ડાયાબીટીસમાં રોગ નિવારક તરીકે બાજરી (Therapeutic potential of pearl millet in diabetes management)

                અમેરિકન ડાયાબીટીસ એસોસિએશન ધ્વારા સને 2021માં જણાવ્યા અનુસાર ઈન્સ્યુલિનના સ્ત્રાવમાં ખામી કે ઈન્સ્યુલિનનું કાર્ય બંધ થતાં લોહીમાં ગ્લુકોઝના સ્તર ઉપર અસર થતાં ડાયાબીટીસ મેલિટસ નામનો રોગ થાય છે. વિશ્વમાં ડાયાબીટીસના દરદીઓમાં વધારો થતો જાય છે જેથી આ એક વૈશ્વિક આરોગ્યની સમસ્યા છે. ઈન્ટરનેશનલ ડાટાબીટીસ ફેડરેશન (IDF) ના જણાવ્યા મુજબ સને 2017માં અંદાજે  46.3 કરોડ લોકો ટાયાબીટીસથી પીડિત હતા જે સને 2045માં વધીને 70 કરોડ એ પહોચશે. તેનાથી આરોગ્યતંત્રની કામગીરી ઉપર બોજો પડશે અને ડાટાબીટીસ રોગને કારણે તેના સાથે સંકળાયેલ હ્રદયરોગ, ચેતાતંત્રના રોગ, આંખની રેટિનાને નુકસાન, મૂત્રપિંડને નુકસાન વગેરે રોગોના પ્રમાણમાં વધારો થતાં આરોગ્યનું જોખમ વધશે. તાજેતરના વર્ષોમાં આરોગ્યને ફાયદો કરે તેવા પોષકતત્વો ધરાવતા ખોરાકનો ઉપયોગ કરી તેનાથી ડાટાબીટીસમાં રોગમાં ફાયદો થાય તે તરફ ધ્યાન આકર્ષિત થયું છે. તાજેતરમાં આરોગ્યને ફાયદાકારક અને પરંપરાગત રીતે અન્ન તરીકે વાપરવામાં આવતા અનાજના ખેતી પાકો તરફ વૈજ્ઞાનિકોનો રસ વધ્યો છે કે જેમાં રહેલ પદાર્થો ડાટાબીટીસ રોગની સારવારમાં મદદ કરે છે. આવા એક ખેતીપાકમાં બાજરી (Pearl millet, Pennisetum glaucum) નો સમાવેશ થાય છે.

        બાજરીની ખેતા આફ્રિકા અને એશિયા ખાંડમાં દુષ્કાળ પ્રતિકારક ધાન્ય પાક તરીકે સૂકા અને અર્ધ સૂકા વિસ્તારોમાં મોટા પાયે થાય છે. ભારતમાં બાજરીનું વાવેતર રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને હરિયાણા વગેરે રાજ્યોમાં થાય છે. આ રાજ્યો ભારતમાં બાજરીના કુલ વાવેતરના 87 ટકા વિસ્તાર આવરી લે છે. તે લાખો લોકોનો મુખ્ય ખોરાક છે અને પોષકતત્વોની દ્રષ્ટિએ સમૃદ્ધ હોઈ પરંપરાગત રીતે તેની અનેક બનાવટો બનાવી ખોરાકમાં લેવામાં આવે છે. બાજરી પ્રોટીન, રેસા, વિટામિન (બી કોમલેક્ષ વિટામીન, ફોલેટ), ખનીજો (કેલ્શિયમ મેગ્નેશિયમ, આયર્ન, ઝિન્ક) અને એન્ટિઓક્સીડેન્ટસ (ફીનોલિક કમ્પાઉન્ડસ, ફ્લેવોનોઈડસ) વગેરે પોષકતત્વોથી સમૃદ્ધ હોઈ માનવ આરોગ્યની ક્ષમતામાં વધારો કરે છે. વધુમાં તે પોલીફીનોલ્સ, ફ્લેવોનોઈડસ, ટેનિન, ફાયટોસ્ટીરોલ્સ અને એન્ટિઓક્સીડેન્ટસ વગેરે બાયોએક્ટીવ પદાર્થો ધરાવે છે જે માનવ આરોગ્ય જાળવવા માટે લાભદાયી છે. ડાયાબીટીસના દર્દી ઉપર બાજરીના ખોરાકની અસર અંગેની જાણકારી મેળવવા માટે કેટલાક પ્રયોગો હાથ ધરવામાં આવેલ. આવા અભ્યાસોથી માલૂમ પડેલ કે બાજરીનો ખોરાકમાં વપરાશ કરતાં ગ્લાયસેમિક આંક, ઈન્સ્યુલિનની સંવેદનશીલતા, ભોજન લીધા બાદ ગ્લુકોઝનું સ્તર અને લિપિડ પ્રોફાઈલ ઉપર અસર થાય છે. તેના પ્રોત્સાહક પૂરાવા સૂચવે છે કે બાજરી ડાયાબીટીસ વિરોધી અસર પેદા કરે છે જેથી ડાયાબીટીસની સારવારમાં ઉપયોગી છે. તાજેતરમાં પરંપરાગત અને બિનપરંપરાગત ખોરાકના સ્ત્રોતોના ડાયાબીટીસ વિરોધી ગુણો તરફ ધ્યાન આકર્ષિત થયું છે. એક સમયે ભૂલાયેલ બાજરી જેવા પાક તરફ સંશોધકો અને પોષણશાસ્ત્રીઓ બાજરીના ગ્લાયસેમિક આંક અને ઈન્સ્યુલિન સંવેદિતા ઉપર અસર કરવાની ક્ષમતાને કારણે રસ પેદા થયો છે. બાજરીનો ખોરાક તરીકે ડાયાબીટીસની સારવારમાં ઉપયોગ કરવાથી લાભો થયાના કેટલાક દાખલાઓ નોંધાયા છે.

        બાજરીની જટીલ જૈવરસાયણ રચનાને કારણે ડાયાબીટીસની સારવારમાં તે રોગનિવારક તરીકેની ક્ષમતા ધરાવે છે. બાજરીમાં રહેલ ખાદ્ય રેસા (જેમાં દ્રાવ્ય રેસા જેવા કે અરબિનોક્સીલેન્સ, બટા-ગ્લુકેન્સ અને રેઝિસ્ટન્સ સ્ટાર્ચનો સમાવેશ થાય છે.), ગ્લાયસેમિક આંક અને જમ્યા બાદ ગ્લુકોઝના પ્રમાણમાં સુધારો કરે છે. વધુમાં બાજરીમાં રહેલ એન્ટિઓક્સીડેન્ટસ ઓક્સિડેટિવ તણાવ સામે રક્ષણ આપે છે જે ડાયાબીટીસ સંબંધિત પેદા થનાર પ્રશ્નો કે મુશ્કેલીઓને દૂર કરવા માટે એક ચાવી રૂપ ફાળો આપે છે. આવા બાયોએક્ટિવ  પદાર્થો મેગ્નેશિયમ જેવા ખનીજ સાથે સંકળાઈને ઈન્સ્યુલિનના સ્ત્રાવ અને કાર્યમાં અને અન્ય આવશ્યક પોષકતત્વો સંયુક્ત રીતે રોગ નિવારક અસર પેદા કરવામાં મહત્વનો ફાળો આપે છે.

બાજરીના પોષણલક્ષી લાભો :     

        બાજરી એ ઊંચુ પોષણમૂલ્ય ધરાવતું ધાન્ય છે જેની દુનિયાના અનેક ભાગોમાં સદીઓથી વાવેતર થાય છે. તે ટુંકા દિવસનો પાક છે એટલે કે દિવસ ટુંકા હોય ત્યારે થાય છે. બધા મિલેટમાં બાજરી એ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટ જેવા મુખ્ય પોષકતત્વો અને રેઝિસ્ટન્ટ સ્ટાર્ચથી સમૃદ્ધ છે તેમજ ખાદ્ય રેસા ધરાવે છે. તે વિટામિન બી, વિટામિન એ, ફોલિક એસિડ, કેલ્શિયમ અને મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે. લાયસિનની ઉણપના અપવાદ સિવાય તે ઊંચું પ્રોટીન ધરાવે છે જેની ગુણવત્તા ઊંચી છે. તે આવશ્યક પોષકતત્વો ધરાવતું હોઈ સમતોલ આહારમાં તેનો ઉપયોગ કિંમતી જણાયેલ છે. બાજરી 100 ગ્રામ દીઠ 361 કિલોકેલેરી અને 1.2 ગ્રામ ઊંચા રેસા ધરાવતી હોઈ ઊર્જાનો સારો સ્ત્રોત છે. યુએસડીએ (USDA) ના જણાવ્યા મુજબ 100 ગ્રામ બાજરી અંદાજે 378 કેલેરી, 72.85 ગ્રામ કાર્બોહાઈડ્રેટસ અને 11.02 ગ્રામ પ્રોટીન પૂરૂ પાડે છે. 100 ગ્રામ બાજરી 8.5 ગ્રામ રેસાથી સમૃદ્ધ હોઈ પાચનમાં સુધારો અને લોહીમાં ગ્લુકોઝના સ્તરનું નિયમન કરવામાં મદદ કરે છે. વધુમાં બાજરી થાયમિન, નિયાસીન, આયર્ન, મેગ્નેશિયમ અને ઝિન્ક જેવા આવશ્યક વિટામિનો અને ખનીજો ધરાવતી હોઈ સરવાળે આરોગ્ય અને સુખાકારી જાળવવામાં મહત્વનો ફાળો આપે છે.

        બાજરી એ શાકાહારી લોકો માટે વનસ્પતિજ પ્રોટીન પૂરૂ પાડતો મહત્વનો વૈકલ્પિક સ્ત્રોત છે. વધારામાં તે વિટામિન સી અને ઈ જેવા એન્ટિઓક્સીડેન્ટ વિટામિનો ધરાવે છે જે નુકસાનકારક મુક્ત કણોને બિનઅસરકારક બનાવી ઓક્સિડેટિવ તણાવને ઘટાડે છે. બાજરીનો લાંબા સમય સુધી સંગ્રહ કરતાં તેની ગુણવત્તામાં કોઈ ફેરફાર થતા જોવા મળેલ નથી પરંતુ તેને દળીને મેળવેલ લોટ જલ્દીથી બગડી જાય છે. આહારમાં બાજરીનો ઉપયોગ લાભદાયી છે તેથી તેનો ખોરાકમાં સમાવેશ કરવાથી સારી રીતે આરોગ્ય જાળવી શકાય છે.          

બાજરીના પોષણમૂલ્યની અન્ય મિલેટ સાથે સરખામણી

પોષકતત્વ (એકમ) બાજરી રાગી કાઁગ
કેલેરી (કિલો કેલેરી) 378 336 329
કાર્બોહાઈડ્રેટેસ (ગ્રામ) 72.85 72.85 73.4
ખાદ્ય રેસા (ગ્રામ) 8.5 3.6 6.7
પ્રોટીન (ગ્રામ) 11.02 7.3 12.3
ફેટ (ગ્રામ) 4.22  1.3  4.3
સંતૃપ્ત ફેટ (ગ્રામ) 0.712 0.38 0.82
મોનો અનસેરયુરેટેડ ફેટ (ગ્રામ) 1.25 0.45 1.15
પોલી અનસેરયુટેડ ફેટ (ગ્રામ) 1.83 0.51 2.09
કોલેસ્ટીરોલ (મિ.ગ્રા.) 0 0 0
વિટામિન એ (આઈયુ) 16 0 31
વિટામિન સી (મિ.ગ્રા.) 1.7 2.7 0.3
વિટામિન ઈ (મિ.ગ્રા.) 0.12 0.8 1.29
થાયમિન (વિટામિન બી1)(મિ.ગ્રા.) 0.378 0.42 0.33
રાઈબોફ્લેવિન (વિટામિન બી2)(મિ.ગ્રા.) 0.290 0.19 0.11
નિયાસિન (વિટામિન બી3) (મિ.ગ્રા.) 4.72 1.2 1.2
વિટામિન બી6 (મિ.ગ્રા.) 0.384 0.32 0.36
ફોલેટ (વિટામિન બી9) (માઈક્રોગ્રામ) 85 42 30
કેલ્શિયમ (મિ.ગ્રા.) 17 344 31
આયર્ન (મિ.ગ્રા.) 2.83 3.9 2.8
મેગ્નેશિયમ (મિ.ગ્રા.) 114 137 25
ફોસ્ફરસ (મિ.ગ્રા.) 285 283 257
પોટેશિયમ (મિ.ગ્રા.) 195 408 287
ઝિન્ક (મિ.ગ્રા.) 1.87 2.7 1.9
કોપર (મિ.ગ્રા.) 0.469 0.54 0.35
મૅંગેનીઝ (મિ.ગ્રા.) 1.63 1.03 1.63
સેલેનિયમ (માઈક્રોગ્રામ) 8.2 6.1 8.7

ડાયાબીટીસની સારવારમાં બાજરીની રોગ નિવારક તરીકે સંભાવના :

        બાજરી પોષણ અને આરોગ્યદાયક વિરલ પદાર્થો ધરાવતું ધાન્ય હોઈ ડાયાબીટીસની સારવારમાં તેના રોગ નિવારક ક્ષમતા તરીકેના પરિણામો પ્રોત્સાહનજનક મળેલ છે. કેટલાક વૈજ્ઞાનિક અભ્યાસોમાં બાજરીની લોહીમાં ગ્લુકોઝનું નિયમન, ઈન્સ્યુલિનની સંવેદિતા અને ડાયાબીટીસની સારવાર સંબંધિત અન્ય બાબતો ઉપર અસર જોવા મળેલ છે. સાઉદી જર્નલ ઓફ બાયોલોજિકલ સાયન્સીસમાં પ્રકાશિત થયેલ એક અભ્યાસ મુજબ ટાયાબીટીસવાળા ઉંદરોને બાજરીના દાણા આપતાં તેનું ડાયાબીટીસ વિરોધી કાર્ય જોવા મળેલ છે. સંશોધકોએ શોધ્યુ કે બાજરી લોહીમાંના ગ્લુકોઝનું સ્તર ઘટાડે છે અને લોહીમાં ઈન્સ્યુલિનના પ્રમાણમાં સુધારો કરે છે. આ અભ્યાસ સૂચવે છે કે બાજરી ડાયાબીટીસ વિરોધી ગુણો ધરાવતી હોઈ તેનો ઉપયોગ ડાયાબીટીસની સારવારમાં આહાર તરીકે કરવો જોઈએ. બાજરી આ પ્રકારના ફાયદાકારક ગુણો ધરાવતા હોઈ વ્યક્તિગત રીતે ડાટાબીટીસના દર્દીને લોહીમાં ગ્લુકોઝનું સ્તર જાળવવામાં મદદ કરે છે. બાજરી વિટામિન અને પોલીફિનોલ્સ જેવા એન્ટિઓક્સીડેન્ટસથી સમૃદ્ધ છે. કોમ્પ્રીહેન્સીવ રીવ્યૂઝ ઈન ફૂડ સાયન્સ એન્ડ ફૂડ સેફ્ટીમાં આપેલ એક લેખમાં બાજરીને ઓક્સીડેટિવ તનાવ અને બળતરા સામે રક્ષણ પૂરૂ પાડવાની ક્ષમતા ધરાવતી જણાવેલ છે. લાંબા સમય સુધી થતી બળતરા પણ ડાયાબીટીસના રોગ સાથે જોડાયેલ છે. બાજરી એ ડાટાબીટીસ સાથે સંકળાયેલા રોગોને અટકાવવા માટે પણ ઉપયોગી છે. જર્નલ ઑફ એથનો ફાર્મેકોલોજીમાં પ્રકાશિત થયેલ એક અભ્યાસ મુજબ ડાયાબીટીસવાળા ઉંદરોને બાજરી ખોરાક તરીકે આપતાં ઈન્સ્યુલિન પ્રતિકારક અસર દર્શાવે છે. સંશોધકોએ અવલોકન કરી જણાવેલ કે બાજરીને પૂરક આહાર તરીકે આપતાં ઈન્સ્યુલિનની સંવેદિતા ઉપર અસર થાય છે અને ઈન્સ્યુલિન પ્રતિકારમાં ઘટાડો થાય છે. આ પરિણામ દર્શાવે છે કે ડાયાબીટીસની સારવારમાં બાજરીનો ઉપયોગ ઈન્સ્યુલિનના કાર્ય ઉપર હકારાત્મક અસર કરે છે. બાજરીનો સમતોલ આહારના એક ભાગ તરીકે જીવનશૈલીમાં ઉપયોગ કરવો જોઈએ જેથી લોહીમાં ગ્લુકોઝના સ્તરનું નિયમન, લિપિડ પ્રોફાઈલમાં સુધારો અને બળતરા સામે રક્ષણ પૂરૂ પાડી શકાય. ડાયાબીટીસવાળા દરદીઓએ આરોગ્યની કાળજી રાખવા માટે ખોરાકમાં બાજરીનો સમાવેશ કરવો જોઈએ. આહારશાસ્ત્રીઓ (ડાયટીસીયન)એ ડાયાબીટીસની સારવાર અંગેના આહારના પ્લાનમાં બાજરીનો ખોરાક તરીકે સમાવેશ કરવો જોઈએ.

સારાંશ :      

        આમ ડાયાબીટીસની સારવારમાં રોગનિવારક તરીકે બાજરીની ક્ષમતાના પ્રોત્સાહક પરિણામો જણાવી કિંમતી સૂચનો આપેલ છે. તેના વૈજ્ઞાનિક અભ્યાસો બાજરીનો નીચો ગ્લાયસેમિક આંક, ઊંચા પ્રમાણમાં ખાદ્ય રેસા અને સમૃદ્ધ પોષણ પ્રોફાઈલને કારણે તેનો ડાયાબીટીસના દરદીઓ ઉપર બાજરીના ઉપયોગથી લોહીમાં ગ્લુકોઝના સ્તરમાં ઘટાડો અને ઈન્સ્યુલિનની સંવેદિતામાં સુધારો કરે તેવી ડાયાબીટીસ વિરોધી પ્રવૃત્તિ જોવા મળેલ છે. વધારામાં બાજરીનો વપરાશ કરતાં લિપિડ પ્રોફાઈલ અને શરીરના વજનમાં સાનુકુળ ફેરફાર જોવા મળે છે જે જાડાપણું (ઓબેસિટી) ઘટાડવામાં મહત્વનો ભાગ ભજવે છે.


સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ – જાન્યુઆરી 2024


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *