ભારત 19મા વિશ્વ પશુ વસ્તીપત્રકના આંકડાઓને આધારે 51.2 કરોડ પશુઓની વસ્તી ધરાવતો એકમાત્ર મોટો દેશ છે જેને 83 લાખ હેક્ટર વિસ્તારમાં ઉગાડેલ ઘાસચારો ખોરાક તરીકે પુરો પાડે છે એટલે કે પશુઓને પુરતો ખોરાક પુરો પાડવા માટે જમીન ઉપર દબાણ થાય છે. વર્તમાન સમયે 35.6 ટકા લીલા ચારાની, 10.95 ટકા સૂકા ચારાની અને 44 ટકા દાણની ઘટ પડે છે. સને 2050 દરમ્યાન લીલા અને સૂકા ચારાની અંદાજીત માંગ વધીને અનુક્રમે 10,120 લાખ ટન અને 6,310 લાખ ટન એ પહોંચશે. વિશ્વમાં થતા ઘાસચારાના પાકોમાં મકાઈ એ ઘાસચારા તરીકે અગત્યનો પાક છે જે વર્ષની દરેક ઋતુમાં દાણા અને ચારા એમ બંને હેતુથી ઉગાડાય છે. મકાઈ હેક્ટરે 30 થી 35 ટન ચારો આપે છે.
મકાઈ વિવિધ ખેત હવામાન પરિસ્થિતિ હેઠળ સર્વગ્રાહી પાક તરીકે વિશાળ અનુકૂલનતામાં પણ થઈ શકે છે. અન્ય ધાન્યપાકો કરતાં તેનું ઉત્પાદન ઊંચું છે તેથી તેને કેટલીક વાર ‘મિરેકલ ક્રોપ’ (Miracle crop) અથવા ‘ક્વિન ઑફ સીરીયલ્સ’ (Queen of cereals) પણ કહેવાય છે જે ડાંગર અને ઘઉં પછી ભારતમાં વિસ્તાર અને ઉત્પાદનની દ્રષ્ટિએ થતો ત્રીજો મહત્વનો ધાન્યપાક છે. મકાઈ એ ડાંગર અને ઘઉં કરતાં રોજગારી પુરી પાડવામાં અને ખેડૂતોની આવક બમણી કરવાની ક્ષમતા ધરાવતો પાક છે. મકાઈનો ખોરાક, દાણ અને ચારા તરીકે મોટા પાયે ઉપયોગ થાય છે. ઉપરાંત તેનો ઉદ્યોગોમાં કાચા માલ તરીકે અને બાયો-ઈથેનોલના ઉત્પાદનમાં ઉપયોગ થાય છે. સાઈલેજ અને ચારાના હેતુ માટે મકાઈનો ઉપયોગ વધુ ખ્યાતિ પામેલ છે.
મકાઈ એ અમેરિકાનું વતની છે. 17મી સદીમાં પોર્ટુગીઝો ધ્વારા ભારતમાં તેને લાવવામાં આવેલ. મરાઠા સામ્રાજ્ય સમયે તેનું વાવેતર કરવામાં આવતું હતું. મકાઈ એ સામાન્ય રીતે એકગૃહી વનસ્પતિ છે જેના ઉપર ટોચે ચમરી રૂપે નરપુષ્પ અને થડ ઉપર ગાંઠમાં કક્ષના ભાગે ડોડા સ્વરૂપે માદા પુષ્પ આવે છે. તે ગરમ હવામાનમાં થતો છોડ છે. તે સમુદ્રની સપાટીથી 3000 મીટરની ઊંચાઈ સુધીના વિવિધ હવામાનવાળા વિસ્તારોમાં થઈ શકે છે. તેનું વાવેતર ભારતના ઘણા પ્રદેશોમાં આખા વર્ષ દરમ્યાન થાય છે પરંતુ ઉત્તર ભારતમાં મુખ્યત્વે ચોમાસુ ઋતુમાં જ્યારે દક્ષિણ ભારતમાં એપ્રિલ થી ઓક્ટોબર દરમ્યાન શિયાળુ ઋતુમાં પણ ગરમ હવામાન હોઈ મકાઈનું વાવેતર કરવામાં આવે છે.
મકાઈ-ઘાસચારાના પાક તરીકે :
મકાઈ એ જૈવભાર (બાયોમાસ) ઉત્પાદન માટે ઉત્તમ પાક છે. આપણા દેશમાં મકાઈનું ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થતો જાય છે તે મુજબ તેના બાયોમાસની પ્રાપ્યતા પણ વધતી જાય છે, પુરાતન સમયથી મકાઈનાં રાડાં પશુઓના ચારા તરીકે વપરાય છે. જો કે લીલી મકાઈના ચારાની ગુણવત્તા ઉત્તમ છે. ઘાસચારા તરીકે વવાતા બિનકઠોળ પાકોમાં ફક્ત મકાઈ એક એવો ઘાસચારાનો પાક છે કે જે સારી પોષણ ગુણવત્તા સહિત સારા જથ્થામાં બાયોમાસ પેદા કરી આપે છે. ખાસ કરીને પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ જેવા ઉત્તર પશ્ચિમ પ્રદેશોના વિસ્તારોમાં મકાઈનું સામાન્ય રીતે ઉનાળુ ઘાસચારા તરીકે વાવેતર કરવામાં આવે છે. જુવાર અને બાજરી કરતાં મકાઈની ગુણવત્તા સારી છે. જુવાર અને બાજરી અનુક્રમે એચસીએન (HCN) અને ઓક્ઝેલેટ જેવા ગુણવત્તા વિરોધી પદાર્થો ધરાવે છે. બીજુ વાવણી બાદ 55 થી 60 દિવસે બેબી કોર્ન કાપણી માટે તૈયાર થાય છે. મકાઈની અન્ય ઘાસચારા પાકો સાથે પોષણ ગુણવત્તા અંગેની સરખામણી કોઠા-1માં દર્શાવેલ છે :
કોઠાં-1 : મકાઈની અન્ય ઘાસચારા પાકો સાથે સરખામણી
| ક્રમ | ઘાસચારા પાક | દેહધાર્મિક તબક્કો | કાપણી સમય (દિવસો) | ફૂડ પ્રોટીન ટકા | ઈન-વિટ્રો સૂકા પદાર્થની પાચનક્ષમતા |
| 1 | મકાઈ | ડોડામાં મૂછોથી દુધિયા દાણા | 55-65 | 11-8 | 68-52 |
| 2 | બાજરી | ડૂંડાં નીકળવા | 45-55 | 10-7 | 62-55 |
| 3 | જુવાર | ફૂલોની શરૂઆત | 70-80 | 8-7 | 60-57 |
| 4 | નેપિયર ઘાસ | એક મીટર ઊંચું અને કાપણી બાદ 30 દિવસે | 55-60 | 11-7 | 60-55 |
| 5 | ગિની ઘાસ | એક મીટર ઊંચુ અને કાપણી બાદ 25-30 દિવસે | 55-60 | 10-8 | 60-57 |
મકાઈના ચારાનું પોષણ મૂલ્ય :
મકાઈનોચારો તેના પોષણના લાભોને લઈ ઊંચું મૂલ્ય અને પશુઓના ખોરાકમાં ઉત્તમ પસંદગી ધરાવે છે. મકાઈનો ચારો પ્રતિપોષક દ્રવ્યોથી મુક્ત હોઈ પશુઓ માટે ઊંચી પાચ્યતા અને સલામત ગણાય છે.
મકાઈના ચારામાં પોષકતત્વોનું પ્રમાણ
| ક્રમ | પોષકતત્વો | મૂલ્ય (ટકા) |
| 1 | ક્રુડ પ્રોટીન | 9-10 |
| 2 | ન્યુટ્રલ ડીટરજન્ટ ફાયબર (NDF) | 60-64 |
| 3 | એસિડ ડીટરજન્ટ ફાયબર (ADF) | 38-41 |
| 4 | સેલ્યુલોઝ | 28-30 |
| 5 | હેમી-સેલ્યુલોઝ | 23-25 |
ઊંચુ ઉત્પાદન આપતી ઘાસચારા મકાઈની જાતો
| ક્રમ | જાત | લક્ષણો | લીલો ચારો ટન/હેક્ટર |
| 1 | ડીએચએફ-2 (હાઈબ્રિડ) | જી.બી.પંત યુનિવર્સિટી ઑફ એગ્રિકલ્ચર એન્ડ ટેક્નોલૉજી, પંતનગર ધ્વારા વિકસાવેલ જાત જે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડનો તરાઈ પ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ માટે અનુકુળ છે. તે મલ્ટિકટ ગુણ ધરાવતી, ફળદ્રુપ પરિસ્થિતિમાં 2 થી 3 કટ લઈ શકાય તેવી અને પાનના સૂકારા સામે પ્રતિકારક છે. | 85-90 |
| 2 | એએફએચ-7 | આઈએઆરઆઈની જાત જે પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરાખંડના તરાઈ વિસ્તાર માટે અનુકુળ અને પાનના સૂકારા સામે મધ્યમ પ્રતિકારક છે. | 60-65 |
| 3 | એચપીક્યુએમ-28 | એચએયુ, હિસ્સારની જાત જે ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ માટે અનુકુળ અને પાનના સૂકારા સામે પ્રતિકારક છે. | 60-65 |
| 4 | પીએફએમ-13 | પીએયુ, લુધિયાણાની જાત જે છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ માટે અનુકુળ અને પાનના સૂકારા સામે મધ્યમ પ્રતિકારક છે. | 60-65 |
| 5 | આક્રિકન ટોલ | ઊંચુ ક્રુડ પ્રોટીન અને પાચ્ય પોષકતત્વો ધરાવે છે જે પશુઓના વિકાસ અને દૂધ ઉત્પાદન માટે જરૂરી છે. વિવિધ પ્રકારની જમીન અને હવામાનની સ્થિતિમાં સારી રીતે થઈ શકે છે. | 60-62 |
| 6 | જે-1006 | ચારાની ગુણવત્તા સારી, પાનનો સૂકારો અને બ્રાઉન સ્ટ્રીપ સામે મધ્યમ પ્રતિકારક છે. | 40-50 |
| 7 | પ્રતાપ | સૂકા અને અર્ધસૂકા હવામાન માટે અનુકુળ | 50-55 |
| 8 | વિજય (કોમ્પોઝીટ) | સારૂ પ્રોટીન ધરાવી પશુઓને સમતોલ ખોરાક પુરો પાડે તેવી, સૂકા અને પિયત બંને વિસ્તારો માટે અનુકુળ | 50-55 |
| 9 | મોતી (કમ્પોઝીટ) | ઊંચા પ્રમાણમાં જરૂરી પોષકતત્વો ધરાવે, યોગ્ય પિયત સાથે સમગ્ર વર્ષ દરમ્યાન ઉગાડી શકાય | 40-45 |
| 10 | ગંગા-5 | ઊંચુ પ્રોટીન અને ઊર્જા ધરાવે, ખરીફ અને શિયાળુ બંને ઋતુમાં સારી રીતે થાય છે. | 40-45 |
| 11 | જવાહર | ઊંચા બાયોમાસ ઉત્પાદન સાથે મ઼જબૂત વૃદ્ધિ, પ્રોટીન અને ખનીજતત્વોથી સમૃદ્ધ | 50-55 |
| 12 | ડીએચએમ-206 | ઊંચુ ઉત્પાદન આપતી સંકર જાત, ફૂલો બાદ થતાં દાંડીના સડા સામે પ્રતિકારક, ઉત્તર ભારતના મકાઈ ઉગાડતા વિસ્તારો માટે આદર્શ | 40-50 |
હવામાન :
મકાઈ એ વિષુવવૃત્તીય છોડ હોઈ તેને ગરમ અને ભેજવાળું હવામાન માફક આવે છે. તે ટુંકા દિવસનો છોડ છે. તે જમીનમાંના વધુ કે ઓછા ભેજ સામે અતિ સંવેદનશીલ છે. તે વિકાસના તબક્કે હિમ સામે ટકી શક્તો નથી. મકાઈને તેના અંકુરણ થી માંડી ફૂલો આવે ત્યાં સુધી જરૂરી ભેજ અને ગરમી જોઈએ છે. મકાઈને માટે 6.5 થી 7.5 પીએચ ધરાવતી જમીન શ્રેષ્ઠ ગણાય છે. તેના સારા વાવેતર માટે 600 મિ.મી. સારો વહેંચાયેલો વરસાદ જરૂરી છે. તેના અંકુરણ માટે 210 સે અને વિકાસ માટે 320 સે. ઉષ્ણતામાન શ્રેષ્ઠ ગણાય છે. જો ફૂલો આવવાના સમયે વધુ ઊંચુ તાપમાન અને ઓછો ભેજ હોય તો પર્ણસમૂહ (ફોલિએજ) ને નુક્સાન થાય છે, પરાગરજ ખરી પડે છે અને યોગ્ય પરાગનયન થતું નથી જેને પરિણામે દાણા નબળા રહે છે. પાકના યોગ્ય વિકાસ માટે અંદાજે 50 થી 75 સે.મી. સારો વહેંચાયેલ વરસાદ જરૂરી છે. મકાઈના પાકને તેના વિકાસની શરૂઆતના તબક્કે પાણીનો ભરાવો થાય તો તે સમય વધુ સંવેદનશીલ છે.
જમીન :
મકાઇને વિવિધ પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે પરંતુ તેને માટે સારા નિતારવાળી ઊંડી કાળી કાંપવાળી લોમ પ્રકારની જમીન ઉત્તમ ગણાય છે. તેમ છતાં તે સહેજ ભેજવાળા હવામાનમાં રેતાળ લોમ પ્રકારની જમીનમાં અને અર્ધ સૂકા-હવામાનમાં ઊંડી (ભારે બાંધાવાળી) જમીનમાં થાય છે.
જમીનની તૈયારી :
મકાઈના બીજને સારા અંકુરણ અને મૂળના વિકાસ માટે તેની વાવણી સારી રીતે ખેડેલી અને સમાર મારી સમતલ કરી બનાવેલ ક્યારાઓમાં કરવી જરૂરી છે. સારી રીતે ક્યારા બનાવવા માટે લોખંડી હળથી ઊંડી ખેડ કરી બે વખત કરબડી કાઢી સમાર મારી જમીન સમતલ કરવી અને વાવણી પહેલાં નીંદામણ કરી નીંદણ દૂર કરવું.
બીની વાવણી :
ભારતમાં વર્ષમાં ગમે ત્યારે તેની વાવણી કરી શકાય છે. ઉત્તર ભારતમાં ડિસેમ્બરની મધ્યથી જાન્યુઆરીના અંત સિવાય મકાઈની વાવણી કરવામાં આવે છે.
બીની માવજત :
બીજને વાવણી પહેલાં ફુગનાશક અને કીટનાશક દવાની માવજત આપવી જેથી બીજ અને જમીન મારફતે ફેલાતા રોગો અને કેટલીક જીવાતો સામે પાકને રક્ષણ આપી શકાય.
(1) એક કિ.ગ્રા. મકાઈના બીને 2 ગ્રામ મુજબ 1:1ના પ્રમાણમાં બાવિસ્ટીન + કેપ્ટાનનો પટ આપવો જેથી સૂકારાનો રોગ અટકાવી શકાય.
(2) એક કિ.ગ્રા. બીને 4 ગ્રામ મુજબ એપ્રાન 35 એસડીનો પટ આપવો જેથી કથ્થાઈ પટ્ટીનો તળછારો રોગ આવતો અટકાવી શકાય.
(3) એક કિ.ગ્રા. બીને 2.5 ગ્રામ કેપ્ટાનનો પટ આપવો જેથી પીથિયમથી થતો દાંડીનો સડો અટકાવી શકાય.
(4) એક કિ.ગ્રા. બીને 4 ગ્રામ ઈમિડાક્લોપ્રિડ અથવા 4 મિ.લિ. ફિપ્રોનિલ દવાનો પટ આપવો જેથી ઊધઈ અને સાંઠાની માખીનો ઉપદ્રવ અટકાવી શકાય.
બીનો દર :
(1) પૂંખીને : 50 કિ.ગ્રા./હેક્ટર
(2) હારમાં : 40 કિ.ગ્રા./હેક્ટર
વાવણી અંતર :
બે હાર વચ્ચે 30 સે.મી.
વાવણી પદ્ધતિ :
(1) પૂંખીને : જમીનની સપાટી ઉપર એકસરખી રીતે પડે તેમ બીની વાવણી કરવી. ચારાનું ઊંચુ ઉત્પાદન મેળવવા માટેની અસરકારક પદ્ધતિ છે.
(2) હારમાં વાવીને : સીડ ડ્રિલ અથવા હેન્ડ ડિબલરનો ઉપયોગ કરી હારમાં બીની વાવણી કરવામાં આવે છે. આ પદ્ધતિ છોડ વચ્ચે સારૂ અંતર જાળવીને સારો વિકાસ કરે છે.
ખાતરો :
તેના સારા વિકાસ અને ઉત્પાદન માટે સમતોલ પ્રમાણમાં ખાતરોની જરૂર પડે છે. તેના માટે હેક્ટર દીઠ ભલામણ કરેલ ખાતરોનું પ્રમાણ 120 થી 150 કિ.ગ્રા. નાઈટ્રોજન, 60 થી 75 કિ.ગ્રા. ફોસ્ફરસ અને 60 થી 75 કિ.ગ્રા. પોટાશ છે. નાઈટ્રોજનનો અડધો જથ્થો પાયાના ખાતર રૂપે અને બાકીનો અડધો જથ્થો વાવણી બાદ 30 દિવસે અથવા પાક ઢીંચણ સુધીની ઊંચાઈનો થાય ત્યારે આપવામાં આવે છે. જ્યારે ફોસ્ફરસ અને પોટાશનો પુરો જથ્થો પાયાના ખાતર તરીકે આપવામાં આવે છે.
પાણીની જરૂરિયાત :
ઘાસચારાની મકાઈને તેના પાકની ઋતુ દરમ્યાન 500 થી 800 મિ.મી. પાણીની જરૂર રહે છે. જો ખેતરમાં પાણીનો ભરાવો થાય તો ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. ઉનાળુ અને વસંત ઋતુ દરમ્યાન તેને 10 દિવસના આંતરે 5 થી 6 પિયત આપવાની જરૂર પડે છે. સામાન્ય રીતે ચોમાસા દરમ્યાન પિયત આપવાની જરૂર પડતી નથી તેમ છતાં જો સૂકુ હવામાન હોય તો 2 થી 3 પિયત પુરતાં છે.
નીંદણ વ્યવસ્થાપન :
મકાઈના પાકને મળતા પોષકતત્વો માટે નીંદણો હરીફાઈ કરતાં હોઈ તેનું નિયંત્રણ કરવું મહત્વનું છે. મકાઈની વૃદ્ધિના શરૂઆતના તબક્કે આ બાબત અગત્યની છે. હાથ વડે કરબડી કાઢી અથવા નીંદણનાશક દવાનો ઉપયોગ કરી નીંદણ નિયંત્રણ કરી શકાય છે. જ્યારે મકાઈનો પાક 10 થી 12 સે.મી. ઊંચાઈનો હોય ત્યારે હાથ નીંદામણ કરી શકાય છે. વાવણી બાદ 3 થી 5 દિવસે પ્રી-ઈમરજન્સ તરીકે હેક્ટરદીઠ 0.25 કિ.ગ્રા. એટ્રાઝિન ત્યારબાદ વાવણીના 20 થી 25 દિવસ બાદ હેક્ટરદીઠ 1 કિ.ગ્રા. 2,4 ડી ફ્લેટ ફેન નોઝલ ધ્વારા બેકપેક/નેપસેક/રોકર સ્પ્રેયર વડે હેક્ટર દીઠ 500 લિટર પાણીનો ઉપયોગ કરી આપવી. તે જ પ્રમાણે ‘ટેમ્બોટ્રિઓન’ નામની નીંદણનાશક દવા પોસ્ટ-ઈમરજન્સ તરીકે વાવણીના 20 દિવસ બાદ હેક્ટરદીઠ 125 થી 150 ગ્રામ સરફેકટન્ટ સહિત અથવા 30 દિવસ બાદ સરફેકટન્ટ વિના પહોળા પાનવાળાં અને ઘાસીયા નીંદણોના નિયંત્રણ માટે આપવી. હેક્ટરદીઠ 75 થી 100 મિ.લિ. ‘ટોપ્રામેઝોન’ (25.2 થી 33.6 ગ્રામ એક્ટીવ ઈનગ્રેડિયન્ટસ) ને 2 મિ.લિ. એમએસઓ એડજુવન્ટ (સહાયક દવા) સાથે એક લિટર પાણીમાં આપી શકાય છે.
ઉત્પાદન :
40 થી 45 ટન લીલો ચારો પ્રતિ હેક્ટર
સાયલેજ બનાવવું :
સાયલેજ એ આથવેલ ચારો છે જેને હવાચુસ્ત વાતાવરણમાં તાજા ચારાને પરિરક્ષિત કરીને બનાવાય છે. અછતના સમય માટે સાયલેજ બનાવી ચારાનો સંગ્રહ કરવાનો આ સારો રસ્તો છે. આ માટે કાપેલ લીલા ચારાના ચોપર વડે નાના નાના ટુકડા કરવામાં આવે છે અને સખત રીતે સાયલોમાં ભરી દબાવીને હવાચુસ્ત રીતે પેક કરવામાં આવે છે કે જેથી બહારની હવા અંદર દાખલ ન થાય. તેમાં થોડા દિવસ બાદ આથવણની પ્રક્રિયા શરૂ થાય છે અને તે 4 થી 6 અઠવાડીયામાં પૂર્ણ થાય છે. એકવાર આથવણની ક્રિયા પૂર્ણ થાય ત્યારબાદ સાયલેજ પશુઓને ખોરાક તરીકે આપી શકાય છે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, ડિસેમ્બર – 2024
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

