ભારતમાં ડાયાબીટીસનું શિક્ષણ-વર્તમાન સમયની માંગ (Present demand for diabetes education in India)

                ડૉકટરની સલાહ દ્વારા ડાયાબીટીસની દવાઓ અને ઈન્સ્યુલીનના ઈન્જેકશનો લેવા છતાં પણ ડાયાબીટીસથી પિડીત દર્દીઓનું સ્વાસ્થ્ય નબળું રહે છે તથા લોહીમાં શર્કરાના પ્રમાણને નિયંત્રિત કરવા માટે તેઓે સંઘર્ષ કરે છે. ડાયાબીટીસ એ શરદી, તાવ કે ફ્લુ જેવો રોગ નથી કે જે દવા ગોળીઓ ખાવાથી મટી જાય ! આ એક એવો રોગ છે કે જે જીવનપર્યંત રહે છે તેથી જ તે અંગેના શિક્ષણની જરૂર છે.

                ભારતની અંદાજે ૭.૭ કરોડ વસ્તી જ્યારે ચીનની ૧૧.૬ કરોડ વસ્તી ડાયાબીટીસથી પીડાય છે જેથી વિશ્વમાં ભારત ચીન પછી બીજા ક્રમે છે.  ઈન્ટરનેશનલ ડાયાબીટીસ ફાઉન્ડેશને પ્રકાશિત કરેલ ડાયાબિટીસ એટલાસની નવમી આવૃત્તિમાં જણાવ્યા મુજબ આવતા રપ વર્ષ બાદ એટલે કે સને ર૦૪પમાં ભારતની ૧૩.૪ કરોડ વસ્તી ડાયાબીટીસથી પીડાતી હશે તેવો એક અંદાજ છે.

                સમગ્ર દેશમાં ડાયાબીટીસ અંગેના શૈક્ષણિક કાર્યક્રમોની શરૂઆત કરી તેના વધતા જતા પ્રમાણનો સામનો કરવા માટે સરકાર અને નીતિ ઘડવૈયાઓએ આ બાબતે વધુ સંવેદનશીલ બનવાની જરૂરિયાત છે. ડાયાબીટીસ અંગેના શિક્ષણનું મહત્વ ઘણા ડૉકટરો અને સરકારને હજુ સુધી સમજાયેલ નથી.

                ભારતના મોટા ભાગના વિસ્તારોમાં સારી ગુણવત્તાવાળી સારવાર લોકો સુધી પહોંચી શકેલ નથી જેના કારણે ડાયાબીટીસના દર્દીઓ પોતાની દેખરેખ રાખી શકતા નથી. ફક્ત  મેટ્રો શહેરોમાં રહેતા લોકોને જ ડાયાબીટીસના નિષ્ણાંતની સારવાર લભ્ય બને છે. ડાયાબીટીસના દર્દીઓને એક થી વધુ નિષ્ણાંત ડૉકટરો પાસે જવું પડે ઉદાહરણ તરીકે ડાયાબીટીસના દર્દીએ પોતાના ઉપચાર માટે અને ઈન્સ્યુલીનની માત્રા નક્કી કરવા માટે ડાયાબીટીસના નિષ્ણાંત ડૉટકર તેમજ તે સિવાય અન્ય નિષ્ણાંત ડૉકટર પાસે પણ જવું  પડે છે. જેમ કે હૃદયરોગ માટે કાર્ડિયોલોજીસ્ટ, આંખના રોગો માટે આઈ સ્પેશ્યાલીસ્ટ, કિડનીના રોગ માટે નેફ્રોલોજીસ્ટ અને પગના દુઃખાવા માટે પેડિયાટ્રીસ્ટ પાસે વગેરે. દર વર્ષે ડાયાબીટીસના દર્દીઓમાં પગના રોગોની સંખ્યા વધતી જાય છે. તે જોતાં ડાયાબીટીસ ફૂટ ક્લિનિકનું મહત્ત્વ વધી જાય છે. ડાયાબીટીસના દર્દીઓમાં પગમાં થતી ગંભીર બિમારીઓ અંગેની સભાનતા ન હોવાથી એક નાના ઝખમથી શરૂ થઈ ચાંદાં પડી તે ઘા ન રૂઝાતાં યોગ્ય સારવારના અભાવે ઘણીવાર પગને કાપવો પણ પડે છે.

                આમ, વિવિધ રોગના નિષ્ણાંતો પાસે જવા માટે ડાયાબીટીસના દર્દીએ ભાગદોડ કરવી પડે છે, પરેશાની વેઠવી પડે છે અને તેની સાથે સમય અને પૈસા બંનેનો વ્યય થાય છે. તેથી ડાયાબીટીસના દર્દીને એક જ સ્થળે બધીજ સારવાર નિષ્ણાંતોની દેખભાળ હેઠળ મળે તો અન્ય સંસાધનોની બચત થાય તેમજ દર્દીને ડાયાબીટીસ અંગેની યોગ્ય જાણકારી મળે તેથી તે ડાયાબીટીસના રોગ અંગે ગંભીર બની વધુ સભાનતા કેળવે.

                ડાયાબીટીસની સારવાર માટે દર્દીએ ખર્ચનો બોજો ઉઠાવવો પડે છે. તેના કારણે દર્દીઓ આ રોગની સારવાર ગંભીરતાથી લેતા નથી. મોટાભાગે સામાજીક અને આર્થિક રીતે પછાત લોકો મોંઘી સારવાર કરાવી શકતા નથી અને ઈન્સ્યુલીનના ઈન્જેક્શનો, રક્તગ્લુકોઝ મોનિટરીંગની સ્ટ્રિપ્સ વગેરે મોંઘા હોઈ ખરીદી શકતા નથી. આથી સરકારે ડાયાબીટીસના દર્દીઓ માટે સસ્તી દવાઓ અને તેને સંલગ્ન આપૂર્તિઓ પુરી પાડવી જોઈએ કે જેથી સામાન્ય ગરીબ માણસ પણ આ રોગની સારવાર કરાવી શકે.

                સમયનો અભાવ અને માવજત કરવાની સમસ્યાને કારણે ઉદ્‌ભવતા તનાવને કારણે ડાયાબીટીસના દર્દીઓ ડૉકટરને નિયમિત રૂપે મળતા નથી. ડાયાબીટીસની સારવાર અંગેની જાગૃતતાનો અભાવને કારણે ડાયાબીટીસ રોગનું નિયંત્રણ કરી શકાતું નથી. કેટલીક વખત ડૉકટરની સારવારની ક્ષમતા ઉપર દર્દીનો વિશ્વાસ ઘટે છે અને તેને લઈ દર્દી હતાશા ઉદ્‌ભવતાં  તે રોગની સારવાર કરાવતો નથી.

                બીજી બાજુ ડાયાબીટીસથી પિડિત કેટલાક દર્દીઓ આ રોગ અંગે ચિંતા કરવા લાગે છે અને તે અંગેના જ્ઞાનને અભાવે પોતાને અસહાય માને છે. તેમને થયેલ ડાયાબીટીસના રોગ અંગે મહત્ત્વના નિર્ણયો લેવામાં સહાયરૂપ થાય તેવી વ્યક્તિની તરફ નજર દોડાવે છે. આ સંજોગોમાં ડાયાબીટસના દર્દીઓમાં વ્યવહાર બદલવામાં અને રોજબરોજના દૈનિક કાર્યોમાં ડાયાબીટીસને અનુરૂપ વ્યવસ્થા ગોઠવવા માટે ડાયાબીટીસના શિક્ષકની ભૂમિકા મહત્ત્વની છે. આ શિક્ષક ડાયાબીટીસના દર્દીને સારૂ શિક્ષણ આપી માર્ગદર્શન આપે છે. ડાયાબીટીસના દર્દીઓ મોટે ભાગે હતાશા અને મનોવૈજ્ઞાનિક સમસ્યાઓથી પીડાતા હોય છે જેનો ઉકેલ ડૉકટરની વ્યવસ્થાને કારણે મળી શકતા નથી.

                ડાયાબીટીસના દર્દીઓ માટે મનોવૈજ્ઞાનિક પરામર્શ મહત્ત્વપૂર્ણ છે કારણ કે તેના વડે દર્દીના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. ડાયાબીટસના દર્દીમાં વ્યાપેલ હતાશાનું કારણ શોધી તેની સમયસર સારવાર કરવામાં આવે તો રોગમાં ફાયદો થાય છે. જે દર્દીને ડાયાબીટીસ અંગેનું સારૂ જ્ઞાન હોય છે તે તેનાથી ઉત્પન્ન થનાર ઘાતક બિમારીઓ સામે સારી ટક્કર જીલી શકે છે. ઉદાહરણ તરીકે ઈન્સ્યુલીન લેનાર દર્દીમાં મોટેભાગે લોહીમાં શર્કરાની ખામી જોવા મળે છે જેને હાઈપોગ્લીસીમિયા કહે છે. જો દર્દીને હાઈપોગ્લીસીમિયાના લક્ષણો અંગેની જાણકારી અને તેના ઉપચાર અંગેની જાણકારી હોય તો તેનાથી બચવા માટેના ઉપાયો હાથ ધરી શકે છે. નહિ તો તેની ઘાતક અસર થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત ડાયાબીટસને કારણે ઉદ્‌ભવતી તીવ્ર સમસ્યાઓની સમયસર જાણ થાય તો દવાખાને દાખલ થવાની જરૂર ન પડે અને તે રીતે સ્વાસ્થ્ય સેવાઓમાં પણ બચત થઈ શકે.

ડાયાબીટીસના શિક્ષણથી થતા લાભો :

  1. સારૂ જીવન જીવી શકાય છે.
  2. દર્દીમાં ડાયાબીટીસને કારણે ઉત્પન્ન થતી હતાશાને સહન કરવાની ક્ષમતામાં વધારો થાય છે.
  3. દર્દીને તેના શરીરમાં થયલ રોગની ગંભીરતા અંગેની જાણકારી મળે છે.
  4. લોહીમાં ગ્લુકોઝની માત્રાની જાણકારી મળે છે જેથી લોહીમાં ગ્લુકોઝની માત્રાનું નિયંત્રણ કરી શકાય છે.
  5. સ્વાસ્થ્ય અંગેના ખર્ચમાં મહત્ત્વપૂર્ણ બચત થતાં દવાઓના ખર્ચમાં ઘટાડો થાય છે.
  6. ડાયાબીટીસને કારણે થનાર લાંબાગાળાની બિમારીઓને રોકી શકાય છે અથવા તો ઘટાડી શકાય છે.

                ડાયાબીટીસના શિક્ષણ દરમ્યાન દર્દીઓ અને ડૉકટર વચ્ચે પરસ્પર વાતચીત થવાથી અનેક લાભો થાય છે. દર્દી પોતના અનુભવોની અન્ય  દર્દીઓ સાથે આપલે કરતા ઘણું બધુ શીખે છે અને એકબીજાની સાથે ભાવાત્મક રીતે જોડાય છે. પરિણામે રોગની વ્યવસ્થા અને ઉપચાર કરવામાં પ્રોત્સાહન મળે છે. ડાયાબીટીસના દર્દીઓની સફળવાર્તાઓ સાંભળી દર્દી પોતે રોગ અંગે પુરી જાણકારી મેળવી નિપુણ બને છે.

                દર્દીએ ડાયાબીટીસ અંગે ફક્ત ડૉકટરને બતાવવું અગત્યનું નથી પરંતુ તેણે પોતે પોતાના સ્વાસ્થ્યની દેખભાળ રાખી સક્રિય રૂપે સારવાર કરવી જોઈએ. આ ત્યારે જ શક્ય બને કે ડાયાબીટસનો શિક્ષક, દર્દીની સ્વયં દેખભાળ કરી તે અંગેનું શિક્ષણ દર્દીને આપે જેમકે…

() શરીરમાં સારી રીતે ઈન્સ્યુલીનનું ઈન્જેક્શન આપવાનું શીખવાડવું :

                ઈન્સ્યુલીન લેવાનું વહેલું શરૂ કરવામાં આવે તો ડાયાબીટીસનું નિયંત્રણ વહેલું થાય છે. ડાયાબીટીસના દર્દીઓ મોટે ભાગે ઈન્સ્યુલીનનો પ્રારંભ કરવાથી ડરે છે. તેઓ પોતાને આ રોગ થવાથી ગુનેગાર હોય તેવું માને છે અને ઈન્સ્યુલીનની શરૂઆત કરવામાં નિષ્ફળતા મળશે તેવી ભાવના તેમનામાં પેદા થાય છે. આત્મવિશ્વાસની ખામી પણ અનેક દર્દીઓમાં ઈન્સ્યુલીન લેવા માટે રોકે છે એટલે જ ઈન્સ્યુલીન લેવા માટેનું સાચુ માર્ગદર્શન અને અભ્યાસની જરૂર છે. ડાયાબીટીસનું શિક્ષણ સાચી રીતે ઈન્સ્યુલીન લેવાની પદ્ધતિ વિષેની જાણકારી આપે છે અને ઈન્સ્યુલીન લેવા માટેના ભયને દૂર કરે છે.

() ગ્લુકોમીટરનો ઉપયોગ  કરી ઘરે લોહી અને ગ્લુકોઝના પ્રમાણની ચકાસણી કરવી :

                ઘરે જ લોહી અને ગ્લુકોઝના પ્રમાણની ચકાસણી કરવાથી ડાયાબીટીસથી પેદા થનાર ઘાતક સમસ્યાઓ જેવી કે લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટવું, કીટોએસિડોસીસ વગેરેને રોકવામાં સહાયક નીવડે છે એટલું જ નહી લોહીમાં શર્કરાનું ઈચ્છિત પ્રમાણ જાળવવામાં દર્દીને સહાયતા કરે  છે.

() ભવિષ્યના સંદર્ભમાં લોગબુકમાં લોહી અને શર્કરાના પ્રમાણની નોંધ કરી રેકોર્ડ રાખવો :

                દિવસમાં અલગ અલગ સમયે લોહીમાં શર્કરાના પ્રમાણનું રીડિંગ લેવાથી દર્દીને ડાયાબીટીસની યોગ્ય વ્યવસ્થા અંગેની માહિતી મળે છે. લોગબુકમાં નોંધવામાં આવેલ રીડિંગ ડૉકટર, નર્સ અને ડાયાબીટીસ શિક્ષકને એટલે કે હેલ્થ-કેર ટીમને ડાયાબીટીસનો યોગ્ય ઉપચાર કરવાની દિશા તરફ લઈ જાય છે અને તે મુજબ ઉપચારમાં પરિવર્તન કરવામાં આવે છે.

() ઈન્સ્યુલીનની માત્રા નક્કી કરવા માટે લોહીમાં શર્કરાના પ્રમાણના રીડિંગ અંગેની સમજણ આપવી :

                જયાં સુધી ડાયાબીટીસના દર્દીને લોહીમાં શર્કરાના રીડીંગ લેવા અંગે શીખવવામાં ન આવે ત્યાં સુધી દર્દી લોહીમાં શર્કરાના રીડીંગનો રેકાર્ડ કરી તેની તપાસ કરાવવા માટે તૈયાર નહી થાય. એકવાર દર્દી લોહીમાં શર્કરાના રીડીંગ વડે ઈન્સ્યુલીનની સમતાલ માત્રા અંગે શીખી જાય એટલે લોહીમાં ઈન્સ્યુલીનની ખોટી માત્રા લેવાને પરિણામે લોહીમાં શર્કરાના પ્રમાણમાં થતી ચઢ-ઉતરને રોકવામાં સક્ષમ બને છે.

()લોહીમાં શર્કરાનું પ્રમાણ જાળવી રાખવા માટે આહાર અને પ્રવૃત્તિઓનું સંતુલન જાળવવું :

                લોહીમાં શર્કરાના પ્રમાણને ઘરે રહીને ચકાસણી કરવાથી આહાર અને પ્રવૃત્તિઓની લોહીમાં શર્કરાના પ્રમાણના સ્તર પર થતી અસર જોવામાં દર્દીને સહાયરૂપ નીવડે છે. દર્દી પ્રતિદિન આહારમાં વધઘટ કરી લોહીમાં શર્કરાના પ્રમાણને નિયંત્રિત  રાખી શકે છે. વધુ પ્રવૃત્તિવાળા દિવસોમાં દર્દી વધુ આહાર લઈ શકે છે અથવા લોહીમાં શર્કરાની માત્રા ઓછી થતી રોકવા માટે ઈન્સ્યુલીનની માત્રા ઓછી કરી શકાય છે. લોહીમાં શર્કરાના પ્રમાણ પર દેખરેખ રાખવાથી ખોરાકની માત્રાનું નિયંત્રણ કરવામાં સહાયતા મળે છે. જેથી દર્દી પોતાના ખોરાકમાં કેવા પ્રકારનો ખોરાક લઈ આનંદ પ્રાપ્ત કરવો તેની સ્વતંત્રતા મળે છે અને ખોરાકનો સ્વાદ પણ કોઈ કોઈવાર માણી શકે છે.

() હોસ્પિટલમાં દાખલ થયા વિના ડાયાબીટીસની ઘાતક સમસ્યાઓનો ઉપચાર :

                જો હાઈપોગ્લીસીમિયા અને કીટોએસીડોસિસ જેવી ડાયાબીટીસથી થતી ઘાતક સમસ્યાઓ પર બેધ્યાન રહી સારવાર લેવામાં ન આવે તો તેનાથી જીવન ઉપર ગંભીર ખતરો પેદા થાય છે અને છેવટે હોસ્પિટલમાં સારવાર માટે ફરજીયાતપણે દાખલ થવાની જરૂર પડે છે. ડાયાબીટીસનો દર્દી તે અંગેના શિક્ષણ દ્વારા રોગના લક્ષણો સમજી અને સમયસર સારવાર કરાવી હોસ્પિટલમાં દાખલ થવાથી બચી શકે છે.

() લોહીમાં શર્કરાનું સ્તર જાળવી રાખી ડાયાબીટીસથી  લાંબા ગાળે થતી સમસ્યાઓને રોકવી :

                ખાસ કરીને ડાયાબીટીસના દર્દીને જ્યારે શરૂઆતમાં નિદાન થાય ત્યારે તેને ડાયાબીટીસ અંગેનું શિક્ષણ અને યોગ્ય વ્યવસ્થા અંગેની જાણકારી આપવામાં આવે તો, લોહીમાં શર્કરાનું અનુકૂળ સ્તર જાળવી રાખીને ડાયાબીટીસને કારણે લાંબે ગાળે થતા કાર્ડિયોવસ્ક્યુલર રોગ, રેટિનોપેથી, ન્યૂરોપેથી અને નેફરોપેથી વગેરે સમસ્યાઓને લાંબા ગાળા સુધી રોકી શકાય છે અથવા અટકાવી શકાય છે. જેઓને લાંબા સમયથી ડાયાબીટીસ થયેલો હોય અને તેના કારણે સમસ્યાઓ ઉદ્‌ભવે ત્યારે લોહીમાં શર્કરાનું સ્તર જાળવી રાખી ડાયાબીટીસને કારણે થતી સમસ્યાઓને આગળ વધતી રોકી શકાય છે.

() માંદગીના દિવસોમાં સંભાળ :

                ડાયાબીટીસના દર્દીઓએ શરદી, ફ્લુ કે ઝાડા જેવી બિમારીઓ દરમ્યાન ડાયાબીટીસની ઉપેક્ષા કરવી જોઈએ નહિ. આવી બિમારીઓ દરમ્યાન  લોહીમાં શર્કરાના સ્તરનું અવલોકન કરવું જરૂરી છે કારણ કે ગાઢ શરદી થયેલ હોય ત્યારે લોહીમાં શર્કરાનું પ્રમાણ વધી જાય છે. લાંબો સમય ઝાડા રહે તો લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટી જાય છે એટલે ઝાડાને કારણે લોહીમાં શર્કરાનું સ્તર ઘટે નહિ અને શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટી ન જાય તે માટે યોગ્ય આહાર લેવાની વ્યવસ્થા અને લોહીમાં શર્કરાના સ્તરને જાણવાની જરૂર રહે છે. આ હેતુથી ડાયાબીટીસના દર્દીને માંદગીના દિવસો દરમ્યાન શું ધ્યાન રાખવું તે અંગેની જાણકારી હોવી જરૂરી છે.  આવી બિમારીમાં આંખ આડા કાન કરવામાં આવે તો ડાયાબીટીસને કારણે ઘાતક સમસ્યાઓ ઊભી થવાની શક્યતા છે.

                વિશ્વમાં સૌથી વધુ ડાયાબીટીસના દર્દીઓ ભારતમાં છે  પરંતુ તેના શિક્ષણ અંગે આપણે બધા દેશોથી પાછળ છીએ. આપણા દેશમાં ડાયાબીટીસના દર્દીઓની સંખ્યા વધતી જાય છે તે જોતાં ડાયાબીટીસ  શિક્ષણ કાર્યક્રમોની શરૂઆત કરવી એ વર્તમાન સમયની માંગ છે. ડાયાબીટીસ એ ન મટી શકે તેવો રોગ હોઈ તેની સારવારમાં દર્દીને સક્રિય રૂપે સામેલ કરવામાં આવે તો જ સફળતાપૂર્વક રોગની સારવાર થાય આ ત્યારે જ  સંભવ છે કે જયારે ડાયાબીટીસના દર્દીને આ રોગ અંગેનું પુરેપુરૂ જ્ઞાન હોય અને તેને સ્વયં પોતાને થયેલ રોગ માટે દેખરેખ રાખવા માટે અભિપ્રેરિત કરવામાં આવે.

                આમ ડાયાબીટીસ માટે દર્દી-કેન્દ્રિત અભિગમ, દર્દીમાં જીવિત રહેવા માટે આવશ્યક ક્ષમતાઓનો વિકાસ કરવો અને ડાયાબીટીસની સારવારમાં દેખરેખ રાખવી વગેરે અગત્યની બાબતો છે. ડાયાબીટીસના પ્રત્યેક દર્દીની જરૂરિયાતો અલગ અલગ હોય છે. તેથી ડાયાબીટીસ કેર ટીમ દ્વારા દર્દી માટે  વ્યક્તિગત પ્લાન તૈયાર કરવો  પડે છે કે જેથી ડાયાબીટીસની સારી રીતે સારવાર થઈ શકે અને લાંબે ગાળે ઉદ્‌ભવતી ઘાતક સમસ્યાઓને રોકવામાં સફળતા મળી શકે. ભારતમાં ડાયાબીટીસ શિક્ષણ કાર્યક્રમો શરૂ કરવામાં આવે તો ડાયાબીટસની પ્રભાવી અસર ઓછી કરી શકાશે અને સ્વાસ્થ્ય માટે થનાર ખર્ચમાં પણ ઘટાડો થશે અને વ્યક્તિની ઉત્પાદકતા વધવાથી દેશને આર્થિક રીતે ફાયદો થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.


સ્ત્રોત : ડ્રીમ 2047, મે-2018


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *