કમળનાં મૂળ : તંદુરસ્તી માટે ફાયદાકારક (Lotus roots for health benefits)

            આપણા દેશમાં કમળને પવિત્ર માનવામાં આવે છે. પુરાતન શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ સૃષ્ટિની ઉત્પત્તિ જ ભગવાન વિષ્ણુની નાભિમાંથી કમળ અને તેમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયેલ છે. કમળ એશિયાના ગરમ પ્રદેશોમાં કુદરતી રીતે પાણીમાં ઉગતો છોડ છે. તેની જાતો દક્ષિણ ભારત, શ્રીલંકા, દક્ષિણ પુર્વ એશિયાના તમામ પ્રદેશો ન્યુ-ગીની, ઉત્તર અને પૂર્વ ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. કમળ એ ભારત અને વિયેટનામ દેશનું રાષ્ટ્રીય ફૂલ છે. તેનું વૈજ્ઞાનિક નામ Nelumbo nucifera Gaertn છે. તે અંગ્રેજીમાં ‘Sacred egyptian lotus’ તરીકે, ગુજરાતીમાં ‘સૂર્યકમળ’, મરાઠીમાં ‘કમલ’, સંસ્કૃતમાં ‘પદ્મકમલ’ કે ‘અરવિંદ’, હિન્દીમાં ‘કમળકાકડી’, ઉડિયામાં ‘પદ્મ’, તામિલ ને મલયાલમમાં ‘તમારા કીઝાંગુ’ તરીકે ઓળખવામાં આવે છે.

કમળના છોડનું વર્ણન :

                કમળ મીઠા પાણીનાં ઊંડા કીચડવાળા તળાવોમાં થાય છે. તેના પાન ગોળાકાર ઢાલ જેવાંં, ફીકા લીલા રંગના, તળિયે વચ્ચે ડીંટડીવાળા અને ૩૦ થી ૯૦ સે.મી. વ્યાસવાળાં હોય છે જે પાણીની સપાટીથી થોડા ઊંચા રહે છે. તેના પાનની સપાટી મીણ જેવા તત્વની બનેલી હોઈ તેના પર પાણી ટકી શકતું નથી. તેના પાન  તેમજ ફૂલની ડીંટડી ૯૦ થી ૧૮૦ સે.મી. લાંબી, અંદરથી પોકળ, બહારથી લીસી યા સૂક્ષ્મ કાંટાવાળી હોય છે. ફૂલો ૧૦ થી ૩૦ સે.મી. વ્યાસનાં સફેદ કે રાતાં હોય છે. તેને પાંખડીઓ, પુંકેસરો અને સ્ત્રીકેસરો ઘણા હોય છે. ફળ ઘણા ગર્ભકોષ અને બીજવાળું, તળિયે સાંકડું, મથાળે પહોળું, ગોળાકાર, ચપટા માથાવાળું અને પ થી ૧૦ સે.મી. વ્યાસવાળું હોય છે. બીજ પ્રથમ ધોળાં જે પછીથી ભૂરા કાળા કે સલેટીયા રંગનાં થઈ જાય છે જેને ‘પબડી’ કે ‘કમળકાકડી’ તરીકે ઓળખવામાં આવે છે તેના ફળને ‘કમલગટા’ કે ‘પભડીના ભોટા’ કહે છે. તેના ફૂલો સૂર્યોદય થયે ખીલે છે અને સૂર્યાસ્ત થતા મિચાઈ જાય છે તેથી તેને ‘સૂર્યવિકાસી’ કે ‘સૂર્યકમળ’  પણ કહે છે.

કમળના મૂળ :

                તે એક પ્રકારનો ભૂપ્રકાંડ (ગાંઠમૂળ-રાઈઝોમ) છે જે પાણીમાં ઊગે છે. તેના મૂળ સ્ટાર્ચના રૂપે શક્તિ આપતા હોઈ ચાઈનીઝ અને જાપાનીઝ ભોજનમાં ખોરાક તરીકે વપરાય છે. તેના મૂળના એક ફૂટ લાંબા કટકા બજારમાં વેચાય છે. ઉત્તર ભારતમાં તેના ફૂલો ‘ભીશેભીશ’ નામે વેચાય છે. બીજ અને પાન પણ ખોરાક તરીકે કેટલેક અંશે વપરાય છે.

કમળના મૂળનું પોષણ મૂલ્ય :

                તેના મૂળ વિટામિનો, ખનીજો અને ફાયટોન્યુટ્રિયન્ટસ ધરાવે છે જેમાં પોટેશીયમ, ફોસ્ફરસ, કોપર, આયર્ન, મેંગેનીઝ, થાયમિન, પેન્ટોથેનિક એસિડ, ઝિંક, વિટામિન બી-૬ અને વિટામિન સીનો સમાવેશ થાય છે. વધુમાં ખાદ્ય રેસા અને પ્રોટીનનો સુંદર સ્ત્રોત છે.

કમળના મૂળો તંદુરસ્તી માટે લાભકર્તા :

                કમળના મૂળ ઊંચા પોષકતત્વો ધરાવતું હોઈ આપણા શરીર માટે વધુ ફાયદાકારક છે જે અત્રે દર્શાવેલ છે.

() વિટામિન સી અને નું ઊંચુ પ્રમાણ :

                તેના ૧૦ ગ્રામ મૂળ આપણી દૈનિક જરૂરિયાતના ૭૩ ટકા એન્ટિઓકસીડેન્ટ વિટામિન સી ધરાવે છે. આપણી ઈમ્યુન સીસટમને મજબૂત બનાવવા માટે વિટામિન સી જરૂરી છે. તેના મૂળ શરીર માટે આવશ્યક વિટામિન-એ ધરાવે છે જે એન્ટિઓકસીડેન્ટ ગુણ ધરાવે છે. તે ઘાને જલ્દીથી રૂઝવવા, ચામડીની માવજત અને બળતરામાં રાહત આપે છે.

() પાચનમાં સુધારો :

                તેના મૂળમાં રહેલા ખાદ્ય રેસા પાચનમળને સારી રીતે ઉત્તેજીત કરે છે અને આંતરડાનાં સ્નાયુઓને નરમ બનાવે છે.

() વજનમાં ઘટાડો :

                પોતાના વજનને જાળવી રાખવા મથતા લોકો માટે તેના મૂળનો ઉપયોગ એક સારો વિકલ્પ છે. તે ઓછી કેલેરી અને વધારે પોષકતત્ત્વો તથા રેસા ધરાવતો ખોરાક હોઈ મોટાપો (ઓબેસિટી) ઘટાડવામાં મદદ કરે છે.

() લોહીના પરિભ્રમણમાં સુધારો :

                ખોરાકમાં સમતોલ આહાર તરીકે તેના ઉપયોગથી લોહીના પરિભ્રમણને વેગ મળે છે અને શક્તિનો સંચાર થાય છે. તેમાં રહેલ આયર્ન અને કોપરને લીધે લોહીના રક્તકણોના ઉત્પાદનમાં મદદ કરે છે જેથી એનેમીયા થતો અટકાવે છે.

() લોહીના દબાણનું નિયમન :

                બટાટા, ટામેટા અને એવોકડોની માફક તેના મૂળમાં પોટેશીયમની માત્રા ઊંચી હોઈ લોહીના દબાણનું યોગ્ય સંતુલન કરે છે અને લોહીના પ્રવાહનું નિયમન કરે છે. પોટેશીયમ ચેતાતંત્રની પ્રવૃત્તિ માટેનું એક જરૂરી તત્વ છે કે જે લોહીને મગજમાં સારી રીતે પહોંચાડે છે.

() તનાવ (સ્ટ્રેસ)માં ઘટાડો :

                તેમાં પાયરીડોક્ષીન નામનું વિટામિન બી કોમ્પલેક્ષ રહેલ છે જે આપણા મૂડ અને માનસિક પરિસ્થિતિ માટે જવાબદાર છે. તેની ઉણપથી કંટાળો, માથુ દુઃખવું અને હતાશા પેદા થાય છે. તેથી તેના મૂળનો ઉપયોગ હતાશા ઘટાડવામાં મદદ કરે છે.

ઔષધિય ઉપયોગો :

  1. કમળકાકડીના મીંજનું ચૂર્ણ પાવલીભાર રોજ દૂધ સાથે લેવાથી સ્ત્રીઓના સ્તન પુષ્ટ બને છે અને ગર્ભાશયના અન્ય વિકારો મટે છે.
  2. શરીરના કોઈપણ ભાગમાં દાહ થતો હોય તો તેના શીતળ અને ગ્રાહી ગુણને કારણે કમળના તાંતણા કે કમળકાકડી વાટીને ચોપડાય છે.
  3. તેના રેસાઓનું પાણી કરી પીવાથી પિત્તજવરની સખત તૃષા અને ઉલટી મટે છે.
  4. કમળકાકડીના લીલા મીંજ, પાંદડાં કે પુંકેસર મધની સાથે લેવાથી અતિસાર બંધ પડે છે.
  5. સખત તાવમાં થતા  દાહને શાંત કરવા માટે કમળના પાનની શૈયાનો ઉપયોગ કરવાથી દરદીને ફાયદો થાય છે.
  6. કુમળા પાંદડાં સાકર નાખીને ખાવાથી ગુદભ્રંશ મટી જાય છે.
  7. તેના પાંદડાનું ચૂર્ણ (અંદાજે પ ગ્રામ) ગાયના ઘી સાથે સાકર નાખી ખાવામાં આવે તો પ્રમેહનો નાશ થાય છે.
  8. ઉત્પલાદિશૃત કવાથ નામની આયુર્વેદિક બનાવટ લેવાથી અર્શમાંથી પડતું લોહી અને અત્યાર્તવ તેમજ ગર્ભાશયમાંથી પડતું લોહી અટકે છે. જે સ્ત્રીને વારંવાર કસુવવાડ થતી હોય અને જો ગર્ભાશયમાંથી લોહી પડવા માંડયું હોય તો અને ગર્ભ પડતો હોય તો તેનો કવાથ લેવાથી અટકે છે.
  9. કમળના કેસરનું ચૂર્ણ સાકર સાથે ફાકી જવાથી મોમાં પડતું લોહી અટકે છે.

અન્ય ઉપયોગો :

  1. કમળકાકડી પૌષ્ટિક હોઈ ફળાહાર તરીકે વપરાય છે.
  2. કમળકાકડીની માળા બનાવી મહાલક્ષ્મી માતાના ભક્તો ફેરવે છે  
  3. તેના પાન ગોળ અને ચીવટ હોય પતરાળા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. 
  4. તેના ફૂલની ડીંટડીમાંથી પીળાશ લેતા ધોળા રેસા નીકળે છે જે મંદિરોમાં દીવો બાળવાની વાટો તરીકે કામમાં આવે છે. આ રેસાઓમાંથી કાપડ પણ બનાવાય છે.

કમળના મૂળની લોકપ્રિય વાનગીઓ :

() લોટસ સ્ટેમ રેસીપી : તેની દાંડીઓમાંથી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે. તે થોડા મીઠાશવાળા અને ક્રન્ચી હોય છે.  તેને મસાલા નાખીને ખાતા માંસ જેવો સ્વાદ આવે છે. તેની દાંડીઓમાં માટી ભરાયેલી હોઈ તેને બરાબર સાફ કરી ત્યારબાદ રાંધવી જોઈએ.

() લોટસ સ્ટેમ કબાબ :  તેની દાંડીઓના ટુકડા કરી લીલાં મરચાં, બટાટા અને મીઠા સાથે મિશ્ર કરી નાસ્તા તરીકે ખવાય છે.

() લોટસ સ્ટેમ કટલેસ : ફણગાવેલા ચણા અને બાફેલા બટાટા સાથે તેના કટકાઓને મિશ્ર કરી મસાલા નાખી સુંદર વાનગી બનાવી શકાય છે. તે સ્વાદિષ્ટ અને પોષણદાયી છે.

() સીંગદાણા સાથે કમળના મૂળનો સુપ : સીંગદાણા સાથે તેના મૂળનો સુપ પચવામાં હલકો, તંદુરસ્તી માટે સારો અને સ્વાદમાં સરસ લાગે છે. ચાઈનીઝ રેસીપીમાં મરઘીનું માંસ અને ખજૂર ઉમેરતાં સ્વાદે મીઠાશવાળી અને પોષણદાયી વાનગી બને છે.

() લોટસ રૂટ વદમ્સ : તેના સૂકવેલ મૂળ વદમ્સ તરીકે ઓળખવામાં આવે છે જેને તેલમાં તળીને કેરાલામાં વાનગી તરીકે વપરાય છે. તે ક્રન્ચી અને સ્વાદિષ્ટ હોય છે.

() લોટસ રૂટ જ્યુસ : તેના મૂળનો ર થી ૩ પ્યાલા રસ પીવાથી લોહીની ઉલ્ટી બંધ થાય છે. જઠર, આંતરડા અને નાકમાંથી પડતું લોહી અટકાવે છે. તેના મૂળનો રસ ફેફસાના દર્દો જેવા કે ટીબી, દમ (શ્વાસ) અને કફ વગેરેને મટાડવામાં મદદ કરે છે.

() દૂધ કે નાળિયેરના રસમાં મૂળના કટકાની વાનગી :

                દૂધમાં કે નાળિયેરના રસમાં તેના મૂળના કટકા રાંધી મીઠું કે સાકર નાખી ખવાય છે જે ધાતુ પૌષ્ટિક અને શીતળ ગુણ ધરાવે છે.

સાવચેતી : કમળના મૂળ કાચાં ખાવા નહી કારણ કે તેનાથી પરજીવીઓ કે જીવાણુઓનો ચેપ લાગે છે તેથી તેના મૂળને રાંધીને જ ખોરાક તરીકે ઉપયોગમાં લેવા.


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *