ચા અને કોફી-પોષણ અને સ્વાસ્થ્ય માટે લાભપ્રદ (Tea and Coffee-Beneficial for nutrition and health)

ચાઃ

                ચાનું ઉદ્દભવસ્થાન ભારતનું આસામ,મણિપુરનાં જંગલો અને ચીન તથા જાપાન દેશ  છે.પ્રાચીન સમયે ચીનમાં ચા નો ઉપયોગ એક ઔષધિય છોડ તરીકે થતો.હતો ચા તરીકે ઉકાળી ફાંટ કરવાની પ્રથા ચીનમાં પાંચમા સૈકાથી શરૂ થઇ.યુરોપિયન લોકો તેને સને ૧૬૫૮ માં ઇગ્લેંડ લઇ ગયા.ભારતમાં યુરોપિયનોના આગમન બાદ ચા નો ફેલાવો થયો.હાલ વિશ્વમાં કોઇપણ એવુ ગામ નહિ હોય કે જ્યાં ચા ન પીવાતી હોય.ચા ને પીણાંની રાણી (કવીન ઓફ બેવરેજીસ) તરીકે દુનિયામાં સ્વીકારવામાં આવી છે.

                સામાન્ય રીતે દુનિયામાં વપરાતી ૮૦ ટકા ચા ફરમેન્ટેડ બ્લેક ટી તરીકે,૨ ટકા ચા સેમી-ફરમેન્ટેડ ઉલોંગ ટી તરીકે અને ૧૮ ટકા નોન-ફરમેન્ટેડ ગ્રીન ટી તરીકે વાપરવામાં લેવામાં આવે છે.ભારતીય અને યુરોપિયન દેશોના લોકો બ્લેક ટી જ્યારે ચીન અને તાઇવાન લોકો ઉલોંગ ટી વધુ પંસદ કરે છે ચીન,જાપાન અને તાઇવાનમાં ગ્રીન ટી વધુ  પ્રખ્યાત છે અને તાજેતરમાં વિશ્વના અન્ય ભાગોમાં પણ તેની ખ્યાતિ વધવા પામી છે.ચા માં રહેલ પોલીફીનોલ્સના કારણે ગ્રીન ટી નો વપરાશ લાભકારક છે.

                ચા ના  પાંદડાંના બંધારણમાં પોલીફીનોલ્સ અને કેફીન ઉપરાંત એમિનો એસિડ,વિટામિન ઇ અને કે, એલ્યુમિનિયમ,મેંગેનીઝ,સેલ્યુલોઝ,લિગ્નીન,લિપિડસ,કલોરોફીલ્સ અને કેરોટીનોઇડસ વગેરે રસાયણો રહેલા છે.ચા ના પ્રોસેસિંગ દરમ્યાન આથવણના તબક્કે પોલીફીનોલોકસીડેઝસ ધ્વારા પોલીફીનોલ્સનું ઓકસીકરણ થતાં થીયારૂબિગિન્સ અને થીયાફલેવિન્સ પેદા થાય છે જે કેફીન સાથે ચા ના અનુપમ સ્વાદ,સુગંધ અને તડપડાટ માટે જવાબદાર  છે.

ચાના પાંદડાંની અસર :

                ચા ની બનાવેલ ફાંટ જ્ઞાનતંતુઓને ઉત્તેજક અસર કરે છે તેથી સુસ્તી,મૂર્છા મટે છે અને શરીર સતેજ થાય છે.ચામડી પર તેની અસર થતાં પરસેવો છૂટે છે જેથી શરદી તાવ કે અન્ય બિમારી સમયે શરીરમાં શાંતિ આપે છે.હૃદયને ઉત્તેજક કરી તેની મંદ થયેલ ગતિને વધારે છે.લોહીની ગતિ વધારે છે.મૂત્રાશય પર તેની અસર થાય છે.

                ચા પીવાથી ઊંઘ ઓછી આવે છે.આથી ઉજાગરા વખતે તે ઉપયોગી છે.વધારે પડતું ચાલવાથી કે વધારે પડતા શ્રમથી થાક લાગ્યો હોય,અતિશય ઠંડી પડી હોય,વરસાદ કે અન્ય કારણથી શરદી થયેલી હોય ત્યારે ચા પીવાથી શરીરમાં ગરમી આવતાં શરીરને સતેજ કરે છે.શીત કટિબંધમાં રહેતા લોકોને તેમજ પૂર્ણ સશકત લોકોને તેના સેવનથી થોડી ખરાબ અસર થાય છે.

        જો ચા નું દરરોજ સેવન કરવામાં આવે કે વધારે ઉકાળીને વધુ પ્રમાણમાં લેવામાં આવે તો તેમાં રહેલ ઝેરની ધીમી અસર થતાં મગજના જ્ઞાનતંતુઓ ઢીલા પડી જાય છે.હૃદયની ગતિ વધી જાય છે.મૂત્રાશયમાં સોજો આવે છે.ધાતુ પાતળુ પડી શરીર ક્ષીણ થાય છે. પાચનશકિત મંદ પડે છે.દરરોજ સેવન કરનાર માફક બંધાણી બનતાં જો સમયસર ચાનું પીણું ન મળે તો શરીરમાં સુસ્તી થઇ કોઇ કામકાજ કરવાની સૂઝ પડતી નથી.ચા પીધા બાદ થોડો સમય શરીર સતેજ રહે છે અને નશો ઉતરી જતાં જ્ઞાનતંતુઓ ઢીલા પડી પાછી સુસ્તી થઇ જાય છે.

ચા માં રહેલ વિવિધ ગુણોઃ

() એન્ટિઓકસીડેન્ટ તરીકે :

                ચા માં એસ્કોર્બિક એસિડ(વિટામિન સી),ટોકોફેરોલ્સ(વિટામિન ઇ) અને કેરોટીન(વિટામિન એ)કરતાં વધુ સારૂ કેટેચિન્સ નામનું એન્ટિઓકસીડેન્ટ નોંધાયેલ છે.ચા બનાવતી વખતે તેમાં દૂધ ઉમેરવાથી પોલીફીનોલ્સ સાથે દૂધમાંનું પ્રોટીન જોડાવાને કારણે ચા માં રહેલ એન્ટિઓકસીડેન્ટના પ્રમાણમાં ઘટાડો થાય છે.

() હૃદયરોગના જોખમમાં ઘટાડો કરનાર :

                ચા માં રહેલ પોલીફીનોલ્સ ઓછી ઘનતાવાળા લિપોપ્રોટીન(એલડીએલ)નું ઓકસીકરણ ઘટાડે છે અને તે રીતે હૃદયરોગનું જોખમ ઘટાડે છે.ગ્રીન ટી માં રહેલ પોલીફીનોલ્સ એલડીએેલ અને ટ્રાયગ્લીસરાઇડસના સ્તરમાં ઘટાડો કરે છે અને એચડીએલના સ્તરમાં વધારો કરે છે.ચા માં રહેલ પોલીફીનોલ્સ ખોરાકમાં રહેલ ચરબી અને કોલેસ્ટીરોલનું શોષણ અટકાવે છે.

() કેન્સરવિરોધી તરીકેઃ

                ચા માં રહેલ પોલીફીનોલ્સ વિવિધ તબકકે કેન્સર સામે કોષોને રક્ષણ પૂરૂ પાડે છે.ગ્રીન ટી જઠર,નાનુ આંતરડું, પેનક્રીઆસ,ફેફસાં,સ્તન,ચામડી,મૂત્રાશય,પ્રોસ્ટેટ,ગળુ અને મોં ના કેન્સર થવાની શકયતામાં ઘટાડો કરે છે.તે પ્રાણીઓમાં થયેલ કેન્સરની ગાંઠના કદ અને વિકાસમાં ઘટાડો કરે છે તેવું જણાવેલ છે.ગ્રીન ટી માં રહેલ પોલીફીનોલ્સ સીધી રીતે સાયટોક્રોમ પી-૪૫૦ ઉત્સેચકના તંત્ર(ફેઝ-૧ ઉત્સેચક)ને અટકાવે છે કે જે કેન્સર પેદા કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.તે ફેઝ-૨ ઉત્સેચક(દા.ત ગ્લુટાથિઓન ટ્રાન્સફરેજ)ની પ્રવૃત્તિને ઉત્તેજન આપે છે કે જે શરીરમાં કેન્સર પેદા કરનાર પદાર્થોના શુદ્ધિકરણ માટે ઝોનોબાયોટિકસ હાઇડ્રોફિલિકસ બનાવે છે.ગ્રીન ટી અલ્ટ્રાવાયોલેટ કિરણો રીએકટીવ ઓકસીઝન સ્પીસીઝ(આરઓએસ) થી થતા નુકસાન સામે રક્ષણાત્મક અસર પુરી પાડે છે તેવું નોંધાયેલ છે.

() ડાયાબીટીસ વિરોધી તરીકેઃ

                ચા માં રહેલ પોલીફીનોલ્સ એમાયલેઝની ક્રિયાને અટકાવી સીરમ ગ્લુકોઝમાં ઘટાડો કરે છે જેથી સ્ટાર્ચનું પાચન ઓછું થાય છે. ઉપરાંતતે આંતરડામાં ગ્લુકોજનું શોષણ ઘટાડે છે જેથી ડાયાબીટીસના રોગ સામે લડવામાં નોંધપાત્ર મદદ કરે છે.

() સંધિવા વિરોધી તરીકેઃ

                ચા માં રહેલ પોલીફીનોલ્સ એન્ટિઓકસીડેન્ટ ગુણ ધરાવે છે જે સંધિવા રોગને અટકાવવા અને તેની તીવ્રતા ઘટાડવા સાથે સંકળાયેલ છે.એપિકેટેચિન એપિગેલોકેટેચિન,એપિકેટેચિન-૩-ગેલેટ અને એપિગેલોકેટચિન-૩-ગલેટ એ દર્દીઓમાં સંધિવા વિરોધી અસર તરીકે નોંધાયેલ છે.

(૬)પાયોરીયા વિરોધી તરીકેઃ

                ગ્રીન ટી માં રહેલ પોલીફીનોલ્સ પાયોરીયા રોગ થતો અટકાવે છે કે જે જીવાણુઓથી થાય છે અને મોંમાં એમાયલેઝની ક્રિયા અટકાવે છે.

(૭)વાસરસ વિરોધી તરીકેઃ

                ચા પોલીયો,ઇન્ફલ્યુએન્ઝા,હર્પીસ સીમ્પલેક્ષ વગેરે વાયરસથી થતા અનેક રોગો સામે વાયરસ વિરોધી ગુણ ધરાવે છે. પ્રાથમિક સંશોધન ધ્વારા જાણવા મળેલ છે કે ગ્રીન ટી પોલીફીનોલ્સ અને તેના ઓકસીકરણ પદાર્થો એઇડસ(એચઆઇવી-૧)અને હર્પિસ સિમ્પલેક્ષ-૧ જેવા વાયરસથી થતા રોગોને અટકાવે છે.જો કે આ અંગે હજુ વધુ સંશોધનની જરૂર છે.

() સૂક્ષ્મજીવાણુ વિરોધી તરીકેઃ

                ચા માં રહેલ પોલીફીનોલ્સ કલોસ્ટ્રીડિયમ બોટુલિનમ,બેસિલસ સબટિલિસ, વિબ્રિસ્પારહીમોલીલિયોસ વગેરે જીવાણુઓના બીજાણુઓનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે.ચાનાં પાન અતિસાર(ઝાડા),કોલેરા અને ચેપી વિષમ જ્વર(ટાયફસ)ની સારવારમાં અપાય છે.ગ્રીન ટી પ્રોટોઝુઆ સૂક્ષ્મજીવનો નાશ કરવાનો ગુણ ધરાવે છે તેવું નોંધાયેલ છે.

ગ્રીન ટી ના લાભોઃ

        વિશ્વમાં પાણી બાદ ‘ચા’નો વપરાશ બીજા ક્રમે છે.  દુનિયામાં અંદાજે ૭૮ ટકા બ્લેક ટી અને ર૦ ટકા ગ્રીન ટી વપરાશમાં લેવાય છે. તે ચીન અને ભારતની વતની છે કે જયાં સદીઓથી તેનો વપરાશ તંદુરસ્તી માટે થતો હતો. હાલમાં યુએસમાં પણ તેનો વપરાશ થવા માંડયો છે.

        ગ્રીન ટી અને બ્લેક ટીને એક જાતના એન્ટિઓક્સીડેન્ટ ફલેવોનોઈડસ સાથે પેક કરવામાં આવે છે. તેમાં રહેલ બીજુ શક્તિશાળી એન્ટિઓકસીડેન્ટ એપિગેલોકેટેચીન ગેલેટ (ઈય્ઝ્રય્) રોગપ્રતિકારક શક્તિમાં વધારો  કરે છે. બ્લેક ટીમાં રહેલ ઈજીસીજી આથવણની ક્રિયાથી નાશ પામે છે જ્યારે ગ્રીન ટીમાં વરાળથી તે જળવાય છે. ગ્રીન ટી એ એલ-થીયાનાઈનનો સારો સ્ત્રોત છે. તે ટી-સેલમાં રોગકારકો સામે લડવા માટેના રસાયણો પેદા કરવામાં મદદ કરે છે.

ગ્રીનટીના ફાયદાઓ :

  • ગ્રીન ટી પોલીફીનોલ એન્ટિઓકસીડેન્ટ (કેટેચીન સહિત) ધરાવે છે જેની શરીરની તંદુરસ્તી પર સારી અસર થાય છે.
  • તે કોફીના પ્રમાણમાં ઓછું કેફેઈન ધરાવે છે. તે એમિનો એસિડ એલ-થીયાનાઈન ધરાવે છે જે મગજના કાર્યોમાં સુધારો કરે છે.
  • ટુંકા સમયમાં તે ચરબીનું દહન કરી શરીરની ચરબીમાં ઘટાડો કરી વજન ઘટાડે છે તેવું માનવામાં આવે છે.
  • તેમાં રહેલ શક્તિશાળી  એન્ટિઓસીડેન્ટસ કેન્સરને અટકાવે છે. ઘણા અભ્યાસમાં ગ્રીન ટી લેનારને કેન્સરનું જોખમ ઓછું જણાયેલ છે.
  • પાછલી અવસ્થામાં ઉન્માદ કે ચિત્તભ્રમ જેવી જ્ઞાનતંત્રની બિમારી થવાનું જોખમ ઘટાડે છે.
  • ગ્રીન ટીમાં રહેલ કેટેચીન મોંમાં જીવાણુંઓની વૃદ્ધિ અટકાવી મોમાંથી આવતી દુર્ગંધ અટકાવે છે.
  • ગ્રીન ટી લેવાથી લોહીમાં શર્કરાના પ્રમાણમાં થોડો ઘટાડો થાય છે એટલે તે ટાઈપ-ર ડાયાબીટીસનું જોખમ ઘટાડે છે.
  • ગ્રીન ટી નિયમિત રીતે લોકોને હૃદયના રોગો થવાનું જોખમ ઘટાડે છે.
  • ગ્રીન ટી શરીરના વજનમાં ઘટાડો કર છે. તે પેટની ચરબી ઘટાડવામાં વધુ અસરકારક છે.
  • વિવિધ અભ્યાસ પરથી માલૂમ પડેલ છે કે ગ્રીન ટી નહિ લેનાર કરતાં નિયમિત ગ્રીન ટી લેનારના આયુષ્યમાં વધારો જોવા મળેલ છે.

                ગ્રીન ટીમાં રહેલ કેટલાક પદાર્થો અન્ય રોગોની દવા લેનાર વ્યક્તિઓને હાનિકારક નીવડવાની શકયતા હોઈ તેવી વ્યક્તિઓએ ડૉકટરની સલાહ લઈ ગ્રીન ટી લેવી હિતાવહ છે.

કોફીઃ

        વિકસિત અને વિકાસશીલ દેશોમાં કોફી એ આનંદાયક પીણા તરીકે ઉપયોગમાં લેવાય છે. કોફીના દાણા ખનીજતત્વો,કાર્બોહાઇડ્રેટસ, પ્રોટીન,કેફીન,કલોરોજેનિક એસિડ,ગ્લાયકોસાઇડસ,લિપિડઝ અને તેને શેકતાં ટ્રાયગોનેલાઇન અને વિવિધ ઉડ્ડયનશીલ પદાર્થો ધરાવે છે. કોફીના શેકેલા દાણામાં ફીનોલીક પદાર્થો મુખ્યત્વે લીલી કોફીના દાણામાં રહેલ કલોરોજેનિક એસિડના પુરોગામી છે કે જે કોફીના કડવા સ્વાદ માટે જવાબદાર છે.કોફીની ઓર્ગેનોલેપ્ટિક નામની વિરલ લાક્ષણિકતાને કારણે તેનો ઉત્તેજક પીણા તરીકે મુખ્ય ઉપયોગ થાય છે.તે કેક અને ચોકલેટ જેવી બનાવટોમાં પણ વપરાય છે.

        કેફીન એ કોફીમાં રહેલ મુખ્ય ઉતેજક પદાર્થ છે.એક અભ્યાસ મુજબ દિવસમાં એક થી ત્રણ કપ કોફીનો વપરાશ કરતાં જાગૃતતા, શકિત (એનર્જી)અને એકાગ્રતાની ક્ષમતા વધે છે.તે માથાના દુઃખાવાના દર્દમાં રાહત આપે છે.તેનું હળવું પ્રમાણ(૪૦ થી ૬૦ મિ.ગ્રા)જમ્યા બાદ તકેદારી પુરી પાડવામાં મદદ કરે છે.સામાન્ય શરદી અને થાકમાં ઘટાડો કરે છે.

        તેમાં રહેલ કલોરોજેનિક એસિડ(સીજીઓ)ઓછી ઘનતાવાળા લીપોપ્રોટીન(એલડીએલ)નું મર્યાદિત ઓકસીકરણ કરે છે જેથી આર્થરોસ્કેલરોસીસને અટકાવે છે.તે ડીએનએ ને થતા નુકસાનમાં ઘટાડો કરી કેન્સર થતું અટકાવે છે.કેફીનનો વપરાશ કંપવા(પાર્કિસન્સ)ની બિમારી થતી અટકાવે છે તેવું એક અભ્યાસમાં નોંધાયેલ છે.

        કોફીનો વપરાશ ૧૦૦ થી પણ વધુ રોગો સાથે સંકળાયેલ છે.તે હાયપરટેન્શન, હૃદયરોગ, કેન્સર, સ્વયંભૂ ગર્ભપાતં, ગર્ભધારણમાં વિલંબ,જન્મ સમયે બાળકોનું ઓછુ વજન અને હાડકાંની બિમારી (ઓસ્ટીયોપોરોસીસ) વગેરે જેવા રોગો સાથે પણ સંકળાયેલ છે પરંતુ તેની સાથે સીધો સંબંધ નથી.કોફીના વધારે પડતા વપરાશની ભલામણ નથી કારણકે તે વ્યસનકારક પ્રકૃતિ ધરાવે છે.


સંદર્ભ : સેન્ટ્રલ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી જાન્યુ-માર્ચ ૨૦૧૬


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *