ભારતમાં મરઘાં ઉદ્યોગ વધુ ઝડપી રીતે વિકસતો જાય છે. ઈંડાંની માંગમાં સ્થાનિક ઘરગથ્થું બજારમાં વધારો થતો જાય છે. મરઘીનાં ઈંડાં એ પોષકતત્વોથી સમૃદ્ધ તેમજ સસ્તા (ઓછા ખર્ચાળ), અનુકુળ અને ઊંચા ગુણવત્તાવાળા પ્રોટીન તથા અન્ય આવશ્યક પોષકતત્વો સહિત ઓછા કેલેરીવાળો ખોરાકનો સ્ત્રોત છે. જો કે આરોગ્ય પ્રત્યે જાગૃત ગ્રાહકો નુક્સાનકારક અવશેષોથી મુક્ત અને આરોગ્યપ્રદ તથા પૌષ્ટિક ખોરાક આપતી પેદાશોની ખરીદી કરવા માગે છે. ગ્રાહકોના આરોગ્યમાં અને પોષણના સ્તરમાં સુધારણા કરવા માટે મરઘાંને એવો ખોરાક આપવો કે જેથી સરળ અને આર્થિક રીતે મરઘાંનાં ઈંડાંના પોષણ મૂલ્યમાં સુધારણા થાય અને તે થકી ઉત્પન્ન થતાં ઈંડાંને ‘ડીઝાઈનર ઈંડાં’ કહેવાય છે. તે એક પ્રકારનો ડીઝાઈનર ખોરાક છે જે ફંકશનલ, ફોર્ટિફાઈડ, એનરીચ્ડ અથવા ન્યુટ્રાશ્યૂટિકલ વેલ્યૂ એડેડ ફૂડ તરીકે પણ ઓળખાય છે. આવા ઈંડાના બંધારણમાં સામાન્ય ઈંડા કરતાં ફેરફાર જોવા મળે છે. આવો પોષણયુક્ત આહાર પક્ષીઓને આપતાં તેના માંસની ગુણવત્તા ઉપર અસર થાય છે જેમાં પોષણ મૂલ્ય, સ્વિકાર્યતા, માનવ આરોગ્ય અને પ્રોસેસિંગ વગેરેનો સમાવેશ થાય છે. મરઘાંને ચોક્કસ પ્રકારના પોષકતત્વો ધરાવતો ખોરાક, કેટલાક ઔષધિય છોડ કે ચોક્કસ રોગનિવારક દવાઓ આપીને ઈંડાની રચના (ડીઝાઈન) કરવામાં આવે છે. આમ ડીઝાઈનર ઈંડાં એ એક ખાસ પ્રકારે પેદા કરેલ ઈંડાં છે કે જે વધારે પોષકતત્વોથી સમૃદ્ધ અને આરોગ્યને ફાયદો કરનાર તત્વો ધરાવે છે જેમાં કેરોટીનોઈડસ, ચીલેટેડ મિનરલ્સ, ઈપીએ અને ડીએચએ જેવા કે ઓમેગા – 3 ફેટી એસિડસ, સેલેનિયમ, વિટામિન ઈ અને અન્ય પ્રતિરક્ષા નિયંત્રકો (ઈમ્યુન મોડ્યુલેટર્સ) રહેલા છે.
વર્તમાન સમયે એવા ઈંડાનું ઉત્પાદન કરવામાં આવે છે કે જે ઊંચા પ્રમાણમાં કે સમૃદ્ધ રીતે કેટલાક પોષકતત્વો ધરાવે છે જ્યારે અનિચ્છનિય પોષકતત્વોનું સ્તર તેમાં નિમ્ન સ્તરે હોય છે. આવાં ઈંડાંને ડીઝાઈનર ઈંડાં , ફંકશનલ ઈંડાં, ડાયટ ઈંડાં, ઓમેગા-3 ફેટી એસિડ એનરીચ્ડ ઈંડાં પણ કહે છે જે ગ્રાહકોના આરોગ્યને સલામતી પુરી પાડવાની ક્ષમતા ધરાવે છે. સામાન્ય ઈંડાં અને ડીઝાઈનર ઈંડાંમાં રહેલ પોષકતત્વોનો તફાવત અત્રે કોઠામાં દર્શાવેલ છે :
100 ગ્રામ ઈંડામાં રહેલ પ્રમાણ
| ક્રમ | પોષકતત્વો | સામાન્ય ઈંડાં | ડીઝાઈનર ઈંડાં |
| 1 | કુલ સંતૃપ્ત ફેટી એસિડસ | 3.3 ગ્રામ | 2.8 ગ્રામ |
| 2 | કુલ અસંતૃપ્ત ફેટી એસિડસ | 6.4 ગ્રામ | 6.9 ગ્રામ |
| 3 | મોનો અસંતૃપ્ત ફેટી એસિડસ (MUFA) | 4.4 ગ્રામ | 4.4 ગ્રામ |
| 4 | પોલી અસંતૃપ્ત ફેટી એસિડસ (PUFA) | 2.0 ગ્રામ | 2.5 ગ્રામ |
| 5 | લિનોલેઈક એસિડ | 1.9 ગ્રામ | 1.4 ગ્રામ |
| 6 | આલ્ફા-લિનોઈક એસિડ | 0.03 ગ્રામ | 0.7 ગ્રામ |
| 7 | ડબલ્યુ-3 ફેટી એસિડ (EPA + DHA) | 0.08 ગ્રામ | 0.4 ગ્રામ |
| 8 | એન-6 / એન-3 રેશિયો | 17.3 | 1.27 |
| 9 | અસંતૃપ્ત/સંતૃપ્ત ફેટી એસિડસ | 1.94 | 2.46 |
| 10 | કોલેસ્ટીરોલ | 400 મિ.ગ્રા. | 320 મિ.ગ્રા. |
| 11 | કેરોટીનોઈડસ | 1.5 મિ.ગ્રા. | 2.2 મિ.ગ્રા. |
| 12 | વિટામિન ઈ | 2.0 મિ.ગ્રા. | 2.2 મિ.ગ્રા. |
| 13 | સેલેનિયમ | અલ્પ | 1.8 માઈક્રોગ્રામ |
| 14 | ક્રોમિયમ | અલ્પ | 1 માઈક્રોગ્રામ |
(1) ઈંડામાં રહેલ ચરબી અને ફેટી એસિડસના પ્રમાણમાં ફેરફાર કરવો :
અળસી, કસુંબીનું તેલ, દરિયાઈ આલ્ગી, માછલી અને તેનું તેલ તથા વનસ્પતિજ તેલ વગેરેનો મરઘાં આહારમાં સમાવેશ કરી ઓમેગા-3 ફેટી એસિડના પ્રમાણમાં વધારો કરી શકાય છે. ઈંડાની જરદીના લિપિડના ફેટી એસિડ પ્રમાણમાં મરઘાંના આહારમાં ચરબીનો ઉપયોગ કરી ફેરફાર કરી શકાય છે. પોલી અસંતૃપ્ત ફેટી એસિડસ (પુફા – PUFA) નો વપરાશ એથેરોસ્કલેરોસીસ (લોહીની નળીઓ જાડી થવી) અને સ્ટ્રોકના જોખમમાં ઘટાડો કરે છે તેવું નોંધાયેલ છે. બજારમાં મળતા ડીઝાઈનર ઈંડાં ઓછા પ્રમાણમાં સંતૃપ્ત થી અસંતૃપ્ત ફેટી એસિડસ ધરાવે છે. આ પ્રમાણ કનોલા ઓઈલ (Canola oil) ના ઉપયોગથી જળવાય છે. મરઘાંને આહારમાં આપવામાં આવતા ફેટી એસિડની સીધી અસર ઈંડાની જરદીના લિપિડમાં જોવા મળે છે.
(ક) ઓમેગા-3 ફેટી એસિડનું અલંકરણ (વૃદ્ધિ) :
વૈજ્ઞાનિકોએ ઈંડાના ઉત્પાદનમાં ઓમેગા-3 પુફાનો ઉપયોગ કર્યો છે. ઈંડાંમાં ઓમેગા-6 : ઓમેગા-3 ના પ્રમાણનું સંતુલન, મરઘાં આહારમાં માછલીનું તેલ, ફિશ મીલ, દરિયાઈ આલ્ગી વગેરે ઓમેગા-3 પુફાનો સ્ત્રોત ધરાવતા આહારનો ઉપયોગ કરી જાળવી શકાય છે. સંશોધનના પરિણામોથી જાણવા મળેલ છે કે અળસી, અળસીનું તેલ, સરસવ, માછલીનું તેલ કે આલ્ગીનો મરઘાં આહારમાં ઉપયોગ આ હેતુ માટે કરી શકાય છે.
(ખ) કન્જુગૅટેડ લિનોલેઈક એસિડ (CLA) નું અલંકરણ (વૃદ્ધિ) :
કન્જુગેટેડ લિનોલેઈક એસિડ કેન્સર, એથેરોસ્કલેરોસીસ અને કોલેસ્ટીરોલના જોખમમાં ઘટાડો કરે છે અને શરીરના રોગપ્રતિકારક તંત્રને મજબૂત બનાવે છે. ઈંડામાં સીએલએ વધારવા માટે એક ખાસ પ્રકારે બનાવેલ તેલ કે જે સીએલએ ધરાવે છે તેનો મરઘાં આહારમાં ઉપયોગ કરવામાં આવે છે. બ્રોઈલર્સને સીએલએ યુક્ત આહાર આપવાથી તેની છાતી અને જાંઘના માંસમાં 40 ગણા સીએલએનું પ્રમાણ વઘારી શકાય છે. તે માંસને સખત અને ગાઢ બનાવે છે.
(2) કોલેસ્ટીરોલના પ્રમાણમાં ઘટાડો :
સરેરાશ કદ ધરાવતું ઈંડું અંદાજે 200 થી 220 મિ.ગ્રા. કોલેસ્ટીરોલ ધરાવે છે. જો લેયર્સના આહારમાં 1 પીપીએમ (દશ લાખ ભાગમાં પ્રમાણ) સાંદ્રતાવાળો ક્રોમિયમ પૂરક આહાર તરીકે આપવામાં આવે તો ઈંડાંમાં કોલેસ્ટીરોલનું પ્રમાણ ઘટે છે અને ઈંડાંની ગુણવત્તામાં વધારો થાય છે. પ્રોટીન અને રેસા ધરાવતા અને વિટામિન ઈ થી સમૃદ્ધિ કરેલ વનસ્પતિજ ખોરાક મરઘાંને આપવાથી ઓછું કોલેસ્ટીરોલ ધરાવતાં ઈંડાં મેળવી શકાય છે. મરઘાંને આહારમાં તુલસી, ખાડીનાં પાંદડાં, લીંબુ વર્ગના ફળોનો માવો (સાઈટ્રસ પલ્પ – નિરંનજેનિન), લસણ, દ્રાક્ષના બીનો માવો, ગુવાર, ખાટી ભીંડીનાં બીજ, સ્પિરૂલિના, ટામેટાનો માવો (લાયકોપીન) વગેરે પૂરક તરીકે આપવાથી ચિકન અને ઈંડાની જરદીમાં ફેટ કોલેસ્ટીરોલના સ્તરમાં 10 થી 25 ટકા જેટલો ઘટાડો કરી શકાય છે. કનોલા ઓઈલ, અળસીનું તેલ, સોયા તેલ અને સૂર્યમુખીનું તેલ ખોરાકમાં આપવાથી નાના કૂકડા (કોકરેલ-cockerel) ની જાંઘ અને છાતીના માંસમાં ફેટ અને કોલેસ્ટીરોલનું સ્તર ઘટાડી શકાય છે. જનીનિક પસંદગી ધ્વારા મરઘાંના ઈંડાંમાં કોલેસ્ટીરોલનું પ્રમાણ ઘટાડવામાં સફળતા મળેલ નથી.
(3) એન્ટિઓક્સીડેસનું અલંકરણ :
મરઘાંના પોષણમાં આલ્ફા-ટોકોફીરોલ નામે વધુ ખ્યાતિ પામેલ એન્ટિઓક્સીડેન્ટ વપરાય છે જે સહેલાઈથી ઈંડાની જરદીમાં જમા થાય છે પરંતુ જરદીમાં રહેલ સેલેનિયમ અને કેરોટીનોઈડસ નામના તત્વો ઓક્સીડેશન થતું અટકાવે છે. મરઘાં આહારમાં કેરોટીનોઈડસને પૂરક તરીકે આપતાં તે પીળા અને લાલ રંગકણો ઉમેરે છે અને ગંધ ટાળે છે એટલે કે દુર્ગંધથી બચાવે છે. લેયર્સને કૃત્રિમ કેરોટીનોઈડસ પૂરક આહાર તરીકે આપતાં તે ઈંડાના 90 ટકાથી વધુ કેરોટીનોઈટસને આવરી લે છે. ઈંડામાં સેલેનિયમનો વધારો એ વધુ મુશ્કેલ છે કારણ કે ખોરાકમાં સેલેનિયમનું ઊંચુ સ્તર માનવી માટે ઝેર છે. મરઘીનાં ઈંડાં અને માંસ વિટામિન-ઈ, સેલેનિયમ, કેરોટીનોઈડ, રંગકણો, ફ્લેવેનોઈડસ, લેસિથિન અને ફોસનિટિન વગેરે કુદરતી એન્ટિઓક્સીડેન્ટસના સમૃદ્ધ સ્ત્રોત છે પરંતુ તેનો સંગ્રહ કરતાં તે જલ્દીથી ખોરાશ પકડે છે. આવા ઓક્સીડેન્ટસ ચરબીમાં દ્રાવ્ય વિટામિનો અને જરદીમાંના લિપિડને ઑક્સિડેશનથી થતી ખોરાશ સામે રક્ષણ આપે છે. ડીઝાઈનર ઈંડાં ઊંચા પ્રમાણમાં ઉપરોક્ત એન્ટિઑક્સીડેન્ટની સાથે કૃત્રિમ એન્ટિઓક્સીડેન્ટ પણ ધરાવે છે.
ઓમેગા-3 એનરિચ્ડ પ્રોડક્ટસમાં એન્ટિઓક્સીડેન્ટ સેલ્યુલર એન્ઝાઈન સીસ્ટમના ભાગ રૂપે ગ્લુટાથિઓન પેરોક્સીડેઝ, સુપરઓક્સાઈડ ડિસ્મ્યુટેઝ અને કેટાલેઝ ઉત્સેચકો સહિત વિટામિન ઈ અને સેલેનિયમ જેવા એન્ટિઓક્સીડેન્ટસ હોય છે.
(4) વિટામિન્સનું અલંકરણ :
ડિઝાઈનર ઈંડાંમાં વિટામિન એ અને ઈ એ મહત્વના તત્વો છે. ઈંડામાં રહેલ વિટામિનોના પ્રમાણમાં વિવિધતા જોવા મળે છે. મરઘી વિવિધ વિટામિનો એકસમાન કાર્યક્ષમતા સાથે ઈંડામાં તબદીલ કરી શકતી નથી જેમાં વિટામિનોનો ખર્ચ પણ ધ્યાને લેવો જોઈએ. સ્ટોર્સમાં વિટામિન ઈ નું ઊચું પ્રમાણ ધરાવતાં ઈંડાં ઉપલબ્ધ થાય છે. ઓમેગા ફેટી એસિડથી અલંકૃત કરેલ ઈંડાં લિપિડ ઓક્સીડેશનને કારણે ખોરાશ પ્રતિ વધુ સંવેદનશીલ છે જ્યારે વિટામિન-ઈ પૂરક તરીકે આપતાં ખોરાશ સામે ઈંડાંના લિપિડને સ્થિર રાખે છે અને પ્રોડક્ટની આવરદામાં વધારો કરે છે. લેયર્સને ખોરાકમાં વિટામિન-ઈ પૂરક તરીકે આપતાં ઈંડાંના ઉત્પાદનમાં વધારો થાય છે અને ઈંડાની જરદીમાં એન્ટિઑક્સીડેન્ટસના ગુણોમાં વધારો થાય છે.
(5) ખનીજતત્વોનું અલંકરણ :
ડિઝાઈનર ઈંડાંના ઉત્પાદનમાં સેલેનિયમ, આયોડિન વગેરે જેવા અનેક ખનીજતત્વોનો વપરાશ થાય છે. મરઘાં આહારમાં ફેરફાર કરવાથી ખનીજતત્વોના પ્રમાણમાં વધારો કરી શકાય છે. આવા ખનીજતત્વો માનવ આરોગ્ય માટે ઘણા મહત્વના છે. આવા કેટલાક ખનીજતત્વોની ઉણપ હોય તો તેના કારણે માનવીને કેટલાક રોગો થાય છે.
સારાંશ :
સામાન્ય રીતે ઈંડાંની ઊંચુ પોષણમૂલ્ય ધરાવતા ખોરાક તરીકે ગણના થાય છે. ઈંડાંને કુદરતી રીતે ઊંચી ગુણવત્તા ધરાવતા પ્રોટીન યુક્ત સંપૂર્ણ ખોરાક પણ કહે છે. સામાન્ય રીતે ઉત્પાદિત ઈંડાં કરતાં ડિઝાઈનર ઈંડાં ગ્રાહકોને વિવિધ પોષણમૂલ્યના લાભો પુરા પાડે છે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, ડિસેમ્બર – 2022
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

