કુપોષણ એ વિકસિત દેશોમાં જોવા મળતી એક મોટી સમસ્યા છે. મોટે ભાગે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં તે વધુ અસર કરે છે. દર વર્ષે પાંચ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા એક કરોડ બાળકોનું મૃત્યુ કુપોષણથી થાય છે. જો પુરતી આરોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો તેમાંના 75 લાખ જેટલા બાળકોને બચાવી શકાય. આરોગ્યતંત્ર ધ્વારા યોગ્ય પદ્ધતિઓ વડે ખોરાક પુરો પાડવામાં આવે તો 12 મહિનાથી નાના બાળકો અને યુવા બાળકોને કુપોષણથી બચાવી શકાય છે. વિશ્વ બેંકના જણાવ્યા અનુસાર ભારત દેશ વિશ્વમાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યાની દ્રષ્ટિએ બીજા નંબરે છે. કુલ બાળકો પૈકી 47 ટકા બાળકો અલ્પ પોષિત બાળકોના લક્ષણો દર્શાવે છે. દર વર્ષે પાંચ વર્ષથી અંદરના 21 લાખ બાળકો ટાઈફોઈડ, મેલેરીયા, ઓરી અને ન્યુમોનિયાથી મૃત્યુ પામે છે. ભારતમાં ઓછુ વજન ધરાવતા બાળકોની સંખ્યા સબ-સહારન દેશો કરતાં અંદાજે બમણી છે.
માતાનું દૂધ તમામ પ્રકારના પોષકતત્વો અને પુરતી ઊર્જા ધરાવે છે જે નાના બાળકોના ખોરાક તરીકે જરૂરી છે. સામાન્ય રીતે પાંચ મહિના સુધી બાળકને માતા ધ્વારા સ્તનપાન કરાવવામાં આવે છે. જો માતા નબળુ પોષણ ધરાવતી હોય તો તે પણ પોતાના બાળકને સ્તનપાન કરાવે છે. ત્યાર પછીના સમયે બાળકનો વિકાસ ઝડપથી થતો હોઈ પોષણની જરૂરિયાત વધે છે તેથી માતાનું દૂધ ફક્ત ખોરાક તરીકે પુરતુ થઈ રહેતુ ન હોઈ બીજો ખોરાક આપવાની જરૂર પડે છે.
બાળકને માતાના સ્તનપાનના છ માસ બાદ પૂરક આહાર આપવાની જરૂર રહે છે કે જેથી બાળકને પુરતા પોષકતત્વો અને ઊર્જા મળી રહે. આ સમયે બાળકના પૂરક આહારમાં વીનિંગ ફૂડ આપવામાં આવે છે કે જે ઊર્જા, પ્રોટીન, આયર્ન અને વિટામિનોની જરૂરિયાત પુરી પાડે છે. આ પૂરક આહારની સાથે સાથે જો શક્ય હોય તો બે વર્ષની ઉંમર સુધીના બાળકને માતાનું સ્તનપાન પણ કરાવવું જોઈએ.
બાળકને વીનિંગ ફૂડ આપવાનો આ સમય મુખ્યત્વે કટોકટીનો ગાળો કહી શકાય કે જે દરમ્યાન જો અપુરતુ પોષણ બાળકને મળે તો તે કુપોષિત બને છે. વીનિંગ ફૂડ એ રેડીમેડ (તૈયાર) ખોરાક છે જે અનેક પ્રકારના તત્વો ધરાવે છે કે જેનો ઉપયોગ કરી સહેલાઈથી રાબ બનાવી બાળકને આપી શકાય છે. આવો વીનિંગ ફૂડ નાના પાયે ઘરે પણ બનાવી શકાય છે. સ્થાનિક રીતે બનાવેલ વીનિંગ ફૂડ સસ્તો, કાયમ સ્થાનિક રીતે ઉપલબ્ધ અને આરોગ્યદાયક હોય છે અને તેને સંપૂર્ણ રીતે જરૂરિયાત મુજબ રાંધી શકાય છે. ઘણા દેશોમાં યુવા બાળકોને ચોખા અથવા મકાઈના લોટમાં પાણી ઉમેરી બનાવેલ રાબ આપવામાં આવે છે. આવી રાબમાં બાળકોની વૃદ્ધિ માટે જરૂરી પોષકતત્વો અને ઊર્જાની ઉણપ જોવા મળે છે. તે જોતાં સમય, નાણાં અને જાણકારીનો ઉપયોગ કરી જે તે વ્યક્તિ બાળકો માટે સારો ખોરાક તૈયાર કરી તેઓની કાળજી રાખી શકે છે.
જો સાત મહિના બાદ એટલે કે બાળકને મોડો વીનિંગ ફૂડ આપવાનું શરૂ કરવામાં આવે તો બાળકના વિકાસમાં અવરોધ પેદા થાય છે અને બાળકનું વજન ઓછું થઈ જાય છે. એટલું જ નહિ બાળકની ઉંમર વધતાં તે નવી સુગંધવાળો કે અન્ય ખોરાક લેવાની ઈચ્છા ધરાવતું નથી એટલે કે જો સમયસર વીનિંગ ફૂડ આપવામાં ન આવે તો તેને પરિણામે કુપોષણની શક્યતા વધી જાય છે. તેની બીજી બાજુ જો વીનિંગ ફૂડ વહેલો આપવાનું શરૂ (ત્રણ માસની અંદર) કરવામાં આવે તો બિનજરૂરી રીતે ચેપી રોગો થવાના જોખમમાં વધારો થાય છે કારણ કે પૂરક આહાર એ માતાના દૂધ કરતાં ઓછો આરોગ્યપ્રદ હોય છે. વિશેષમાં બાળક ઓછુ દૂધ લે તો તેને પરિણામે માતાના દૂધના પ્રવાહમાં પણ ઘટાડો થઈ શકે છે. તેથી આશરે છ માસ બાદ વીનિંગ ફૂડ બાળકને આપવો સલામત છે. અંદાજે 12 મહિના બાદ ધીમે ધીમે દૂધનો પૂરવઠો ઘટતો જાય છે. બાળક 2 થી 3 વર્ષનું થાય તે સમયના વચગાળામાં બાળકને સ્તનપાન કરાવવાનું બંધ કરવું જોઈએ.
આમ બાળકોમાં કુપોષણ અટકાવવા માટે યોગ્ય ઉંમરે વીનિંગ ફૂડ આપવાનું શરૂ કરવું જોઈએ અને વીનિંગ ફૂડનો જથ્થો અને ગુણવત્તા પણ જાળવવી જોઈએ.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, જાન્યુઆરી 2021
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

