ખેડૂતની આર્થિક પરિસ્થિતિ સુધારવામાં પશુપાલન એ મહત્વનો ફાળો આપે છે. જમીનની અછત અને હવામાન ફેરફારને કારણે કૃષિ ક્ષેત્રે અનેક પડકારો ઊભા થાય છે તે જોતાં વર્તમાન સમયે ખેડૂતો અને ઉદ્યોગસાહસિકોએ આધુનિક ટેકનોલૉજી, સંશોધન, સંસાધનોનો મહત્તમ ઉપયોગ અને ખાસ પ્રકારના જ્ઞાનનો ઉપયોગ કરી સ્માર્ટ રીતે પશુપાલન તરફ ધ્યાન આપવું જરૂરી છે. પશુપાલન ધ્વારા જમીન વિહોણા નાના ખેડૂતો અને મહિલાઓને રોજગારી તેમજ સસ્તા દરે પોષક આહાર પુરો પાડી શકાય છે. એનએસએસઓ (NSSO) ધ્વારા જુલાઈ 2011 થી જૂન 2012 દરમ્યાન થયેલ એક રોજગાર અંગેની મોજણી અનુસાર 164.4 લાખ કામદારો પશુપાલન, મિશ્ર ખેતી, મત્સ્યઉછેર અને જળચર ઉછેરની કામગીરીમાં રોકાયેલા માલૂમ પડેલ. આ જોતાં ખેડૂતોની આવક બમણી કરવાના હેતુને બર લાવવા માટે ડેરી ઉદ્યોગ, માંસ ઉદ્યોગ અને મરઘાં ઉદ્યોગ વગેરે પશુપાલન આધારિત ઉદ્યોગો ઉપર ધ્યાન આપ્યા વિના ચાલે તેમ નથી. ભારતના ગ્રામ્ય સમાજના લોકોની સામાજીક આર્થિક પરિસ્થિતિમાં સુધારો લાવવા માટે પશુપાલન ક્ષેત્ર મહત્વપૂર્ણ ફાળો આપે છે. સને 2019ના વીસમા પશુ વસ્તી ગણતરી પત્રક મુજબ અંદાજે 3,027.9 લાખ ગાય-ભેંસ, 742.6 લાખ ઘેટાં, 1,488.8 લાખ બકરાં અને 90.6 લાખ ભૂંડની વસ્તી નોંધાયેલ. સને 2013-14માં કૃષિની કુલ આવકમાં પશુપાલનનો ફાળો 22.6 ટકા હતો જે સને 2015-16માં વધીને 25.7 ટકા એ પહોંચ્યો છે. આ પ્રકારનો વધારો એ ગ્રામ્ય અર્થકરણમાં પશુપાલનનો ફાળો મહત્વનો છે તે દર્શાવે છે.
નાબાર્ડ (નેશનલ બેંક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ) તેની સ્થાપના થઈ ત્યારથી પશુપાલકોને ગ્રામ્ય નાણાકીય સંસ્થાઓને ટેકો પુરો પાડી પ્રયોગશાળાથી ખેતરો સુધી પશુપાલનની ટેકનોલૉજી પહોંચાડી તેને લગતું ધિરાણ પૂરૂ પાડે છે. તે પશુપાલન ક્ષેત્રની જાણકારી પુરી પાડી પશુપાલકોને સક્ષમ બનાવવા માટેના કાર્યક્રમો યોજે છે. તેના ધ્વારા ડેરી ફાર્મિંગ, મિલ્ક પ્રોસેસિંગ, બલ્ક મિલ્ક કૂલિંગ યુનિટ, ઓટોમેટિક રીતે દૂધનું એકત્રિકરણ, ફીડ પ્લાન્ટ, મોબાઈલ વેટરનરી ક્લિનિક, લેયર પદ્ધતિથી મરઘાં ઉછેર, ભૂંડ ઉછેર વગેરે માટેનું સાહિત્ય ખેડૂતોને પૂરૂ પાડે છે તેમજ સરકાર ધ્વારા ચલાવાતી વિવિધ યોજનાઓ ધ્વારા નાણાકીય ટેકો પુરો પાડે છે.
છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન નાબાર્ડ ધ્વારા પશુપાલન ક્ષેત્રે સને 2013-14માં `. 1,284 કરોડ રોકાણ કરેલ જે સને 2016-17માં વધીને `. 3,206 કરોડ એ પહોંચેલ છે. ફાર્મર્સ કલબ, પશુપાલન ટેકનોલૉજી અપનાવી ખેડૂતોને સક્ષમ બતાવવા, પસંદગી પામેલ ખેડૂતના જૂથને તાલીમ, પશુપાલન ક્ષેત્રે સફળ થયેલ ખેડૂતોની મુલાકાત, ટેકનોલૉજીના નિદર્શન ફાર્મ વગેરે જેવા પશુપાલનને લગતા ઘણા પ્રોત્સાહન કાર્યક્રમો નાબાર્ડે હાથ ધરેલ છે. આવા કાર્યક્રમો અને નાણાંકીય ટેકો પૂરો પાડી નાબાર્ડ એ પશુપાલન ક્ષેત્રને મોટા લાભો આપેલ છે. સંવર્ધનની સવલતો, પશુઓની કાળજી (વેટરનરી કેર), ઉત્પાદન, એકત્રિકરણ, પ્રોસેસિંગ, કૂલિંગ, સંગ્રહ, વાહનવ્યવહાર અને બજાર વગેરે અંગે ટેકનોલૉજી પુરી પાડી પશુપાલન હરોળને નવિનીકરણના હસ્તક્ષેપ વડે સતત ટેકો પુરો પાડેલ છે.
પશુપાલન માટે યોગ્ય નાણાકીય સંસ્થાઓ :
(1) વ્યાપારી બેંકો
(2) રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્કો
(3) રાજ્ય સહકારી બેંકો
(4) વિભાગીય ગ્રામીણ બેંકો
(5) સંસ્થાઓ કે જેને નાબાર્ડ પુનઃધિરાણ કરે છે.
નાબાર્ડ અને ફાર્મ ક્ષેત્ર :–
ભારતમાં કૃષિ અને પશુપાલનની પદ્ધતિઓના પ્રોત્સાહન માટે કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ નાબાર્ડ કાર્યરત છે. ખેતી ક્ષેત્રે નાબાર્ડ ધ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમ કે જાગૃતિ શિબિર અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમો, ડેરી ઉદ્યોગસાહસિકતા વિકાસ યોજના (Dairy entrepreneurship Development Scheme – DEDS), ગ્રામ્ય માળખાકીય વિકાસ ફંડ (Rural Infrastructure Development Fund – DIDF), નાબાર્ડ માળખાકીય વિકાસ મદદ (NABARD Infrastructure Development Assistance – NIDA), ફેડરેશનોને ધિરાણની સવલતો, આદિજાતિ વિકાસ, જળસ્ત્રાવ વિકાસ, અમ્બ્રેલા પ્રોગ્રામ ઓન નેચરલ રિસોર્સ મેનેજમેન્ટ (Umbrella Programme on Natural Resource Management – UPNRM) અને નેશનલ લાઈવસ્ટોક મિશન (National livestock Mission – NLM). નેશનલ લાઈવસ્ટૉક મિશનમાં ઉદ્યોગસાહસિકતા વિકાસ અને રોજગાર સર્જન (Entrepreneurship Development and Employment Generation – EDEG), પોલ્ટ્રી વેન્ચર કેપિટલ ફંડ (Poultry Venture Capital Fund – PVCf), નાનાં વાગોળનારાં પશુઓ અને સસલાંનો સંકલિત વિકાસ (Integrated Development of Small Ruminants and Rabbits – IDSRR), ભૂંડ વિકાસ (Pig Development – PD), ભેંસના પાડાનો બચાવ અને ઉછેર (Salvaging and Rearing of Male Buffalo Calves – SRMBC) તથા સામૂહિકરણ અને બજારની જાણકારી માટેની યોજનાઓ વગેરેનો સમાવેશ થાય છે.
આ યોજનાઓનો મુખ્ય હેતુ નાના ડેરી ફાર્મને સ્થાપવા, આધુનિક ડેરી ફાર્મને પ્રોત્સાહન, સ્વસ્થ દૂધ ઉત્પાદન, વાછરડી ઉછેર, માંસ ઉદ્યોગ, મરઘાં ઉદ્યોગ, જનીનિક સ્ત્રોતોનું સંરક્ષણ, આધુનિક રીતે દૂધની જાળવણી, વાહનવ્યવહાર, સંગ્રહ, પ્રોસેસિંગ અને બજાર વગેરેને પ્રોત્સાહન પૂરૂ પાડવાનો છે. તેના ધ્વારા ભારતના પશુપાલન ક્ષેત્રે ઉત્પાદનમાં વધારો થતાં પશુપાલન ક્ષેત્રે માળખાગત ફેરફાર થશે.
આમ ભારતમાં કૃષિ અને ગ્રામ્ય વિકાસ એ નાબાર્ડની અસરકારક કામગીરી ઉપર આધારિત છે. છેલ્લા 40 વર્ષોમાં નાબાર્ડે ખેડૂતો, ગ્રામ્ય લોકો, સ્વૈચ્છિક સંસ્થાઓ, ખાનગી રોકાણકારો અને સરકારી સંસ્થાઓ ધ્વારા વિશ્વાસ સંપાદિત કરેલ છે અને નાબાર્ડ ધ્વારા વધુ ને વધુ પ્રગતિશીલ વિકાસ કાર્યક્રમો શરૂ કરવામાં આવેલ છે જે ભારતના લોકોને વધુ સક્ષમ બનાવશે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, ફેબ્રુઆરી 2021
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

