ડેરી ઉદ્યોગ માટેના પશુઓ એ કૃષિની કરોડરજ્જૂ છે. ભારતીય પશુઓની ઓલાદો પરદેશી ઓલાદો કરતાં ઓછુ દૂધ ઉત્પાદન આપે છે પરંતુ તે રોગો સામે સારી પ્રતિકારકશક્તિ ધરાવે છે. પરદેશી ઓલાદો રોગો સામે પ્રતિકારકશક્તિ ઓછી ધરાવતી હોઈ જો વ્યવસ્થાની ખામી હોય તો રોગગ્રાહ્ય બનતાં ઉત્પાદન ઓછું આપે છે. વધુ દૂધ ઉત્પાદન મેળવવા માટે આપણી પશુઓને ઓલાદોને હોર્મોન્સ, દવાઓ વગેરે આપતાં તેઓની તંદુરસ્તી પર વિપરિત અસર થાય છે. રસાયણોના વપરાશને કારણે પશુઓમાં નવા રોગો થાય છે અને આવા રસાયણો અજાણતાં દૂધનો આહાર તરીકે ઉપયોગ કરતા આપણા શરીરમાં દાખલ થાય છે. આથી માનવીઓ અને પશુઓના જીવનની ગુણવત્તામાં વધારો કરવા માટે સજીવ ખેતી (ઓર્ગેનિક ફાર્મિંગ) એ એક વૈક્લ્પિક ઉપાય છે. સજીવ ખેતી દ્વારા મળતી પેદાશો પાક, પશુઓ અને માનવીઓ માટે એકબીજાને સંબંધિત છે. સજીવ ખેતી દ્વારા મેળવાતી પેદાશો જૈવિક તંત્રનું સમતોલન જાળવે છે. એક અંદાજ મુજબ ડેરીના પશુઓ માટેનો ૭૦ ટકા ખર્ચ ફક્ત આહાર પાછળ થાય છે. પશુઓમાં ઉછેર માટેનો ખર્ચ સજીવ ખેતી દ્વારા મળતી પેદાશોનો ઉપયોગ કરી ઘટાડી શકાય છે. ઓર્ગેનિક ડેરી ફાર્મિંગમાં ઔષધિય ગુણો ધરાવતી આપણા દેશમાં થતી વનસ્પતિઓનો ઉપયોગ સારવારમાં કરી પેદાશની ગુણવત્તા જાળવી શકાય છે. ભારતમાં પાક અને પશુઓનો ઉછેર સજીવ ખેતીની પદ્ધતિઓ દ્વારા કરી દૂધ,સેન્દ્રિય ખાતર અને પશુ શક્તિ મેળવવામાં આવે છે. બહુવિધ પાક પદ્ધતિ અને પાકની ફેરબદલી અપનાવી કુદરતી આપત્તિની સામે રક્ષણ મેળવી શકાય છે.
સજીવ ચળવળ :
યુનાઈટેડ સ્ટેટસમાં શ્રી જે. આઈ. રોડાલે એ સજીવ ચળવળને જન્મ આપેલ.તેનો મૂળભુત સિદ્ધાંત ફક્ત તંદુરસ્ત જમીન તંદુરસ્ત પાકની પેદાશ આપે જે માનવી અને પશુઓને તંદુરસ્તી બક્ષે અને પૃથ્વીને તંદુરસ્ત બનાવે તે હતો. સજીવોની જીવન મર્યાદાને વધારવા માટે જમીન, છોડ, પ્રાણી અને મનુષ્યનું એકબીજા સાથેના સંબંધની અવગણના ના કરવી જોઈએ. જમીનમાંના સેન્દ્રિય પદાર્થોને મધ્યમાં રાખીને પર્યાવરણને જાળવી ટકાઉ વિકાસ દ્વારા પ્રાણીઓ અને મનુષ્યો માટે તંદુરસ્ત આહાર પેદા કરવો એ મુખ્ય બાબત છે. ભારતમાં વધતી જતી વસ્તી અને અન્નની અછતને પહોંચી વળવા માટે ભારત સરકારે વિવિધ ઉપાયો હાથ ધરેલ જેવા કે અન્નની આયાત, સંકર જાતોના ઉપયોગ દ્વારા ઉત્પાદનમાં વધારો, સેન્દ્રિય ખાતરોના ઉપયોગમાં ફેરફાર અને સ્થાનિક રીતે રસાયણોનો ઉપયોગ કરી જંતુનાશકો બનાવવા વગેરે.આ સમયે તેની માંગ હતી. રસાયણો અને રાસાયણિક ખાતરોના ઉપયોગને પરિણામે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થવા પામ્યો અને પાક તથા પ્રાણીઓમાં નવા રોગોનો ઉપદ્રવ થયો.પર્યાવરણમાં તેની ભયંકર નુકસાનકારક અસરો જોવા મળતાં તેની અનુભૂતિ થતાં સજીવ ખેતી અને સજીવ ખેતી પેદાશોની જરૂરિયાત ઊભી થવા પામી.
ઓર્ગેનિક ડેરી :
સને ૧૯૯૦ બાદ ઓર્ગેનિક ડેરી ક્ષેત્રે વૃદ્ધિ થવા પામી.આ માટે ગાયો અને વાછરડાંઓને ૧૦૦ ટકા ઓર્ગેનિક આહાર આપવાની જરૂરિયાત રહે છે. ઓર્ગેનિક આહાર તૈયાર કરવા માટે કૃત્રિમ રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવો જોઈએ નહિ. દૂધની ગુણવત્તા જાળવવા માટે ચરિયાણ વિસ્તારમાંથી ૩૦ ટકા જેટલા સૂકા ઘાસની જરૂરિયાત પુરી પાડવી જોઈએ. પશુઓ માટે ઓર્ગેનિક આહાર મેળવવા માટે ઓછામાં ઓછા ત્રણ વર્ષથી રાસાયણિક ખાતરો કે જંતુનાશકો કે અન્ય રસાયણોનો ખેતીમાં ઉપયોગ કરેલ ન હોવો જોઈએ.યુવાન વાછરડાંઓને કૃત્રિમ દૂધ બદલનાર પદાર્થો (સિન્થેટિક મિલ્ક રીપ્લેસર) ને બદલે તેની માતાનું કોલોેસ્ટ્રોમ અને દૂધ આપવું જોઈએ.
પશુઓના કતલખાનાની પેદાશો, યુરિયા અને ખાતરોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. પશુઓનો કુદરતી ઉછેર થાય તે રીતની પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ.આરોગ્યના પ્રશ્નો માટે હર્બલ પ્રકારની પ્રોડક્ટસનો ઉપયોગ કરવો જોઈએ. એન્ટિબાયોટિકસનો ઉપયોગ કરવો નહિ અથવા ગંભીર માંદગી હોય તો નહિવત પ્રમાણમાં કરવો. પશુઓનેે જરૂરિયાત હોય તો જ ડીહોર્નિંગ કરવું.દૂધાળ પશુઓ ઘાસચારો અને પાકની આડ પેદાશોનો આહારમાં ઉપયોગ કરી દૂધ અને પાક ઉત્પાદન માટે જરૂરી છાણિયું ખાતર આપે છે. છાણિયુ ખાતર,કમ્પોસ્ટ, ઉકરડાનું ખાતર જમીનમાં ઉમેરી જમીનની ફળદ્રુપતા અને ઓરાગ્ય જાળવી શકાય છે. ખેડૂતે પોતાની પેદાશની ગુણવત્તા ચકાસવા માટે ખેતીમાં આપવામાં આવતા ઈનપુટસનો રેકોર્ડ રાખવો જોઈએ.વિશ્વમાં ઓર્ગેનિક ડેરી ફાર્મિંગના પાંચ પ્રમાણન સ્વીકારવામાં આવ્યા છે જેમાં ઓર્ગેનિક ફૂડ પ્રોડક્ટ એકટ ઍાફ યુએસએ, યુનાઈટેડ કિંગડમ રજીસ્ટર ઓફ ઍાર્ગેનિક ફૂડ સ્ટાન્ડર્ડસ ઍાફ યુકે, યુરોપિયન યુનિયન રેગ્યુલેશન (૧૮૦૪/૧૯૯૯), ડ્રાફટ ગાઈડલાઈન્સ ઓફ કોડેક્ષ / ડબલ્યુએચઓ/અફએઓ અને ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ ઓર્ગેનિક એગ્રિકલ્ચર મુવમેન્ટસ બેઝિક સ્ટાન્ડર્સનો સમાવેશ થાય છે.
ઓર્ગેનિક દૂધની પસંદગી શા માટે ?
ઓર્ગેનિક દૂધ શરીરની વૃદ્ધિ,રોગ સામે પ્રતિકારકતા અને તણાવનો સામનો કરવા માટે જરૂરી લિનોલેઈક એસિડ, વસેનિક એસિડ, ઝીજેન્થિન, ઓમેગા-૩ ફેટી એસિડસ,લ્યુટેઈન અને વિટામિન એ તથા ઈ ધરાવે છે. ઓર્ગેનિક આહાર ખવડાવીને ઉત્પાદિત કરેલ દૂધ યુરિયા જેવા રાસાયણિક ખાતરો, અંતઃસ્ત્રાવો, પ્રતિજૈવિક પદાર્થો,જંતુનાશક રસાયણો વગેરેના અવશેષો ધરાવતું નથી. દૂધની અન્ય ઓર્ગેનિક બનાવટોમાં દહીં, યોગર્ટ,ચીઝ, માખણ અને આઈસ્ક્રીમનો સમાવેશ થાય છે. આવી ડેરી બનાવટો પરંપરાગત દૂધની બનાવટો કરતાં ઊંચા પ્રમાણમાં ઓમેગા-૩ અને ડેક્ષટ્રોઝ આંક ધરાવે છે.
ઓર્ગેનિક ડેરી ફાર્મિંગમાં મહિલાઓનો ફાળો :
વિશ્વના ૧૮૧ દેશોનો અંદાજે ૬૯૮ લાખ હેકટર વિસ્તાર સજીવ ખેતી હેઠળ આવેલો છે. ભારતના ર૯ લાખ ખેડૂતો સજીવ ખેતી કરે છે. ભારતના કૃષિ ક્ષેત્રમાં પુરુષો કરતાં મહિલાઓનો ફાળો વિશેષ રહેલો છે. પહાડી વિસ્તારો, ઉત્તર પૂર્વના રાજ્યો અને કેરાલા રાજ્યમાં કૃષિ અને ગ્રામીણ વિકાસ ક્ષેત્રે મહિલાઓનો ફાળો વધુ છે. પશુપાલન, દૂધ ઉત્પાદન અને મૂલ્યવર્ધક પેદાશોની બનાવટો તૈયાર કરવા માટે અંદાજે ૭.પ કરોડ મહિલાઓ સંકળાયેલી છે.
સારાંશ : ભારતમાં તાજેતરમાં સજીવ ખેતીના ફાયદાઓ જેવા કે પર્યાવરણમાં સુધારણા,જમીનની ફળદ્રુપતા, પશુ આરોગ્ય, ઉપલબ્ધ સ્ત્રાતોેનો ઉપયેાગ,ઓછા ખર્ચે વધુ ઉત્પાદન વગેરે અંગેની જાગૃતિ આવવાને કારણે ઓર્ગેનિક ડેરી ફાર્મિંગમાં જોવા મળે છે.સમાજના વિકાસ માટે વધુને વધુ ઓર્ગેનિક ડેરી ફાર્મિંગનો વિકાસ થાય તે આજની તાતી જરૂરિયાત છે.
સ્ત્રોતઃ ઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ,ફેબ્રુઆરી ૨૦૨૦
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

