એક સમય એવો હતો કે ‘સિંકોના’ ના વૃક્ષના છાલમાંથી મળતો ક્વિનાઈન પદાર્થ મેલેરીયા સામે વધુ પ્રભાવશાળી ઔષધિ તરીકે ઉપયોગમાં લેવામાં આવતો હતો પરંતુ આજે મેલેરીયા પરજીવીએ તેની સામે પ્રતિકારકતા વિકસાવી હોઈ તેનો પ્રભાવ રહ્યો નથી. આજે મેલેરીયા વિરોધી પદાર્થ તરીકે ઉપલબ્ધ ફક્ત આર્ટેમિસિનિન છે કે જે નાગદમન (અંગ્રેજી નામ – Sweet wormwood/વૈજ્ઞાનિક Artemisia annua) નામના છોડમાંથી મેળવાય છે. તે ચીનમાં પરંપરાગત રીતે વપરાતી જડીબુટ્ટી છે. સને ર૦૦૧થી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ આર્ટેમિસિનિન આધારિત સંયોજનોને મેલેરીયાની સારવાર માટે ઉપયોગમાં લેવાનું જણાવેલ છે. આવા સંયોજનોના વપરાશથી મેલેરીયા નિયંત્રણ થતાં વિશ્વના અનેક લોકોની જીંદગીઓ બચી જશે તેવું માનવામાં આવે છે.
પરંતુ આર્ટેમિસિનિન એક મોંઘી ઔષધિ છે જે મોટા ભાગના ગરીબ દેશોના દર્દીઓ સુધી પહોંચી શકે તેમ નથી. આજે પણ આ ઔષધિની સારવારનું મૂલ્ય ૧ થી ર ડૉલર પ્રતિ ઉપચાર છે એટલે કે ગરીબ કે નિર્ધન વ્યક્તિ તેની કિંમત આસાનીથી ચૂકવી શકે તેમ નથી તેવા રોગીઓ માટે એક આશાનું નવું કિરણ મળ્યું છે. સને જાન્યુઆરી ર૦૧રમાં જર્મનીના મેક્સ પ્લાન્ક ઈન્સ્ટિટયૂટ ઓફ કોલાયડસ એન્ડ ઈન્ટરફેસેજ સંસ્થાના વૈજ્ઞાનિકોએ આર્ટેમિસિનિનના અણુના સંશ્લેષણની એક સરળ રીતનો વિકાસ કર્યો છે જેથી આ ઔષધિના મૂલ્યમાં ભારે ઘટાડો થશે. સંશ્લેષ્ણ પ્રક્રિયામાં આર્ટેમિસિનિન અમ્લનો ઉપયોગ કરવામાં આવે છે જે મધુર નાગદમનીના પાંદડાંનું નિષ્કર્ણ કર્યા બાદ બાકી રહેલો પદાર્થ છે. એક કિલોગ્રામ આર્ટેમિસિનિનના નિષ્કર્ષણ દરમ્યાન ૧૦ કિ.ગ્રા. આર્ટેમિસિનિક એસિડ પેદા થાય છે જેને ફેંકી દેવામાં આવે છે કારણ કે હાલમાં તેનું રૂપાંતર થતું ન હોઈ તે અસરકારક નથી.
મેક્સ પ્લાન્ક ઈન્સ્ટિટયૂટના બે સંશોધકો શ્રી પીટર સીબર્ગર અને ફ્રેંકોઈ લેવેક્સ એ જાન્યુઆરી ર૦૧રમાં એવી જાહેરાત કરી કે ઓકસીજન અને પારજાંબલી કિરણોના સંયોજનથી ઓર્ટેમિસિનિન અમ્લનું આર્ટેમિસિનિનમાં રૂપાંતર કરવાની એક સસ્તી અને ત્રિચરણીય પદ્ધતિ વિકસાવી છે જે સાડા ચાર મિનિટમાં જ ઓર્ટેમિસિનિન અમ્લનું આર્ટેમિસિનિનમાં રૂપાંતર કરે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ દૈનિક ર કિ.ગ્રા. સુધી તેનું ઉત્પાદન મેળવી શકાય તેમ છે. જો આ શક્ય બનશે તો વિશ્વની વાર્ષિક ઔષધિની જરૂરિયાત ફક્ત ૧પ૦ રીએકટર દ્વારા પેદા કરી શકાશે અને આ ઔષધિનું મૂલ્ય હાલના મૂલ્યથી પાંચમા ભાગ જેટલું હશે.
સ્ત્રોત : ડ્રીમ ર૦૪૭, જાન્યુ.2013
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

