ભારત એ કૃષિ ઉપર આધારિત દેશ છે જેની કુલ ઘરેલું પ્રોડક્ટસમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો 13.8 ટકા છે તેમજ ભારતની 65 ટકાથી વધુ વસ્તી કૃષિ અને તેની પેદાશો ઉપર નભે છે. સને 2014ની માહિતી પ્રમાણે ઘઉં અને ડાંગર એ મુખ્ય પાકો છે જેનું વાર્ષિક ઉત્પાદન અનુક્રમે 956 લાખ ટન અને 1062 લાખ ટન છે. કુલ ઉત્પાદનના 70 ટકાનો ઉપયોગ ખેડૂતો ખોરાક, બિયારણ અને વેચાણ માટે કરે છે અને બાકીનો 30 ટકા જથ્થો જાહેર વિતરણ અને નિકાસ માટે સરકાર ખરીદી લે છે. ભારતમાં અનાજ સંગ્રહ માટે ફૂડ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (FCI), ધી સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન, સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશન અને સ્ટેટ સિવિલ સપ્લાઈઝ કોર્પોરેશન જોડાયેલા છે. ભારતમાં ફૂડ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા એ મોટા પ્રમાણમાં અનાજનો સંગ્રહ કરવાની ક્ષમતા (305.2 લાખ ટન) દેશના વિવિધ ભાગોમાં આવેલ 1820 થી વધુ ગોડાઉનો ધ્વારા ધરાવે છે. ભારતના પાંચ વિભાગોમાં સરેરાશ 50 થી 70 ટકા ક્ષમતા સાથે ફૂડ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા અનાજ સંગ્રહ કરે છે.
છેલ્લા થોડા વર્ષોમાં ભારતની વસ્તીમાં મોટો ફેરફાર થયો છે અને વિકસતા વિશ્વમાં લોકો ગ્રામ્ય વિસ્તારોમાંથી સ્થળાંતર થઈ શહેરી વિસ્તારોમાં જવા લાગ્યા છે. હવે પછીના બીજા દસકામાં વિશ્વની અડધી વસ્તી (અંદાજે 3.3 અબજ) શહેરી વિસ્તારોમાં રહેતી હશે. સને 1975માં વિશ્વની 30 થી 35 ટકા વસ્તી શહેરી વિસ્તારોમાં રહેતી હતી જે સને 2025માં એટલે કે 50 વર્ષ બાદ વધીને 60 થી 65 ટકાએ પહોંચશે. વિકસતા દેશોમાં તે મેટ્રો સીટીનો આકાર લેશે અને સામાજીક તથા પર્યાવરણીય અસર કરશે અને છેવટે અન્નની સલામતીની ચેતવણી આપશે. શહેરી વસ્તી અન્ન ઉત્પાદન ઉપર આધારિત છે પરંતુ તે પોતે ખોરાક પેદા કરતી નથી એટલે ગ્રામ્ય વિસ્તારના લોકોના ખોરાકની પેટર્ન કરતાં તેઓ અલગ પડે છે. તેઓના ખોરાકમાં ઊંચું મૂલ્ય ધરાવતા, હેરફેર કરી શકાય તેવા અને સંગ્રહ કરી શકાય તેવા અનાજ (જેવા કે ડાંગર અને ઘઉં), પ્રાણીજ પ્રોટીન અને શાકભાજી વગેરેનું પ્રમાણ વધુ હોય છે અને પરંપરાગત રીતે વપરાતા ખોરાકના પ્રમાણમાં ઘટાડો જોવા મળેલ છે. સને 2025માં કદાચ 80 કરોડ ખેડૂતો શહેરોમાં રહેતા ચાર અબજ રહેવાસીઓને ખોરાક પુરો પાડવાની ક્ષમતા ધરાવતા નહિ હોય.
અન્ન સલામતી અને બાયોટેક્નોલૉજી :
યુનો(UNO) ની ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) એ આપેલ ‘અન્નની સલામતી’ (ફૂડ સીક્યોરિટી) અંગેની વ્યાખ્યા મુજબ ‘અન્નની સલામતી એટલે રાજ્યમાં રહેતા દરેક લોકોને દરેક સમયે આરોગ્ય અને કાર્યરત જીવન જાળવવા માટે સલામત અને પોષણમૂલ્ય ધરાવતો આહાર મળવો જોઈએ’ એટલે કે તવંગર કે ગરીબ, પુરૂષ કે સ્ત્રી, યુવાન કે વૃદ્ધ દરેકને અન્નની સલામતી પુરી પાડવા માટે સલામત, પોષણયુક્ત, જથ્થાત્મક અને ગુણાત્મક ગુણો ધરાવતો પુરતો ખોરાક મળવો જોઈએ. અન્નની સલામતીના મુખ્ય બે પરિમાણો છે. (1) સ્થાનિક રીતે ઉત્પાદિત અથવા આયાત વડે યોગ્ય ગુણવત્તા ધરાવતા ખોરાકની પુરતા જથ્થામાં પ્રાપ્યતા અને (2) પરિવાર અને વ્યક્તિગત માટે યોગ્ય અને પોષણયુક્ત ખોરાકની સુલભતા.
સ્વતંત્રતા મળ્યા બાદ વસ્તીમાં થયેલ સતત વધારો, શહેરીકરણમાં વધારો, સમાજ અને પર્યાવરણ ઉપર વધેલ દબાણ વગેરે કારણોસર ‘અન્નની સલામતી’ માટે અનેક મોરચે લડાઈ લડવી પડશે. આ માટેના ઉપાયોના વિકલ્પમાંનો એક મહત્વનો વિકલ્પ ‘બાયોટેક્નોલૉજી’ છે. વિશ્વમાં છેલ્લા ચાર દસકામાં કૃષિ વૈજ્ઞાનિકોએ મુખ્ય અન્નના ઉત્પાદનમાં વધારો કરવા માટે ઘણું બધું કાર્ય કરેલ છે. સને 1960 થી 1994ના સમય દરમ્યાન મકાઈ, ડાંગર અને ઘઉંનું ઉત્પાદન બમણાથી વધુ થયેલ છે. આ ઉત્પાદનમાં થયેલ વધારો મોટે ભાગે સુધારેલી જાતો, પિયત, ખાતરો અને સુધારેલી પાક અને સંસાધન-વ્યવસ્થાપન ટેકનોલૉજીને વગેરેને આભારી છે. આ બધા મોટે ભાગે ‘હરિયાળી ક્રાન્તિ’ના ભાગ છે. પરંતુ હવે આપણે વૈશ્વિક અન્નની જરૂરિયાત કૃષિ બાયોટેક્નોલૉજીની મદદ વિના પુરી પાડવી શકય નથી. આમ અત્રે વૈશ્વિક અન્ન સલામતી માટે કૃષિ બાયોટેક્નોલૉજીના ઉપયોગ માટે કેટલાક ક્ષેત્રોની બાબત દર્શાવેલ છે :
(1) અજૈવિક સહિષ્ણુતા (Abiotic tolerance) :
દુષ્કાળ, વધારાનું પાણી, જમીનમાં ખનીજની ઉણપ અને ઝેરીતત્વો અને પ્રતિકુળ ઉષ્ણતામાન વગેરે જેવા સંખ્યાબંધ તણાવોની પાક ઉત્પાદકતા ઉપર અસર થાય છે. પાકની જાતોમાં સહિષ્ણુતા કે અજૈવિક તણાવ વિકસાવવો એ એક ધીમી પ્રક્રિયા છે કારણ કે સહિષ્ણુતાની પદ્ધતિ અને સહિષ્ણુતાનો વારસો કે પ્રતિકારકતાની સમજ અંગેના જ્ઞાનની ઉણપ છે. પ્રોલીનનું સંચયન અને સહિષ્ણુતાથી દુષ્કાળ અને ક્ષારીયતાના તણાવની પરિસ્થિતિ સાથે મજબૂત સંબંધ રહેલો છે. દુષ્કાળ કે ક્ષાર સામે પ્રતિકાર કરે તેવી જાતો વિકસાવવા માટે ગામા જનીન (ગામા પાયરોલિન -5- કાર્બોક્સીલેટ સીન્થેટેજ) અસરકારક છે.
(2) જૈવિક સહિષ્ણુતા (Biotic tolerance) :
(ક) કીટક પ્રતિકારક (Insect resistance) :
વિવિધ પાકોમાં કેટલીક કીટક પ્રતિકારક જાતો વિકસાવવામાં આવેલ છે. કીટ પ્રતિકારક જાતો વિકસાવવા માટે બેસિલસ થુરિન્જીનેસિસ નામના જીવાણુઓમાંનું પ્રોટીન કીટ નિયંત્રણ માટે ચાવી રૂપ બાબત છે. આ જીવાણુનો બીટી જનીન બીટી ટોક્ષિન માટેનો કોડ છે. કીટ પ્રતિકારક જાતો વિકસાવવામાં સ્ટ્રેપ્ટોમાયસીસ કલ્ચરમાં રહેલ કોલેસ્ટીરોલ ઓક્સીડેજ પ્રોટીન અને છોડમાં રહેલ પ્લાન્ટ ગ્લાયકોપ્રોટીન્સ (લેક્ટીન્સ) અસરકારક જણાયેલ છે.
(ખ) વિષાણુ પ્રતિકારક (Virus resistance) :
વિષાણુ પ્રતિકારક જાતોની રચના કરવામાં ક્રોસ પ્રોટેક્શન એ ચાવીરૂપ બાબત છે. ક્રોસ પ્રોટેક્શન એટલે એક વિષાણુની ક્ષમતા કે જે બીજા વિષાણુની અસરને અટકાવે છે. પાકોમાં વાયરલ કોટ પ્રોટીનની અભિવ્યક્તિથી તેને હાંસલ કરી શકાય છે. બિન-રચનાત્મક વાયરલ કોડ પ્રોટીન પણ પાકોમાં પ્રતિકારકતા વિક્સાવવામાં અસરકારક છે.
(ગ) રોગ પ્રતિકારક (Disease resistance) :
છોડમાં રોગો સામે પ્રતિકારકતા વિકસાવવા માટે રોગકારક સંબંધિત પ્રોટીન્સ (Pathogen Related – PR), રાઈબોઝોમ ઈનએક્ટીવેટિંગ પ્રોટીન્સ (RIPs), ફુગ વિરોધી પ્રોટીન (Anti-Fungal Proteins – AFPs), એન્ટિ માઈક્રોબાયલ ફાયટોએલેક્સીન્સ એ જનીન કોડિંગના કેન્દ્રમાં રહેલ છે. આ માટે જે તે સંબંધિત જનીનને અલગ કરી, ક્લોન કરી અને રૂપાંતરિત કરી નવી પ્રતિકારક જાતો વિકસાવવામાં આવે છે.
(3) ગુણવત્તામાં સુધારણા :
કૃષિમાં બાયોટેક્નોલૉજીનો ઉપયોગ કરીને ફળ અને શાકભાજીની આવરદામાં વધારો પ્રાપ્ત કરી શકાય છે. સને 1994માં ફ્લેવર સેવર (Flaver Savr – slow ripening transgenic tomato) નામની વ્યાપારી પ્રોડક્ટ વિક્સાવવામાં આવી હતી. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ અન્ય શાકભાજી અને ફળોની આવરદા વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરેલ છે.
સારાંશ :
પહેલાં બાયોટેક્નોલોજીકલ અભ્યાસો અને શોધોએ જૈવિક અને અજૈવિક તણાવ સામે પ્રતિકાર કરવાની ક્ષમતામાં વધારો કરી પાકોના ઉત્પાદનમાં સુધારો કરવાના કેટલાક માર્ગો વિકસાવ્યા છે. આ પ્રકારની વ્યૂહરચના વડે પાકને સારી રીતે જકડી રાખી ઉત્પાદનમાં સુધારો થયેલ છે. કાપણી બાદ પાકની પેદાશો ઉપર બાહ્ય પરિબળોની અસરને કારણે જથ્થાત્મક અને ગુણવત્તા રીતે ઘટાડો થતો જોવા મળે છે. જો કે પાકની અંદરના પરિબળો કાપણી બાદ મળતી પેદાશના ઉત્પાદન અને ગુણવત્તાને અસર પહોંચાડે છે. આથી બાયોટેક્નોલૉજી સાથે આઈસીટીનો ઉપયોગ કરી ભારતની જટીલ કૃષિ પદ્ધતિઓને વધુ ઉત્પાદકીય અને ટકાઉ બનાવવી એ પણ એક પડકારજનક બાબત છે. ગરીબો સુધી નવી કૃષિ બાયોટેક્નોલૉજી ખાત્રીપૂર્વક પહોંચાડવી એ પણ સુશાસન માટે એક જટીલ બાબત છે. બાયોટેકનોલૉજી ધ્વારા પાક સુધારણાને ટ્રાન્સજેનિક પ્લાન્ટસ સાથે સરખાવી શકાય નહિ. દા.ત. માર્કર સહાયિત સંવર્ધન એ શક્તિશાળી બાયોટેકનોલૉજી છે જેનો પાકોમાં વ્યાપક ઉપયોગ થાય છે. આ પાકોના વિગતવાર જોડાણના નક્શા ત્વરિત ઉપયોગી થઈ શકે છે. કેટલાક વૈજ્ઞાનિકો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સામાજીક વ્યક્તિઓ કૃષિ બાયોટેક્નોલૉજીની વિરૂદ્ધમાં છે તેને પણ અવગણી શકાય નહિ. આ અંગે અસરકારક નિયમનની રચના અને સલામતીની સાર્વત્રિક જરૂરિયાત છે કે જેથી કૃષિ બાયોટેક્નોલૉજીની ઉત્પાદકીય અને સૌમ્ય એમ બંને પ્રકારની અસર મેળવી શકાય.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, ઓગષ્ટ – 2022
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

