ભારત જેવા આર્થિક રીતે વિકાસશીલ દેશમાં વૈશ્વિક ક્ષેત્રે ડેરી એ એક મહત્વનું ક્ષેત્ર છે જે પોષણ માટે ટેકો પુરો પાડે છે, ગ્રામ્ય ગરીબાઈમાં ઘટાડો કરે છે. અસમાનતા દૂર કરે છે, લાખો ગ્રામ્ય લોકોને અન્નની સલામતી પુરી પાડે છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના આર્થિક વિકાસમાં વધારો કરે છે.
સાયલેજ બનાવી આહાર સ્ત્રોતનું મહિનાઓ સુધી સંગ્રહ અને પરિક્ષણ કરી મુખ્ય બે હેતુઓને નોંધપાત્ર રીતે સિદ્ધ કરી શકાય છે : (1) પ્રતિ હૅક્ટર જમીનમાંથી વધુમાં વધુ પાચ્ય પોષકતત્વો ઊર્જા, પ્રોટીન વગેરેનું ઉત્પાદન મેળવવું અને (2) વર્ષ દરમ્યાન ગાય કે ભેંસ દીઠ વધુમાં વધુ દૂધ ઉત્પાદન મેળવવું. ગરીબ લોકો પોતાની દૈનિક જરૂરિયાતો દૂધના વેચાણ ધ્વારા પુરી પાડે છે. ડેરી ફાર્મિંગમાં પશુઓને વર્ષ દરમ્યાન પૌષ્ટિક આહાર પુરો પાડવામાં આવે તો તેના મહત્તમ લાભો મેળવી શકાય છે. આ માટે સાયલેજ અને કડબ તૈયાર કરવું એ એક ઉત્તમ ઉપાય છે. જયારે મજૂરોની અછત હોય કે લીલો ઘાસચારો મળી શકે તેમ ન હોય ત્યારે સીમાંત અને નાના ખેડૂતો વધુ દુધાળા પશુઓ રાખી તેઓને સાયલેજ અને કડબ આપી શકે છે.
સાયલેજ બનાવવાની પદ્ધતિ :
પશુઓના વાડાની નજીક 10 મીટર × 3 મીટર × 1.5 મીટર (45 ઘનમીટર) ના માપનો સાયલોપીટ બનાવો. તેમાં 6 થી 7 ગાયો કે ભેંસોને ચાર મહિના ચાલે એટલો 350 થી 400 ક્વિન્ટલ લીલો ચારો પુરતા પ્રમાણમાં સંગ્રહી શકાય છે.
ઑટ, બાજરી, જુવાર અને મકાઈ જેવા ઘાસચારા પાકોને પાકની દૂધિયા દાણાની અવસ્થા હોય તે સમયે કાપણી કરવી જેથી તેમાં દરેક પાચ્ય તત્વો રહેલા હોય છે. ઊંચી ગુણવત્તા ધરાવતું સાયલેજ મેળવવા માટે તેમાં 30 થી 35 ટકા પદાર્થનો આથો આવવા દેવો. જો ચારામાં વધુ પડતો ભેજ હોય તો તેને ખેતરમાં 1 થી 2 દિવસ સૂકવવા માટે રહેવા દો.
પાકના ચારાના 4 થી 5 ઈંચ જેટલા કટકા કરી સાયલોપિટમાં તેને દબાવો અને જમીનના સ્તરથી એક મીટર જેટલી ઊંચાઈ જાળવો. તેના ઉપર 10 થી 15 સે.મી. સ્ટ્રોનું આવરણ કરો. ત્યારબાદ તેને હવાચુસ્ત કરવા માટે માટીનો લેપ કરી ઢાંકી તેની ધારો ઉપર છાણ-માટીનો લેપ કરી શકાય.
નિયમિત રીતે તેનું અવલોકન કરો અને જો પ્લાસ્ટિક શીટ કે માટીના પ્લાસ્ટરમાં તિરાડો કે કાણાં જોવા મળે તો તેને તરત જ પુરી દો. 40 થી 50 દિવસે સાયલેજ તૈયાર થાય છે. આમ સારી રીતે પરિસ્થિતિ કરેલ ચારો 4.5થી ઓછો પીએચ આંક ધરાવે છે જે નાઈટ્રોજનના પ્રમાણમાં થયેલ ઘટાડો સૂચવે છે. સારી જાતનો સાઈલેજ મુળ પાકનું પોષણ મૂલ્ય જાળવી રાખે છે, લૅક્ટિક એસિડનું ઊંચું પ્રમાણ અને ઓછો બ્યુટીરિક એસિડ ધરાવે છે.
સાયલોપીટને એક બાજુએથી ખોલીને સાઈલેજનો જરૂરી જથ્થો (દૈનિક પશુદીઠ 40 કિ.ગ્રા.) લઈ પશુઓને ખોરાક તરીકે આપવો. ત્યારબાદ સાયલેજને તરત જ ઢાંકી દેવો જેથી તેનો વપરાશ કરવામાં આવે ત્યાં સુધી સાયલેજની સારી ગુણવત્તા જળવાય.
કડબ (સૂકુ ઘાસ) ની બનાવટ :
કડણ બનાવવાનો મુખ્ય હેતુ લીલા ચારામાંના ભેજનું પ્રમાણ 15 ટકાથી ઓછુ રાખવું જેથી તેના સંગ્રહ દરમ્યાન પોષણ મૂલ્યમાં ઘટાડો ન થાય. બરસીમ, રજકો વગેરે જેવા કઠોળ વર્ગના ઘાસચારાના પાકો કુમળી દાંડી ધરાવે છે જે કડબ બનાવવા માટે અનુકુળ છે. કડબ બનાવવા માટે અત્રે દર્શાવેલ કાળજી રાખવી જરૂરી છે :
(1) પાકની કાપણી ફૂલો આવતા પહેલાંના તબક્કે કરવી અને સૂકવણી દરમ્યાન પાંદડાં ખરી પડતાં અટકાવવાં.
(2) પાકના 5 થી 6 સે.મી. લાંબા કટકાઓ કરી તેને 10 થી 15 સે.મી.ના ગાઢ સ્તરમાં સખત સપાટી કે થ્રેસિંગ માટેની જગ્યા ઉપર સૂર્યના તાપમાં તપવા દેવા. વહેલી સૂકવણી માટે કાપેલ ઘાસના કટકાઓને દર 2 થી 3 કલાકે સૂર્યનો તાપ હોય ત્યારે ફેરવવા. સમાન્ય રીતે 2 થી 3 દિવસમાં કટકાઓ સૂકાઈ જાય એટલે તેને એકત્ર કરી સંગ્રહ કરવો.
(3) ઘાસના કટકાઓને હાથમાં લઈ વાળતાં જો તે સહેલાઈથી ભાંગી જાય તો માનવું કે તે સંગ્રહ માટે યોગ્ય છે અને તેમાં ભેજનું પ્રમાણ સલામત છે. તેનો ઓરડામાં સંગ્રહ કરવામાં આવે છે.
(4) એક કિલો સૂકુ કડબ 90 ટકા સૂકા પદાર્થો ધરાવે છે જે 6 કિલો લીલા ચારાની સમાન છે.
સારાંશ :
નાના કે મોટા ફાર્મ પર સાયલેજ અને કડબ બનાવી પોષણના પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય છે પરંતુ વિકાસ પામતા દેશોમાં સામાજીક-આર્થિક પ્રશ્નો સહિત પશુ ઉત્પાદનની મુશ્કેલીઓ દૂર કરવા માટે ઘણા નવિનીકરણ ઉપાયો શોધાયા છે પરંતુ તેને પશુપાલકો કે ડેરી ફાર્મિંગ કરતા ખેડૂતો ઉત્તમ સાયલેજ અને કડબ બનાવવાની પદ્ધતિ વિષે જાણી તે વિષે પૂરતુ માર્ગદર્શન મેળવે તો ઉતરતી ગુણવત્તા ધરાવતા સાયલેજ અને કડબના ઉપયોગથી દૂર રહી શકે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, નવેમ્બર 2022
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

