કોઈપણ પાકનું ઉત્પાદન તેમાં વપરાતી વાવેતર સામગ્રીની ગુણવત્તા અને તેના ઉછેર માટે અનુકુળ વાતાવરણ ઉપર આધાર રાખે છે. આખા વર્ષ દરમ્યાન સારી ગુણવત્તા ધરાવતા ફૂલો મેળવવા માટે કુદરતી વાતાવરણ અનુકુળ હોતું નથી તેથી જ કટફ્લાવરની ખેતી રક્ષિત પરિસ્થિતિમાં તાપમાનના નિયંત્રણ વડે કરવામાં આવે છે જે ખેડૂતોને ઊંચું વળતર આપે છે. આ બાબત ખુલ્લા ખેતરોમાં શક્ય નથી.
ભારત દેશમાં ફૂલપાકોની ખેતી ખુલ્લા ખેતરોમાં કરવામાં આવે છે જેના ઉપર હવામાનની વિપરિત અસર થતાં ઉત્પાદન અને ગુણવત્તા ઉપર અસર થવા પામે છે. ઉતરતી ગુણવત્તાવાળા ઉત્પાદનનો સારો બજારભાવ ખેડૂતોને મળતો નથી પરિણામે ખોટ જાય છે. ઉત્તરાખંડ રાજ્યમાં જૂન થી સપ્ટેમ્બર માસ દરમ્યાન ગરમ પવનો અને ડિસેમ્બર થી ફેબ્રુઆરી દરમ્યાન નીચું તાપમાન અને હિમ અને ઊંચી ટેકરીઓ ઉપર નવેમ્બર થી ફેબ્રુઆરી માસ દરમ્યાન ઘણું નીચું તાપમાન હોઈ ગુણવત્તા યુક્ત ફૂલો ઉગાડી શકાતા નથી. પરિણામે ફૂલોના પૂરવઠામાં ખામી પેદા થાય છે જેથી દિલ્હી, નૈનિતાલ, દહેરાદુન, બરેલી અને મસુરી જેવા શહેરોમાં ફૂલોના ભાવ આ સમયે એકદમ વધી જાય છે.
ઉપરોક્ત વિગત ધ્યાને લઈ ઊંચુ મૂલ્ય ધરાવતા ફૂલપાકો ગ્રીનહાઉસ, પોલીહાઉસ, લેથહાઉસ, નેટહાઉસ જેવા રક્ષિત બાંધકામમાં ઉછેરવા જોઈએ કે જેમાં અનુકુળ વાતાવરણીય પરિસ્થિતિ પેદા કરી ફૂલપાકનો આદર્શ ઉછેર કરી આખુ વર્ષ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકાય છે. પરંપરાગત ખેતી કરતાં ગ્રીનહાઉસમાં ઋતુ સિવાય (ઑફ સીઝન) પણ પાક ઉછેરી વધુ સારૂ ઉત્પાદન મેળવવાની સારી તકો રહેલી છે. ગ્રીનહાઉસમાં ગુલાબ, કાર્નેશન, લિલિયમ, જર્બેરા અને ક્રિસેન્થીમમ વગેરે ફૂલપાકો લઈ શકાય છે.
ગ્રીનહાઉસ :
ગ્રીનહાઉસ પ્લાસ્ટિક, પીવીસી શીટ, પૉલીકાર્બોનેટ શીટ, ફાયબર રેઈનફોર્સડ પ્લાસ્ટિક (FRP) અથવા ગ્લાસના ઉપયોગથી માળખાને આવરિત કરી બનાવવામાં આવે છે જેમાં સૂર્યના કિરણો પસાર થાય છે અને તાપમાનનું નિયંત્રણ કરી શકાય છે. તેમાં છોડના વિકાસ માટે જરૂરી વાતાવરણ પેદા થાય છે. ગ્રીનહાઉસમાં છોડના વિકાસ માટે જરૂરી પ્રકાશ, ગરમી, અંગારવાયુ અને ભેજનું સારી રીતે નિયંત્રણ કરી શકાય છે. આવા પ્રકારના ગ્રીનહાઉસ ભારતના સરેરાશ ખેડૂતો માટે ઘણાં મોઘાં છે તેથી લાકડામાંથી અને પ્લાસ્ટિક શીટ, શેડ નેટ કે યુવી સ્ટેબિલાઈઝાડ એલડીપીઈ ફિલ્મ શીટનો ઉપયોગ કરી બનાવેલ ગ્રીન હાઉસ ઓછા ખર્ચાળ છે. નાના અને સીમાંત ખેડૂતો માટે ઓછા ખર્ચાળ પોલીહાઉસ આર્થિક રીતે વધુ અનુકુળ છે કે જેઓ હાઈટેક પોલીહાઉસ માટે થતો ઊંચો ખર્ચ કરી શકે તેવા નથી. પોલીહાઉસમાં શિયાળા દરમ્યાન બહારના વાતાવરણ કરતાં 4 થી 60 સે. વધુ તાપમાન રાખી શકાય છે જ્યારે ઉનાળાના સમયે હવાની અવરજવર માટે વ્યવસ્થા કરવી પડે છે.
ગ્રીનહાઉસની રચના વૈજ્ઞાનિક સિદ્ધાંતોના આધારે કરવી જોઈએ કે જે છોડના વિકાસ માટે જરૂરી વાતાવરણને નિયંત્રણ કરે. પવનની ગતિ, સ્થળ (અક્ષાંશ) અને તાપમાનનું નિયંત્રણ વગેરે ગ્રીનહાઉસ બનાવતી વખતે ધ્યાને લેવાં જોઈએ. ગ્રીનહાઉસ ઉપર છાંયો ન પડે તે માટે પૂર્વ-પશ્ચિમ દિશા રાખી બનાવવા જોઈએ. ગ્રીનહાઉસ 100 ચો.મી. થી 10,000 ચો.મી. કે તેથી વધુ માપ ધરાવતાં બનાવી શકાય છે.
ગ્રીનહાઉસમાં ફૂલપાકો ઉછેરવાથી થતા ફાયદાઓ :
(1) ઊંચુ વળતર મેળવવા માટે ઋતુ સિવાય (ઑફ સીઝન) પાક ઉછેરી શકાય છે.
(2) ઉત્પાદકતામા વધારો થાય છે.
(3) એકસરખું માપ, કદ, અને રંગ તેમજ સારી ગુણવત્તા ધરાવતું ઉત્પાદન મળે છે જે નિકાસ માટેના યોગ્ય ધોરણો ધરાવે છે.
(4) જમીન, પાણી, પોષકતત્વો, સૂર્ય ઊર્જા, મજૂરો વગરેનો અસરકારક, કાર્યક્ષમ અને ચોક્કસપણે ઉપયોગ કરી આખુ વર્ષ ફૂલોના ઉત્પાદનની ખાતરી મેળવી શકાય છે.
(5) એકમ વિસ્તાર દીઠ ઈનપુટનો ખર્ચ અને સમય ઘટાડી વધુ ઉત્પાદકતા અને નફાકારકતા મેળવી શકાય છે.
(6) રોગ-જીવાતનું સહેલાઈથી નિયંત્રણ કરી શકાય છે.
(7) પાણી વપરાશની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે.
(8) મજૂરોની જરૂરિયાત ઓછી રહે છે.
(9) ઝડપી સ્ફુરણ, પ્રકાશસંશ્લેષણ અને અન્ય દેહધાર્મિક પ્રવૃત્તિઓ ઝડપી થતાં ફૂલો, ફળો વહેલાં મળતાં હોઈ પાકની વહેલી કાપણી કરી શકાય છે.
(10) પોલીહાઉસમાં રહેલ જગ્યાનો પુરેપુરો ઉપયોગ કરી શકાય છે.
સામાન્ય રીતે ગ્રીનહાઉસમાં સપાટ ક્યારા, ગાદી ક્યારા, બેન્ચો અને કૂંડાંમાં ફૂલપાકો લેવામાં આવે છે.
છોડ ઉછેર માધ્યમના લક્ષણો :
ગ્રીનહાઉસમાં છોડનો સારો વિકાસ થાય તે માટે પુરતા પોષકતત્વો આપે તેવું માધ્યમ ઉપયોગમાં લેવું જોઈએ. માધ્યમ છીદ્રાળુ, સારી જળ સંગ્રહ શક્તિ ધરાવતું, ક્ષાર વિહીન, નીંદણના બીજથી મુક્ત, કૃમિથી મુક્ત અને નિર્જીવીકરણ થયેલ હોવું જોઈએ.
ગ્રીનહાઉસમાં ઉછેરી શકાય તેવા પાકો :
(1) ગુલાબ :

ગ્રીનહાઉસમાં થતો આ એક અગ્રણી નફાકારક ફૂલપાક છે જે ઊંચી નફાકારકતા આપે છે. શિયાળાના સમય દરમ્યાન આદર્શ વાતાવરણને કારણે ભારતમાં ગુલાબના ફૂલોનું ઘણા ઓછા ખર્ચે ઉત્પાદન કરી શકાય છે જેને લઈ યુરોપિયન દેશોમાં તેના નિકાસની ઉજ્જવળ તકો રહેલી છે. ગુલાબની કોરા, કોરવેટ્ટી, ડિપ્લોમેન્ટ, ફર્સ્ટ રેડ, ગ્રાન્ડ ગાલા, કિસ, કોનફેટ્ટી, લમ્બડા, લેસર, નિકોલ, નોબલેસ, ઓસિયાના, પપિલોન, પરીયા, પેશન, સાચા, સમુરા, રોડીયો, સુસન્ને, ટેક્સાસ વગેરે જાતોની મુખ્યત્વે નિકાસ થાય છે.
ગ્રીનહાઉસમાં પર્યાવરણીય સ્થિતિ :
- તાપમાન : દિવસે 18 થી 280 સે. અને રાત્રે 150 થી 180 સે.
- પ્રકાશ : પ્રકાશગાળો 12 કલાકથી વધુ અને તીવ્રતા – 6,000, 8,000 ફૂટ કેન્ડલ્સ
- સાપેક્ષ ભેજ : 50 થી 60 ટકા
- હવાની અવરજવર : હવા તથા જમીનમાં સારી
- અંગારવાયુ : 1000 થી 3000 પીપીએમ
ગુલાબનું વર્ધન વેપારી ધોરણે ‘ટી’ કલિકારોપણ, ડાળીના કટકાઓ અને કલમો ધ્વારા થાય છે. ગ્રીનહાઉસમાં વાવેતર માટે મૂળ ધરાવતા કટકાઓનો ઉપયોગ થાય છે. ગ્રીનહાઉસના ક્યારાઓમાં એક બે કે ચાર હરોળ પદ્ધતિથી 30 સે.મી. × 25 સે.મી.નું અંતર રાખી વાવેતર કરવામાં આવે છે. છોડને ટેકો આપવા અગ્ર ટોચ દૂર કરવી, વિકસતી ન હોય તેવી કળીઓને દૂર કરવી, બાજુમાં થયેલ ફુટને દૂર કરવી, છાંટણી કરવી, ફુટને વાળવી, ખરાબ ફૂલો દૂર કરવાં વગેરે ખેતીકીય કાર્યો કરવામાં આવે છે. ઉનાળામાં 5 થી 6 અઠવાડીયે અને શિયાળામાં 8 અઠવાડિયે ફૂલો આવવાની શરૂઆત થાય છે. જ્યારેચુસ્ત કળી હોય ત્યારે કાપણી કરવામાં આવે છે. ભારતમાં ગ્રીનહાઉસમાંથી ચોરસમીટર દીઠ વર્ષે 150 થી 200 ડાળીઓ (stems) મેળવી શકાય છે.
(2) કાર્નેશન :

કાર્નેશનના ફૂલો સુંદર અને વિવિધ રંગની શ્રેણીમાં મળતાં હોઈ વધુ ખ્યાતિ પામેલ છે. ઘરેલું તેમજ વિદેશી બજારમાં તે વધુ ઉત્પાદન અને ઊંચી ગુણવત્તા ધરાવતા ફૂલો આપતાં હોઈ તેની જબરદસ્ત તકો રહેલી છે. તેની પ્રખ્યાત જાતોમાં ડોના, પિન્ક ડોના, મલાગા, વ્હાઈટ ડોના, લિપસ્ટિક, એમ્પાયર, રોમન, વ્હાઈટ ટેન્ડ્રા, કોર્લેવન, ડાર્ક ટેમ્પો, બગાટેલ, સોલર, કોબ્રા, લોરેલા, ટન્ગા, સોનસરા, ડાકાર, લિબર્ટી, સન શાઈન અને ચારમેન્ટ વગેરે જાતોનો સમાવેશ થાય છે.
ગ્રીનહાઉસમાં પર્યાવરણીય સ્થિતિ :
- પ્રકાશ : પ્રકાશગાળો (16 કલાકથી વધુ લાંબા દિવસો) અને તીવ્રતા (100 વોટ બલ્બ – 10.5 મીટર જગ્યામાં 1.5 મીટર ઊંચે)
- તાપમાન : રાત્રે (શિયાળામાં 100 થી 110 સે., વસંત ઋતુમાં 12.70 સે. અને ઉનાળામાં 13 થી 15.40 સે. ) અને દિવસે (180 થી 230 સે.)
- હવાની અવરજવર : મુક્ત રીતે
- સાપેક્ષ ભેજ : 50 થી 60 ટકા
- અંગારવાયુ : 500 થી 1500 પીપીએમ
કાર્નેશનનું વર્ધન 4 થી 6 પાન ધરાવતા 8 થી 10 સે.મી. લાંબા કટકા અને પેશી સંવર્ધન વડે કરવામાં આવે છે. કાર્નેશન 20 સે.મી. × 20 સે.મી. ના અંતરે ઉગાડવામાં આવે છે. ગ્રીનહાઉસમાં કેટલાક ખેતીકીય કાર્યો કરવામાં આવે છે જેવા કે, અગ્ર ટોચ દૂર કરવી, વિકસિત ન હોય તેવી કળી દૂર કરવી, બાજુમાં થયેલ ફુટ દૂર કરવી, શિયાળાના ઠંડા ગાળા દરમ્યાન પૂરક પ્રકાશની વ્યવસ્થા કરવી, નેટિંગ વગેરે. પાકની રોપણી બાદ 4 માસ બાદ ફૂલો આવવાના શરૂ થાય છે. કાર્નેશનના ફૂલો કળી અવસ્થાએ ઉતારવામાં આવે છે. વર્ષે એક ચોરસ મીટર વિસ્તારમાંથી 200 થી 220 ફૂલોનું ઉત્પાદન મળે છે.
(3) જર્બેરા :

જર્બેરા એ ટ્રાન્સવાલ ડેઈઝી, બાર્બરટોન ડેઈઝી અને આફ્રિકન ડેઈઝીના નામે જાણીતું વિશ્વમાં ઉગાડાતું મહત્વનું ફૂલ છે. તેના ફૂલો વિવિધ રંગના હોઈ ફૂલોની ગોઠવણીમાં વપરાય છે. તેને મોટે ભાગે ગ્રીનહાઉસમાં ઉછેરવામાં આવે છે. જર્બેરાની મહત્વની જાતોમાં ડાયના, થલ્સા, સોનસારા, એનીકે, નેટી, રોઝેટ્ટા, ગ્લોરીયા, પ્રિસિલા, ઈન્ટેન્સ, સનવે, બેલેન્સ અને મોન્ટિકનો સમાવેશ થાય છે.
તેના ઉછેર માટે લાંબા દિવસો અને દિવસે 160 થી 220 સે. અને રાત્રે 120 થી 150 સે. તાપમાનની જરૂર રહે છે.
જર્બેરાનું વર્ધન છોડના કલમ્પ્સ (Clumps) ને છૂટા પાડીને અને પેશી સંવર્ધનથી કરી શકાય છે. તેની રોપણી 30 સે.મી. × 30 સે.મી. અથવા 40 સે.મી. × 25 સે.મી.ના અંતરે એક ચોરસ માટર દીઠ 8 થી 10 છોડ આવે તે રીતે જાન્યુઆરી-ફેબ્રુઆરી અથવા જૂન-જુલાઈ માસ દરમ્યાન કરવામાં આવે છે. રોપણી બાદ ત્રણ માસ પછી ફૂલો આવવાની શરૂઆત થાય છે. ફૂલો પુરેપુરા ઉગડે ત્યારે ઉતારવામાં આવે છે. ગ્રીનહાઉસમાં એક ચોરસ મીટર દીઠ વર્ષે સરેરાશ 180 થી 200 ફૂલોનું ઉત્પાદન મળે છે.
(4) લિલિયમ :

લિલિયમ એ એક મહત્વનું કટફલાવર છે જેની બજારમાં નિકાસ માટેની વધુ માંગ રહેલી છે. લિલિયમની ઓરિએન્ટલ અને એશિયાટિક એમ બે જાતો જોવા મળે છે જે પૈકી ઓરિએન્ટેલ જાતને ઉછેરવા અતિ આધુનિક સ્થિતિ જરૂરી હોઈ ઓછા ખર્ચાળ ગ્રીનહાઉસમાં એશિયાટિક જાતો ઉગાડવી સલાહભર્યું છે. મોટે ભાગે લિલિયમ ફૂલના ચાહકો ધ્વારા ટિયારા (પિંક સિંગલ), એફ્રોડાઈટ (પિંક ડબલ) અને સ્ફિન્ક્ષ (રેડ ડબલ) જાતો પસંદ કરવામાં આવે છે.
હવામાન :
તાપમાન : દિવસે 180 થી 250 સે અને રાત્રે 120 થી 180 સે.
આંશિક છાંયો : 40 થી 50 ટકા
હવાની અવરજવર : સારી
લિલિયમનું વર્ધન કંદ, બલ્બલેટ્સ, સ્કેલ્સ અને બુલબિસ વડે કરી શકાય છે. 12 થી 14 સે.મી માપના કંદને 0.2 ટકા બાવિસ્ટીનના દ્રાવણમાં 20 મિનિટ માટે માવજત આપવામાં આવે છે. ગ્રીનહાઉસમાં 15 સે.મી. × 25 સે.મી.ના અંતરે તેની રોપણી કરવામાં આવે છે. રોપણીના ત્રણ માસ બાદ ફૂલો આવવાનું શરૂ થાય છે. સ્થાનિક બજાર માટે 1 થી 2 ફ્લોરેટ ખિલ્યા હોય ત્યારે જયારે દૂરના બજાર માટે 1 થી 2 ફ્લોરેટ રંગ દર્શાવે ત્યારે જમીનના સ્તરથી થોડા સે.મી ની ઊંચાઈએ થડને કાપવાં. એકમ વિસ્તાર દીઠ સરેરાશ 1 થી 1.1 લાખ જેટલા સ્પાઈક્સ (spikes) નું ઉત્પાદન મેળવી શકાય છે.
(5) ક્રીસેન્થીમમ :

ક્રિસેન્થીમમ કટફ્લાવર, છૂંટા ફૂલ, કૂંડાંમાં લટકતી ટોપલીઓમાં, ક્યારાઓમાં અને કિનારીના છોડ તરીકે ઉગાડવામાં આવે છે. તેનાં ફૂલોની લાંબી આવરદા, ફૂલોના વિવિધ રંગ અને વજનમાં હલકાં હોઈ વધુ ખ્યાતિ પામેલ છે. ક્રીસેન્થીમમ નિકાસ માટે મહત્વની જાતોમાં સ્નો બોલ, હિમાંશુ, માઘી, માઉન્ટેનિયર, સૉનાર બંગલા, બ્રાઈટ ગોલ્ડન, એન્ને, ચંદ્રમા, અજય, બિરબલ સહની, લેહમેન્સ, નાનકો અને સોનાલી તારાનો સમાવેશ થાય છે.
હવામાન :
- પ્રકાશનો ગાળો : 9.5 કલાકથી ઓછો
- તીવ્રતા : પ્રતિદિન 1.2 થી 1.6 એમજે
- ગુણવત્તા : 600 થી 800 એનએમ
- તાપમાન : દિવસે 180 થી 210 સે અને રાત્રે 100 થી 160 સે.
- અંગારવાયુ : 500 થી 1000 પીપીએમ
જુન-જુલાઈ માસમાં થડના કટકા કરી એક ચોરસ મીટર દીઠ 25 છોડ અને કટફલાવર તરીકે 20 સે.મી. × 20 સે.મી. ના અંતરે રોપણી કરવામાં આવે છે. તેમાં અગ્રટોચ દૂર કરવી અને પીલા દૂર કરવા વગેરે મહત્વના ખેતીકાર્યો કરવામાં આવે છે. કટફ્લાવર તરીકે દૂરના બજાર માટે બહારના ફ્લોરેટસ ખીલવાના શરૂ થાય ત્યારે અને સ્થાનિક બજાર અડધા ખિલેલ ફૂલોની કાપણી કરવી. વર્ષે એક ચોરસ મીટર દીઠ 150 થી 250 ફૂલોની દાંડીનું ઉત્પાદન મળે છે.
આમ ઊંચુ મૂલ્ય ધરાવતા ફૂલપાકોને ખેડૂતો ગ્રીનહાઉસમાં ઉછેરે તો તેઓને આર્થિક રીતે મોટો ફાયદો થતાં તેમના આર્થિક-સામાજીક મોભામાં વધારો થાય છે. જો ગ્રીનહાઉસ બનાવતા ઈજનેરો, વૈજ્ઞાનિકો, પાક સંવર્ધકો અને સરકાર ભેગા મળીને સંયુક્ત રીતે નાના અને સીમાંત ખેડૂતોને ગ્રીનહાઉસ બનાવી ઊંચુ મૂલ્ય ધરાવતા ફૂલપાકો ઉછેરવા માટે પ્રોત્સાહન આપે તો ફૂલપાકોના ઉત્પાદનમાં અને બજારમાં તેઓની ભાગીદારીમાં વધારો કરી શકાય.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, ઓક્ટોબર 2018
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

