કુંવારપાઠું – એક સંજીવની (Aloe Vera – A medicinal plant)

            કુંવારપાઠાને અંગ્રેજીમાં Aloe vera (એલો વેરા) કહે છે જેને મિસરના લોકો અસરકારક ગુણોને કારણે ‘અમરતા માટેનો છોડ’ તરીકે ઓળખે છે. તે લીલા રંગનો રસદાર છોડ છે જેના પાનમાં પાણી ખોરાક તરીકે સંગ્રહાયેલ હોય છે. જેના લીધે તેના પાન માંસલ અને મોટા થાય છે. એલો વેરા નામ અરબી ભાષાનો શબ્દ ‘એલોએહ’ પરથી આવેલ છે જેનો અર્થ ‘ચમકે તેવો કડવો પદાર્થ’ થાય છે જ્યારે લેટિન ભાષામાં ‘વેરા’નો અર્થ ‘સર્ચ’ થાય છે. સને ર૦૦૦ પહેલા યુનાની વૈજ્ઞાનિકોએ તેને રામબાણ ઔષધિ તરીકે માન્યતા આપી હતી. આજે આ છોડનો ઉપયોગ વિવિધ ઔષધિઓ બનાવવામાં કરવામાં આવે છે.

            કુંવારપાઠાનું વૈજ્ઞાનિક નામ Aloe barbadensis, Miller છે જે એસ્ફોડૈલેસી (લિલિએસી) કુંટુબનો છોડ છે. તે એશિયા, યુરોપ, અમેરિકાના સૂકા વિસ્તારોમાં થાય છે. ભારતમાં રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને કેરાલાના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. છોડમાં ત્રિકોણીય રીતે પાંદડા લાગેલા હોય છે. તેને પીળા નલિકાકાર ફૂલ અને ફળ આવે છે જેમાં બીજ હોય છે. દરેક પાન ત્રણ ભાગનું બનેલ હોય છે. અંદરના સ્તરમાં પારદર્શક જેલ હોય છે જે ૯૯ ટકા પાણી ધરાવે છે અને બાકીના ભાગોમાં ગ્લુકોમૈન (પાણીમાં દ્રાવ્ય પોલીસેકેરાઈડ), એમિનો એસિડ, લિપિડ, સ્ટીરોલ અને વિટામિન હોય છે. મધ્ય સ્તરમાં લેટેક્ષ કે જે કડવો પીળો રસ છે જે એન્થ્રાક્વિનોન અને ગ્લુકોસાઈડ ધરાવે છે. કોશિકાઓનું બહારનું પડ કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનનું સંશ્લેષણ કરે છે.

કુંવારપાઠાની ખાસ વિશેષતા :

                કુંવારપાઠાનો ઉપયોગ સદીઓથી દુનિયાના વિવિધ ભાગોમાં સ્વાસ્થ્ય, સૌંદર્ય અને ત્વચાની દેખભાળ રાખવા માટે એક ઔષધિ તરીકે થાય છે. ચામડી ઉપર સોજો આવ્યો હોય તો તેના ઈલાજ માટે તેનો ઉપયોગ થવાનો ઉલ્લેખ સને ૧૬પપમાં નોંધાયેલ છે. તે સમયે આપેલ જાહેરાતમાં દર્શાવેલ વિગતો અત્રે જણાવેલ છે.

  1. ઉંમર વધવાના લક્ષણોને અટકાવે છે.
  2. ત્વચાને મુલાયમ બનાવે છે.
  3. ખીલને ઘટાડે છે અને ડાઘાને ઓછા કરવામાં સહાય કરે છે.
  4. સૂર્યપ્રકાશના દાહ અને ગરમી ઓછી કરે છે.
  5. બાહ્ય ઘા અને કીડાના ઘાને મટાડે છે.
  6. ત્વચા પર સ્ટ્રેચના ચિન્હોને ઘટાડે છે.
  7. વાળની વૃદ્ધિ કરે છે.
  8. માથામાં ખોડાને ઓછો કરે છે.
  9. માથામાં ચામડીના પીએચનું સંતુલન જાળવી રાખે છે.
  10. વાળને સારા રાખે છે.
  11. બળતરા કે સોજાને ઓછા કરે છે.
  12. હૃદયની બળતરા અને એસિડ રીફલેક્સને શિથિલ કરે છે.
  13. કોલેસ્ટીરોલને ઘટાડે છે અને લોહીમાં શર્કરાનું નિયમન કરે છે.
  14. શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પેદા કરે છે.

                કુંવારપાઠામાં વિટામિન, ઉત્સેચક, ખનીજ, શર્કરા, લિગ્નિન, સેપોનિન અને એમિનો એસિડ સહિત લગભગ ૭પ સંભવિત સક્રિય ઘટકો રહેલા છે જે કેટલાક રોગોમાં ઔષધિના રૂપે કાર્ય કરી શકે છે. કદાચ આ કારણે જ તેને ‘સર્વરોગહર’ કહેવામાં આવે છે.  તેની કેટલીક બાબતો અત્રે દર્શાવેલ છે.

કુંવારપાઠાના ઘટકો :

() વિટામિન : કુંવારપાઠામાં વિટામિન ‘એ’ ‘સી’ અને ‘ઈ’ હેાય છે જે એન્ટિઓક્સીડેન્ટ રૂપે ઓળખાય છે. તેમાં વિટામિન બી-૧ર, ફોલિક એસિડ અને કોલીન પણ સામેલ છે. વિટામિન બી-૧ર જેને સાયનોકોબાલમિન કહે છે જે પાણીમાં દ્રાવ્ય વિટામિન છે. તે માઈલિનના સંશ્લેક્ષણના માધ્યમથી મગજ અને  ચેતાતંત્રના સામાન્ય કાર્ય પદ્ધતિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે અને રક્તકણોના નિર્માણમાં સહાયક બને છે. ફોલિક એસિડનો ઉપયોગ ગર્ભાવસ્થા દરમ્યાન મહિલાઓમાં ન્યુરલ ટયુબ દોષ (મગજ, કરોડ અને કરાડરાજ્જૂના જન્મ દોષ)ને રોકવા માટે પૂરક તરીકે કરવામાં આવે  તો સ્ટ્રોક અને હૃદયરોગના જોખમમાં ઘટાડો કરે છે. કોલીન એક મેક્રોન્યુટ્રીયન્ટ છે જે યકૃતનું કાર્ય, મગજનો સામાન્ય વિકાસ અને ચેતાતંત્રનું કાર્ય, માંસપેશીઓની ગતિ, ઊર્જા સ્તરને સમર્થન અને ચયાપચયની ક્રિયાને સ્વસ્થ રાખવા માટે અગત્યનું છે.

() ખનીજ પદાર્થો :  કુંવારપાઠામાં કેલ્શિયમ, ક્રોમિયમ, કોપર, સેલેનિયમ જેવા ખનીજ તત્વો રહેલા છે. તે વિવિધ ચયાપચય માર્ગોમાં ઉત્સેચક પ્રણાલીઓને સારી રીતે કાર્ય કરવા માટે જરૂરી છે અને તેમાંના કેટલાક કેટલાક એન્ટિઓક્સીડેન્ટ તરીકે પણ કાર્ય કરે છે.

() ઉત્સેચક : છોડમાં આઠ જેટલા ઉત્સેચકો રહેલા છે જેવા કે ક્ષારીય ફોસ્ફેટ, એમાયલેજ, બ્રૈડીકાયનેજ, કાર્બોકસીપેપ્ટીડેજ કેટેરેજ, સેલ્યુલોજ, બાયપેજ અને પેરોકસીડેજ. તેમાંથી બ્રેડીકાયનેજ ત્વચા પર લગાવતાં વધુ થયેલ સોજાને ઘટાડવામાં જ્યારે અન્ય શર્કરા અને ચરબીને તોડવામાં મદદ કરે છે.

() શર્કરા : કુંવારપાઠું મોનોસેકેરાઈડસ (ગ્લુકોજ અને ફ્રુકટોજ) અને પોલીસેકેરાઈડસ (ગ્લુકોમૈનન, પોલીમેનોજ) થી ભરપુર છે. તે છોડના શ્લેષ્મ  સ્તર (મ્યુકોપોલીસેકેરાઈડના રૂપે ઓળખાય છે)માંથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત જેલમાં એન્ટિએલર્જી ગુણ ધરાવતું ગ્લાયકોપ્રોટીન એલપ્રોજેન અને એક બળતરા વિરોધી પદાર્થ સી-ગ્લુકોસાઈલક્રોમોન હોય છે.

() એન્થ્રાક્વિનોન : કુંવારપાઠામાં ૧ર એન્થ્રોક્વિનોન હોય છે. તેમાંથી એમોડિન અને એલોઈન દર્દનિવારક, જીવાણુપ્રતિકારક અને વિષાણુપ્રતિકારક કાર્ય માટે જાણીતા છે.

() સ્ટીરોઈડ : કુંવારપાઠામાં ચાર પાદપ સ્ટીરોઈડ હોય છે જેના નામ કોલસ્ટીરોલ, કૈમ્પસ્ટીરોલ, બીટાસીસ્ટીરોલ અને લુપોલ છે. આ દરેકમાં સોજાવિરોધી ગુણ રહેલો છે જ્યારે સેલ્યુપોલિનમાં સડાનિરોધક (એન્ટિસેપ્ટિક) અને દર્દનિવારક ગુણ રહેલો છે.

() અંતઃસ્ત્રાવ (હોર્મોન) : કુંવારપાઠામાં ઓક્સીન અને જીબ્રેલિન્સ અંતઃસ્ત્રાવ રહેલા છે જે ઘાને ભરવામાં મદદ કરે છે અને તેમાં સોજાવિરોધી ગુણ પર રહેલો છે.

() એમિનો એસિડ અને સેપોનિન : કુંવારપાઠું ૩૦ એમિનો એસિડનો એકમાત્ર સ્ત્રોત છે કે જે મનુષ્યો માટે આવશ્યક છે. તેમાં સૈલિસિલિક એસિડ પણ હોય છે જે દર્દ નિવારક ગુણ ધરાવે છે. સેપોનિન કે જે સફાઈ અને સડાનિરોધક ગુણ ધરાવતા સાબુ બનાવવા માટેનો મુખ્ય પદાર્થ છે. તે જેલના લગભગ ૩ ટકા જેટલો હોય છે.

કુંવરપાઠાના ઔષધિય ગુણો :

() ચિકિત્સા તરીકે : કુંવારપાઠામાં રહેલ ગ્લુકોમાનન અને જીબ્રેલિન જેવા પદાર્થોને કારણે ઘા માં જલ્દીથી રૂઝ આવે છે અને ઘાના નિશાનને મિટાવે છે.

() દર્દ નિવારક તરીકે : કુંવારપાઠામાં રહેલ પીડાનિરોધક પદાર્થ સાઈકલોઓક્સીજનેજ પીડાને જલ્દી મટાડે છે. કુંવારપાઠાની જેલ શરીરની ત્વચા પર લગાવતાં તે યુવી કે ગામા કિરણોના વિકિરણની અસરથી થતા નુકસાન સામે સુરક્ષા કવચ પુરૂ પાડે છે.

() રેચક અસર તરીકે : કુંવારપાઠાના લેટેક્ષમાં રહેલ એન્થ્રાક્વિનોન પ્રબળ રેચક છે જે આંતરડામાં જળસંચયને વધારે છે અને મ્યુક્સ સ્ત્રાવને ઉત્તેજીત કરે છે અને આંતરડાની પેરિસ્ટાલિસિસને વધારે છે.

() વિષાણુરોધી અને એન્ટિટયુબર તરીકે : કુંવારપાઠું શરીરની પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. એન્થ્રાક્વિનોન હરપીસ સિમ્પલેક્સ તથા વેરિસેલા (હરપીસ) અને ઈન્ફલુએન્ઝા ફલ્યુ જેવા વિવિધ વિષાણુઓને નિષ્ક્રિય બનાવે છે. તે ગાંઠની વૃદ્ધિને અટકાવે છે જેથી કેન્સરને અટકાવવા માટે એલો જેલનો ઉપયોગ કરવાની શકયતા પેદા કરે છે.

() ત્વચાને ભેજવાળી રાખવા અને વૃદ્ધાવસ્થા વિરોધી તરીકે :        મ્યુકોપોલીસેકેરાઈડ ત્વચાની કુમાશને જાળવી રાખે છે. કુંવારપાઠું ફાઈબ્રોબ્લાસ્ટને ઉત્તેજીત કરે છે જે ત્વચાને વધુ ઈલાસ્ટીક અને ઓછી કરચલી કરતો કોલેજન અને ઈલાસ્ટીન ફાયબર પેદા કરે છે. તે પપડીદાર બહારની ત્વચાની કોશિકાઓને એકબીજા સાથે જોડીને ત્વચાને નરમ બનાવે છે. એમિનો એસિડ પણ કઠણ ત્વચાની કોશિકાઓને નરમ બનાવે છે અને ઝિંક ત્વચના રોમછીદ્રો પર એક સંકોચક તરીકે કાર્ય કરે છે.

() સડાનિરોધક (એન્ટિસેપ્ટિક) તરીકે : કુંવારપાઠામાં છ ચેપવિરોધી એજન્ટ રહેલા છે જેવા કે લ્યુપોલ, સૈલિસિલિક એસિડ, યુરિયા, તજ એસિડ, ફીનોલ અને સલ્ફર. આ બધા જ ફૂગ, જીવાણુ અને વિષાણુનો પ્રતિકાર કરી સડો અટકાવે છે.

() ત્વચા માટે ઉપયોગ : કુંવારપાઠાની ગાઢી જેલ ત્વચા માટે વધુ ફાયદાકારક માનવામાં આવે છે. તે સૂકી ત્વચાને નરમ બનાવે છે. જો ત્વચા સુસ્ત અને થાક મહેસૂસ કરી રહેલ હેાય તો તાત્કાલિક ફેસ પેક રૂપે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકાય છે.

ત્વચાની સંભાળ માટેનો રામબાણ ઈલાજ

                કુંવારપાઠાનો વધુ ઉપયોગ ‘ફેસિયલ ક્રીમ’ના રૂપે થઈ રહ્યો છે જેની લોકોમાં ભારે માંગ છે. કુંવારપાઠા પર આધારિત ખાદ્યપદાર્થ હવે મોટી સંખ્યામાં દિન પ્રતિદિન બજારમાં મૂકવામાં આવી રહ્યા છે. આવા ઉત્પાદનો અને તેને બનાવનાર કંપનીઓનો વિસ્તાર કુંવારપાઠાના વિકાસની દિશાને સ્પષ્ટ સંકેત આપે છે. આમ આ છોડ એક અસરકારક ‘ત્વચાશોથ દવા’ ના રૂપે સાબિત થયો છે.

                જો કે કુંવારપાઠાના પ્રયોગાત્મક રીતે ઉપયોગ સિદ્ધ થયા નથી તેમ છતાં તેનો ઉપયોગ ત્વચાનો સોજો, દાદર, ત્વચાના દાઝયા ઉપર, ડાયાબીટીસ-ર ટાઈપ, એચઆઈવી ચેપ, કેન્સર, અલ્સરેટિવ કોલાઈટિસ, અલ્સર વગેરે રોગોમાં કરવામાં આવે છે અને તેમાં તેની મહત્ત્વની ભૂમિકા રહેલી છે. તે ઘાને પણ જલ્દી રૂઝ લાવી ભરી દે છે. આમ કુંવારપાઠાના અનેક ગુણો અને ઉપયોગો છે જેમાંના કેટલાક મિથક અને કેટલાક પ્રભાવકારી હશે. આ જોતાં વિવિધ પરિસ્થિતિઓમાં કુંવારપાઠાની અસરકારકતા સાબિત કરવા માટે વ્યાપક રૂપે વૈજ્ઞાનિક સંશોધનો હાથ ધરવા આવશ્યક છે.


સ્ત્રોત  :  ડ્રીમ ર૦૪૭,  માર્ચ ર૦૧૯


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *