અજમો – ઔષધિ તરીકે (Bishop’s weed – As a medicine)

                અજમો એ એક મસાલા પાક છે એટલે ખોરાકમાં મસાલા તરીકે વપરાય છે. તેનું વૈજ્ઞાનિક નામ Carum copticum છે તેને અંગ્રેજીમાં Carom seeds, Bishop’s weed  કે Ajwain કહે છે. તે હિન્દીમાં અજમોદ, અજવાઈન, અજમાઈન મરાઠીમાં ઓવા, સંસ્કૃતમાં યવાની, યમાની તરીકે ઓળખાય છે.      

છોડનું વર્ણન :

        અજમાના છોડ સુવાના છોડને બરાબર મળતા આવે છે. અજમાનાં પાન રેષાકાર, દ્રિત્રિભગ્ન, જરા દૂરદૂર આવેલાં હોય છે. પુષ્પપત્રો મોટે ભાગે ઘણાં રેખાકાર, કવચિત વિભાગિત, 3 થી 5 ઉપપુષ્પપત્રો, રેખાકાર નાનાં હોય છે. ફૂલો સુંદર, સફેદ રંગનાં છત્રાકાર અને ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં આવે છે. ફળ નાનાં, અંડાકૃતિમાં આવે છે.  

વાવેતર વિસ્તાર :

        અજમાનું વિશ્વના ઘણા દેશોમાં વાવેતર થાય છે. ભારતમાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને પંજાબમાં તેની ખેતી થાય છે. ગુજરાતમાં અંદાજે 5,300 હેક્ટર વિસ્તારમાં પિયત અને બિનપિયત અજમાની ખેતી થાય છે. ગુજરાતમાં જામનગર, ભરૂચ અને નીઝર ખાતે ચોમાસુ અને બિનપિયત પાક તરીકે અજમાનું વાવેતર કરવામાં આવે છે.   

ઔષધિય ગુણો :

        અજમો તીખો, કડવો, રૂચિકર, ઊષ્ણ, અગ્નિદીપક, પાચક, પિત્તકર, તીક્ષ્ણ, લઘુ, સારક, વૃધ્ય, વાતહર અને કૃમિઘ્ન છે.   

વિવિધ ઔષધિય ઉપયોગો :

(1) તે વાયુથી આવતી તાણ અટકાવવા માટે ગુણકારી છે.  

(2) તે પેટમાં આવતી ચૂંક અને અનાજનું પાચન કરી અજીર્ણ મટાડે છે.  

(3) તેના ચૂર્ણની પોટલી કરી નાકે સૂંઘવાથી સળેખમ મટે છે.  

(4) સુવાના પાણીની જેમ અજમાનું વરાળીયું પાણી ચૂંક, શરદી, અજીર્ણ માટે વપરાય છે.  

(5) સુવાવડી સ્ત્રીને શરીરે પ્રસવ પછી અજમાના ચૂર્ણનું મર્દન એ હિંદમાં ગરગથ્થુ દવા છે જેથી શરીરમાં ઉત્તેજકતા આવી શરીર સતેજ બને છે.  

(6) સુવાવડી સ્ત્રીને આપવામાં આવતા ક્વાથમાં બીજી ચીજો સાથે અજમો નાખવામાં આવે છે. સુવાવડી સ્ત્રીને અજમો આપવાથી તેને ભૂખ લાગે છે, અન્ન પાચન થાય છે, અપાનવાયુ સરે છે, કમરની પીડા દૂર થાય છે અને ગર્ભાશય સ્ત્રાવની શુદ્ધિ થાય છે. અજમો એમ ને એમ વાટીને જ ફકાવવો હિતાવહ છે. તેને પાણીમાં ઉકાળતાં અંદર રહેલ ઉડ્ડયનશીલ તેલ ઉડી જાય છે એટલે કે ગુણ કરતું નથી.   

(7) યુનાની હકીમો ફેફસાંના ગળાની પાસેની નળી સૂજી હોય અને કફ વધારે નીકળતો હોય તો તે બંધ કરવા માટે અજમો આપવાનું કહે છે અને અજમાને વાટી તેની પોટિસ બનાવી બાંધવાથી દર્દનો નાથ થાય છે.   

(8) શીતજવરમાં અજમો આપવાથી ઠંડીનું જોર જલ્દી ઘટી જાય છે અને તાવ આવ્યા પછી જલ્દી પરસેવો આવી જાય છે ઉપરાંત તાવ ઉતર્યા પછી આવતી થકાવટ ઓછી થાય છે.    

(9) કાસ-શ્વાસરોગમાં અજમો આપવાથી કફની ઉત્પત્તિ, કફની દુર્ગંધ અને સૂક્ષ્મ કીટાણું ઓછાં થઈ જાય છે, કફ ઢીલો થઈ જલ્દી નીકળે છે તથા બેચેની ઓછી થાય છે. શ્વાસરોગોમાં અજમો નવશેકા પાણી સાથે અપાય છે. અથવા ચલમમાં પિવડાવાય છે.

(10) ઉલટી, અપચન, આફરો, ઉદરશૂળ અને કોલેરામાં અજમો ગુણદાયક છે.   

(11) દારૂડિયાને દારૂ પીવાની લાલસા અજમો ચાવવાથી દબાય છે તેથી જો મન દ્રઢ હોય તો દારૂનું વ્યસન છૂટી જાય છે.   

(12) માથું દુઃખવા પર અજમાંનાં ફૂલ ઘસાય છે.   

(13) પેટપીડ, ઉધરસ અને અજીર્ણ ઉપર અજમો ખાઈ ઉપર ગરમ પાણીનો ઘૂંટડો પીવો.  

(14) શીળસ કે શીતપિત્ત ઉપર ગોળ અને અજમો ખાવો.   

(15) સળેખમ અને મસ્તકશૂળ ઉપર અજમાનું ચૂર્ણ કરી કપડામાં બાંધી ઊંઘતી વખતે સૂંઘવું અથવા તેની બીડી કરી પીવી.   

(16) બહુમૂત્રતા ઉપર અજમો અને તલ મિશ્ર કરી આપવા.   

(17) શરીરની ગરમી ઉપર અજમો સાકરમાં ખાવો.      

(18) ઉધરસ, કાસ અને કફજવર ઉપર અજમો, લીંડીપીપર, અરડૂસી અને ખસખસના જીંડવાંનો કાઢો આપવો.  

(19) પેટની અંદરનો વા-ગોળો, મરડો, અજીર્ણ (બદહજમી), દસ્ત વગેરેમાં અજમો ફાયદો કરે છે.   

(20) અજમાનું તેલ સંધિવાના દરદમાં સાંધા ઉપર ચોપડાય છે.   

(21) એકલો અજમો અથવા તેને સિંઘવ, હિંગ અને હરડે સાથે આપવાથી પેટનો મરડો દૂર કરે છે.   

વિશેષ :

અજમાના ફૂલ :  

     તેના બીજમાં કપુર જેવું ઘટ્ટ જામેલું 2.5 થી 4 ટકા તેલ મળે છે. તે ખાસ પ્રકારની તીખી સુગંધ ધરાવે છે. આ ઉડ્ડયનશીલ તેલમાં 35 થી 36 ટકા થાઈમોલ તત્વ હોઈ તેની ઔષધિય કિંમત વધી જાય છે. આ તેલને રાસાયણિક પ્રક્રિયા ધ્વારા સ્ફટિકમાં રૂપાંતર કરવામાં આવે છે જે અજમાના ફૂલ તરીકે ઓળખાય છે.  

        યુરોપમાં અજમાના ફૂલ મેળવવાનો ઉદ્યોગ ખૂબ ચાલે છે. ભારતમાં ગ્વાલિયર અને ધારવાડ ખાતે અજમાના ફૂલનો ઉદ્યોગ ચાલે છે.  

        અજમાના ફૂલ ભારતમાં નાગરવેલના પાનમાં મુખવાસ માટે અને શરદી, સળેખમ, અજીર્ણની દવા માટે પ્રસિદ્ધ છે.  

        તેની નિકાસ પરદેશમાં કરતાં દેશને રૂપિયા 3 થી 4 કરોડ જેટલું વિદેશી હૂંડિયામણ મળે છે.   


સ્ત્રોત : (1) વનસ્પતિવર્ણન લે. બાપાલાલ ગ. વૈદ્ય, (2) આર્યભિષક લે. શંકર દાજીપદે અને (3) વનસ્પતિ સૃષ્ટિ લે. ગો.ખી. બાંભડાઈ    


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *