એશિયન દેશોમાં આમલીના વૃક્ષો પુરતા પ્રમાણમાં ઉગેલાં જોવા મળે છે.આમલીના માવા ઉદ્યોગની આડપેદાશ તરીકે આમલીના બીજ પુરતાં પ્રમાણમાં અને સહેલાઇથી ઉપલબ્ધ છે.તે પ્રોટીનથી સમૃદ્ધ છે જે ઊંચા પ્રમાણમાં ઘણા એમિનો એસિડ ધરાવે છે.અન્ય કઠોળની સરખામણીએ તે જરૂરી ફેટી એસિડ અને ખનીજોનો સારો સ્ત્રોત છે.નાના પાયે તેના બીજમાંથી મેળવાતો પાઉડર ટેક્ષટાઇલ,પેપર અને શણ ઉદ્યોગમાં સાઇજિંગ મટીરિયલ તરીકે વપરાય છે.આ સિવાય વિવિધ ખાદ્ય બનાવટોમાં એડિટિવ તરીકે વાપરી શકાય છે.તેના બીજનું નિષ્કર્ષણ ઇમ્યુનિટી બુસ્ટર તરીકે અનેક રોગોમાં વાપરી શકાય છે.ખોરાક,ઔષધ અને ઉદ્યોગોના લાભો માટે આમલીના બીના ઉપયોગની વિશાળ ક્ષમતા રહેલી છે.
આમલીના વૃક્ષને અંગ્રેજીમાં Tamarind tree કહે છે જેનું વૈજ્ઞાનિક Tamarindus indica,L છે જે ફેબેસી કુટુંબ અને સીસાલપિનિઓડી ઉપકુટુંબનું ઉષ્ણ અને ઉપોષ્ણ કટીબંધમાં થતું વૃક્ષ છે.તે બહુવિધ ઉપયોગી વૃક્ષ હોઇ તેનો પોષણ તેમજ ઔષધિ તરીકે ઉપયોગ થાય છે.વિશ્વમાં તેનો માવો મેળવવા માટે ઉછેર કરવામાં આવે છે જેનો ઉપયોગ પીણાં બનાવવામાં અને કઢી તથા સોસમાં સુગંધી અને ખટાશ માટે તેમજ ઔષધ તરીકે દવાઓમાં થાય છે.ભારત એ વિશ્વમાં આમલીનું ઉત્પાદન કરતો મોટો દેશ છે.તેનું વાવેતર મધ્ય પ્રદેશ,બિહાર,આંધ્રપ્રદેશ,કર્ણાટક,તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં થાય છે.
આમલીના ફળ કુલ વજનના ૪૦ ટકા પ્રમાણે બીજ(કચૂકા)ધરાવે છે.ફળોના વિવિધ હેતુઓ માટેના ઉપયોગ દરમ્યાન વેપારી કે બિન વેપારી ધોરણે આડપેદાશ તરીકે બી એટલે કે કચૂકા મળે છે.કચૂકા એ વેપારી ધોરણે પ્રાપ્ત થતી આમલીની એક આડપેદાશ છે કે જેનો પોષણના એક સારા સ્ત્રોત તરીકે ઉપયોગ કરી શકાય તેમ છે. ભારતના કેટલાક ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોના લોકો કચૂકાને શેકી,તેના ઉપરનું પડ દૂર કરી ત્યારબાદ તેને એક રાત્રિ પાણીમાં પલાળી રાખ્યા બાદ મીઠા કે મોરસ સાથે ખાય છે.ગ્રામ્ય લોકોમાં તેના બીજ(કચૂકા)શેકીને ખાવાનો રીવાજ છે તેના બીજ ફોસ્ફરસ,મેગ્નેશીયમ,પોટેશીયમ,કેલ્શિયમ અને એમિનો એસિડ ધરાવે છે.આમ કચૂકા એ પોષણ અને આરોગ્ય માટે ઘણા લાભદાયી છે.તેના બીજ ડાયાબીટીસ વિરોધી,હાયપરલેપીડેમિક (લોહીમાં ચરબી જમા કરવી) વિરોધી અને એન્ટિઓકસીડેન્ટ તરીકે કાર્ય કરે છે.
કચૂકા–પોષણ તરીકેઃ
આમલીના બીજ વિવિધ પોષકતત્વોથી સમૃદ્ધ છે.તેના બીજ ઊંચા સ્તરનું પ્રોટીન (૧૮.૪ થી ૨૬.૯ ટકા),લિપિડ(૫.૪ થી ૧૦.૯ ટકા) અને સારી પોષણ ગુણવત્તા ધરાવતા અન્ય પોષકતત્વો ધરાવે છે.તે સારા એવા પ્રમાણમાં એમિનો એસિડસ અને ઊંચા પ્રમાણમાં પ્રોટીનની પાચ્યતા(૭૧.૩ ટકા)ધરાવે છે.તેના બીજ ૫૫.૬ ટકા અસંતૃપ્ત ફેટી એસિડસ અને ૪૪.૪ ટકા સંતૃપ્ત ફેટી એસિડસ ધરાવે છે.તેના બીનું તેલ ઘણા ઓછા પ્રમાણમાં મુક્ત ફેટી એસિડસ ધરાવે છે જે દર્શાવે છે કે તે સારૂ ખાદ્ય તેલ છે અને ખોરૂ થયા સિવાય તેને વધુ સમય સારી રીતે રાખી શકાય છે.તેના બીજનું આવરણ(કવચ)રેસા (૨૦ ટકા)થી સમૃદ્ધ છે અને ૨૦ ટકા ટેનિન ધરાવે છે.તે ખનીજોથી સમૃદ્ધ છે જેમાં ખાસ કરીને પોટેશીયમ અને મેગ્નેશીયમનો સમાવેશ થાય છે.તેનું રાસાયણિક બંધારણ,એમિનો એસિડની ટકાવારી તથા ખનીજતત્વોના પ્રમાણની માહિતી કોઠા-૧,૨ અને ૩ માં દર્શાવેલ છેઃ
કોઠો-૧:આમલીના બી મીંજ અને બીજાવરણનું રાસાયણિક બંધારણ
| ક્રમ | પોષક તત્વો | આખું બીજ(%) | મીંજ(સીડ કર્નેલ) (%) | બી જાવરણ(ટેસ્ટા) (%) |
| ૧ | ભેજ | ૯.૩ થી ૧૧.૩ | ૧૧.૪ થી ૨૨.૭ | ૧૧.૦ |
| ૨ | પ્રોટીન | ૧૩.૩ થી ૨૬.૯ | ૧૫.૦ થી ૨૦.૯ | – |
| ૩ | ચરબી/તેલ | ૪.૫ થી ૧૬.૨ | ૩.૯ થી ૧૬.૨ | – |
| ૪ | ફ્રુડ ફાઇબર(રેસા) | ૭.૪ થી ૮.૮ | ૨.૫ થી ૮.૨ | ૨૧.૬ |
| ૫ | કાર્બોહાઇડ્રેટસ | ૫૦.૦ થી ૫૭.૦ | ૬૫.૧ થી ૭૨.૨ | – |
| ૬ | રાખ(એશ) | ૧.૦ થી ૪.૨ | ૨.૪ થી ૪.૨ | ૭.૪ |
સ્ત્રોતઃટેમેરીન્ડ પુસ્તક ઇન્ટરનેશલ સેન્ટર ફોર અન્ડર યુટિલાઇઝડ ક્રોપ્સ,સાઉથ એમ્પટન,યુ.કે.
કોઠો-૨:આમલીના બીમાં રહેલા આવશ્યક એેમિનો એસિડસ(ડબલ્યુએચઓના આદર્શ ધોરણ મુજબ)
| ક્રમ | એમિનોએસિડના નામ | આમલીના બી/ આઇડીયલ ૧૦૦% |
| 1 | થ્રેઓનાઇન | ૭૫.૦૦ |
| ૨ | વેલાઇન | ૮૨.૦૦ |
| ૩ | મીથિઓનાઇન+સીસ્ટીન | ૧૪૦.૦૦ |
| ૪ | આઇસોલ્યુસીન | ૯૭.૫૦ |
| ૫ | લ્યુસીન | ૯૦.૦૦ |
| ૬ | ફીનાઇએલોનાઇન+ટાયરોસીન | ૧૬૦.૦૦ |
| ૭ | લાયસીન | ૧૧૦.૯૧ |
| ૮ | ટ્રીપ્ટોફેન | ૨૫.૦૦ |
સ્ત્રોતઃજર્નલ ઓફ ફૂડકન્ઝપ્શન એન્ડ એનાલીસિસ,૧૦૨૦૫-૨૧૭
કોઠો-૩:આમલીના બીમાં રહેલ ખનીજોનું પ્રમાણ
| ક્રમ | ખનીજતત્વો ના નામ મિ.ગ્રા / ૧૦૦ મિ.ગ્રા આમલીના બી | |
| ૧ | કેલ્શિયમ | ૩૬.૬૦ |
| ૨ | કોપર | ૨.૧૦ |
| ૩ | આયર્ન | ૪૫.૫૦ |
| ૪ | પોટેશિયમ | ૧૩૦૮.૦૦ |
| ૫ | મેગ્નેશિયમ | ૧૦૪.૦૦ |
| ૬ | ઝિંક | ૭.૦૦ |
સંદર્ભઃજર્નલ ઓફ ફૂડ કેમેસ્ટ્રી 99:૧૧૫-૧૨૦
કચૂકાનો ખોરાક તરીકે ઉપયોગ :
(૧) આમલીમાં રહેલ પોલીસેકેરાઇડનો જેલ ફોર્મિંગ એજન્ટ તરીકે તેમજ ફળમાંના પેકટીનના વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકાય છે.
(૨) તેના બીના પાઉડરમાંથી પ્રોટીન કોન્સન્ટ્રેટ બનાવી શકાય છે.
(૩) તેના બીજનો ઉપયોગ કરી ખોરાકમાં વપરાતી હીટ રેઝિસ્ટન્ટ જેલ બનાવી શકાય છે.
(૪) તેના બીજનો પાઉડર માછલીની આવરદા વધારવા માટે ફિલ્મ ફોર્મિંગ ગમ તરીકે અને પાઇનેપલના સંગ્રહ માટે અસરકારક પરિરક્ષક તરીકે ઉપયોગમાં લઇ શકાય છે.
(૫) તેના બીમાંથી મેળવેલ ઓલિગોસેકેરાઇડનો ઉપયોગ ઓછી કેલેરી ધરાવતી કેન્ડી, ચુઇંગ ગમ, ડ્રાય કેક,કૂકી મિકસીસ,ફ્રોઝન ડેરી ડેઝર્ટસ, પોષણદાયી કુલ્ફી,બેકડ ગૂડઝ અને જીલેટિન ડેઝર્ટસ વગેરેમાં થાય છે.
(૬) શેકેલાં બીજ એક રાત્રિ પલાળી રાખ્યા બાદ ખાવામાં વપરાય છે.
(૮) શેકેલાં બીજનો લોટ બ્રેડ,ભારતીય રોટલી અને કેક બનાવવામાં વપરાય છે.
(૭) શેકેલાં બીજ શીંગદાણાથી સુગંધમાં ચડિયાતાં છે અને ભારતમાં સોપારીની માફક વપરાય છે.
કચૂકાના આરોગ્યલક્ષી લાભો :
કચૂકા,તેનો જયુસ અથવા પાઉડર આરોગ્યને લગતા કેટલાક પશ્નોનું નિરાકરણ કરવા માટે ઉપયોગી માલૂમ પડેલ છે જેની વિગત અત્રે દર્શાવેલ છેઃ
(૧) ડાયાબીટીસઃ કચૂકાનો ઉપયોગ લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટાડે છે.તે સ્વાદુપિંડનું રક્ષણ કરે છે અને ઇન્સ્યુલીન પેદા કરતા કોષના કદમાં વધારો કરે છે
(૨) હૃદયનું આરોગ્ય: કચૂકા પોટેશીયમ ધરાવે છે જે લોહીના ઊંચા દબાણ, હાયપરટેન્શન અને હૃદયના દરદીઓ માટે ઉપયોગી છે.
(૩) અસ્થિભંગ (ફેકચર) : કચૂકાની જાડી પેસ્ટ બનાવી ભાગેલાં હાડકાં ઉપર ચોપડવાથી ફેકચરમાં રાહત થાય છે.
(૪) આંખનું આરોગ્ય : કચૂકાનો જ્યુસ કાઢી તેનાં થોડા ટીપાં આંખમાં પાડવાથી આંખના રોગોમાં રાહત થાય છે.
(૫) સંધિવા : ખાસ કરીને સંધિવા એટલે કે સાંધાના દુઃખાવાથી પીડાતા રોગીઓ માટે તેમાં રહેલ બળતરા વિરોધી ગુણ ઉપયોગી છે.
(૬) દાંતનું આરોગ્ય : નબળા દાંત હોય તેઓએ તેના બીજના પાઉડરથી દાંત ઘસવા જોઇએ દાંતને લગતા દર્દોની સારવાર માટે તેના બીજનો પાઉડર ઉપયોગી છે.ચા,કોફી,સોડા અને ધૂમ્રપાનને કારણે દાંત પર પડેલા ડાઘાને પણ તે દૂર કરે છે.
(૭) અપચોઃ તેવા બીનો જ્યુસ અપચો મટાડવા માટે અને પાચનશકિત વધારવા માટે ઉપયોગી છે.તેમાં ખાદ્ય રેસા હોઇ કોલેસ્ટીરોલમાં ઘટાડો કરે છે.તે ખોરાકને પચવામાં મદદ કરે છે અને કુદરતી ભૂખ લગાડે છે.તે મોંમાં ત્વચાની બળતરા(સ્ટોમેટિટિસ)ની સારવારમાં અને કબજીયાતમાં રાહત આપે છે.
(૮) રોગપ્રતિકારક શકિત વધારનાર ઇમ્યુનિટી બૂસ્ટર : તે રોગપ્રતિકારક શકિત આપનાર ગુણો ધરાવતું હોઇ ઇન્યુનિટી બૂસ્ટર તરીકે ઘણા રોગો અને ગરબડમાં વપરાય છે.
(૯) કેન્સર : તેના બીજનો જ્યુસ આંતરડાના કેન્સરની સારવારમાં અને તેને અટકાવવામાં ઉપયોગી છે.તેના બીજનો રસ આંતરડામાં થતું કેન્સર અટકાવે છે અને તેમાં ઘટાડો કરે છે.
(૧૦) જીવાણુવિરોધી પ્રવૃત્તિઃ તેના બીજ જીવાણુવિરોધી ગુણો ધરાવતું હોઇ ન્યુમોનિયા રોગ કરતા જીવાણુ ટાયફસ અને સ્ટેફાયલોક્કસ ઓરીયસ સામે રક્ષણ આપે છે.તે જીવાણુથી થતા ચામડીના ચેપ તેમજ આંતરડાં અને મૂત્રમાર્ગમાં થતા ચેપ સામે રક્ષણ આપે છે.
(૧૧) કફ, કાકડા અને ગળાનો ચેપ : મોંમાં કોગળા કરવા માટે માઉથ વોશ તરીકે બીજનો જ્યુસ સારો માલૂમ પડેલ છે. ગળામાં થતા દુઃખાવામાં તેના કોગળા કરવાથી રાહત થાય છે.કાકડા ગળુ સૂકાવું, શરદી, કફ અને ગળામાંના અન્ય ચેપ સામે આદુ અને તજ સાથે બીજનો જ્યુસ મિશ્ર કરી કોગળા કરવાથી ફાયદો થાય છે.
(૧૨) ચામડીની તંદુરસ્તી : ચામડીની કાળજી રાખવા માટે બીજનો જ્યુસ ફાયદાકારક છે.તેના ઉપયોગથી ચામડી સુંવાળી અને હળવી બને છે. તેમાં રહેલ હાયએલુરોનિક એસિડ ચામડીને ભેજવાળી અને સુંવાળી રાખી કરચલી પડતી અટકાવે છે. તેના બીજ પાણીમાં દ્રાવ્ય હોઇ સીરમ,જેલ, ફેસિયલ, ટોનર્સ, મોઇક્ષ્ચરાઝર્સ અને માસ્ક તરીકે વાપરી શકાય છે.તે વૃદ્ધાવસ્થાને અટકાવવાની બનાવટોમાં પણ વપરાય છે.
(૧૩) ગડગૂમડ, માથાનો દુ:ખાવો અને પિત્તવિકાર : આમલીના બીજ બહુ ગ્રાહી છે.તે શેકીને અતિસારમાં અપાય છે તેને ઉકાળી વાટી પોટીશ બનાવી ગડગૂમડ ઉપર બાંધવાથી તેમાં જામેલું લોહી વિખેરી નાખે કે પકવી પરૂ રૂપે બહાર કાઢે છે.તે પાણીમાં વાટી માથાના દુઃખાવા પર ચોપડાય છે.તેના બી ઉપરની છાલ બાળી તેની રાખ મધ સાથે પિત્તવિકાર ઉપર અપાય છે.
(૧૪) સોમરોગની સારવાર : સ્ત્રીઓના શરીર ખૂબ ધાતુ જવાથી પ્રદરના લાંબા વખતના રોગથી ધોવાય છે જેને સોમરોગ કહે છે.પુરૂષોને પણ આવી રીતે ધાતુ જઇ શરીર ખૂબ નિસ્તેજ અને કૃશ થઇ જાય છે.આ રોગમાં આમલીના ૧૦ થી ૧૨ કચૂકાઓને પાણીમાં પલાળી રાખી તેની ઉપરની છાલ કાઢી અંદરનાં સફેદ મીંજ દૂધ સાથે વાટી નાખીને રોજ પીવામાં આવે તો સોમરોગ સારો થઇ જાય અને શરીર પણ સુધરે છે
અન્ય ઉપયોગઃ
(૧) આમલીના બીની છાલ કાઢી નાખી જૂના કાગળોને વાટી,તેના માવા સાથે ભેળવી વાટકા,ત્રાજવાનાં પલડાં,ટોપલીઓ વગેરે બતાવવામાં આવે છે.
(૨) તેના બીજમાં તેલ મળે છે જે હલકા પીળા રંગનું ઘટ્ટ અને અળસીના તેલ જેવા દેખાવનું સ્વચ્છ અને ચળકતું હોય છે.આ તેલ દિવા બાળવા અને વોર્નિશના કામમાં વપરાય છે.
(૩) દુષ્કાળ વખતે તેનો કચૂકા બાફીને કે તેનો લોટ કરીને ગરીબ લોકો ખાય છે.
સારાંશ :
કેટલાક અનાજ અને કઠોળ કે જે મીથિઓનાઇન અને સ્ટીન જેવા એમિનો એસિડ ઓછા પ્રમાણમાં ધરાવે છે. તેઓેમાં પૂરક તરીકે આમલીના બી અને તેના છોડાંનો ઉપયોગ કરી શકાય છે. તે ઉપરાંત તે પ્રોટીન અને ફેટી એસિડ તથા કેટલાક જરૂરી ખનીજતત્વોનો સારો સ્ત્રોત છે. આમલીના બીમાં રહેલ પ્રોટીનનો મર્યાદિત ઉપયોગ થાય છે. વિકાસશીલ દેશોમાં કુપોષણની ખામીથી પીડાતા લોકો તેમજ ઉછરતાં બાળકો માટે આમલીના બી એ એક વૈકલ્પિક અને સસ્તું પ્રોટીન મેળવવાનો એક સ્ત્રોત છે.
સંદર્ભ : ઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ,જાન્યુઆરી ૨૦૧૮
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

