કેળાના પોષણ અને ઔષધિય ગુણ જાણો (Nutritional and medicinal value of banana)

                ભારતમાં ગરીબથી માડી તવંગર સુધીના સર્વે લોકો માટે સસ્તુ, સહેલાઈથી સુલભ અને બારેમાસ મળતું અને બાળક-વૃદ્ધ સર્વેને માટે શ્રેષ્ઠ ફળ કેળા છે.  આધુનિક વિજ્ઞાન મુજબ કેળામાં રહેલી મીઠાશ તેમાંના ગ્લુકોઝને આભારી છે જે સ્વાદમાં મીઠાશ ઉપરાંત સ્નાયુઓને શક્તિ અને પુષ્ટિ આપે છે. આમ કેળા કોઈપણ મીઠાઈ કે મિષ્ઠાનની ગરજ સારે છે.  સવાર કરતાં બપોરે અને બપોર કરતા રાત્રે કેળા ખાવા વધુ ગુણકારી છે. જેમને માફક હોય તેઓએ દરરોજના ભોજન સાથે નાસ્તામાં કે મુસાફરીમાં પાકા કેળા ખાવા તે અન્ય કોઈપણ ખોરાક કરતા ઉત્તમ છે.

કેળાંઆયુર્વેદ વિજ્ઞાનની દૃષ્ટિએ :

                આયુર્વેદ વિજ્ઞાનની દૃષ્ટિએ પાકા કેળા પચવામાં ભારે, સ્વાદે મધુર, સ્નિગ્ધ, ઠંડા, ઝાડાને રોકનાર, વીર્યવર્ધક, પુષ્ટિવર્ધક, રૂચિ ઉત્પન્ન કરનાર, માંસવર્ધક, પિત્ત અને વાયુ દોષનાશક, થાક હરનાર, તૃપ્તિ આપનાર, પાચનશક્તિ માટે સુખપ્રદ, કાન્તિવર્ધક, અજીર્ણ અપચામાં ન પચનાર અને શરદી કફવાળાને નુકસાનકર્તા છે. પાકા કેળા પીડાનાશક, કફનિવારક, બળવર્ધક, યોનિસ્ત્રાવ અટકાવનાર તથા અતિ ભૂખ, તરસ, નેત્રના રોગ અને મધુપ્રમેહ મટાડનારા છે. કેળા વાયુ તથા પિત્ત (ગરમી)નાં દર્દો, દાહ, રક્તપિત્ત, કૃમિ, બહુમૂત્ર, વાયુની ખાંસી, સોમરોગ, સ્વપ્નદોષ, દૂઝતા હરસ, લોહીવા (રક્તપ્રદર), પથરી, ગળાના ચાંદા, મૂત્રાશયનો સોજો મટાડે છે.

                કાચાં કેળા પચવામાં વધુ ભારે, અજીર્ણ અને કફ કરનાર છે પરંતુ કાચા કેળાનું શાક બનાવી ખાઈ શકાય અથવા કાચા કેળાની સૂકવણી કરી દળીને તેનો લોટ બનાવી ભાખરી બનાવીને ખાઈ શકાય છે.

                કેળામાં એલચીનો ભૂકો અને ઘી નાખી ખાવાથી તે જલ્દીથી સારી રીતે ૫ચી જાય છે અને અજીર્ણ થતું નથી. વિશેષમાં આયુર્વેદમાં દૂધ અને કેળાને વિરૂદ્ધ ગણેલ હોઈ દૂધ સાથે કેળા ખાવા હિતાવહ નથી. જેઓને ખુબ શરદી, કફ અને દમ થતો હોય તેઓએ કેળાનો ઉપયોગ ન કરવો જોઈએ.

કેળાનો વિવિધ રોગોમાં ઉપયોગ :

(૧) હાડકાંને તંદુરસ્ત રાખવા : હાડકાંના બંધારણ અને વિકાસ માટે જરૂરી કેલ્શિયમ અને ફોસ્ફરસ તત્વો કેળાં ધરાવે છે. દરરોજ કેળા ખાવામાં આવે તો શરીરને જોઈતું કેલ્શિયમ મળી રહે છે. કાચા કેળા શોર્ટ ચેઈન ફેટી એસિડ (SCFAS) કે જે આંતરડાની દિવાલ ઉપર રહેલ કોષોને તંદુરસ્ત રાખે છે જેથી શરીર દ્વારા કેલ્શિયમનું શોષણ વધુ અસરકારક રીતે થાય છે.

(ર) એનેમીયાનો અટકાવ : એનેમીયા થવાનું મુખ્ય કારણ શરીરમાં આયર્ન (લોહ)ની ઉણપ છે. કેળાં ઊંચી માત્રામાં આયર્ન ધરાવે છે એટલે તેને ખાવાથી શરીરમાં હીમોગ્લોબીન તત્વ વધે છે અને તેથી લોહી લાલ બને છે.

(૩) કબજીયાત અને ઝાડાનો અટકાવ : કેળામાં રેસાનું પ્રમાણ વધુ હોઈ તે આંતરડામાં મળને બહાર કાઢવામાં મદદ કરે છે.  ઝાડા (ડાયેરીયા) થતાં શરીરમાંથી અગત્યના ઈલેકટ્રોલાઈટસ ઘટે છે જેમાં અગત્યનું પોટેશીયમ છે કે જે કેળામાં વધુ પ્રમાણ રહેલ છે. તે પેકટીન ધરાવે છે જે પાચનક્રિયાના અવયવોની કામગીરીને સામાન્ય બનાવે છે. ગરમીના કારણે થતી કબજીયાતમાં રાત્રે સૂતી વખતે પાકા કેળા ખાવાથી લાભ થાય છે.  ખૂબ પાકા કેળા મસળીને તેમાં થોડુ મીઠું અને જીરાનો ભૂકો મેળવી ખાવાથી મરડામાં લાભ થાય છે, લોહી પડતુ બંધ થાય છે. આ માટે દહીંમાં કેળાં મેળવી રોજ ખાવા જોઈએ.

(૪) હોજરીમાં થતો ગેસ અને ચાંદાંનો અટકાવ : હોજરીમાં  પેદા થતો ગેસ અને ચાંદાં (અલ્સર)ને અસરકારક રીતે અટકાવવા માટે ઘરગથ્થુ ઔષધ તરીકે પાકાં કેળાં વપરાય છે. કેળાં અમ્લતાનો ઘટાડો કરી ચાંદાં થતાં અટકાવે છે.

(પ) ઊંચા લોહીના દબાણ (હાઈ બીપી)નો અટકાવ : કેળાં સૌથી ઊંચા પ્રમાણમાં પોટેશીયમ ધરાવે છે કે જે લોહીના ઊંચા દબાણ અટકાવવામાં જરૂરી છે. ધી યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USDA) દ્વારા કેળા આધારિત ઉદ્યોગોને જણાવેલ છે કે કેળા લોહીના દબાણ અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે.

(૬) સ્ટ્રોકના જોખમમાં ઘટાડો : ધી ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં જણાવેલ એક અભ્યાસ મુજબ નિયમિત રીતે આહારમાં કેળાનો ઉપયોગ કરવામાં આવે તો સ્ટ્રોકનું ૪૦ ટકા જેટલુ જોખમ ઘટાડે છે.

(૭) દાહ (હાર્ટ બર્ન)ની સારવારમાં ઉપયોગી : જો તમે દાહ (હાર્ટ બર્ન)ની માંદગીથી પરેશાન હોવ તો પાકાં કેળાં ખાવાથી રાહત થાય છે કે જે કુદરતી રીતે શરીર પર એન્ટાસિડ અસર કરે છે.

(૮) ચેતાતંતુઓના કાર્યમાં મદદરૂપ : કેળા વધુ પ્રમાણમાં વિટામિન બી ધરાવે છે કે જે ચેતાતંત્રની કામગીરીને સુધારવામાં મદદરૂપ છે. ઓસ્ટ્રેલિયામાં આવેલ ઈન્સ્ટિટયૂટ ઓફ સાયકોલોજી સંસ્થામાં થયેલ એક અભ્યાસ મુજબ કામનું દબાણ હોય ત્યારે નાસ્તામાં કેળા લેવાથી બે કલાક સુધી શરીરમાં શર્કરાનું સ્તર જાળવી રાખે છે.

(૯) મગજ શક્તિ (બ્રેઈન પાવર)માં વધારો : વર્ષ ર૦૧૧ દરમ્યાન ટવીકેનહામ (મિડલસેક્સ) સ્કુલમાં અભ્યાસ કરતા ર૦૦ બાળકોને નાસ્તો અને બપોરના ખાણું તથા રીસેશમાં કેળાં ખવડાવતાં મગજશક્તિમાં વધારો માલૂમ પડેલ. આ સંશોધન દર્શાવે છે કે ખોરાકમાં પોટેશીયમ ધરાવતાં ફળો આપતાં બાળકોની મગજશક્તિ તેજ જણાયેલી હતી.

(૧૦) હતાશામાં ઘટાડો : એમઆઈએનડી સંસ્થા દ્વારા કરવામાં આવેલ તાજેતરના સર્વે મુજબ જે વ્યક્તિઓ હતાશાથી પીડાતા હતા તેઓને કેળા ખાધા બાદ સારૂ જણાયેલ. તેનું કારણ કેળામાં રહેલ ટ્રીપ્ટોફેન એમિનો એસિડ છે જેનું કેળા ખાધા બાદ શરીરમાં સેરોટોનિનમાં રૂપાંતર થાય છે. સેરોટોનિન શરીરને આરામ (રીલેક્સ) આપવામાં, મૂડને સુધારવામાં અને સુખની લાગણી થવા માટે જવાબદાર મનાય છે.

(૧૧) તણાવ (સ્ટ્રેસ)માં રાહત : કેળા ઊંચા પ્રમાણમાં પોટેશીયમ ધરાવે છે જેથી તે લોહીના ધબકારાને સામાન્ય રાખવામાં મદદ કરે છે અને શરીરમાં પાણીના પ્રમાણની સમતુલા જાળવી રાખે છે. જ્યારે ઊંચો તણાવ (સ્ટ્રેસ) હોય ત્યારે શરીરમાં પોટેશીયમનું પ્રમાણ ઝડપથી ઘટી જાય છે તેવા સંજોગોમાં કેળા ખાવામાં આવે તો કોઈપણ દવા લીધા સિવાય પોટેશીયમનું પ્રમાણ શરીરમાં જળવાય રહે છે.

(૧ર) આંખની દૃષ્ટિને રક્ષણ : આર્ચિવ્સ ઓફ ઓપ્થેલ્મોલોજી નામના જર્નલમાં પ્રકાશિત થયેલ સંશોધન લેખમાં જણાવ્યા મુજબ દૈનિક ત્રણ વખત ખોરાકમાં ફળોનો ઉપયોગ કરતી વ્યક્તિઓમાં ૧.પ વખત ખોરાકમાં ફળોનો ઉયપોગ કરતી વ્યક્તિ કરતાં ઉંમરને લીધે દૃષ્ટિ ઉપર થતી પ્રાથમિક અસર (ઓછું  દેખાવું બંધ થવું) નું જોખમ ૩૬ ટકા જેટલું ઘટાડે છે.

(૧૩) ધૂમ્રપાન બંધ કરવામાં મદદ : જે વ્યક્તિઓ ધૂમ્રપાન છોડવા માગે છે તેઓને કેળા મદદરૂપ થાય છે. કેળામાં રહેલ પાષકતત્વો પૈકી વિટામિન બી-૬ અને બી-૧ર ઉપરાંત પોટેશીયમ અને મેગ્નેશીયમ  નિકોટિન છોડવાથી શરીર પર થતી અસરને નાબૂદ કરવામાં મદદ કરે છે.

(૧૪) મચ્છર કરડવા પર રાહત : મચ્છર કરડે ત્યારે શરીરની ત્વચા ઉપર થતી ચળ અને ખંજવાળ ઉપર કેળાના છાલની અદરનું પડ ઘસતાં રાહત થાય છે તેવું ઘણા લોકોએ નોંધેલ છે.

(૧પ) શરીરના ઉષ્ણતામાનની જાળવણી : ઘણી સંસ્કૃતિઓમાં કેળાને ‘કૂલિંગ ફળ’ તરીકે ગણવામાં આવે છે કે જે માતાના શરીરનું ઉષ્ણતામાન ઓછું રાખવામાં મદદરૂપ છે. થાઈલેન્ડ દેશની સગર્ભા સ્ત્રીઓ બાળકનો સરળતાથી જન્મ થાય તે માટે કેળાં આહારમાં લે છે.

(૧૬) ચહેરા પરની કરચલીઓ દૂર કરવા : ફેઈસ માસ્ક તરીકે બે મધ્યમ સાઈઝના કેળાંને કચરીને બનતા માવામાં જરૂર જેટલું મધ ઉમેરી બનતી પેસ્ટને ચહેરા અને ગળા ઉપર લગાવી ૧પ થી ર૦ મિનિટ રહેવા દઈ, ત્યારબાદ ઠંડા પાણીથી ધોઈ નાખી, રૂમાલથી સાફ કરતાં ચહેરા પરની કચચલીઓ દૂર કરી ચહેરાને તંદુરસ્ત રાખે છે.

(૧૭) સવારની માંદગી (મોર્નિંગ સિકનેસ)ને દૂર કરે : સવારે નાસ્તામાં કેળા લેવામાં આવે તો શરીર શર્કરાનું પ્રમાણ જાળવી રાખી કેટલીક વ્યક્તિઓને સવારે માંદગી લાગતી અટકાવે છે.

(૧૮) ડાયાબીટીસના દર્દી માટે ઉપયોગી : કેળામાં આલ્બ્યુમીન ઓછા પ્રમાણમાં હોવાથી તે ડાયાબીટીસના દર્દીને ખૂબ ઉપયોગી ખોરાક છે.

(૧૯) મૂત્રાશયના દર્દોમાં ઉપયોગી : કેળામાં પ્રોટીન અને ચરબીના તત્વો ઓછા પ્રમાણમાં રહેતા હોઈ મૂત્રાશયના દર્દોમાં ખોરાક તરીકે વધુ ગુણકારી છે. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સરમાં પ્રકાશિત થયેલ સંશોધન અભ્યાસ મુજબ ફળ અને શાકભાજીનો રોજબરોજનો વપરાશ (ખાસ કરીને કેળા, કોબીજ અને કંદવાળા શાકભાજી) મૂત્રપિંડના કેન્સરનું જોખમ ઘટાડે છે. તેના માટે કેળાં અને કંદમૂળવાળા શાકભાજીમાં રહેલ એન્ટિઓકસીડેન્ટ ફીનોલિક કમ્પાઉન્ડનું ઊંચુ પ્રમાણ જવાબદાર મનાય છે.

(ર૦) માયકાંગલા તથા બાળશોષ રોગના ભોગ બનેલ બાળકો માટે : કેળામાં સ્ટાર્ચ તથા વિટામિન એ, બી, સી, ડી, જી, ઈ અને એચ પુષ્કળ પ્રમાણમાં રહેલા હોઈ પુરતા પોષણના અભાવે માયકાંગલા બનેલા બાળકો તથા બાળશોષ (સૂકવા) રોગનો ભોગ બનેલ બાળકો માટે કેળા ખૂબ જ ઉત્તમ ખાદ્ય અને ઔષધ છે જેથી આવાં બાળકોને કેળા આપતાં બાળકોના વિકાસ સારો થાય અને હુષ્ટપુષ્ટ બને છે.

(ર૧) બાળકોની માટી ખાવાની ટેવ દૂર કરે : જે બાળકોને ધૂળ, માટી કે ચૂનો (સ્લેટની પેન) ખાવાની ટેવ હોય તેમને સવાર-સાંજ પાકાં કેળાં મધ મેળવી ખાવા દેવાથી આ ટેવ છૂટી જાય છે.


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *