કરંબળના ફળો – ભારતીય પશુઓ માટેનો એક અપ્રચલિત આહાર (Elephant Apple fruit – Unconventional feed for Indian livestock)

        કરંબળને સંસ્કૃતમાં ભવ્ય, બંગાળીમાં ચાલતા, નેપાળીમાં રામફળ, તમિલમાં ઉવ્હલે, તેલુગુમાં કાલિંગા, અને શ્રીલંકામાં હોન્ડાપાર અને અંગ્રેજીમાં એલીફન્ટ એપલ (Elephant apple) ના નામે ઓળખાય છે. તેનું વૈજ્ઞાનિક નામ ડીલેનિયા ઈન્ડિકા (Dilenia indica) છે.      

        તેનાં ઝાડ સદાપર્ણી, મોટાં, 14 થી 18 મીટર જેટલાં ઊંચાં થાય છે. તેનાં પાન 15 થી 30 સે.મી. લાંબાં થાય છે. તેનું લાકડું બળતણ તરીકે વપરાય છે. તેનાં ફળો 15 થી 20 સે.મી. વ્યાસ ધરાવે છે જે પાંચ પાંદડીઓ ધરાવે છે અને તે મધમાખીઓને આકર્ષે છે. તેના ફળો મુખ્યત્વે લીલાશ પડતા પીળા હોય છે. તે 10 થી 20 સે.મી. લાંબાં હોય છે અને 250 થી 500 ગ્રામ વજન ધરાવે છે. તેને જૂન-જુલાઈ માસમાં ફૂલો આવે છે અને સપ્ટેમ્બર-ઑક્ટોબર માસમાં ફળો ઉતારવાલાયક બને છે. તેના ફળના માવામાં પાંચ બી રહેલાં હોય છે.

        તેના ફળનો સ્થાનિક રીતે અથાણું બનાવવા માટે ઉપયોગ થાય છે. જંગલમાં થતા ફળોનો ખોરાક તરીકે હજુ નહિવત ઉપયોગ થાય છે. તેના ફળો મોટે ભાગે ઝાડ પરથી નીચે પડીને કહોવાઈ જઈ જમીનમાં ખાતરનો ઉમેરો કરે છે.

કરંબળના ફળોનું પોષણ મૂલ્ય :   

        ફળો અંદાજે 58,000 કેલેરી, 8 ટકા પ્રોટીન, 2 થી 2.25 ટકા ચરબી, 3.35 ટકા રાખ, 15 મિ.ગ્રા. કેલ્શિયમ, 25 મિ.ગ્રા ફોસ્ફરસ, અને 5 મિ.ગ્રા. એસ્કોર્બિક એસિડ, ટેનિન્સ, ગ્લુકોઝ અને એરાબિનોગેલેક્ટમ થી સમૃદ્ધ છે. પ્રાચીન સમયમાં તેના ફળો એન્ટિઑક્સીડેન્ટ, બળતરાવિરોધી, પીડાનાશક, ડાયાબીટીસ વિરોધી અને રેચક ગુણો ધરાવતા હોઈ તેનો આયુર્વેદ, યુનાની અને હોમિયોપેથી એમ ત્રણે પ્રકારની દવાઓની બનાવટમાં તેના છોડના વિવિધ ભાગો વપરાય છે.  

કરંબળના ફળનો વપરાશ

        તેના પક્વ ફળોનો ખોરાકમાં ઉપયોગ થાય છે. તેનો માવો ખાદ્ય છે. તેના ફળો પુરતા પ્રમાણમાં શર્કરા ધરાવે છે પણ તેમાં એસિડની હાજરી હોય તે ખટ-મીઠાં લાગે છે. તે તીવ્ર સુગંધ અને તીખો સ્વાદ ધરાવે છે. તેનો ઉપયોગ સ્થાનિક રીતે બનાવવામાં આવતી કઢીમાં સુગંધ માટે વપરાય છે. તેના ફળો ચાવીરૂપ તત્વો ધરાવતાં હોઈ તેમાંથી જામ અને જેલી પણ બનાવી શકાય છે.

        તેનાં ફળો કાર્બોહાઈડ્રેટસ, પ્રોટીન, બીટા કેરોટીન, વિટામિન-બી, વિટામિન-સી, થાયામિન અને રાઈબોફ્લેવિન થી સમૃદ્ધ છે. તેના ફળોમાંથી માવાનું નિષ્કર્ષણ કર્યા બાદ ચાટ માટેની ચટણી બનાવવામાં આવે છે.  ફળની છાલ અને થડના મિશ્રણથી બનાવેલ બનાવટનો ઉપયોગ હ્રદયના ધબકારાને ઘટાડવા માટે થાય છે.  

        કરંબળનાં તાજાં ફળો ઈથાઈલ – 3 – હાઈડ્રોક્સીહેકઝાનોએટ, મીથાઈલ હેક્ઝાનોએટ અને બ્યુટાનોઈક એસિડ એમ ત્રણ પ્રકારના અસ્થિર સ્વાદ ઘટકો ધરાવે છે. તેના ફળોનો ઉપયોગ ઝાડા, મરડો, ગાંઠ, અસ્થમા, ઘા, હ્રદયની નબળાઈ અને હીપેટાઈટીસ વગેરે રોગોની સારવાર માટે થાય છે.

        ફળોમાં ફ્લેવોનોઈડસ, સેપોનિન્સ, ટેનિન્સ અને ગ્લાયકોસાઈડસ રહેલા છે. તેના પાન ફળની છાલ પ્સોરાલીન, ઝોન્થોટોક્સીન, 2,6-ડાયમીથોક્સી બેન્ઝોક્વીનોન અને ઓસ્થેનોલ વગેરે યકૃતરક્ષક અને ફુગ પ્રતિકારક પદાર્થો ધરાવે છે. તેનું ફળ ફુલ વજનના 36 ટકા જેટલો માવો ધરાવે છે. તેના માવામાં પેકટીનનું પ્રમાણ 3 થી 5 ટકા જેટલું છે. તેના બીજ અસંતૃપ્ત ફેટી એસિડ ધરાવે છે જે કડવારા વિહીન તેલથી સમૃદ્ધ છે.

કરંબળના ફળોનું ઔષધિય મૂલ્ય :    

(1) ડાયાબીટીસ વિરોધી પ્રવૃત્તિ :  તેનો વાનસ્પતિક અર્ક સ્વાદુપિંડમાંથી ઈન્સ્યુલિનના સ્ત્રાવમાં વધારો કરી શકે છે.

(2) લોહીના દબાણમાં ઘટાડો :  કેળાંની માફક તેના ફળોનો ઉપયોગ લોહીના દબાણમાં ઘટાડો કરે છે.

(3) જઠરને લગતા રોગો : તેના ફળોમાં રહેલ ટેનિન્સ પેટના દુઃખાવો અને ઝાડા કે અતિસાર અટકાવવામાં મદદ કરે છે.

(4) ઊર્જાના સ્તરમાં વધારો :  તેના ફળો વિટામિન બી થી સમૃદ્ધ હોઈ મગજ અને જ્ઞાનતંતુઓના કોષોના આરોગ્યને જાળવવામાં મહત્વના છે.  

(5) મૂત્રપિંડનું ચેપ સામે રક્ષણ :  કરંબળના ફળ ઉત્તેજક અને સલામત છે જે કુદરતી રીતે મૂત્રપિંડનું રક્ષણ કરે છે. મૂત્રપિંડને લગતી સમસ્યાઓના ઉકેલ માટે પ્રાચીન સમયથી તેના ફળોનો દવા તરીકે પરંપરાગત રીતે ઉપયોગ થતો આવ્યો છે.  

ઔષધિય ઉપયોગો :  

(1) ગર્ભમાંની ગરમીથી બાળકના અંગની ચામડી જાય છે તે ઉપર :

        કરંબળની છાલનો રસ તોલા-2, જાઈના પાલાનો રસ તોલા-2, ધોળો કાથો તોલા-2, શંખજીરૂ તોલા-1, સિંદુર માસા-6, જેઠી મધનો શીરો માસા-6 અને ગાયનું માખણ તોલા-8 એ સર્વ એકત્ર ખરલ કરી તૈયાર થયા પછી આ ઔષધ કપાસના રૂથી બાળકના અંગે સતત 3 દિવસ સુધી બે વાર ચોપડવું. ચોથા દિવસે ઘી અને દૂધ એકત્ર કરી બાળકના અંગે ચોપડી સ્નાન કરાવવું.

(2) પગ વળે છે તેને માટે :  

        કરંબળની છાલનો રસ કાઢી તેમાં કાળાં મરી બારીક વાટી પગે લેપ કરવો અને ઉપર કરંબળનાં પાંદડાં મૂકી તે ઉપર કપડાંનું ઢાંકણ કરવું. એ પ્રમાણે એક થી બે વખત કરવું એટલે ગુણ આવે છે.

(3) અતિસાર ઉપર :

        કરંબળની છાલ દહીંમાં આપવી

અન્ય ઉપયોગ

       તેના ફળો ખટમીઠાં હોઈ તેનો મુરબ્બો અને શરબત બને છે જે પિત્તજવર અને ઉધરસમાં વપરાય છે. તેના ફળો નરમ સારક ગુણ ધરાવતા હોઈ વધુ ખાવામાં આવે તો ઝાડા થાય છે.

        તેના ફળોનો રસ વાળ ધોવા વપરાય છે. તેનું લાકડું સાધારણ કઠણ હોય છે જેના એક ચોરસ ફુટનું વજન 22 કિ.ગ્રા. જેટલું હોય છે.

સારાંશ :

        કરંબળના ફળો ઘણા રોગ નિવારક ગુણો ધરાવે છે પરંતુ તેના વિષે હજુ લોકો અજાણ છે. જો તેના ફળો પશુઓના ખોરાક તરીકે ઉપયોગમાં લેવામાં આવે તો પોષણમૂલ્યની રીતે તે આશ્ચર્યજનક પરિણામો આપી શકે છે. તે એસ્કોર્બિક એસિડથી સમૃદ્ધ હોઈ પશુઓને તનાવની પરિસ્થિતિમાં લાભદાયી છે. તેના ફળો ડાયાબીટીસ વિરોધી ખોરાક તરીકે કાર્ય કરે છે અને તે પોષણદાયી હોઈ કેટલાયે રોગોને અટકાવવામાં મદદ કરે છે. આથી માનવી તેમજ પશુઓના રોગ નિવારણ ઉપયોગમાં લઈ શકાય છે. પશુઓ માટે લાંબે ગાળે તેનો ઉપયોગ ઉત્પાદકીય મૂલ્યમાં પરિણમશે.   


સ્ત્રોત : (1) ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, ડિસેમ્બર – 2022, (2) આર્યભિષક લે. શંકર દાજીપદે અને (3) વનસ્પતિ સૃષ્ટિ લે.ગો.ખી.બાંભડાઈ         


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *