શેતુરનું ઝાડ – પશુધન માટેનો સંભવિત ખોરાક (Mulberry tree – A potential feed for livestock)

                શેતુર મોરેસી કુટુંબનું પાનખર, બારમાસી અને દુષ્કાળ સામે સહનશીલ પ્રકારનું જંગલી રીતે ઉગતુ વૃક્ષ છે જેનું વાવેતર પણ કરવામાં આવે છે. તે પોષણદાયી અને એન્ટિઓક્સીડેન્ટ પ્રવૃત્તિ માટે જરૂરી ફ્લેવોનોઈડસથી સમૃદ્ધ છે. તેના છોડ જૈવિક અને ઔષધિય ગુણો ધરાવે છે જેમાં જીવાણુ વિરોધી, ખાંસી રોધક, એલર્જી વિરોધી, વિષાણુ વિરોધી, ફુગવિરોધી, લોહીનું ઓછું દબાણ, મૂત્રવર્ધક અને ધમનીકાઠિન્ય વિરોધી ગુણોનો સમાવેશ થાય છે.    

        શેતુરના પાંદડાં સારા પ્રમાણમાં એમિનોએસિડ, ફેટ, કાર્બોહાઈડ્રેટ, ચયાપચયક્ષમ ઊર્જા, મૉરાસીન, ઝેન્થોફીલ અને કેરોટીન, ફોલિક એસિડ, વિટામિન બી-1 અને વિટામિન ડી ધરાવે છે. તે ઝિન્ક, કોપર, મેંગેનીઝ અને બોરોન જેવા ખનીજો અલ્પ પ્રમાણમાં ધરાવે છે. કુલ ફોસ્ફરસના 18 ટકા ફાયટેટ ફોસ્ફરસ જ્યારે ઓછા પ્રમાણમાં ફાયબર ધરાવે છે. પાનમાં ગ્લુટાથિયોન રહેલું છે. શેતુરના તાજાં પાનનું પોષણ મૂલ્ય કોઠા 1 અને 2 માં દર્શાવેલ છે :  

કોઠાં – 1 શેતૂરના તાજા પાનનું સરેરાશ પોષણ મૂલ્ય

ક્રમ પોષકતત્વ પ્રમાણ
1 ડ્રાય મેટર (ટકા) 25 – 29
2 ક્રુડ પ્રોટીન (ટકા) 5 – 10
3 ક્રુડ ફેટ (ટકા) 0.64 – 1.5
4 ક્રુડ ફાયબર (ટકા) 9.9 – 13.85
5 કુલ એશ (ટકા) 4.5
6 કાર્બોહાઈડ્રેટ (ટકા) 8 – 13
7 શક્તિ (કિલોકેલેરી/100 ગ્રામ) 69 – 86
8 ન્યુટ્રલ ડીટરજન્ટ ફાયબર (ટકા) 8 – 11
9 એસિડ ડીટરજન્ટ લિગ્નિન (ટકા) 3.4 – 8.10
10 હેમિસેલ્યુલોઝ (ટકા) 2.5 – 12.80
11 એસ્કોર્બિક એસિડ (મિ.ગ્રા. પ્રતિ 100 ગ્રામ) 100 – 280
12 બીટા કેરોટીન (મિ.ગ્રા. પ્રતિ 100 ગ્રામ) 10 – 14.68 
13 આયર્ન (મિ.ગ્રા. પ્રતિ 100 ગ્રામ) 4.7 – 10.40
14 ઝિન્ક (મિ.ગ્રા. પ્રતિ 100 ગ્રામ) 0.12 – 1.12
15 કેલ્શિયમ (મિ.ગ્રા. પ્રતિ 100 ગ્રામ) 380 – 786

કોઠો – 2 : શેતૂરના સૂકા પાનનું સરેરાશ પોષણમૂલ્ય

ક્રમ પોષકતત્વો પ્રમાણ
1 ભેજ (ટકા) 5.11 – 10.75
2 ક્રુડ પ્રોટીન (ટકા) 15.31 – 35
3 ક્રુડ ફેટ (ટકા) 2.09 – 6.90
4 કુલ એશ (ટકા) 8.91 – 11.81
5 ક્રુડ ફાયબર (ટકા) 9.9 – 13.85
6 કાર્બોહાઈડ્રેટ (ટકા) 9.7 – 39.7
7 એસિડ ડીટરજન્ટ ફાયબર (ટકા) 17.33 – 28
8 ન્યુટ્રલ ડીટરજન્ટ ફાયબર (ટકા) 19.38 – 35.77
9 એસિડ ડીટરજન્ટ લિગ્નિન (ટકા) 3.4 – 8.1
10 હેમિસેલ્યુલોઝ (ટકા) 2.5 – 12.8
11 એસ્કોર્બિક એસિડ (મિ.ગ્રા. પ્રતિ 100 ગ્રામ) 100 – 200
12 બીટા કેરોટીન (મિ.ગ્રા. પ્રતિ 100 ગ્રામ) 8.44 – 13.13
13 મેગ્નેશિયમ (મિ.ગ્રા. પ્રતિ 100 ગ્રામ) 720

        શેતૂરમાં ઑક્ઝેલેટ (183 મિ.ગ્રા. પ્રતિ 100 ગ્રામ), ફાયટેટસ (156 મિ.ગ્રા. પ્રતિ 100 ગ્રામ) અને ટેનિક એસિડ (0.13 – 0.36 ટકા)    નામના પોષણ વિરોધી દ્રાવ્યો પણ રહેલા છે. તે ફુડ પ્રોટીનના અંદાજે 28.68 થી 31.13 ટકા આવશ્યક એમિનો એસિડ ધરાવે છે જયારે કુલ એમિનોએસિડના પ્રમાણમાં 73.48 થી 81.82 ટકા જેટલી વિવિધતા જોવા મળે છે. શેતૂરના પાન ટેનિન્સ અને કેમ્પેસ્ટીરોલ,  આઈસોફુકોસ્ટીરોલ, બીટા- સિટોસ્ટીરોલ, સ્ટિગ્માસ્ટીરોલ જેવા ફાયટોસ્ટીરોલ ધરાવે છે જે રક્તવાહિનીમાં કોલેસ્ટીરોલનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરે છે. શેતૂરના થડ, પાન, ફળો અને મૂળમાંથી વિવિધ પ્રકારની ઔષધિય મૂલ્ય ધરાવતી બનાવટો બનાવવામાં આવે છે કે જે લોહીના દબાણનો નિયંત્રિત કરવાની સારવારમાં ઉપયોગી છે. ફળનો ઉપયોગ સોસ, વાઈન, જ્યુસ, જેલી, જામ અને સિરપ વગેરે બનાવવા માટે થાય છે જે તાવ, હતાશા અને ગલદાહની સારવારમાં આપવામાં આવે છે.

વાગોળનારા પશુઓ માટેનો ખોરાક :      

        પશુઓને દૂધ ઉત્પાદનમાં વધારો મેળવવા માટે શેતૂરના પાન ખવડાવવામાં આવે છે. પશુઓને શેતૂરના પાનના કટકા કરી આપતાં પશુઓ તેને ખોરાકામાં લેવાનું પસંદ કરે છે. દૂધાળા પશુઓને અનાજ આધારિત દાણને બદલે અંશતઃ પ્રમાણમાં શેતૂરના પાન આપી શકાય છે. ઘેટાં-બકરાં જેવા નાના પશુઓને પણ શેતૂરનાં પાન આપી શકાય છે. પાનમાં રહેલ ઊચું ફુડ પ્રોટીન અને ટેનિન્સ જઠરમાં આથવણની ક્રિયાને ઉત્તેજીત કરવામાં મદદ કરે છે અને સૂક્ષ્મજીવો ધ્વારા પ્રોટીનના ઉત્પાદનમાં વૃદ્ધિ કરે છે. શેતૂરના પાન અને ફળમાં રહેલ નાઈટ્રોજન, વિટામિનો અને ખનીજો સેન્દ્રિય પદાર્થ અને કાર્બોહાઈડ્રેટ સાથે આથવણ થઈ ઊચી પાચ્યતા આપે છે. પશુઓને શેતૂરના પાનના ખોરાક સાથે મિશ્ર કરી યુરિયા ખવડાવવામાં આવે તો સેલ્યુબોલાઈટિક બેક્ટેરિયાની વસ્તીમાં વધારો થાય છે. શેતૂરમાં રહેલ ઊંચા રેસા એસીટેટના ઉત્પાદન અને સાંદ્રતામાં વધારો કરવા માટે જવાબદાર છે જેના પરિણામ સ્વરૂપ સામાન્ય રીતે જાડાપણા માટે ચયાપચય ઊર્જાના અસરકારક વપરાશમાં ઘટાડો કરે છે. શેતૂરના પાન પશુઓને આપતાં તેમના દૂધ ઉત્પાદનમાં વધારો કરે છે અને બકરી તથા ગાયના દૂધમાં ફેટ અને પ્રોટીનના પ્રમાણમાં પણ વધારો કરે છે. શેતૂરનાં પાન તાજાં અથવા તો પશુઆહારમાં સૂકાં પાન મિશ્ર કરી પશુઓને ખોરાકમાં આપી શકાય છે. શેતૂરના પાન ખોરાક તરીકે આપતાં બકરાં અને ઘેટાંના બચ્ચાઓના વજનમાં વધારો થાય છે. નબળી ગુણવત્તા ધરાવતા ચારા સાથે શેતૂરના પાન પૂરક તરીકે પશુઆહારમાં આપી શકાય છે. શેતૂરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ 10:1 એટલે કે અસમતોલ ગણાય જેથી મોટા જથ્થામાં શેતૂરના પાન ખવડાવવાનાં હોય ત્યારે ફોસ્ફરસ પૂરક તરીકે આહારમાં આપવાની જરૂરિયાત છે. જો આમ ન કરવામાં આવે તો તેના પરિણામ રૂપે પશુઓમાં વંધ્યત્વ આવે છે.   

વાગોળનાર સિવાયના પ્રાણીઓ માટેનો ખોરાક :     

(1) મરઘાં : શેતૂરનાં પાન ખનીજો અને વિટામિનોનો સારો સ્ત્રોત હોઈ તેને મરઘાંને પૂરક આહાર તરીકે આપતાં તેના પરિણામે ઈંડાં ઉત્પાદનમાં વધારો થાય છે. સંશોધનથી જાણવા મળેલ છે કે મરઘાં આહારમાં 10 ટકા સુધીના પ્રમાણમાં શેતૂરનાં પાન ખોરાકમાં આપવાથી ઈંડાંની ગુણવત્તા અને ઉત્પાદનમાં કોઈ તીવ્ર અસર થતી નથી પરંતુ ઈંડાની જરદીના રંગમાં, ઈંડાંની જરદીમાં વિટામિન કે, ઈંડાનો જથ્થો તથા ખોરાકના રૂપાંતર દરમાં વધારો અને ઈંડાંની જરદીમાં કોલેસ્ટીરોલ તથા લિપિડ પેરોક્સાઈડમાં ઘટાડો અને મરઘાં ધ્વારા છોડવામાં આવતી હઘારમાં દુર્ગંધ નોંધાયેલ છે. શેતૂરના પાનને કારણે એમોનિયમના ઉત્સર્જનમાં નિષેધ અસર જોવા મળેલ છે. શેતૂરનાં પાનવાળો ખોરાક આપતાં મરઘાંમાં ગર્ભાશય અને અંડાશયના તંત્રો યોગ્ય રીતે કાર્ય કરે છે. બ્રોઈલર ચિકનને આપવામાં આવતા વેપારી દાણમાં 30 ટકા સુધી શેતૂરનાં પાન આપવાથી દાણ માટેનો ખર્ચ ઘટાડી શકાય છે અને મરઘાંના મૃત્યુ પ્રમાણ, ખોરાકનું સેવન, વૃદ્ધિ અને આહાર રૂપાંતર દરમાં કોઈ આડ અસર જોવા મળેલ નથી. મરઘીઓને ખોરાકમાં 9 ટકા સુધી શેતૂરનાં પાન આપવામાં આવે તો લોહીમાં કોલેસ્ટીરોલના પ્રમાણમાં ઘટાડો થાય છે.  

(2) સસલાં અને ભૂંડ :   સસલાં, ભૂંડ વગેરે પ્રાણીઓને પણ શેતૂરનાં પાન ખવડાવી શકાય છે. ભૂંડને 15 ટકા સુધી શેતૂરનાં પાન આહારમાં આપવામાં આવે તો માંસની ગુણવત્તામાં સુધારો થાય છે. પુખ્ત સસલાંઓને શેતૂરનો ચારો 40 ટકા વેપારી દાણને બદલે આપવામાં આવે તો પ્રજનનની ટકાવરીમાં વધારો થાય છે. શેતૂરમાં ફ્લેવોનોઈડસ, ફીનોલિક એસિડ અને આલ્કલોઈડસ જેવા ફાયટોકેમિકલ્સની હાજરી હોવાના કારણે તેને મર્યાદિત રીતે આપી શકાય છે પરંતુ તે સસલામાં એન્ટિઓક્સીડેન્ટ પ્રવૃત્તિ અને જઠરમાં સૂક્ષ્મજીવોની વસ્તીમાં વધારો કરે છે.  

(3) માછલીઓ :  શેતૂરનાં પાન મત્સ્ય આહાર તરીકે પણ આપી શકાય છે. માછલીના આથવેલા કચરા (ફરમેન્ટેડ ફીશ ઓફલ મીલ) સાથે 80 ટકા સુધી શેતૂરનાં પાન મિશ્ર કરી ખોરાક તરીકે માછલીઓને આપી શકાય છે.  

શેતૂરના પાનના ઉપયોગ અંગેની મર્યાદાઓ :     

        શેતૂરમાં રહેલ 1 – ડીઑક્સીનોજીરીમાયસિન (DNJ) નામનો પોષણ વિરોધી પદાર્થ આલ્ફા-ગ્લાયકોસાઈડેજની પ્રવૃત્તિને બંધ કરી દે છે જે ઊર્જા સ્ત્રોત શોષણ અને પૉલીસેકેરાઈડના જલવિભાજનને મર્યાદિત કરે છે પરંતુ રૂમેન પ્રવાહીનું આથવણ તેની અસરને ઓછી કરે છે. ન્યુટ્રલ ડીટરજન્ટ ફાયબર અને પોષણ વિરોધી પદાર્થ હોવાને કારણે મરઘાંમાં કાર્બોહાઈડ્રેટની પાચ્યતા ઉપર અસર થાય છે તેથી તેનો ડહાપણ પૂર્વક રાશનમાં સમાવેશ કરવો જોઈએ. શેતૂરના પાન આધારિત ખોરાકનો સારો ઉપયોગ કરવા માટે સેલ્યુલોલાઈટિક ઉત્સેચકનો ઉપયોગ કરવો જોઈએ.     

        ટુંકમાં શેતૂરના પાન અને ફળોનો ઉપયોગ પશુઓના ઉત્પાદન અને પેદાશની ગુણવત્તામાં વધારો કરવા માટે પશુઆહારમાં કરવો જોઈએ.       


સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, જુલાઈ 2021


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *