ખોરાકમાં થતી વિવિધ ભેળસેળને જાણો (Identification of different adulterants in food)

            ખોરાકમાં થતી ભેળસેળ એટલે કે મિલાવટ એ એક એવી પ્રક્રિયા છે કે જેમાં ખોરાકમાં વિવિધ પદાર્થો ઉમેરી તેની કુદરતી ગુણવત્તામાં ઘટાડો અથવા તેમાંના મહત્વપૂર્ણ પદાર્થને દૂર કરવામાં આવે છે. ખોરાકમાં મેળવાતા આવા પદાર્થો બહારના અને સામાન્ય રીતે ઉતરતા પદાર્થો ધરાવે છે જે હાનિકારક છે. ખોરાકની મિલાવટ દરમ્યાન મુળભૂત રીતે ઓછી માત્રામાં બિન-પોષણદાયી પદાર્થો ઈરાદાપૂર્વક તેનો દેખાવ, બાંધો કે વજન વધારવા માટે ઉમેરવામાં આવે છે. જો ખોરાકમાં થોડા કે વધુ પ્રમાણમાં હલકા કે સસ્તા પદાર્થો ઉમેરી તેના કુદરતી બંધારણમાં ફેરફાર કરવામાં આવે ત્યારે તેવો ખોરાક ભેળસેળ યુક્ત કહેવાય જેનું પેકિંગ કરી અસ્વચ્છ સ્થિતિમાં વિતરણ કરવામાં આવે ત્યારે તે દૂષિત બને છે અને પરિણામે માનવ તંદુરસ્તીને હાનિકારક નીવડે છે. આ લેખમાં અન્નની સલામતી પુરી પાડવા માટે થતી ભેળસેળ અને તેને જાણવાના ઉપાયો દર્શાવેલ છે જે દરેકને ઉપયોગી થશે.   

ખોરાકમાં ભેળસેળ માટે વપરાતી વિવિધ રીતો :

        ખોરાકમાં માટી, પથ્થર, કાંકરી, રેતી, માર્બલ ચિપ્સ વગેરેને મિશ્ર કરવામાં આવે છે. સસ્તા અને ઉતરતી કક્ષાના પદાર્થો પુરેપુરા કે ભાગ રૂપે ખોરાકમાં ઉમેરવામાં આવે છે. ખોરાકની ગુણવત્તાને છુપાવવામાં આવે છે. બગડેલ કે નુકસાનવાળા ફળો અને શાકભાજીને ઉમેરવામાં આવે છે. ખોટુ બ્રાન્ડિંગ અને લેબલિંગ કરી ડુપ્લિકેટ ખોરાક તૈયાર કરવામાં આવે છે જેમાં ઉત્પાદન બનાવટ અને સમાપ્તિની તારીખ સાથે ચેડાં કરવામાં આવે છે. ઝેરી પદાર્થો (જેમ કે રાઈના તેલમાં આર્જેમોનની ભેળસેળ) અને ઉતરતી ગુણવત્તા ધરાવતા પરિરક્ષકોનો ઉપયોગ ભેળસેળ કરવા માટે થાય છે.

ખોરાકમાં ભેળસેળ થવાના કેટલાક કારણો :

        ધંધાર્થીઓ પોતાને વધુ નફો મળે તે માટે વેપારની એક વ્યૂહરચના મુજબ ખોરાકમાં ભેળસેળ કરતા હોય છે. ખોરાકના જથ્થામાં વધારો કરવા માટે ભેળસેળ કરે છે. ઓછા રોકાણ વડે વધુમાં વધુ નફો ખોરાકમાંથી મેળવવા માટે ભેળસેળકરે છે. વસ્તી વધારાને કારણે ખોરાકની માંગ વધતાં ભેળસેળ કરવા પ્રેરાય છે. લોકોની ખોરાક વપરાશની તરાહ બદલાતાં તેવો ખોરાક બનાવવા ભેળસેળ કરે છે. ભારતમાં અસરકારક ખાદ્ય કાયદાઓની ખામી છે. સરકારમાં આ બાબતે અભાવ જોવા મળે છે.

ભેળસેળના પ્રકારો :  

(1) ઈરાદાપૂર્વક કરેલ ભેળસેળ :

        વધુ નફો મેળવવા માટે ખોરાકમાં ભેળસેળ કરવામાં આવે છે દા.ત. રેતી, માર્બલ ચિપ્સ, માટી કાંકરા, પત્થર, ચોક પાઉડર વગેરે.   

(2) આકસ્મિક કે અકસ્માતથી થયેલ ભેળસેળ :

        બેદરકારી, અજાણતા કે યોગ્ય સવલતોના અભાવે ખોરાકમાં ભેળસેળ થયેલ માલૂમ પડે છે. દા.ત. પેકેજિંગ દરમ્યાન જીવાતના કોશંટા, જંતુનાશકોના અવશેષો ખોરાકમાં ઉમેરાવા વગેરે

(3) ધાતુની ભેળસેળ :

        ખોરાકમાં ઈરાદાપૂર્વક અથવા અકસ્માતે ધાતુની ભેળસેળ કરવામાં આવે છે. દા.ત. આર્સેનિક, જંતુનાશકો, પાણી ધ્વારા સીસાનો ઉમેરો, પારાયુક્ત ગંદુ પાણી, ટીનના ડબ્બા વગેરે

ખોરાકમાં થતી ભેળસેળ જાણવાની રીતો :

        અત્રે વિવિધ ખોરાકમાં થતી ભેળસેળ અને તેને જાણવાની પ્રમાણિત રીત કે કસોટી વિષેની માહિતી દર્શાવેલ છે :

(1) દૂધમાં પાણીની ભેળસેળ :

        પોલિશ કરેલ ઢોળાવયુક્ત કે ત્રાંસી સપાટી ઉપર દૂધનું ટીપુ મૂકો. જો શુદ્ધ હશે તો દૂધનું ટીપું ત્યાં જ રહેશે અથવા સહેજ ધીમેથી વહેતાં સફેદ પૂછડી જેવું થશે. જ્યારે પાણી ઉમેરેલ દૂધ તરત જ કોઈ નિશાની છોડ્યા વિના વહેવા લાગશે.  

(2) દૂધમાં ડીટરજન્ટની ભેળસેળ :

        5 થી 10 મિ.લિ. દૂધ લઈ તેના જેટલું જ પાણી તેમાં ઉમેરી તેને બરાબર રીતે હલાવો. જો દૂધમાં ડીટરજન્ટની ભેળસેળ કરેલી હશે તો ગાઢ કે ભારે ફીણ થશે જ્યારે શુદ્ધ દૂધમાં પાતળું ફીણ થશે.  

(3) દૂધ કે દૂધની બનાવટોમાં સ્ટાર્ચની ભેળસેળ :  

        2 થી 3 મિ.લિ. દૂધ લઈ તેમાં 5 મિ.લિ. પાણી ઉમેરી તેને ઉકાળો. તેને ઠંડુ પાડી તેમાં 2 થી 3 ટીપાં ટિંકચર આયોડિનના ઉમેરો. જો વાદળી રંગ થાય તો તે સ્ટાર્ચની હાજરી સૂચવે છે.

(4) ઘી કે માખણમાં છુંદેલા બટાટા કે સ્ટાર્ચની ભેળસેળ :

        એક પારદર્શક કાચનો વાડકો લઈ તેમાં અડધી ચમચી ઘી કે માખણ લો. તેમાં 2 થી 3 ટીપાં ટિંકચર આયોડિનના ઉમેરો. જો વાદળી રંગ જોવા મળે તો તેમાં બટાટા કે શક્કરીયાં કે અન્ય સ્ટાર્ચની હાજરી સૂચવે છે.  

(5) તેલ અને ચરબીમાં ટીઓસીપી (ટ્રાય-ઓર્થો-ક્રીસીલ-ફોસ્ફેટ- TOCP) ની ભેળસેળ

        તેલ કે ચરબીનો 2 મિ.લિ. નમૂનો લો. તેમાં થોડા પ્રમાણમાં યલો બટર (પીળુ માખણ) ઉમેરો. જો તરત જ લાલ રંગ થાય તો તેમાં ટીઓસીપીની હાજરી દર્શાવે છે.

(6) મધમાં ખાંડના દ્રાવણની ભેળસેળ :

        એક પારદર્શક કાચના પ્યાલામાં પાણી લો. પાણીયુક્ત પ્યાલામાં મધનું ટીપું ઉમેરો. જો મધ શુદ્ધ હશે તો પાણીમાં ઓગળશે નહિ. જો મધનું ટીપું પાણીમાં ઓગળી જાય તો તેમાં ખાંડનું દ્રાવણ ઉમેરેલ છે તેવું સૂચવે છે.   

(7) ખાંડ કે ગોળમાં ચોક પાઉડરની ભેળસેળ :

        એક પારદર્શક કાચના પ્યાલામાં પાણી લો. તેમાં ખાંડ કે ગોળનો 10 ગ્રામ નમૂનો લઈ ઓગાળો. જો તેમાં ચોક પાઉડરની ભેળસેળ હશે તો કાચના પ્યાલાના તળિયે તે જમા થયેલ જોવા મળશે.

(8) ઘઉંના લોટમાં કુશ્કીની ભેળસેળ :

        એક પારદર્શક કાચના પ્યાલામાં પાણી લો. પાણીની સપાટી ઉપર એક ચમચી ઘઉંના લોટનો છંટકાવ કરવો. જો શુદ્ધ લોટ હશે તો પાણીની સપાટી ઉપર કુશ્કી દેખાશે નહિ. જો કુશ્કીની ભેળસેળ થયેલ હશે તો તે પાણીની સપાટી ઉપર દેખાશે.  

(9) અનાજમાં રંગની ભેળસેળ :  

        એક પારદર્શક કાચના પ્યાલામાં પાણી લો. તેમાં બે ચમચી અનાજ ઉમેરી તેને બરાબર હલાવો. જો શદ્ધ અનાજ હશે તો તેમાં કોઈ રંગ જોવા નહિ મળે. જો અનાજમાં રંગની ભેળસેળ થયેલ હશે તો તરત જ પાણી રંગીન બનશે.   

(10) હિંગમાં રેઝિનની ભેળસેળ :

        એક સ્ટીલની ચમચીમાં થોડા જથ્થામાં હિંગ લઈ તેને બાળો. જો શુદ્ધ હિંગ હશે તો તેજસ્વી જ્યોતની જેમ કપુરની માફક બળશે પરંતુ ભેળસેળ યુક્ત હિંગ હશે તો કપુરની માફક તેજસ્વી જ્યોતથી બળશે નહિ.  

(11) મરીમાં પપૈયાની બીની ભેળસેળ :    

        એક કાચના પ્યાલામાં પાણી લઈ તેમાં થોડા જથ્થામાં મરીયાં ઉમેરો. જો મરીમાં પપૈયાના બીની ભેળસેળ હશે તો તે પાણીની સપાટી ઉપર તરશે.  

(12) મરચાંના પાઉડરમાં લાકડાના વહેરની ભેળસેળ :

        એક કાચના પ્યાલામાં પાણી લઈ તેમાં થોડો મરચાંનો પાઉડર ઉમેરો. જો મરચાંનો પાઉડર શદ્ધ હશે તો તે પાણીમાં તળિયે બેસશે અને લાકડાનો વ્હેર મિશ્રિત હશે તો તે પાણીની સપાટી ઉપર તરતો જોવા મળશે.   

(13) મીઠામાં ચોકની ભેળસેળ :

        એક કાચના પ્યાલામાં પાણી લઈ તેમાં એક ચમચી મીઠું નાખી હલાવો. જો મીઠામાં ચોકની ભેળસેળ હશે તો પ્રવાહી સફેદ રંગનું દેખાશે અને પાણીમાં તળિયે અશુદ્ધિઓ બેસેલી જોવા મળશે.

(14) હળદરના પાઉડરમાં કૃત્રિમ રંગની ભેળસેળ :

          એક કાચના પ્યાલામાં પાણી લઈ તેમાં એક ચમચી હળદરનો પાઉડર ઉમેરો. જો કુદરતી હળદરનો પાઉડર હશે તો હળવો પીળો રંગ જોવા મળશે પરંતુ જો કૃત્રિમ રંગની ભેળસેળ યુક્ત હળદરનો પાઉડર હશે તો ગાઢ પીળો રંગ જોવા મળશે.  

(15) સામાન્ય મીઠું અને આયોડિન યુક્ત મીઠાનો તફાવત :

        એક બટાટાનો ટુકડો કાપો અને તેના ઉપર મીઠું નાખી થોડી મિનિટ રાહ જૂઓ. ત્યારબાદ લીંબુના રસના બે ટીપાં મૂકો. જો તે આયોડિન યુક્ત મીઠું હશે તો વાદળી રંગ જોવા મળશે. જો સામાન્ય મીઠું હશે તો વાદળી રંગ થશે નહિ.  

(16) લીલા શાકભાજીમાં મેલાકાઈટ ગ્રીનની ભેળસેળ :  

         કાપડનો કટકો લઈ તેને પાણી અથવા વનસ્પતિજ તેલમાં ભીંજવો. આ ટુકડાને લીલા શાકભાજીની સપાટી ઉપર ઘસો. જો કપડાના કટકા ઉપર લીલો રંગ થાય તો માનવું કે મેલાકાઈટ ગ્રીનની ભેળસેળ થયેલ છે.

(17) લવિંગમાં નિચોવેલા લવિંગની ભેળસેળ :

         એક કાચના પ્યાલામાં થોડું પાણી લો. તેમાં લવિંગ નાખો. જો શદ્ધ લવિંગ હશે તો તે પાણીના તળિયે બેસશે જ્યારે નિચોવેલા એટલે કે તેલ કાઢી લીધેલા લવિંગ હશે તો પાણીની સપાટી ઉપર તરશે.

(18) તજમાં કેશિયાના છાલની ભેળસેળ :

        એક કાચની પ્લેટ ઉપર થોડા જથ્થામાં તજ લેવી. જેને બારીકાઈથી જોતાં શુદ્ધ તજમાં મુલાયમ સ્તર જ્યારે કેશિયાની છાલ હોય તો કેટલાક વધુ સ્તર જોવા મળશે. તજની છાલ પાતળી હોય છે અને તેને પેન્સિલ કે પેન ઉપર સહેલાઈથી વાળી શકાય છે. તે એક પ્રકારની વિશિષ્ટ સુગંધ ધરાવે છે.

(19) ચાની પત્તીમાં નિચોવેલ ચાની ભેળસેળ :  

        એક ફિલ્ટર પેપર લઈ તેની મધ્યમાં થોડી ચાની પત્તી કે તેની ભૂકી મૂકો. તેની ઉપર એક પછી એક એમ પાણીનાં ટીપાં ઉમેરો. જો ચા માં રંગયુક્ત ચાની ભેળસેળ હશે તો ફિલ્ટર પેપર ઉપર રંગના ડાઘા જોવા મળશે.  

(20) ચાની પત્તીમાં લોખંડની ભેળસેળ :

        એક કાચની પ્લેટ લઈ તેના ઉપર થોડા જથ્થામાં ચાની પત્તી મૂકો. ચાની પત્તી ઉપર લેહચુંબક (મેગ્નેટ) ફેરવો. જો શુદ્ધ ચાની પત્તી હશે તો તેની કોઈ અસર જોવા મળશે નહિ પરંતુ ચાની પત્તીમાં લોખંડની ભેળસેળ હશે તો લોહચુંબક ઉપર તેના કણો ચોંટેલા જોવા મળશે.  

સારાંશ :

        માનવીના સ્વસ્થ અને સારા  જીવન માટે ખોરાક કોઈપણ પ્રકારની ભેળસેળથી મુક્ત હોવો જોઈએ. ખોરાક ખરીદતી વખતે તેના લેબલ ઉપર દર્શાવેલ માર્ક અને વિગત વાંચવી જોઈએ અને તેનો અમલ કરવો જોઈએ કે જેથી આપણી તંદુરસ્તીને હાનિ પહોંચે નહિ. ખોરાકના પેકિંગ ઉપર દર્શાવેલ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (FSSAI), ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટાઈસીસ (GMP) અને ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ઈન્સ્ટિટ્યૂટ (ISI) વગેરે જેવા માર્કા જોવા જોઈએ.  


સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, જાન્યુઆરી – 2023


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *