રક્ષિત ખેતી એટલે પાકની જાત પ્રમાણે તેની જરૂરિયાત મુજબ આજુબાજુના સૂક્ષ્મ વાતાવરણને અંશતઃ કે સંપૂર્ણ રીતે નિયંત્રિત કરવા માટે વપરાતી પાકના ઉછેર માટેની પદ્ધતિ.
રક્ષિત ખેતીની જરૂરિયાત શા માટે ?
1 સારી ગુણવત્તા ધરાવતું ઉત્પાદન મેળવવા
2 ઊંચી ઉત્પાદકતા મેળવવા
3 ઋતુ સિવાય (ઑફ સીઝન) વાવેતર કરવા
4 સ્ત્રોતોનો અસરકારક ઉપયોગ કરવા
5 નર્સરી ઉછેર અને છોડના હાર્ડનિંગ કરવા
6 રોગ-જીવાતનું સારૂ નિયંત્રણ કરવા
7 જંતુનાશકોનો વપરાશ ઓછો કરવા
વૈજ્ઞાનિકો રક્ષિત ખેતીને ‘આગામી પેઢીની ખેતી’ કહે છે જેના અનેકવિધ લાભો છે જેવા કે,
- પાકની આજુબાજુના તાપમાન અને ભેજને માફકસર રાખે છે.
- છોડનું વર્ધન વધુ સારી રીતે કરે છે.
- ઉત્પાદનની ગુણવત્તા અને જથ્થામાં વધારો કરે છે.
- રોગ અને જીવાતથી લાગતો ચેપ ઘટાડે છે.
- 40 થી 70 ટકા જેટલા પાણીની બચત કરે છે.
- ખુલ્લા ખેતરોમાં થતી ખેતીની સરખામણી રાસાયણિક ખાતરની જરૂરિયાતમાં બચત કરે છે.
- સામાન્ય વાવેતરની સરખામણીએ પાક વહેલો પક્વ થાય છે.
રક્ષિત ખેતીના પ્રકારો :
ખાસ પ્રકારના ખેત-હવામાન વિસ્તારોને અનુકુળ હોય તે પ્રમાણે વિવિધ પ્રકારની રક્ષિત ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે.
(1) ગ્રીનહાઉસ (Greenhouse) :

ગ્રીનહાઉસમાં યુવી સ્ટેબિલાઈઝડ પ્લાસ્ટિક ફિલ્મથી આવરિત ફ્રેમના માળખાનો ઉપયોગ કરી અંશતઃ અથવા નિયંત્રિત વાતાવરણની પરિસ્થિતિમાં નીચે જણાવેલ પાકોનો ઉછેર કરવામાં આવે છે.
(ક) ફૂલપાકો : ગુલાબ, કાર્નેશન, જર્બેરા, ઓર્કિડ વગેરે
(ખ) ફળપાકો : સ્ટ્રોબેરી વગેરે
(ગ) શાકભાજી પાકો : ટામેટા, કેપ્સિકમ, કાકડી, કોબીજ વગેરે
(2) શેડ-નેટ હાઉસ (Shade-net house) :

શેડ-નેટ હાઉસમાં વિવિધ હવામાન પરિસ્થિતિ મુજબ તંદુરસ્ત કલમો, છોડ, ધરૂ ઉછેરવામાં અને છોડનું હાર્ડનિંગ કરવામાં આવે છે. તેમાં ગુલાબ, જર્બેરા, કેપ્સિકમ, મરચી, ભીંડા, બ્રોકોલી, તુરીયાં, દૂધી અને કાકડી વગેરે પાકોની ખેતી કરવામાં આવે છે.
(3) લો ટનલ્સ (Low tunnels) :

આ ખરેખર એક પ્રકારનું નાનું ગ્રીનહાઉસ છે. અર્ધવર્તુળાકાર પ્રકારની ફ્રેમ બનાવી પ્લાસ્ટિક ફિલ્મથી આવરીત કરી વિવિધ જાતના ટનલ્સ બનાવવામાં આવે છે. ફ્રેમના ટેકા માટે લાકડું, વાંસ, પ્લાસ્ટિક, ટ્યૂબ, વાયર કે હુપ્સ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. લો ટનલ્સનો મોટો ફાયદો ઓછો ખર્ચ અને બાંધકામ માટેની સરળ પદ્ધતિ છે.
(4) વૉક ઈન ટનલ્સ (Walk in tunnels) :

ટામેટા અને કાકડી જેવા ઊંચા વધતા પાકોના ઉછેર માટે માણસની ઊંચાઈ જેટલું પ્લાસ્ટિક ફિલ્મથી આવરીત માળખું બનાવવામાં આવે છે. લાકડા કે સ્ટીલના હુપ્સનો ઉપયોગ કરી પ્લાસ્ટિક ફિલ્મ લગાવી આ પ્રકારની ટનલ્સ બનાવાય છે. આ પદ્ધતિમાં પ્લાસ્ટિક ફિલ્મ જમીનમાં બરાબર રીતે દબાવવામાં આવેલી હોવી જોઈએ. કેટલીકવાર સસ્તી પોલીથીન ફિલ્મ વાપરવામાં આવે છે જે એક ઋતુનો પાક લેવાયા બાદ સૂર્યની ગરમીથી ફાટી જાય છે જેથી લાંબો સમય જાળવી રાખવા માટે યુવી સ્ટેબિલાઈઝડ પોલીથીન ફિલ્મનો ઉપયોગ કરવો જોઈએ.
(5) પ્લાસ્ટિક ટનલ્સ (Plastic tunnels) :

આ ગ્રીનહાઉસ જેવું નાનું બાંધકામ છે. જે પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં વધારો કરે છે. આ ટનલ્સ વરસાદ, પવન, હિમ વગેરે જેવી નુકસાનકર્તા હવામાન પરિસ્થિતિ સામે છોડને રક્ષણ પૂરૂ પાડે છે. આવી ટનલ્સનો ઉપયોગ મુખ્યત્વે નર્સરી ઉછેર માટે થાય છે.
(6) પ્લાસ્ટિક આવરણ (Plastic mulch) :

છોડની આજુબાજુ આવેલી જમીનને આધારિત કરવા માટે પ્લાસ્ટિક ફિલ્મનો ઉપયોગ થાય છે જે જમીનમાં ભેજનું સંરક્ષણ કરી નીંદણોનો ઉગાવો અટકાવે છે અને જમીનના તાપમાનનું નિયમન કરે છે. વર્તમાન સમયે કાળી (Black), સિલ્વર-બ્લેક (Silver-Black), લાલ (Red), પીળી (Yellow), અને સફેદ-કાળી (White-Black) વગેરે પ્લાસ્ટિક ફિલ્મનો ઉપયોગ થાય છે.
રક્ષિત ખેતી માટેની જરૂરિયાતો :
(ક) હવામાન :
હવામાનના વિવિધ ઘટકોના આંકડા અને માહિતી નજીક આવેલ હવામાન મથક ખાતેથી મેળવવી જોઈએ કે જેથી તે મુજબ રક્ષિત ખેતીનું આયોજન કરી શકાય.
(1) વરસાદ :
- સરેરાશ માસિક વરસાદ અને વર્ષ દરમ્યાન વરસાદની વહેંચણીની માહિતી
- સૂકો અને ભીનો સમયગાળો
- એક થી બીજા વર્ષ દરમ્યાન વરસાદની વિવિધતા
- વધુ વરસાદ અને ઓછા વરસાદનો સમયગાળો
- જો વધુ વરસાદ પડતો હોય તો વધારાના પાણીના સારા નિતારની વ્યવસ્થા કરવી. ગ્રીનહાઉસના છાપરા ઉપર પડતા પાણીનો ગટર ધ્વારા યોગ્ય નિકાલ કે નિતારની વ્યવસ્થા કરવી.
- જો દુષ્કાળની પરિસ્થિતિ પેદા થાય તો પિયત માટે પાણીના સંગ્રહની વ્યવસ્થા કરવી જરૂરી છે.
(2) તાપમાન :
- પાકનો વિકાસ તાપમાન ઉપર આધારિત છે.
- દરેક પાકને તેના આદર્શ વિકાસ માટે પોતાને જરૂરી તાપમાન જોઈએ છે.
દા.ત. ટામેટાના પાકના ઉછેર માટે 150 થી 230 સે. તાપમાન આદર્શ ગણાય છે. જો તાપમાન 350 સે. જેટલું વધી જાય તો ટામેટાના પાકને ગંભીર નુકસાન થાય છે.
(3) સૂર્યપ્રકાશનો ગાળો :
- પાકનો વિકાસ અને ઉત્પાદનનું સ્તર પાકને મળતા દૈનિક સૂર્યપ્રકાશ ઉપર આધારિત છે.
- ઘણા પાકો ઉપર ટુંકા ગાળા અને લાંબા ગાળાના દિવસની અસર થાય છે એટલે કે સૂર્યપ્રકાશનો ગાળો પાક ઉપર અસર કરે છે જે એક મહત્વની બાબત છે.
- કાળી પ્લાસ્ટિક ફિલ્મનો ઉપયોગ કરી સૂર્યપ્રકાશના ગાળાને ટૂંકો કરી શકાય છે અને કૃત્રિમ પ્રકાશ દ્વારા ગાળાને વધારી શકાય છે. વિષુવવૃતીય વિસ્તારમાં પાકના જરૂરી વિકાસના તબક્કે આ પ્રકારે પ્રકાશની વધઘટ કરવામાં આવે છે.
(4) સાપેક્ષ ભેજ :
- સાપેક્ષ ભેજ પાકના વિકાસ અને તંદુરસ્તી ઉપર અસર કરે છે.
- જો સાપેક્ષ ભેજ ઊંચા પ્રમાણમાં હોય તો તાપમાનમાં વધઘટ થતાં અને બાસ્પીભવનમાં વધારો થવાના કારણે ફુગથી થતા રોગોના પ્રમાણમાં વધારો થાય છે એટલે કે ફુગથી થતા રોગો માટે યોગ્ય વાતાવરણ પૂરૂ પાડે છે.
- જો સાપેક્ષ ભેજ ઓછો હોય તો ઉત્સ્વેદનનો દર ઊંચો થાય છે જે મોટો ગેરફાયદો છે. આ સમયે ફુવારાથી પાણીનો છંટકાવ કરી ઠંડક પેદા કરવી જરૂરી છે.
(5) પવનની ઝડપ અને ગતિ :
- ગ્રીનહાઉસના બાંધકામ વખતે પવનની ગતિ ધ્યાને લેવી ખાસ જરૂરી છે.
- પવનની ગતિની દિશાને ધ્યાને લઈ ગ્રીનહાઉસનું બાંધકામ કરવું ડહાપણભર્યું છે.
- હવામાનમાં પવનની ગતિને ધ્યાને લઈ સારી ગુણવત્તા ધરાવતી પ્લાસ્ટિક ફિલ્મ પસંદ કરવી જરૂરી છે.
ગ્રીનહાઉસમાં હવામાન નિયંત્રણ :
- ગ્રીનહાઉસમાં હવામાનનું નિયમન વેન્ટિલેટિંગ, હીટિંગ, કૂલિંગ અને સ્ક્રીનિંગ પદ્ધતિના ઉપયોગ વડે થાય છે.
- સૂકા અને સૂર્યપ્રકાશવાળું હવામાન હોય તે સમયે ગ્રીનહાઉસમાં હવામાનનું નિયમન કરવું મુશ્કેલ બને છે. ગ્રીનહાઉસના હવામાનમાં પાકનો ઉત્સ્વેદન દર મહત્વની અસર કરે છે. વધુ પ્રમાણમાં થતું ઉત્સ્વેદન વધુ ઊર્જા માંગે છે. તે સમયે હવામાંનું તાપમાન વધવું ન જોઈએ અને હવામાં ભેજના પ્રમાણમાં વધારો થવો જોઈએ.
હવામાનના નિયમન અંગેની રીતો :
(1) વેન્ટિલેશન : ગ્રીનહાઉસમાં પ્રવેશગાળે, બાજુમાં, છાપરા ઉપર કે પાછલા બારણે હવાની અવરજવર માટે વેન્ટિલેશન રાખવામાં આવે છે.
(2) સ્ક્રીન્સ :
- જે પાકોને વધુ સૂર્યપ્રકાશ ન જોઈતો હોય તેઓ માટે સ્ક્રીનિંગ જરૂરી છે.
- સ્ક્રીનિંગ કેટલેક અંશે બાસ્પીભવનમાં ઘટાડો કરે છે તેથી ભેજમાં થતું નુકસાન અટકાવે છે જેથી પાકને ઓછુ પાણી જોઈએ છે.
- ગ્રીનહાઉસની બહારની બાજુ સ્ક્રીન રાખવો વધુ અસરકારક છે.
(3) હીટિંગ :
- ગ્રીનહાઉસ અથવા ટનલને ગરમ રાખવી જરૂરી છે કે જેથી ઠંડીથી પાકને થતું નુકસાન અટકાવી પાકનો આદર્શ વિકાસ સાધી શકાય.
- પેશિવ હીટિંગનો ઉપયોગ કરી ગ્રીનહાઉસ કે ટનલમાં વધારાની ગરમી પેદા કરી શકાય.
(4) કૂલિંગ :
- જો કિરણોત્સર્ગ વધુ હોય અને બહારની બાજુ તાપમાન વધુ ઊંચુ હોય ત્યારે ગ્રીનહાઉસમાં ઉગાડેલ પાકના સારા વિકાસ માટે તેને ઠંડક આપવી જરૂરી છે.
- સ્ક્રીનિંગ અથવા વેન્ટિલેશનનો ઉપયોગ કરી કૂલિંગના ઉપાયો હાથ ધરવા જોઈએ.
- ગરમ હવામાનના સમયે ગ્રીનહાઉસમાં ફુવારા કે વેટિંગ સ્ક્રીન કે પેડ અને ફેન કૂલિંગ પદ્ધતિ હવામાનનું નિયંત્રણ કરવામાં મદદ કરે છે.
(ખ) પાકને પિયત આપવાની રીતો :
(1) ફુવારા પિયત :
- ગ્રીનહાઉસમાં કાયમી ધોરણે પાઈપો પાથરીને પાકને ફુવારા વડે પિયત આપવામાં આવે છે.
- પાઈપો પાકની નીચેની બાજુએ રાખવી જોઈએ પરંતુ મોટા ભાગે પાકની ઉપરની બાજુ પાઈપો રાખવામાં આવે છે.
- વહેલી સવારે પિયત આપવું જોઈએ. રાત્રિના સમયે ગ્રીનહાઉસમાંના પાક ભીનાશવાળા ન રહે તે જરૂરી છે.
- હવામાન સૂર્યપ્રકાશવાળું અને વધુ સૂકું હોય તેવા સમયે પાકને ભેજ આપવા માટે ફુવારા પિયત પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી ઠંડકની અસર થતાં સાપેક્ષ ભેજમાં વધારો થાય અને ઉત્સ્વેદનમાં ઘટાડો થાય.
(2) ટપક પિયત :
- ગ્રીનહાઉસમાં થતી ખેતી માટે આ પદ્ધતિનો વધુ ઉપયોગ થાય છે.
- વ્યક્તિગત રીતે દરેક છોડ પાણી મેળવે છે.
- જમીન સપાટ અને પાણી ચોખ્ખું (ક્ષારવિહીન) હોવું જોઈએ જેથી ડ્રિપનાં કાણાં બંધ ન થવા પામે.
- જ્યાંથી પાણી પ્રવેશ પામે ત્યાં ફિલ્ટરની સારી વ્યવસ્થા હોવી જરૂરી છે.
- સામાન્ય રીતે યોગ્ય પ્રમાણમાં રાસાયણિક ખાતરનું દ્રાવણ ભેળવી ટપક પિયત પદ્ધતિ ધ્વારા ફર્ટિગેશન અપનાવવું જોઈએ.
- ખાસ કરીને સૂકા હવામાનના ગાળામાં ફુવારા પિયત પદ્ધતિની સરખામણીએ ટપક પિયત પદ્ધતિ અપનાવી 30 થી 70 ટકા જેટલા પાણીની બચત કરી શકાય છે.
(ગ) પાક સંરક્ષણ અને ખાતરો :
- ખુલ્લા ખેતરમાં ઉગાડવામાં આવતા પાકોની સરખામણીએ ગ્રીનહાઉસમાં જૈવિક નિયંત્રકો વાપરી રોગ અને જીવાતનું અસરકારક રીતે નિયંત્રણ કરી શકાય છે.
- પાકને નુકસાન કરતી ફુગ અથવા નુકસાનકારક કીટકો સામે પરજીવી ફુગ કે પરજીવોઓનો ઉપયોગ કરી લડત આપી પાકનું રક્ષણ કરી શકાય છે.
- ખુલ્લા ખેતરોમાં થતા પાકો કરતાં ગ્રીનહાઉસમાં થતા પાકોને પર્યાવરણીય મિત્ર પાકો ગણવામાં આવે છે.
- ગ્રીનહાઉસ એક બંધિયાર અને નિયંત્રિત વાતાવરણવાળું હોઈ કીટકોના નિયંત્રણ માટે વપરાતા ઝેરી વાયુઓનો ઉપયોગ કરી પાકનું રક્ષણ કરી શકાય છે.
- માનવ અને પ્રાણીઓથી થતા નુકસાન સામે સાવચેતીના પગલાં ભરી શકાય છે.
- કીટકોથી થતા નુકસાનને અટકાવવા માટે નેટનો ઉપયોગ કરી રક્ષણ કરી શકાય છે.
- સારી રીતે કહોવાયેલ ગુણવત્તાયુક્ત સેન્દ્રિય ખાતર વાપરવાથી સૂક્ષ્મજીવાળુઓ ધ્વારા નાઈટ્રોજન સ્થિરીકરણની તકો ઓછી રહે છે જેથી મુક્ત નાઈટ્રોજન છોડ સારી રીતે લઈ શકે છે.
- રાસાયણિક ખાતર એકલું કે મિશ્ર કરી ગ્રીનહાઉસમાં આપી શકાય છે.
- બજારમાં ઉપલબ્ધ પ્રવાહી ખાતરો પિયતના પાણી સાથે મિશ્ર કરી સહેલાઈથી આપી શકાય છે જેને ફર્ટિગેશન કહે છે.
(ઘ) કાપણી, ગુણવત્તા અને પસંદગી, પેકેજિંગ અને પરિવહન :
- પાકની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે કાળજી અને સાવચેતી પૂર્વક પાકની કાપણી કરવી જોઈએ.
- ચોખ્ખી અને એકસરખા માપની સારી ગુણવત્તા ધરાવતી પેદાશના ઊંચા ભાવો મળે છે.
- કાપણી કરેલ પેદાશને સૂર્યપ્રકાશમાં લાંબો સમય રાખવી નહિ અને ઠંડકવાળી જગ્યાએ સંગ્રહ કરવો. શક્ય હોય તો વેરહાઉસનો ઉપયોગ કરવો જોઈએ.
- પેદાશની ગુણવત્તા જાળવવા માટે પેકેજિંગનો ઉપયોગ કરવો. લાંબા અંતરે પેદાશનું પરિવહન કરવા માટે ખાસ પ્રકારના ક્ન્ટેઈનર્સ, કાર્ટન અથવા પ્લાસ્ટિક બોક્સનો ઉપયોગ કરવો જોઈએ.
- જે પેદાશની ગુણવત્તા ઉપર હાનિકારક અસર થતી હોય તો તેવી પેદાશનું પરિવહન ટાળવું જોઈએ.
મજૂરોની જરૂરિયાત અને તીવ્રતા :
શાકભાજીની ખેતી એ વધુ મજૂરોની જરૂરિયાતવાળો ધંધો નીચે દર્શાવેલ કામગીરી માટે મજૂરોની જરૂર રહે છે.
(ક) નર્સરી :
- ક્યારાઓને તૈયાર કરવા
- વાવણી કરવા
- કૂંડાંમાંની જમીન તૈયાર કરવા
- કૂંડાં કે કન્ટેઈનર્સમાં છોડની ફેરરોપણી કરવા
- નર્સરીમાં ક્યારાઓને સમતળ કરવા
- નર્સરીને ચોખ્ખી રાખવા અને જાળવણી કરવા
- રોગ-જીવાતનું નિયંત્રણ કરવા
(ખ) ગ્રીનહાઉસ :
- જમીનની તૈયારી કરવા
- રાસાયણિક ખાતર આપવા
- જમીનને સમતળ કરવા
- ધરૂની રોપણી કરવા
- પિયત અને ખૂંટણી કરવા
- પાકની જાળવણી અને સંભાળ રાખવા
- રોગ-જીવાતનું નિયંત્રણ કરવા
- કાપણી, પસંદગી, પેકેજિંગ અને પરિવહન માટે
(ચ) નાણાકીય ટર્નઓવર :
- ગ્રીનહાઉસ, બાંધકામ અને મશીનરી પાછળ કરવામાં આવેલ ખર્ચ તથા મૂડી પરનું વ્યાજ, મજૂરી ખર્ચ, ઉત્પાદન ખર્ચ, ભાડુ વગેરેને થયેલ આવકમાંથી બાદ કરી ચોખ્ખા નફાની ગણતરી કરવામાં આવે છે.
- ઓછા મૂડીરોકાણ ધ્વારા સાદા ગ્રીનહાઉસ બનાવી ઊંચો બજારભાવ મળે તેવા પાકો ઉછેરવા માટે પસંદ કરવા જેથી આકર્ષક વળતર મળે.
- ગ્રીનહાઉસમાં પાકોનો ઉછેર કરવા માટેનો સોનેરી નિયમ એ છે કે શરૂઆતમાં નાના પાયે ગ્રીનહાઉસમાં પાકનો ઉછેર કરી અનુભવ થયે વધુ મૂડીરોકાણ કરી ગ્રીનહાઉસનો વ્યાપ વધારવો જોઈએ.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, જાન્યુઆરી 2020
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

