આપણાં ફેફસાં રાત-દિવસ શ્વાસ વાટે પ્રાણવાયુ લે છે અને ઉચ્છવાસ મારફતે અંગારવાયુ બહાર કાઢે છે. ફેફસામાં આ પ્રકારે હવાનું પ્રસરણ વાયુપોટો મારફતે થાય છે અને તેમની દિવાલમાં આવેલ લોહીની કેશવાહિનીઓ અને તેમની વચ્ચે વાયુઓનો વિનિમય થાય છે. આમ શરીરના વિવિધ ભાગોમાં લોહીના પરિભ્રમણ મારફતે પ્રાણવાયુ પહોંચે છે.
આંતર તંતુક ફેફસાનો રોગ એ એક એવી બિમારી છે જે ફેફસાંના વાયુકોષ વચ્ચેની જગ્યાને પ્રભાવિત કરે છે. તેમાં વાયુકોષ વચ્ચેની કોશિકા મોટી થઈ જાય છે અને તેના કારણે વ્યક્તિને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે જેથી ઓક્સીજન પુરતા પ્રમાણમાં લોહીમાં પહોંચી શકતો નથી.
વિવિધ કારણોને લઈ ફેફસાની પેશીઓને નુકસાન થતાં તેમાં સોજો આવે છે જેને કારણે વાયુકોષમાં પ્રાણવાયુ-અંગારવાયુની આપલેમાં અવરોધ પેદા થાય છે જેના પરિણામ-સ્વરૂપ શ્વાસ ફુલી જાય છે. આ રોગ આંતર-તંતુકમાં થતો હોઈ તેને આંતર-તંતુક ફેફસા રોગ કહે છે.
ફેફસામાં થતા અનેક રોગોની જેમ આ રોગની સારવાર કરવી મુશ્કેલ છે. આ રોગની શરૂઆતમાં પેશીઓને નુક્સાન થતાં વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તેના કારણે લોહીના પરિભ્રમણમાં પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ મળતો નથી.
ફેફસાંના આ રોગને અંગ્રેજીમાં ટુંકમાં આઈએલડી (ILD) પણ કહે છે. આ રોગ લાંબા સમય સુધી એસબેસ્ટોસ જેવા નુકસાનકર્તા પદાર્થોના સંપર્કમાં રહેવાથી થવાનો સંભવ છે. સંધિવા જેવા રોગને કારણે પણ રોગપ્રતિકારક શક્તિ ઘટવાને કારણે પણ ફેફસાનો આ રોગ થઈ શકે છે. જો કે મોટા ભાગના કિસ્સાઓમાં રોગનું કારણ જાણી શકાતું નથી.
ફેફસામાં થતો આ રોગ થોડા સમય માટે જોવા મળે છે પરંતુ વધુ સમય થતાં તે જીર્ણ રોગમાં પરિણામે છે અને પછી વ્યક્તિને સામાન્ય અવસ્થામાં લાવી શક્તો નથી એટલે કે ફેફસામાં ડાઘ પડે છે જે જલ્દીથી દૂર કરી શકાતા નથી જો કે ઔષધિ ધ્વારા આ નુક્સાનને ઘટાડી શકાય છે પરંતુ કેટલાય લોકો પોતાના ફેફસાંનો સારી રીતે ઉપયોગ કરવા સક્ષમ બનતા નથી એટલે કે શ્વાસ લેવામાં તકલીફ ચાલુ રહે છે. આવા રોગી માટે ફેફસાંનુ પ્રત્યારોપણ કરવું એ એક માત્ર વિકલ્પ છે.
રોગ શા માટે થાય છે ?
આ રોગ ફેફસાંને ક્ષતિ પહોંચવાને કારણે થતો જોવા મળે છે. ફેફસાંમાંના વાયુપોટો બરાબર કામ કરી ન શક્વાને કારણે લોહીના પરિભ્રમણ મારફતે ઓક્સીજન પહોંચવામાં અવરોધ પેદા થાય છે. આ રોગમાં ચાલતી કે કામ કરતી વખતે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે જે રોગની શરૂઆત દર્શાવે છે. કોઈપણ પ્રકારના કામ વિના પણ શ્વાસ લેવામાં મુશ્કેલી પડે તે રોગની ગંભીર સ્થિતિ દર્શાવે છે. આ ઉપરાંત દરદીને સૂકી ઉધરસ પણ થાય છે. આ રોગ થવાનું મુખ્ય કારણ કોલસા, અનાજની ધૂળ, પથ્થરની ઝીણી રજ, પક્ષીઓનો સંપર્ક વગેરે પણ હોઈ શકે છે.
રોગોના વિવિધ પ્રકારો :
જે પરિસ્થિતિ અને ચીજવસ્તુઓને કારણે આ રોગ થાય છે તેની યાદી લાંબી છે અને મોટા ભાગના કિસ્સાઓમાં રોગ થવાનું મુળ કારણ જાણી શકાતું નથી. જે ફેફસાના રોગનું કારણ જાણી શકાતું નથી તેનો ઈડિયોપેથિક ઈન્ટરસ્ટિશિયલ ન્યુમોનિયાના વર્ગમાં સમાવેશ કરવામાં આવે છે. આ વર્ગમાં વધારે પ્રમાણમાં જોવા મળતો ઘાતક રોગ ‘ઈડિયોપેથિક પલ્મોનરી ફાઈબ્રોસીસ’ છે.
અનેક પરિસ્થિતિઓમાં ફેફસાંના વાયુકોષોને નુક્સાન થતાં ફેફસામાં ડાઘનો રોગ થાય છે જેના વિવિધ પ્રકાર અત્રે દર્શાવેલ છે :
(1) ઈન્ટરસ્ટિશિયલ ન્યુમોનિયા :
ફેફસાંના વાયુકોષોને જીવાણુ, વિષાણુ કે ફુગના કારણે ચેપ લાગે છે. માયકોપ્લાઝમા ન્યુમોનિયા નામના જીવાણુ આ પ્રકારના રોગ થવાનું મુખ્ય કારણ છે.
(2) ઈડિયોપેથિક પલ્મોનરી ફાયબ્રોસિસ :
આ રોગમાં વાયુકોષોને વધુ નુક્સાન થયેલ જોવા મળે છે. આ રોગ થવાનું કારણ અજ્ઞાત છે.
(3) નોનસ્પેસિફિક ઈન્ટરસ્ટિશિયલ ન્યુમોનાઈટિસ :
આ પ્રકારનો રોગ સંધિવા કે ત્વચાકાઠિન્ય (સ્કલેરોડર્મા) જેવા રોગો થવાને કારણે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિમાં વિક્ષેપ પડવાને કારણે થાય છે.
(4) હાયપરસેન્સિટીવિટી ન્યુમોનિટિસ :
આ પ્રકારનો રોગ નિરંતર ધૂળ, ફ્રુટ મોલ્ડ અને અન્ય દાહક પદાર્થોના સંપર્કમાં આવવાથી થાય છે.
(5) ક્રિપ્ટોજેનિક ઓર્ગેનાઈઝિંગ ન્યુમોનિયા (સીઓપી) :
તે આંતર-તંતુક ફેફસા રોગ સમાન છે પરંતુ તે કોઈ પ્રકારના ચેપથી થતો નથી. તેને બ્રોંકિયોલિટિસ ઓબ્લિટેરન્સ વિથ ઓર્ગેનાઈઝિંગ ન્યુમોનિયા (બીઓઓપી – BOOP) પણ કહે છે.
(6) એક્યુટ ઈન્ટરસ્ટિશિયલ ન્યુમોનિટિસ :
આ પ્રકારનો રોગ ગંભીર હોઈ તેમાં જીવનના આધાર (લાઈફ સપોર્ટ)ની જરૂર પડે છે.
(7) ડીસ્કવામેટિવ ઈન્ટરસ્ટિશિયલ ન્યુમોનિટિસ :
આ પ્રકારનો રોગ અંશતઃ ધૂમ્રપાનને કારણે થાય છે.
(8) સાર્કાઈડોસિસ :
લસિકાગાંઠોમાં સોજો થવાથી આ રોગ થાય છે. ચામડી, ચેતા અથવા આંખને પણ તેની અસર થાય છે.
(9) એસ્બેસ્ટોસિસ :
એસ્બેસ્ટોસના સંપર્કમાં વધુ સમય રહેવાને કારણે આ રોગ થાય છે.
રોગ થવાના કારણો :
એવા કેટલાક કારણો છે કે જે વ્યક્તિને રોગગ્રસ્ત બનાવે છે+ જે અત્રે દર્શાવેલ છે :
(1) ઉંમર :
સામાન્યતઃ આ રોગ વયસ્ક એટલે કે પુખ્ત વયના લોકોને થાય છે. જો કે ક્વચિત નાના બાળકો અને કિશોરો તેની ઝપટમાં આવી જાય છે.
(2) ગેસ્ટ્રો ઈસોફેગલ રીફ્લક્સ રોગ :
વ્યક્તિનું પાચનતંત્ર બરાબર ન હોય કે અનિયંત્રિત અમ્લ પ્રતિવાહ એટલે કે ખાટા ઓડકાર કે એસિડિટીની સમસ્યા હોય તેઓને આ રોગ થવાની શક્યતા વધુ રહે છે.
(3) ધૂમ્રપાન :
પહેલાં ધૂમ્રપાન કરતા હોય તેવા લોકોને ધૂમ્રપાન છોડ્યા બાદ પણ આ રોગ થવાની આશંકા રહે છે. વર્તમાન સમયમાં ધૂમ્રપાન કરતા તમામ લોકોને આ રોગ થવાની શક્યતા રહે છે. તેમાં જો ક્ષય કે વાતસ્ફીતિ (એમ્ફિસીમા) હોય તો રોગ વધુ ગંભીર બને છે.
(4) પ્રાણવાયુ (ઓક્સિજન) :
જો વધુ સમય સુધી બહુ ઉચ્ચ કક્ષાનો ઓક્સિજન વ્યક્તિને આપવામાં આવે તો ફેફસાંને નુકસાન થઈ શકે છે.
(5) વ્યવસાયિક તેમજ પર્યાવરણ સંબંધી ઝેરી પદાર્થો સાથેનો સંપર્ક :
જે વ્યક્તિ ખાણો, ખેતી અને બાંધકામમાં કાર્ય દરમ્યાન પ્રદૂષણ ઉત્પન્ન કરે તેવા ઝેરી પદાર્થોના સંપર્કમાં આવે ત્યારે તેવી વ્યક્તિઓમાં આ રોગ થવાનું પ્રમાણ વધે છે. કોઈ વ્યવસાય કે પર્યાવરણ સંબંધી ઝેરી પદાર્થોના સંપર્કમાં લાંબા સમય રહેવાને કારણે ફેફસાંને નુક્સાન થતાં આ રોગ થાય છે. આવા પદાર્થોમાં સિલિકાની ધૂળ (રજ), એસ્બેસ્ટોસના રેસા, અનાજની ધૂળ (રજ), પશુ-પક્ષીઓના મળ અને ઘરમાં રહેલ હોટ ટબ વગેરેનો સમાવેશ થાય છે.
(6) આરોગ્ય સંબંધી સ્થિતિઓ :
રક્તકોષભક્ષિતા(સીસ્ટેમિક લ્યુપસ એરિથેમેટોસસ), સંધિવા (રૂમેટોઈડ આર્થરાઈટિસ) અને ત્વચાકાઠિન્ય (સ્કલૅરોડમાં) અને ચિરશોથગડ અથવા માંસાર્બુદ (સાર્કાઈડોસિસ) જેવા રોગ થયેલ હોય તેવી વ્યક્તિના ફેફસાંને નુક્સાન થવાની અને ત્યારબાદ આવા રોગ થવાની શક્યતા વધુ રહે છે.
(7) ઔષધિઓ/દવાઓ :
એવી અનેક ઔષધિઓ કે દવાઓ છે જે ફેફસાંને નુક્સાન પહોંચાડે છે જે પૈકી અત્રે દર્શાવેલ ફેફસાના રોગ માટે વધુ જવાબદાર છે :
(ક) કેન્સરવિરોધી દવાઓ : કેન્સરના કોષોનો નાશ કરવા માટે આપવામાં આવતી દવાઓ ફેફસાંની પેશીઓ માટે ઘાતક નીવડે છે જેવી કે મેથોટ્રેક્સેટ અને સાયકલૉફોસ્ફેમાઈડ.
(ખ) હ્રદયરોગની દવાઓ : હ્રદયની અનિયમિત ધડકનો માટે વપરાતી દવાઓ ફેફસાંને નુકસાન પહોંચાડવામાં માટે સક્ષમ છે જેવી કે, એમિયોડેરોન કે પ્રીપેનોલોલ
(ગ) જીવાણુનાશક દવાઓ (એન્ટિબાયોટિક્સ) : નાઈટ્રોફ્યુરેટોનિન અને સલ્ફાસેલેઝાઈન જેવી એન્ટિબાયોટિક્સ ફેફસાંને નુક્સાન પહોંચાડે છે.
(8) રેડિયોથેરેપી સારવાર :
કેટલાક લોકોને ફેફસા કે સ્તનના કેન્સર માટે રેડિયોથેરેપીની સારવાર આપવામાં આવે છે ત્યારે તેઓના ફેફસાંને કેટલાક મહિનાઓ કે વર્ષો બાદ નુકસાન થયાનું જણાય છે. રેડિયેશનની માત્રા અને કેટલા સમય માટે રેડિયેશન આપવામાં આવેલ. સારવાર પહેલાં ફેફસાંમાં રોગ હતો અને કીમોથેરેપી કરવામાં આવેલ વગેરે બાબતો પણ ફેફસાંને થતા નુક્સાન ઉપર અસર કરે છે.
જટિલતાઓ :
ફેફસાંમાં થતા આ રોગને કારણે અનેક પ્રાણઘાતક જટિલતાઓ પેદા થાય છે જે અત્રે દર્શાવેલ છે :
(1) ફેફસામાં ઊચું લોહીનું દબાણ (પલ્મોનરી હાયપરટેન્શન) :
નિયમિત લોહીના દબાણથી વિપરીત સ્થિતિથી ફેફસાંની રક્તવાહિનીઓને અસર થતાં તે સંકોચાઈ જાય છે અને લોહીનો સંચાર યોગ્ય રીતે થતો નથી. ફેફસાની ધમનીઓમાં લોહીનું દબાણ વધી જાય છે. આ એક ગંભીર રોગ છે અને સમય જતાં તે ઘાતક નીવડી શકે છે.
(2) જમણા ભાગે હ્રદયાઘાત (કૌર પલ્મોનેલ) :
આવી ગંભીર સ્થિતિ ત્યારે જ ઉદભવે છે કે જ્યારે હ્રદયનો નીચેના જમણા ભાગ હ્રદયના ડાબા ભાગ કરતાં ઓછી પેશીઓ ધરાવતો હોય. સામાન્ય સ્થિતિની અપેક્ષાએ ફેફસામાં લોહી પહોંચાડવા માટે હ્રદયનો વધુ પંપિંગ કરવું પડે છે જેથી હ્રદયના જમણા ભાગને વધુ શ્રમ પડે છે. આમ ફેફસામાં થતા લોહીના દબાણને કારણે હ્રદયાઘાત થાય છે.
(3) શ્વાસની ગતિ બંધ થઈ જવી :
ફેફસાના રોગની અંતિમ અવસ્થામાં ઓક્સીજનનું સ્તર અત્યંત ઘટી જાય છે અને ફેફસાંની ધમનીઓ અને હ્રદયના જમણા ભાગે લોહીનું દબાણ વધી જાય છે. આ સ્થિતિને કારણે શ્વાસની ગતિ અટકી જાય છે.
રોગના લક્ષણોની ઓળખ :
આ રોગનું સામાન્ય મુખ્ય લક્ષણ શ્વાસ લેવામાં પડતી તકલીફ છે જેમાં સમય જતાં વધારો થાય છે. અન્ય લક્ષણોમાં સૂકી ઉધરસ આવે છે અને વજનમાં ઘટાડો થાય છે.
આ રોગના વિવિધ પ્રકારોમાં મોટે ભાગે શ્વાસ લેવામાં તકલીફ થાય છે જે થોડા મહિનાઓમાં વધતી જાય છે.
ડૉક્ટર સાથે પરામર્શ :
સામાન્ય રીતે ફેફસાંને નુકસાન થયા બાદ રોગના લક્ષણો જોવા મળે છે તેમ છતાં જો શ્વાસ લેવામાં તકલીફ પડે કે તરત જ ડૉક્ટરનો પરામર્શ કરવો જોઈએ જેથી સ્પષ્ટ નિદાન થતાં આ રોગની સારવાર શરૂ કરી શકાય.
સામાન્યતઃ આવી પરિસ્થિતિમાં લોકો સૌ પ્રથમ પોતાના ફેમિલિ ડૉક્ટરની સલાહ લે છે. ફેમિલી ડૉક્ટર ફેફસાંના નિષ્ણાત ડૉક્ટર (પલ્મોનોલોજીસ્ટ)ની સલાહ લેવાનું જણાવે છે. લોહી સંબંધી ટેસ્ટ, છાતીનો એકસરે, છાતીનો સીટી સ્કેન અને ફેફસાંની કામગીરી વગેરે ટેસ્ટ કરાવી તેના રિપોર્ટને આધારે યોગ્ય સલાહ આપે છે.
પલ્મોનરી કાર્ય પરીક્ષણ (ફેફસાંના ક્ષમતાની કસોટી) :
આ રોગ થવાના કારણો જાણવા વધુ મુશ્કેલ બાબત છે. અનેક રોગોમાં આ રોગ જેવા જ લક્ષણો જોવા મળે છે જેથી ડૉક્ટર પહેલાં અન્ય રોગો વિષે વિચારે છે અને રોગના સ્પષ્ટ નિદાન માટે નીચે દર્શાવેલ પરીક્ષણોનો સહારો લે છે.
(1) ઓક્સીમીટર :
આ એક સરળ પરીક્ષણ છે જેમાં સાધનને હાથની કોઈપણ આંગળી ઉપર લગાવી ઓક્સીજનનું પ્રમાણ માપી શકાય છે. આ રોગની સ્થિતિ જાણવા માટેની સરળ વિધિ છે જે કોઈવાર એક્સરે કરતાં પણ વધુ ચોક્કસ સાબિત થાય છે.
સ્પાયરોમીટર (શ્વાસમાપક) :
આ પરીક્ષણમાં મશીન સાથે જોડાયેલ નળીના માધ્યમથી જોર લગાવી શ્વાસ લેવાનું કહેવામાં આવે છે. મશીન વ્યક્તિ ધ્વારા લેવાતા શ્વાસને માપી ફેફસાની ક્ષમતા નક્કી કરે છે અને કેટલી ઝડપે વ્યક્તિ ઉચ્છવાસ બહાર કાઢે છે તે જાણી શકે છે. આ પ્રક્રિયાથી વ્યક્તિના ફેફસામાં કેટલી ઝડપે પ્રાણવાયુ રક્તવાહિનીઓમાં પહોંચે છે તેનો ખ્યાલ આવે છે.
ઈમેજિંગ પરીક્ષણ :
(1) છાતીનો એક્સરે : છાતીનો એક્સરે ફેફસાનો રોગ અને તેના પ્રકાર અને ફેફસાંની સ્થિતિ બતાવે છે. તેના વડે રોગમાં થયેલ ફેરફાર એટલે કે થયેલ પ્રગતિ દર્શાવે છે. જો ફેફસા નિષ્ણાત (પલ્મોલૉજીસ્ટ) પાસે જવાનું હોય તો જો એક્સરે પડાવેલ હોય તો તે લઈને જવું જોઈએ. આ એક્સરે તથા નવો એક્સરે પાડી નિષ્ણાત રોગ અંગેનું નિદાન કરી શકે છે. એક્સરેના રીપોર્ટ સાથે પડાવેલ એક્સરે નિદાન કરવા માટે અતિ મહત્વનો છે.
(2) સીટી (કમ્પ્યુટરાઈઝડ ટોમોગ્રાફી) સ્કેન પરીક્ષણ :
સીટી સ્કેન કરતી વખતે કમ્પ્યુટરની સહાયતા વડે વિવિધ ખૂણા અને શરીરના અવયવોની આંતરિક સંરચનાના પ્રતિબિંબ તૈયાર કરવામાં આવે છે. તે ફેફસાના રોગમાં થયેલ ક્ષતિની ચોક્કસતા અને રોગનો પ્રકાર નક્કી કરે છે જેથી રોગનું નિદાન સ્પષ્ટ રીતે કરી શકાય છે.
(3) ઈકોકાર્ડિયોગ્રામ (હ્રદયનો સોનો ગ્રામ) પરીક્ષણ :
તેમાં ધ્વનિતરંગોનો ઉપયોગ કરી હ્રદયની તપાસ કરી શકાય છે. તેના વડે હ્રદયની સંરચનાના પ્રતિબિંબ અને હ્રદયની કાર્યપ્રણાલીનો વીડિયો પણ ઉતારી શકાય છે. આ પરીક્ષણથી હ્રદયના જમણા હિસ્સામાંના દબાણનું આકલન કરી શકાય છે.
ફેફસાંના કોષોનું વિશ્લેષણ :
સામાન્યતઃ ફેફસાંના કોષોનો એક નાનો ભાગ લઈ તેની બાયોપ્સી કરી આ રોગનું નિદાન મેળવી શકાય છે. આ માટે નીચે દર્શાવેલ પદ્ધતિ વડે કોષો મેળવી શકાય છે.
(1) બ્રાન્કોસ્કોપી : બ્રાન્કોસ્કોપ નામના સાધન વડે મોં કે નાકમાં પાતળી નળી દાખલ કરી ફેફસાંમાંથી નાના કોષ નમૂના રૂપે મેળવાય છે. બ્રાન્કોસ્કોપી ઓછું જોખમી છે. કોઈવાર ગળામાં સોજો કે ભારે અવાજ થાય છે. કેટલીક વખત આ નમૂના ઘણા નાના હોવાથી રોગ નિદાન કરવામાં મુશ્કેલી પડે છે.
(2) બ્રોન્કોએલ્વીયોલર લાવેજ : આ પદ્ધતિમાં ડૉક્ટર બ્રોન્કોસ્કોપ મારફતે ઈન્જેક્શન મારફતે એક ચમચા જેટલું મીઠાયુક્ત પ્રવાહી ફેફસાંના એક ભાગમાં દાખલ કરી તરત જ પાછુ મેળવી લેવામાં આવે છે. તેમાં ફેફસાના વાયુકોષો પણ હોય છે. આ પદ્ધતિ અન્ય પદ્ધતિઓ કરતાં ફેફસાંના વિશાળ ભાગમાંથી નમૂના મેળવવા માટે સક્ષમ છે પરંતુ આ પદ્ધતિ વડે મળતી જાણકારી પલ્મોનરી ફાયબ્રોસીસના સ્પષ્ટ નિદાન માટે પુરતી નથી.
(3) સર્જીકલ બાયોપ્સી : આ પદ્ધતિમાં જટીલ શસ્ત્રક્રિયા ધ્વારા ફેફસામાંથી પુરતા પ્રમાણમાં નમૂના મેળવી શકાય છે. તેમાં સામાન્ય એનેસ્થેસીયા આપી સર્જરીના સાધનો અને નાના કેમેરાની જરૂર પડે છે. કેમેરાને પાંસળીઓની વચ્ચે બે કે ત્રણ છીદ્રો પાડી ફેફસામાં દાખલ કરવામાં આવે છે. કેમેરાના માધ્યમ વડે સર્જન એકલ વીડિયો મોનિટર વડે સ્થિતિ તપાસી શકે છે અને તેની જરૂરિયાત પ્રમાણે કોષોને બહાર કાઢી લઈ શકે છે.
આપણે શું કરી શકીએ ?
આ ફેફસાના રોગ સામે વ્યક્તિ પોતે સજાગ બની સ્વસ્થ રહેવાનો પ્રયાસ કરે તે જરૂરી છે.
(1) ધૂમ્રપાનનો ત્યાગ : આ રોગ થયો હોય તો ધુમ્રપાનનો ત્યાગ કરવો એ પ્રથમ પગલું છે. આ માટે ડૉક્ટરનો સંપર્ક સાધતાં ધૂમ્રપાન મુક્તિ કાર્યક્રમ વિષે જાણી તેનો અમલ કરવો જોઈએ. ધૂમ્રપાન કરતા લોકોની સંગત છોડી દેવી અને સ્વયં ધૂમ્રપાન છોડી દેવું ફાયદાકારક છે.
(2) પૌષ્ટિક આહાર લેવો : ફેફસાંના રોગ થયેલ વ્યક્તિનું વજન ઘટતું જાય છે. તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આવી વ્યક્તિએ પૌષ્ટિક આહાર લેવાની જરૂર રહે છે જેથી પુરતી માત્રામાં કેલેરી મળી રહે. આ અંગે આહાર નિષ્ણાત (ડાયટીસીયન)ની સલાહ લેવી જોઈએ.
(3) સમયસર રસી મૂકાવવી : ફેફસાંના આ રોગમાં વ્યક્તિને શ્વાસનળીમાં ચેપ લાગતાં તે વધુ ઘાતક બની શકે છે તેથી સમયસર ન્યુમોનિયા કે ફ્લુની રસી મૂકાવવી જોઈએ.
(4) હિંમતથી સામનો કરવો : ફેફસામાં થયેલ રોગની સાથે જીવન જીવવું એ એક ભાવનાત્મક અને શારીરિક પડકાર છે. આ માટે વ્યક્તિએ પોતાની દિનચર્યા અને રોજબરોજના કામકાજ સાથે તાલમેલ બેસાડવો પડે છે કે આમુલ પરિવર્તન કરવું પડે છે કારણ કે શ્વાસ લેવામાં પડતી તકલીફ કે ફેફસાંની બગડતી હાલત માટે પ્રાથમિક કાળજી લેવી જરૂરી છે. આ રોગનાં કારણે વ્યક્તિમાં ડર, ગુસ્સો અને ઉદાસીનતા આવે તે સ્વાભાવિક છે કારણ કે તે પાછલી તંદુરસ્ત જિંદગીને યાદ કરી ઉદાસીન રહે છે અને તેની સાથે પોતાના કુટુંબીજનોના ભવિષ્ય બાબતે ચિંતિત રહે છે.
આવી વ્યક્તિએ પોતાની નજીક રહેલા લોકો અને ડૉક્ટર સાથે પોતાની ભાવનાઓને વ્યક્ત કરવી જોઈએ. દિલ ખોલીને વાતચીત કરતાં ભાવનાત્મક તકલીફોમાં રાહત મળે છે અને રોગનો સામનો કરવાની હિંમત પ્રાપ્ત થાય છે.
રોગની સારવાર :
કેટલાક ઉપાયો ધ્વારા અસ્થાયી રૂપે રોગના લક્ષણોમાં સુધારો લાવી શકાય છે અથવા તો રોગની ગતિને મંદ કરી શકાય છે. અન્ય કેટલાક ઉપાયો જીવનની ગુણવત્તામાં વધારો કરે છે. ડૉક્ટર ધ્વારા વિવિધ પદ્ધતિઓ પસંદ કરી તેના ઉપયોગ વડે વિવિધ પરિણામો મેળવી રોગની સારવાર કરી શકાય છે.
(1) કોર્ટિકોસ્ટીરોઈડસ : ફેફસામાં થતા આ રોગને કારણે ફેફસાંને નુક્સાન થાય છે અને ડાઘ પાડે છે. પ્રેડની જોન અને મિથાઈલપ્રેડનીજોન જેવી કોર્ટિકોસ્ટીરોઈડસ દવાઓ દરદીને આપતાં તેનામાં રોગપ્રતિકારક શક્તિ વિકસતાં ફેફસાં અને શરીરના સોજામાં ઘટાડો થાય છે.
(2) એન-એસીટાઈલસીસ્ટીન : આ એક શક્તિશાળી એન્ટિઓક્સીડેન્ટ છે જે ફેફસાના કેટલાક રોગોમાં ઘટાડો કરે છે પરંતુ દરદીને રોગમાંથી સંપૂર્ણ રીતે મુક્ત કરવા સક્ષમ નથી.
(3) એજાથિયોપ્રિન : આ દવા રોગપ્રતિકારકશક્તિને અસર કરે છે. જો કે તે આ રોગની સારવારમાં અસરકારક સાબિત થઈ શકી નથી પરંતુ કેટલાક અભ્યાસ મુજબ તે કારગત નિવડી શકે છે.
ઑક્સીજન થેરેપી :
દરરોજ એટલે કે આઠ પ્રહર ઑક્સિજન આપવાથી લાભદાયક અસર થઈ શકે છે. દરદીને બહારથી ઑક્સિજન આપી ફેફસાંને થયેલ નુક્સાનને રોકી શકાતું નથી પરંતુ તેના વડે નીચે જણાવેલ લાભો મેળવી શકાય છે
- શ્વાસ લેવામાં અને શ્રમયુક્ત કામગીરી કરવામાં મદદ મળે છે.
- શરીરમાં પ્રાણવાયુનું પ્રમાણ ઘટી જવાની સ્થિતિમાં થતી મુશ્કેલીઓ સામે બચાવ કરી શકાય છે કે તકલીફો ઓછી કરી શકાય છે.
- હ્રદયના જમણા ખાનામાં લોહીનું દબાણ વધતું નથી.
- ઊંઘમાં સુધારો થાય છે અને વ્યક્તિ પોતાને તંદુરસ્ત મહેસુસ કરી શકે છે.
પલ્મોનરી થેરેપી :
પલ્મોનરી થેરેપીને પલ્મોનરી રીહેબિલિટેશન (પુનઃવસવાટ) પણ કહે છે. તેનો હેતુ ફેફસાંના રોગ ધરાવનાર વ્યક્તિઓ પોતાનું જીવન સારી રીતે જીવી શકે તે માટે મદદ કરવાનો છે. જેમાં નીચેની બાબતો ઉપર ધ્યાન આપવામાં આવે છે.
- કસરત ધ્વારા સહનશક્તિમાં સુધારો કરવો.
- શ્વાસ લેવાની પદ્ધતિ જે ફેફસાંની અસરકારકતામાં સુધારો કરે.
- ભાવનાત્મક ટેકો પુરો પાડવો
- પોષણ સંબંધી સલાહ આપવી
સર્જરી :
ફેફસાના આ રોગથી ફેફસાંને ગંભીર રીતે નુક્સાન થયેલ હોય તો તેના માટે ફેફસાંનું પ્રત્યારોપણ કરવું એ એક અંતિમ શ્રેષ્ઠ ઉપાય છે. આવું ઓપરેશન કરાવનાર દરદીઓના જીવનની ગુણવત્તામાં સુધારો થાય છે અને કાર્યક્ષમતા પણ વધે છે.
સ્ત્રોત : ડ્રીમ 2047, જુલાઈ – 2016
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

