણાવ્યા મુજબ યુ.કે.ના પ્લાઈમાઉથ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કરેલ એક અભ્યાસ મુજબ ઘરેલું વોશિંગ મશીનના પ્રત્યેક ઉપયેાગથી ૭ લાખથી પણ વધુ માઈક્રોફાયબર્સ છૂટા પડીને પાણીના નિકાલની સાથે પર્યાવરણમાં પહોંચી જાય છે. એક અભ્યાસ મુજબ ૬ કિ.ગ્રા. ક્ષમતા ધરાવતા વોશિંગ મશીનમાં પોલીસ્ટર કોટન મિશ્રિત કપડાં ધોવાથી અંદાજે ૧,૩૭,૯પ૧, પોલીસ્ટર કપડાં ધોવાથી ૪,૯૬,૦૩૦ અને એક્રેલિક કપડાં ધોવાથી ૭,ર૮,૭૮૯ માઈક્રોફાયબર્સ એટલે કે સૂક્ષ્મતંતુઓ છૂટા પાડે છે.
પ્લાસ્ટિક એક રીતે જોતાં લાભકારી પદાર્થ છે પરંતુ સમુદ્રમાં પ્લાસ્ટિક પ્રદૂષણથી વિશેષતઃ માઈક્રોપ્લાસ્ટિકથી પ્રદૂષણમાં વધારો થવાથી સમુદ્રના જીવો ઉપર ગંભીર અસરો થાય છે એટલે તેને સમુદ્રમાં ભળતું અટકાવવા માટેના ઉપાયો હાથ ધરવા જોઈએ.
યુકેમાં કોસ્મેટિક અને કાયનિંગ પ્રોડક્ટસના ઉત્પાદનમાં જોવા મળતા પ્લાસ્ટિક માઈક્રોબીડસ ઉપર સને ર૦૧૭ થી પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. તેવી જાહેરાત હાઉસ ઓફ કોમન્સ એન્વાયરોનમેન્ટલ ઓડિટ કમિટીના પ્લાસ્ટિક દ્વારા પર્યાવરણ પર નુકસાન અંગેના રિપોર્ટ આવ્યા બાદ કરવામાં આવી છે. અમેરિકામાં પણ તેના પ્રમુખશ્રી બરાક ઓબામા દ્વારા આવા માઈક્રોબીડઝના ઉપયોગથી બનાવેલ ટુથપેસ્ટ અને ક્લિનિંગ પ્રોડક્ટસના વેચાણ અને વિતરણ ઉપર કાનૂની પ્રતિબંધ મૂકવાના બિલ ઉપર હસ્તાક્ષર કરેલ. આ વિગતો જોતાં ભારત સરકારે પણ આ સમસ્યા પ્રત્યે ધ્યાનમાં આપવાની અને ભવિષ્યમાં ઊભા થનાર સંકટનો સામનો કરવા માટે ઉપર જણાવેલ કાનૂન લાવવાની જરૂર જણાય છે.
સંદર્ભ : ડ્રીમ ર૦૪૭, ડિસે-ર૦૧૬
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

