દૂધના ધંધાની નફાકારક ચાવી એટલે દુધાળપશુઓ માટે ચોકસાઈ પૂર્વકનો આહાર (Precision feeding – A Key to profitable dairy business)

                ભારત દેશમાં દુધાળ પશુઓને મોટે ભાગે સ્થાનિક રીતે ઉપલબ્ધ કૃષિની આડપેદાશો જેવી કે પરાળ, પૂળા ને સામાન્ય રીતે આહાર તરીકે આપવામાં આવે છે કે જે પશુઓની પોષણની જરૂરિયાત પુરી પાડી શકતા નથી. તેના પરિણામે પ્રજનનક્ષમતા ઉપર અસર થવા પામે છે જેથી મોટી ઉંમરે પ્રથમ વિયાણ આવે છે,બે વિયાણ વચ્ચેનો ગાળો વધે છે,વાછારડા/વાછરડીનું જન્મ સમયે વજન ઓછુ હોય છે અને દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય છે. દુધાળ પશુઓ ધ્વારા મળતા દૂધ ઉત્પાદનના ખર્ચમાં અંદાજે ૭૦ ટકા જેટલો ખર્ચ પશુઆહાર પાછળ થવા પામે છે. તે બાબત ધ્યાને લઈ ઓછા ખર્ચે પોષકતત્વો યુક્ત સમતોલ આહાર આપવો જરૂરી છે. આ માટેનો સરળ ઉપાય પશુઓને ચોક્સાઈપૂર્વકનો આહાર આપવો તે છે.

                ચોકસાઈપૂર્વકનો આહાર પશુઓને પોષણ માટેની જરૂરિયાતો પુરી પાડવામાં મદદ કરે છે. વધુ દૂધ ઉત્પાદન મળે તે માટે ઈજનેરી અને કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કરી ઊંચી ગુણવત્તા ધરાવતા ખોરાકના સ્ત્રોતોને સમાવી દુધાળ પશુઓને આહાર આપવો જરૂરી છે. ભારતમાં ઘનિષ્ઠ પાક પધ્ધતિ,ખેતી અને પશુપાલનની મિશ્ર ખેતી વગેરે જેવી વિવિધ ઉત્પાદન પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે જે કુલ દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર ફાળો આપે છે. દુધાળ પશુઓને સમતોલ આહાર આપવાથી પોષણ અંગેની જરૂરિયાતો પુરી થતાં દૂધ ઉત્પાદન સારૂ મળે છે.

સમતોલ આહાર :

                પશુઓને તેમની જાળવણી અને ઉત્પાદન માટે પ્રાપ્ય આહારના સ્ત્રોતોનો ઉપયોગ કરી વિવિધ પોષકતત્વો સમતોલ પ્રમાણમાં મળી રહે તેવા આહારને સમતોલ કે સંતુલિત આહાર કરે છે. સમતોલ આહાર ધ્વારા શક્તિ, પ્રોટીન, ખનીજો અને વિટામિનોની જરૂરિયાત યોગ્ય માત્રામાં પશુઓના દેહધાર્મિક બાંધા મુજબ પુરી પાડી શકાય છે. આહારમાં એક સામાન્ય નિયમ મુજબ ઓછામાં ઓછા ૫૦ ટકા ભૂસુ સને ૧૭ ટકા રેસા,(ક્રુડ ફાયબર)હોવા જોઈએ. જો આહારમાં ૬૦ થી ૬૫ ટકા ભૂસુ અને ૧૭ થી ૨૦ ટકા રેસા હોય તો વધુ ફેટ ધરાવતુ દૂધ પેદા કરી શકાય છે. જો આહારમાં ૫૦ ટકાથી ઓછુ ભૂસુ હોય તો દૂધમાં ફેટના ટકા ઉપર નકારાત્મક અસર થાય છે. દાણમાં કુલ સૂકા પદાર્થના ૫૦ ટકા અથવા ૩૫ ટકાની મર્યાદામાં પ્રોટીન, શક્તિ આપનાર પદાર્થ સહિત ખનીજો, વિટામિનો અને મીઠું હોવા જોઈએ.

ગાય/ભેંસોની જાળવણી અને દૂધ ઉત્પાદન માટેનો આહાર :

                ગાય/ભેંસને જાળવણી માટે દર ૧૦૦ કિલો વજનના પ્રમાણે ૨ થી ૨.૫ કિ.ગ્રા. સૂકો ચારો આપવો જોઈએ. ૫૦૦ કિ.ગ્રા. વજન ધરાવતી ગાયને સામાન્ય જાળવણી માટે અંદાજે ૫ કિ.ગ્રા.પરાળ ૨૦કિ.ગ્રા લીલો ચારો અને ૧.૫ કિ.ગ્રા. દાણ તથા દર ૨.૫ લિટર દૂધ ઉત્પાદન ઉપર ૧ કિ.ગ્રા. વધારાનું દાણ (ભેંસને ૨ કિ.ગ્રા. દૂધ ઉત્પાદન દીઠ ૧ કિ.ગ્રા. દાણ) આપવું જરૂરી છે. જો બરસીમ જેવો ઊંચી ગુણવત્તા ધરાવતો ચારો હોય તો દાણ આપવાની જરૂરિયાત નથી. અંદાજે ૩ કિ.ગ્રા. ભેંસનું દૂધ (૭ ટકા ફેટે) અને ૪ કિ.ગ્રા. ગાયનું દૂધ (૪ ટકા ફેટ) ઉત્પાદન આપતા પશુની જાળવણી માટે લીલા ચારા અને ઓછી ગુણવત્તા ધરાવતા ભૂસાને આહારમાં આપી પોષણની જરૂરિયાત પુરી પાડી શકાય છે. સામાન્ય રીતે પશુના કુલ વજનના ૨.૫ ટકા વત્તા દૂધ ઉત્પાદનના ૧૦ ટકા લેખે સૂકા ચારાની જરૂર પડે છે. એક સર્વ સામાન્ય નિયમ મુજબ પશુઓને કુલ આહારની જરૂરિયાતના ૧/૩ દાણ અને બાકીના ૨/૩ ભાગમાં ૧/૩ લીલો ચારો અને ૨/૩ સૂકો ચારો આપવો જોઈએ. પશુ આહાર બનાવવામાં પાચ્ય ક્રુડ પ્રોટીન કુલ પાચ્ય ખનીજો, પોષકતત્વો, ખનીજો અને વિટામિન ‘એ’ ને ધ્યાનમાં લેવા જોઈએ. પશુનું વજન અને ઉત્પાદનના સ્તર મુજબ ચોક્કસ પ્રમાણમાં પ્રોટીન,શક્તિ, કેલ્શિયમ અને ફોસ્ફરસનો સમાવેશ આહારમાં કરવો જરૂરી છે.

સમતોલ આહારની અગત્યતા :

() આહારમાં નાઈટ્રોજનના ઉપયોગની અસરકારકતામાં સુધારો : જો સમતોલ આહાર હોય તો આહારમાં જેટલા પ્રમાણમાં નાઈટ્રોજન હોય તે મુજબ ઊંચા પ્રમાણમાં દુગ્ધ પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. આહારમાંના સ્ત્રોતોની બચત અને વાતાવરણમાં નાઈટ્રોજનના વિસર્જનમાં ઘટાડો થાય છે.

() દૂધ ઉત્પાદનની અસરકારકતામાં સુધારો : દૂધાળ પશુઓને સમતોલ આહાર આપતાં દૈનિક ઉત્પાદનમાં ૦.૫૮ કિ.ગ્રા. અને ફેટમાં ૦.૫ યુનિટ જેટલો વધારો થાય છે તથા દૈનિક આહાર માટેના ખર્ચમાં એક કિ.ગ્રા. દૂધ દીઠ ખર્ચમાં ૧.૯૮ રૂપિયાના ઘટાડો થાય છે.

() જઠરમાં સૂક્ષ્મજીવો ધ્વારા પ્રોટીન સંશ્લેષણમાં સુધારો : સમતોલ આહાર દુધાળ પશુઓને આપવાથી તેમના જઠરમાં મહત્તમ આથવણની ક્રિયા થાય છે પરિણામે પાચ્ય રેસાનું વધારે સારૂ પાચન થાય છે,સૂક્ષ્મજીવો ધ્વારા પ્રોટીનના સંશ્લેષણમાં વધારો થાય છે અને પેશાબમાં એલાન્ટોઈનનું સ્તર વધે છે.

() પ્રજનનની અસરકારતામાં સુધારો : સમતોલ આહાર જરૂરી શક્તિ, પ્રોટીન અને ખનીજો ધરાવતો હોઈ પશુઓના ગર્ભ ધારણમાં મદદ કરે છે અને તણાવના સમયે શક્તિનું સમતોલન જાળવે છે.

() પરોપજીવીના લોડમાં ઘટાડો : પોષણ અને આંતરડામાંના કૃમિ વચ્ચે વ્યસ્ત સંબંધ રહેલો છે એટલે કે સમતોલ આહાર આપતાં પરોપજીવીના લોડમાં ઘટાડો થાય છે.

() દુધાળ પશુઓની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો : જો દુધાળ પશુઓને સમતોલ આહાર આપવામાં આવે તો તેઓની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

() આંતરડામાં મીથેન ઉત્સર્જનમાં ઘટાડો : જો પોષકતત્વોનો ઉપયોગ અસરકારક રીતે થાય તો સમતોલ આહારના ઉપયોગથી દુધાળ ગાયોના આંતરડામાં મીથેન ઉત્સર્જનમાં ૧૨ ટકા ઘટાડો જ્યારે દુધાળ ભેંસના આંતરડામાં મીથેન ઉત્સર્જનમાં ૧૫ ટકા જેટલો ઘટાડો થાય છે.

આહાર સંતુલન :

                ભારતમાં આવેલ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ધ્વારા મૈત્રીપૂર્ણ રીતે વપરાશ કરી શકાય તેવું કોમ્પ્યુટર સોફટવેર વિકસાવેલ છે જેને સ્થાનિક માણસો પણ તાલીમ મેળવી વાપરી શકે છે. તેના ધ્વારા તે  ખેડૂતોને ઉપલબ્ધ પ્રાપ્ય સ્ત્રોતો અને વિસ્તાર મુજબ મિનરલ મિક્ષ્ચર માટેની અસરકારક રીતે ભલામણ કરે છે. તેમાં તાલીમ પામેલ વ્યક્તિ સૌ પ્રથમ પશુઓને આપવામાં આવતા સ્થાનિક સ્ત્રોત મુજબના ખોરાકનું પોષણ સ્તર જાણી તેનું રાસાયણિક રીતે બંધારણનો અંદાજ કરે છે. તેના આધારે ઓછા ખર્ચવાળો સમતોલ આહાર બનાવવા માટેની સલાહ દુધાળ પશુઓ ધરાવતા પશુપાલકોને આપે છે. ઘાસચારાના પાકોમાં પોષકતત્વોની માત્રા વધુ હોય તે સમયે કાપણી કરી દુધાળ પશુઓને ચારા તરીકે આપવો જરૂરી છે. પશુ આહારમાં લીલા ચારાનો વધુમાં વધુ સમાવેશ કરવો જોઈએ કારણ કે તે વધુ પાચ્ય છે, ખનીજો, (કેલ્શિયમ) અને વિટામિનો (વિટામિન ‘એ’ અને ‘ડી’) થી સમૃદ્ધ છે.ખોરાકના તમામ ઘટકોનો સમતોલ આહારમાં સમાવેશ કરવામાં આવે તો પશુઓમાં પોષકતત્વોની ખામી ઉદ્‌ભવતી નિવારી શકાય છે. પશુઓના ખોરાકમાં એકદમ ફેરફાર કરવો હિતાવહ નથી. કુલ મિશ્ર આહાર પશુઓેને આપવાથી ખોરાકનું સારૂ પાચન થાય છે, મીથેનનું ઉત્પાદન થાય છે,પોષકતત્વોની પ્રાપ્યતા અને પશુઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે. મુખ્યત્વે ટેકરીઓવાળા પહાડી વિસ્તારોમાં રહેતા પશુઓમાં પોષકતત્વોની ખામી વધુ પ્રમાણમાં જોવા મળે છે.જેથી તેઓને પરાળ અને તેલિબીયાંના ખોળનો ઉપયોગ કરી બનાવેલ કુલ મિશ્ર આહારના બ્લોકસ અને પેલેટસ (ટીકડીઓ) આપવી જોઈએ. ઘાસચારાને ચાફકટર વડે ઝીણા કટકા કરીને આપવાથી પણ પશુઓની ઉત્પાદકતામાં વધારો થાય છે.

                ટુંકમાં આર્થિક અને વૈજ્ઞાનિક રીતે પશુઓને સમતોલ આહાર આપવામાં આવે તો તે ડેરીની નફાકારકતાની કરોડરજ્જૂ સમાન છે. પશુઓના ટકાઉ વિકાસ માટે સમતોલ આહાર આપવો જોઈએ.


સદંર્ભ : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ,જૂન-૨૦૨૦


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *