શેતૂર એ ચીન દેશનું વતની છે તેને અંગ્રેજીમાં મલબેરી (Mulberry) કહે છે. તેનું વૈજ્ઞાનિક નામ Morus alba અને Morus indica છે. તે હિન્દીમાં શહતૂત કે તૂત, મરાઠીમાં તૂત અને સંસ્કૃતમાં પૂર્ય, તૂત, વિપ્રકાષ્ઠ, બ્રહ્મકાષ્ઠ, પૂપક અને બ્રહ્મદારૂ તરીકે ઓળખાય છે. તેનું ઝાડ પવિત્ર ગણાય છે તેથી તેનું લાકડું ધાર્મિક વિધિમાં વપરાય છે.
વાવેતર વિસ્તાર :
વિશ્વમાં તે ઉષ્ણ અને ઉપોષ્ણ કટીબંધવાળા વિસ્તારમાં થાય છે. તેનું એશિયા, યુરોપ અને અમેરિકા ખંડમાં વાવેતર થાય છે. તેનું ચીન, જાપાન, ઈટાલી અને ફ્રાન્સ દેશમાં તેનું વાવેતર થાય છે. ચીન દેશમાં રેશમના ઉદ્યોગ માટે વાવેતર થાય છે. તેનાં પાન ખાઈને રેશમના કીડા રેશમ ઉત્પન્ન કરે છે. ભારતમાં હિમાલય, સિક્કીમ અને ઉત્તર ભારતમાં આવેલ જંગલોમાં શેતૂર મોટે પાયે થાય છે. તે સિવાય કાશ્મીર, બંગાળ, બિહાર વગેરે વિસ્તારમાં આવેલ બગીચામાં થાય છે. ગુજરાતમાં પણ અનેક સ્થળે શેતૂર થાય છે.
શેતૂરના ઝાડનું વર્ણન :
શેતૂરના ઝાડ મધ્યમ કદનાં થાય છે. તેનાં પાન અંજીરના પાન જેવાં ત્રણ ત્રણ કાંગરીવાળાં તથા લીમડાનાં પાનની માફક ચારે તરફ કરવતીમાં આરા જેવા આકારના હોય છે. તેનાં ફળ અત્યંત કોમળ અને રસવાળાં હોય છે. શેતૂર અન્ય ફળોની જેમ પ્રથમ ફૂલમાંથી ફળ રૂપે થતા નથી પણ ફૂલના ગુચ્છાની મંજરી રૂપે હોય છે જે બાજરીના દાણાની નાની શીંગ જેવા દેખાય છે. તે 1 થી 2.5 સે.મી. લાંબી રાતી-જાંબલી રંગની ઈયળ હોય તેવી દેખાય છે. શેતૂરના વાવેતર બાદ પાંચ વર્ષે શેતૂર આવવા લાગે છે અને તેનાં ઝાડ 40 થી 50 વર્ષ સુધી ફળો આપે છે.
શેતૂરની જાતો :
તેની કાળી, ધોળી અને રાતી (જાંબલી) અને સફેદ એમ ચાર જાતો થાય છે. તેમાં કાળી અને ધોળી જાતો રેશમના કીડા ઉછેરવા માટે ઉપયોગમાં લેવાય છે. ગુજરાતમાં રાતી (જાંબલી) શેતૂર થાય છે. ક્યાંક સફેદ રંગની જાત પણ થાય છે.
અન્ય જાત – Morus nigra
આ જાતનું મોટા પ્રમાણમાં વાવેતર એશિયા, યુરોપ અને અમેરિકામાં થાય છે. તેના ફળો રસભર્યા, કાળાં જાંબુડી, મીઠાં અને મોટાં હોય છે. તેનાં પાનનો રસ સર્પદંશ અને ઝેરકોચલાનું વિષ ઉતારે છે. તેનું લાકડું કઠણ, ફર્નિચર અને સંઘાડાકામ માટે લાયક છે પણ માંગ મુજબ મળી રહેતું નથી. તેના મૂળની છાલને સાન-પાઈ-પી (san-pai-pi) કહે છે જે મૂત્રલ છે. તેનો ક્વાથ યકૃત, બરોળ, ઝાડા અને તાવમાં ઉપયોગી છે. તે ચપટા કૃમિ બહાર કાઢી નાખે છે.
શેતૂરના ગુણધર્મો :
(1) આયુર્વેદિક વિજ્ઞાનના મતે :
પાકાં શેતૂર સ્વાદે મધુર જરા ખાટાં, ગુણમાં ઠંડા, ભારે, કોમળ, સ્વાદિષ્ટ, રૂચિકર્તા, ભૂખવર્ધક, હ્રદયને હિતકારી, વાયુની ગતિ સવળી કરનાર, પિત્ત અને વાયુ દોષનાશક તથા દાહ, તૃષા, બળતરા, કબજીયાત, મુખમાં ચાંદાં-છાલાં, ચક્કર, મૂર્ચ્છા, ઊલટી, તાવ, અરૂચિ, પ્રમેહ, ઊનવા, પિત્તપ્રકોપ, કૃમિ, રક્તદોષ, શીતળા, કંઠરોગ, કટિવાત, આંતરડાંમાં ચાંદાં, મરડો, મૂત્ર અલ્પતા, મંદ કામ વગેરે દર્ઘે મટાડે છે.
પાકાં શેતૂર ગુરૂ, સ્વાદું, શીતળ તથા ગ્રાહક છે અને પિત્ત, વાયુ તથા રક્તદોષનો નાશ કરે છે. પૌષ્ટિક, કામોત્તેજક, કફનાશક, મૂત્રલ, રક્તશુદ્ધિકર્તા અને હ્રદય, મગજ, ફેફસાં અને બરોળને શક્તિ આપનાર છે. ગરમીની ઋતુમાં તેના સેવનથી ગરમી (તાપ), દાહ, તૃષા, મૂત્રાવરોધ તથા લૂમાં મુક્તિ મળે છે.
કાચાં શેતૂર સ્વાદે પ્રાયઃ ખાટાં, ગરમ, પચવામાં ભારે, ઝાડો ખસેડનાર (સારક) અને રક્તપિત્ત પેદા કરનાર છે. કુણાં શેતૂર ગુરૂ, સારક, ખાટાં તથા ઉષ્ણ છે અને રક્તપિત્તનો નાશ કરે છે.
અધકચરાં પાકેલાં શેતૂર વધુ પ્રમાણમાં ખાવાથી ઘણી વાર તીવ્ર ઝાડા થઈ જાય છે અને શેતૂરના તમામ બી નીકળી ગયા પછી જ ઝાડા બંધ થાય છે.
(2) યુનાની વૈદકના મતે :
શેતૂર ખાંસી, સળેખમ, ગળાની તકલીફ, વારંવાર તરસ જેવી તકલીફોમાં શરબત રૂપે ખૂબ લાભપ્રદ બની શકે છે. નાના બાળકો અને કમજોર રોગીઓને પાકાં શેતૂરનો રસ અપાય છે. શેતૂરની છાલ કૃમિનાશક તથા તેના મૂળ ઝાડા કરનાર છે. તેના પાનનો ઉકાળો-કોગળા રૂપે કરવાથી કંઠના સોજા અને સ્વરતંત્રની તકલીફમાં લાભપ્રદ છે. તે રક્તની ક્ષીણતા ઘટાડે છે.
શેતૂરના ઔષધ પ્રયોગો :
(1) દાહ-ગરમી : શેતુરનું ઠંડુ શરબત પીવાથી શરીરમાં થતી દાહ-બળતરા શાંત થાય છે.
(2) પગના ચીરા (વિપાદિકા) : તેનાં બી વાટીને કે શેતૂરનો ગુંદર કે રસ પગના ચીરા ઉપર લગાવવાથી ફાયદો થાય છે.
(3) કંઠનો સોજો : શેતૂરના રસમાં સાકર કે મધ નાખી પીવાથી કંઠનો સોજો, અવાજ ભારે થવો તથા કંઠની ખૂંચ મટે છે.
(4) માનસિક રોગો : ગાંડપણ, વાઈ, હિસ્ટીરિયા વગેરે માનસિક રોગોમાં 2 થી 3 માસ સુધી દિવસમાં 2 થી 3 વખત શેતૂરનો રસ કે શરબત પીવાથી ફાયદો થાય છે.
(5) ભારે તાવ : પાકા શેતૂરના રસમાં ખાંડ કે સાકર ઉમેરી પીવાથી ભારે તાવમાં શાંતિ મળે છે, દાહ અને વધુ તૃષા શમે છે.
(6) કરમિયાં : તેના મૂળનો છાલનો ઉકાળો બનાવી 100 ગ્રામ જેટલો 2 થી 3 દિવસ રોજ સાંજે પીવાથી પેટનાં કરમિયાં નાશ પામે છે.
(7) હ્રદયની નબળાઈ : હ્રદયરોગના દર્દીએ શેતૂરના શરબતમાં પ્રવાલ-પિષ્ટિ તથા જવાહર મોહરા પિષ્ટિ ગોમેદ પિષ્ટિ 2-2 રતી ઉમેરી લેવાથી નબળાઈ દૂર થશે, હ્રદય મજબૂત અને વધુ સ્વસ્થ બનશે.
(8) અતિ તરસ અને કંઠદાહ : શેતૂરનાં પાકાં ફળ મોં માં લઈ ચૂસ્યા કરવાથી અથવા તેનું શરબત કે રસ પીવાથી વારંવાર લાગતી તરસ અને કંઠદાહ મટે છે.
(9) ગળાના રોગો : કંઠનો સોજો, ડીપ્થેરીયા, જીભના સોજો, મુખપાક, બાળકોને તાળવું પડવાનું દર્દમાં શેતૂરનો રસ કે શરબત પાવું. શેતૂરના પાનના ઉકાળામાં જરાક ફટકડી નાખી તેના કાગળા કરવાથી કંઠમુખની તકલીફો મટે છે.
ખાસ નોંધ : છાતી અને વાયુના કેટલાક દર્દોમાં જો પ્રતિકુળ જણાય તો શેતૂરનો ઉપયોગ ન કરવો. જો શેતૂરના પ્રયોગથી કોઈ તકલીફ જણાય તો મધ અને દાડમનો ઉપયોગ કરવો.
અન્ય ઉપયોગો :
(1) તેના ફળો બાળકો, કિશોરો અને યુવાનો વગેરેને ખૂબ પ્રિય છે જે મે-જૂન માસમાં ફળ વેચનારાઓ ધ્વારા ગામડાં અને શહેરોના બજારોમાં વેચાતા મળે છે. ગરમીમાં તેનો 100 થી 500 ગ્રામ રસ પુખ્ત વયની વ્યક્તિ પી શકે છે. તેના પાકાં ફળનું શરબત બને છે. તેના કાચાં ખાટાં શેતૂરની ચટણી બનાવી ખવાય છે. કાચાં શેતૂર વધુ ખાટાં હોય છે અને જ્યારે પાકે ત્યારે જ તેમાં મીઠાશ આવે છે.
(2) તેનું લાકડું પવિત્ર હોઈ ધાર્મિક વિધિમાં વપરાય છે. તેનું લાકડું મજબૂત હોઈ તેનો ફર્નિચર અને સંઘાડાકામ અને રમતગમતના સાધનો બનાવવા માટે પણ ઉપયોગ થાય છે. તે ઉપરથી સફેદ, અંદરનું પીળું, કઠણ અને સુંદર હોય છે.
(3) રેશમના કીડાને શેતૂરના પાન વધુ ભાવતાં હોઈ રેશમના કીડાના ઉછેર માટે તેનું મોટા પાયે વાવેતર થાય છે. આમ રેશમ ઉદ્યોગ માટે તે અગત્યનું ઝાડ છે.
(4) તેના બીમાંથી પીળાશ લેતું તેલ મેળવાય છે.
(5) તેની છાલમાંથી કાગળો બને છે.
સ્ત્રોત : (1) શાકભાજી, ફળો અને સૂકો મેવો લે. વૈદ્ય બળદેવપ્રસાદ પનારા, (2) આર્યભિષક લે. શંકર દાજી પદે, (3) વનસ્પતિ સૃષ્ટિ લે. ગો.ખી. બાંભડાઈ અને (4) નિઘંટુ લે. બાખાલાલ ગ. વૈદ્ય
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

