દર વર્ષે વિશ્વના ૪૦ થી વધુ દેશોમાં ઓકટોબર મહિનાના શુક્રવારે વિશ્વ ઇંડાં દિન એટલે કે વર્લ્ડ એગ ડે મનાવવામાં આવે છે.વિશ્વમાંના મરઘી પાલકો સારી ગુણવત્તા ધરાવતાં ઇંડાં વડે વિશ્વના ભૂખ્યા લોકોની ઇંડાંની જરૂરિયાત પુરી પાડે છે.ઇંડાં તદુરસ્ત આહાર તરીકે શરીરને જરૂરી કેટલાક વિટામિનો અને ખનીજતત્વો પુરા પાડે છે. વિશ્વના ઘણા ભાગોમાં તે સહેલાઇથી પ્રાપ્ય થતો સસ્તો ખોરાક છે.
ભૂતકાળમાં ખાસ કરીને કોલેસ્ટીરોલ બાબતે કેટલીક ગેરસમજ હતી કે તે આરોગ્ય માટે ફાયદાકારક છે કે હાનિકારક,પરંતુ આધુનિક રીતે વિચારતાં ઇંડાંમાં રહેલ પ્રોટીન અને આવશ્યક પોષકતત્વોના સ્ત્રોતને લીધે તે આરોગ્ય માટે લાભદાયી ગણાય છે.
ઇંડાંના આરોગ્યલક્ષી ફાયદાઓઃ
(૧) સ્નાયુની મજબૂતાઇઃઇંડાંમાં રહેલ પ્રોટીન શરીરની પેશીઓ અને સ્નાયુઓની જાળવણી કરવામાં અને બંધારણમાં મદદરૂપ થાય છે.
(૨)મ ગજની તંદુરસ્તીઃઇંડાંમાં રહેલ વિટામિનો અને ખનીજતત્વોને લીધે મગજ અને જ્ઞાનતંત્રની કામગીરી અસરકારક બને છે.
(૩) શકિતનું ઉત્પાદનઃઇંડાંમાં દરેક પ્રકારનાં પોષકતત્વો રહેલાં હોઇ તે શરીરને શકિત પુરી પાડે છે.
(૪) શરીરની રોગપ્રતિકારક શકિતમાં વધારોઃઇંડાંમાં રહેલ વિટામિન એ,બી-૧૨ અને સેલેનિયમ શરીરની રોગપ્રતિકારક શકિતને જાળવી રાખવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.
(૫) હૃદયરોગના જોખમમાં ઘટાડોઃઇંડાંમાં રહેલ કોલીન એમિનો એસિડ હોમોસીસ્ટેઇનને તોડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે કે જે હૃદયરોગ થવા માટે જવાબદાર છે.
(૬) તંદુરસ્ત ગર્ભાવસ્થાઃઇંડાંમાં ફોલિક એસિડ અને અન્ય પોષકતત્વો હોઇ તે બાળકોમાં સ્પાઇના બિફિડા જેવી જન્મજાત ખામીને અટકાવે છે.
(૭) આંખોની તંદુરસ્તીઃઉંમરની સાથે આવતા અંધાપાને ઇંડાંમાં રહેલ લુટેઇન અને ઝીયાજેન્થીન તત્વો અટકાવે છે.ઇંડાંમાં રહેલ અન્ય વિટામિનો આંખોને સારી દૃષ્ટિ પ્રદાન કરે છે.
(૮) વજનમાં ઘટાડો અને જાળવણીઃઇંડાંમાં રહેલ પ્રોટીનને કારણે તે નાસ્તા તરીકે લેવાથી શરીરની સારી રીતે જાળવણી કરે છે અને અન્ય ખોરાકની સરખામણીએ કેલેરી ઓછી હોઇ વજન ઘટાડવામાં અને તેને જાળવવામાં મદદ કરે છે.
(૯) ત્વચાની તંદુરસ્તીઃઇંડાંમાં રહેલ કેટલાક વિટામિનો અને ખનીજતત્વો ત્વચા એટલે કે ચામડીને તંદુરસ્ત રાખે છે અને શરીરની પેશીઓનું રક્ષણ કરે છે.ઇંડાં લેવાને કારણે રોગપ્રતિકારક શકિત વધવાને કારણે માનવ દેખાવે અને આરોગ્યમાં તંદુરસ્ત લાગે છે.
ઉપરોકત અનેક લાભો જોતાં દરેક વ્યકતિએ સમતોલ આહારના ભાગ રૂપે ઇંડાંનો પોતાના આહારમાં સમાવેશ કરવો જોઇએ.
ઇંડાંમાં રહેલ પોષકતત્વોઃ
યુનાઇટેડ સ્ટેટસ ડીપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર(USDA)ના જણાવ્યા અનુસાર એક મધ્યમ કદનું ૪૪ ગ્રામ વજન ધરાવતું બાફેલું ઇંડું નીચે દર્શાવેલ પોષકતત્વો પુરાં પાડે છેઃ
- શકિતઃ૬૨.૫ કેલેરી
- પ્રોટીનઃ૫.૫ ગ્રામ
- કુલ ચરબીઃ૪.૨ ગ્રામ જેમાં ૧.૪ ગ્રામ સંતૃપ્ત ચરબી રહેલી છે.
- સોડિયમઃ૧૮૯ મિ.ગ્રા.
- કેલ્શિયમઃ ૨૪.૬ મિ.ગ્રા.
- આયર્નઃ૦.૮ મિ.ગ્રા.
- મેગ્નેશિયમઃ૫.૩ મિ.ગ્રા.
- ફોરફરસઃ૮૬.૭ મિ.ગ્રા.
- પોટેશિયમઃ૬૦.૩ મિ.ગ્રા.
- ઝિંકઃ૦.૬ મિ.ગ્રા.
- કોલેસ્ટીરોલઃ૧૬૨ મિ.ગ્રા.
- સેલેનિયમઃ૧૩.૪ માઇક્રોગ્રામ.
- લુટેઇન અને ઝીયોઝેન્થીનઃ૨૨૦ માઇક્રોગ્રામ
- ફોલેટઃ૧૫.૪ માઇક્રોગ્રામ
- વિટામિનોઃએ,બી,ઇ અને કે.
વિશેષઃ
ઇંડામાંનો સફેદ અને પીળો બંને ભાગ પ્રોટીનના ઊંચા સ્ત્રોત છે જે ઇંડાંમાં કુલ ખાદ્ય ભાગના અંદાજે ૧૨.૬ ટકા ભાગ પ્રોટીન રહેલું છે.કેટલાક રાજ્યોએ મધ્યાન્હ ભોજન(મીડ ડે મીલ)યોજનામાં ઇંડાનો સમાવેશ કરેલ છે.ઇંડાના વિવિધ લાભોને ધ્યાને લઇ શાકાહારી લોકોએ પણ ઇંડાંનો ખોરાકમાં સમાવેશ કરવો જોઇએ.
સ્ત્રોતઃ લાઇવ સ્ટોક ફ્યુચર, ઓક્ટોબર-ડિસે. 2019
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

