ચોળા-પોષણ માટેનો એક સમૃદ્ધ સ્ત્રોત (Cowpea – A rich source of nutrition)

        ચોળા (Vigna unguiculata) ને ગરીબોના માંસ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે પ્રોટીન,ખનીજતત્વો અને વિટામિનોનો નોંધપાત્ર સ્ત્રોત છે.ગરીબો માંસ અને મચ્છીનો મર્યાદિત ઉપયોગ કરે છે.ચોળા એ દુષ્કાળની પરિસ્થતિમાં પણ થઇ શકે તેવો પાક છે.તે વિશ્વમાં ઉષ્ણ અને ઉપોષ્ણ કટીબંધવાળા આફ્રિકા,લેટિન અમેરિકા અને દક્ષિણ એશિયા તથા યુએસએ વગેરે દેશોમાં થાય છે.ગ્રામ્ય અને શહેરી વસ્તીના આહારમાં તે નોંધપાત્ર ફાળો પુરો પાડે છે.અન્ય દેશોમાં વીનિંગ ફૂડની બનાવટમાં ચોળીનો ઉપયોગ કરવામાં આવે છે જે એમિનો એસિડ પુરા પાડે છે અને પ્રોટીનની ગુણવત્તામાં સુધારો કરે છે.આમ આ પાકનું આહારની બનાવટોમાં પોષણ માટે લાભકર્તા હોઇ ઔદ્યોગિક મહત્ત્વ રહેલું છે.ચોળાની વિવિધ જાતોના પૃથકકરણ ધ્વારા ભૌતિક અને રાસાયણિક ગુણો  જાણવા મળેલ છે જે સંશોધકો,પ્રાધ્યાપકો,આહારશાસ્ત્રીએ અને નીતિ ઘડવૈયાઓને તેમજ હોસ્પિટલ અને બાળકોના આહાર કાર્યક્રમોના આયોજનમાં મદદરૂપ થશે.

ચોળાની જાતોનું બંધારણ :

                પંતનગર ખાતેથી પંત ચોળી૧,૨,૩,૪ અને ૫ સુધારેલી જાતો બહાર પાડવામાં આવેલ જેનું પૃથકકરણ કરતાં તે ૨૨.૫૧ થી ૨૯.૬ ટકા જેટલું ઊંચુ પ્રોટીન ધરાવે છે જેથી પ્રોટીનની ઉણપથી થતા કવાશિરકોર જેવા રોગ માટે લાભદાયી છે.તેમાં શરીરના કાર્યો માટે ઉપયોગી લોહ અને ઝિંક જેવા સૂક્ષ્મતત્વો સારા પ્રમાણમાં રહેલાં છે.લોહ અને ઝિંકની ખામીથી શરીરની ક્રિયાઓ ઉપર ખરાબ અસરો થાય છે.તેના ૧૦૦ ગ્રામ દાણામાં ૫.૧૦ થી ૯.૬૮ મિ.ગ્રા.લોહ રહેલું છે જે પ્રાણવાયુને શરીરની પેશીઓમાં લઇ જવા માટે જરૂરી છે.તેના ૧૦૦ ગ્રામ દાણામાં ૨.૫૪ થી ૫.૫૯ મિ.ગ્રા.ઝિંક રહેલુ છે જે શરીરની ચપાપચયની ક્રિયામાં આવશ્યક ફાળો આપે છે અને રોગપ્રતિકારક  તંત્રને ટેકો આપી માંદગી સામે રક્ષણ પૂરૂ પાડે છે.તેના ૧૦૦ ગ્રામ દાણામાં ૧.૧૦ થી ૧.૩૦ મિ.ગ્રા.મેંગેનીઝ રહેલું છે. આમ આ સુધારેલી જાતો પોષણની રીતે સારી માલૂમ પાડી છે.

ચોળાની ખાદ્ય બનાવટો :

        ચોળાના પોષણ મૂલ્યને ધ્યાને રાખી નીચે જણાવેલ ખાદ્ય બનાવટો પંતનગર ખાતે આવેલ જી.બી પંત યુનિવરર્સિટી ઓફ એગ્રિકલ્ચર એન્ડ ટેકનોલોજી ધ્વારા વિકસિત કરવામાં આવી છેઃ

()ચોળાના ભજીયાં: પશ્ચિમ આફ્રિકન દેશોમાં ચોળાની બીજને ભીંજવી તેના ઉપરનું પડ દૂર  કરી દળી તેના લોટમાં ડુંગળી ઉમેરી તેલમાં તળીને ભજીયાં(પકોડા)બનાવી ખવાય છે.

()ચોળાના લાડુઃ ચણા અને ચોળાનો લોટ શેકી તેમાં ઘી અને રંગ તથા ખાંડ ઉમેરી ગોળાકાર લાડુ બનાવાય છે.

()ચોળાના બિસ્કીટઃ ચોળાના લોટમાં મોરસ ઉમેરી બેકરીમાં બનતા બિસ્કીટની જેમ ચોળાના બિસ્કીટ બનાવાય છે.

()ચોળાનો સલાડઃ ચોળા ૨૫ થી ૩૦ ટકા પ્રોટીન ધરાવે છે જેથી જે લોકો માંસ કે મચ્છી ખોરાકમાં લઇ શકતા નથી તેઓ માટે પ્રોટીન મેળવવાની સારી ગરજ પુરી પાડે છે.ચોળાના બી ને ઉકાળી  બાફી તેમાં કાકડી,ગાજર,ડુંગળી,લીલા મરચાં.લીલા ધાણા વગેરેના જીણા ટુકડા કરી તેમાં લીંબુનો રસ,કાળા મરીનો પાઉડર,મીઠું અને ચાટ મસાલો નાખી મિશ્ર કરી ફ્રિઝમાં બે કલાક રાખ્યા બાદ સલાડ તરીકે ઉપયોગ કરી શકાય છે.

()ચોળાની કેકઃ ચોળાના લોટમાંથી સ્વાદિષ્ટ અને પોષણયુકત કેક બનાવી શકાય છે.

        આમ પ્રોટીન લોહ અને ઝિંકની ખામીથી પીડાતી વ્યકિતઓ માટે ચોળા એ લાભકર્તા અને પોષણદાયી છે.બેબી ફૂડની બનાવટમાં પણ તે ઉપયોગી છે.


સ્ત્રોત : ઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, એપ્રિલ,2021


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *