વર્ટિકલ ફાર્મિંગ : એક નવો અભિગમ (Vertical farming: An emerging approach)

                ભારત 127 કરોડ લોકોની વસ્તી સાથે વિશ્વનો દ્વિતીય ક્રમ દર્શાવતો દેશ છે. નેશનલ કમિશન ઑફ પોપ્યુલેશન પ્રોજેક્ટમાં જણાવ્યા મુજબ સને 2036 સુધીમાં દેશની વસ્તીમાં 25 ટકાનો વધારો થશે. સને 2011ના વસ્તી ગણતરી પત્રક મુજબ 37.70 કરોડ લોકો (31.16 ટકા) શહેરી વિસ્તારોમાં રહે છે તેની સંખ્યા પણ વધશે. ભારત દેશ પુરતા પ્રમાણમાં અન્ન પેદા કરતો હોવા છતાં વિશ્વની પાંચમા ભાગના ભૂખ્યા લોકો ભારત દેશમાં જીવે છે. ભારતમાં થતી ખેતીમાં જંતુનાશકો, ખાતરો અને પાણીનો ઘનિષ્ઠ રીતે વધુ પડતો ઉપયોગ થાય છે. દેશમાં રણવિસ્તાર વધે છે અને જમીન ઉતરતી બને છે તેમજ જમીનની ખેંચ પણ વધે છે. હવામાન ફેરફારને ધ્યાને લેતાં અન્ન સલામતી માટેની બાંહેધરી દેશ માટે વધુ મુશ્કેલ છે. આવા અનેક પ્રશ્નોના ઉકેલ રૂપ ભારતમાં કૃષિ ક્ષેત્રે વર્ટિકલ ફાર્મિંગ એ એક અસરકારક અને ટકાઉ જવાબ છે. તેના પરિણામ સ્વરૂપ બિનપરંપરાગત ખેતી પદ્ધતિઓમાં વર્ટિકલ ફાર્મિંગ એ ધ્યાન ખેંચેલ છે. આવા ફાર્મ ગાઢ વસ્તીમાં સ્થાપી શકાય છે અને આખુ વર્ષ તાજાં અને પોષણયુક્ત ખોરાક હવામાનને ધ્યાને લીધા વિના લાખો લોકોને પુરો પાડી શકાય છે.

        શહેરોના ઉદ્યોગો  અને મકાનોના બાંધકામોને વર્ટિકલ ફાર્મમાં ફેરવી શકાય તેમ છે. 30 માળની ઊંચી ઈમારત વધુમાં વધુ 2400 એકર જેટલો સમક્ષિતિજ વિસ્તાર કવર કરી શકે છે. આમ પરંપરાગત ખેતી પદ્ધતિ કરતાં વર્ટિકલ ફાર્મનું બાંધકામ કરી શકાય છે.  

વર્ટિકલ ફાર્મિંગના પ્રકાર :  

        વર્ટિકલ ફાર્મ વિવિધ કદ અને આકાર (દિવાલ ઉપર લગાવેલ અથવા બે સ્તરનું સેટઅપ) ધરાવતા અને કેટલાક વધુ માળ ધરાવતા પણ હોય છે. બધા વર્ટિકલ ફાર્મ એક્વાપોનિક, એરોપોનિક અને હાઈડ્રોપોનિક એમ ત્રણ પ્રકારની જમીનવિહોણી પાક પોષણ પદ્ધતિ ધરાવે છે.  

(1) હાઈડ્રોપોનિક્સ (Hydroponics) :

                વર્ટિકલ ફાર્મમાં મુખ્યત્વે આ સામાન્ય વૃદ્ધિ માટેની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં પોષણ યુક્ત દ્રાવણમાં છોડનું વાવેતર કરવામાં આવે છે. પોષણયુક્ત દ્રાવણમાં છોડનાં મૂળ ડૂબેલાં રહે છે જેની નિયમિત રીતે ચકાસણી કરી યોગ્ય રાસાયણિક રચનાની જાળવણી કરવાની હોય છે.

(2) એરોપોનિક્સ (Aeroponics) :

                આ પદ્ધતિ નેશનલ એરોનોટિકલ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા – NASA) ધ્વારા રચવામાં આવેલ છે. નાસાએ સૌ પ્રથમ વખત એરોપોનિક્સ શબ્દનો ઉપયોગ કરેલ જેમાં જમીન વિના અને ઘણા ઓછા પાણી વડે હવા કે ઝાકળયુક્ત પર્યાવરણમાં છોડ ઉછેરવામાં આવે છે. સને 1990માં અવકાશમાં છોડ ઉગાડવાની અસરકારક પદ્ધતિની શોધના ભાગ રૂપે આ પદ્ધતિનો વિકાસ થયેલ જે અંગે લોકોનું વધુ ધ્યાન દોરાયેલ. વધુ અસરકારક હાઈડ્રોપોનિક પદ્ધતિ કરતાં 90 ટકા ઓછા પાણીનો વપરાશ એરોપોનિક પદ્ધતિમાં થતો હોઈ વર્ટિકલ ફાર્મમાં અસરકારક રીતે છોડ ઉગાડવાની અસરકારક ટેક્નોલૉજી છે. તેના નિદર્શનમાં આ પદ્ધતિ વધુ વિટામિનો અને ખનીજોનું શોષણ કરે છે જે છોડના આરોગ્ય અને પોષણ મૂલ્યમાં વધારો કરે છે.  

(3) એક્વાપોનિક્સ (Aquaponics) :

     આ પદ્ધતિ માછલી અને છોડ બંનેના સમાન આવાસ એટલે કે વસવાટનું સંકલન કરે છે. તળાવમાં માછલીઓને ઉછેરવામાં આવે છે અને તેના મળમૂત્ર જે પોષકતત્વોથી સમૃદ્ધ હોય છે તેનો વર્ટિકલ ફાર્મમાં છોડને આપવામાં આવે છે. વર્ટિકલ ફાર્મિંગ પદ્ધતિમાં નાના પાયે એક્વાપોનિક્સનો ઉપયોગ થાય છે. મોટેભાગે વેપારી વર્ટિકલ ફાર્મ પદ્ધતિમાં મર્યાદિત પણે કેટલાક  શાકભાજીના પાકોને ઝડપથી વૃદ્ધિ પામે તે માટે ઉછેરવામાં આવે છે. તે અસરકારકતામાં વધારો કરે છે અને ઉત્પાદન અને આર્થિક પ્રશ્નોને સરળ બનાવે છે. નવી સ્ટાન્ડર્ડાઈઝડ એક્વાપોનિક પદ્ધતિઓમાં ક્લોઝડ સાયકલ ટેકનોલૉજીનો ઉપયોગ વધ્યો છે.

વર્ટિકલ ફાર્મિંગને પ્રોત્સાહન આપતી કંપનીઓ :  

        ભારતમાં વર્ટિકલ ફાર્મિંગનો વેપાર કરતી અનેક કંપનીઓ છે જેમાં બાર્ટોન બ્રીઝ, અર્બન ગ્રીન ફેઈટ (UGF), અર્બનકિસાન, ક્લોવર, લિવિંગ ફૂડ કંપની અને ટ્રાયટોન ફૂડવર્કસનો સમાવેશ થાય છે. ભારતમાં મુખ્યમથકો ધ્વારા વર્ટિકલ ફાર્મિંગ વડે માઈક્રોગ્રીન્સ, લેટયુસ, ચાર્ડસ (chards), હળદર અને ઔષધિય છોડને પેદા કરી પ્રાદેશિક બજારમાં પહોંચાડે છે.  

(1) અર્બન કિસાન (Urban kisan) :

     અર્બન કિસાન એ ભારતમાં મોટામાં મોટા વર્ટિકલ ફાર્મ ધરાવતી કંપની છે જેના વર્ટિકલ ફાર્મ હૈદ્રાબાદ અને બેંગલુરૂ ખાતે આવેલા છે. તેની અધિકૃત વેબસાઈટમાં જણાવ્યા મુજબ પરંપરાગત ખેતી કરતાં 95 ટકા ઓછા પાણીનો ઉપયોગ કરી 30 ગણું ઉત્પાદન પેદા કરે છે. તેની વેબસાઈટ અને એપ વડે ઓનલાઈન આઈટમોની ખરીદી કરી શકો છો.  

(2) અર્બન ગ્રીન ફેઈટ (Urban green fate-UGF) :

     આ બીજા નંબરે આવતા વર્ટિકલ ફાર્મની શોધ સને 2012માં થયેલ જે સ્થાનિક કક્ષાએ મુંબઈ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યુએસ માં વર્ટિકલ ફાર્મ ચલાવે છે. તે ખાલી જગ્યાઓ, ઘર અને મકાનો વચ્ચેની જગ્યાઓ અને રેસ્ટોરેન્ટની જગ્યાઓનો ઉપયોગ ઉત્પાદકીય હાઈડ્રોપોનિક માઈક્રો ફાર્મ બનાવવા માટે કરે છે. તે માઈક્રોગ્રીન્સ અને લીલાં પાનવાળાં શાકભાજી ઉછેરે છે કે જે નગણ્ય કાર્બન ફૂટપ્રિન્ટ ધરાવે છે અને સૂક્ષ્મ ખેતી માટે સંપૂર્ણપણે સમર્પિત છે. વિશેષમાં યુજીએફ કુટુંબો અને શાળાઓમાં શૈક્ષણિક કાર્યક્રમો ગોઠવી કઈ રીતે છોડનો ઉછેર કરી ઉત્પાદન મેળવવું અને ઓછું કાર્બન ઉત્સર્જન કરવું તેની જાણકારી પુરી પાડે છે.   

(3) ટ્રાયટોન ફૂડ વર્કસ (Triton food works) :  

            આ દિલ્હી ખાતે આવેલ વર્ટિકલ ફાર્મ છે જે હાઈડ્રોપોનિક્સ અને એરોપોનિક્સ વડે તાજાં શાકભાજી ઉગાડે છે. વિશેષમાં આ કંપનીએ ઝડપથી પાક ઉગે અને ઓછા ચેપનું જોખમ ધરાવતી એરોપોનિક્સ પદ્ધતિની રચના કરેલ છે. ઉત્તર ભારતમાં તેના 1,50,000 ચો.ફૂટ વિસ્તાર ઘરાવતા વર્ટિકલ ફાર્મ આવેલા છે જેનું સંચાલન સને 2014માં સ્થપાયેલ આ કંપની ધ્વારા થાય છે. તે 20 વિવિધ જાતના પાકોની ખેતી કરે છે જેમાં બ્રોકોલી, માઈક્રોગ્રીન્સ, ચેરી ટામેટા, સ્ટ્રોબેરી, ટામેટા, કાકડી, કેપ્સિકમ (બેલ પીપર્સ) અને અજમો (ઓરેગાનો)નો સમાવેશ થાય છે.  

વર્ટિકલ ફાર્મિંગ માટે ભારતીય બજાર :

        માર્કેટ ડેટાની આગાહી મુજબ એશિયા પેસિફિક વિસ્તારમાં 29 ટકાના દરે વર્ટિકલ ફાર્મિંગના વેપારનો વાર્ષિક ધોરણે વિકાસ થઈ સને 2026 સુધીમાં તેનો વેપાર 2.77 અબજ ડોલર એ પહોંચશે. સને 2021માં એશિયા પેસિફિક વિસ્તારમાં વર્ટિકલ ફાર્મિંગનો વેપાર અંદાજે 0.78 અબજ ડોલરનો થવા પામેલ. સજીવ ખેતી ધ્વારા ઉત્પાદિત પેદાશોની માંગમાં વધારો થતો જાય છે અને ભારતમાં વધતી જતી વસ્તીને ખોરાક પુરો પાડવા માટે આ વર્ટિકલ ફાર્મિંગ જેવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે. ભારતમાં વર્ટિકલ ફાર્મિંગ તરફ ઝડપથી લોકોનું ધ્યાન દોરાયેલ છે અને દર વર્ષે વધુ ઉદ્યોગસાહસિકો અને વેપારીઓ તેના બજારમાં જોડાય છે.

વર્ટિકલ ફાર્મિંગના ફાયદાઓ :

          વર્ટિકલ ફાર્મિંગ એ એક કૃષિ પદ્ધતિ છે જેમાં હાઈડ્રોપોનિક્સ, એરોપોનિક્સ અને એક્વાપોનિક્સ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરી ઊભા સ્તરે પાકોને ઉગાડવામાં આવે છે. પરંપરાગત ખેતીની સરખામણીએ આ પદ્ધતિના કેટલાક ફાયદાઓ છે જે અત્રે દર્શાવેલ છે :

(1) આખુ વર્ષ ઉત્પાદન :   

        હવામાનની રીતે સ્વતંત્ર હોઈ આખા વર્ષ દરમ્યાન સતત પાક લઈ શકાય છે જેમાં ખરાબ હવામાનની ઉત્પાદન અને ગુણવત્તા ઉપર અસર થવાની કોઈ ચિંતા રહેતી નથી.

(2) પાણીના વપરાશમાં ઘટાડો :  

        વર્ટિકલ ફાર્મિંગમાં પાણીના વપરાશમાં 95 ટકા જેટલી બચત કરી શકાય છે. જે દેશમાં 84 ટકા પાણીનો વપરાશ પિયત માટે થતો હોય ત્યાં તેના ઉપયોગની વિશાળ તકો છે. વધુમાં ભારત દેશે ભૂતકાળમાં ઘણી ગંભીર દુષ્કાળની પરિસ્થિતિઓ વેઠેલી છે જેના થકી કૃષિના ઉત્પાદનમાં 20 થી 40 ટકા ઘટાડો થવા પામેલ. આથી ભારતની કૃષિમાં વર્ટિકલ ફાર્મિંગ ટેક્નોલૉજી જેવી કે હાઈડ્રોપોનિક્સ અને એક્વાપોનિક્સનો ઉપયોગ કરવામાં આવે તો વિશાળ પાયે પાણીનો વપરાશ ઘટાડી શકાય.

(3) જગ્યાનો આદર્શ ઉપયોગ :  

        પરંપરાગત ખેતી કરવા માટે સમૃદ્ધ જમીન હોવી જરૂરી છે. વર્ટિકલ ફાર્મ આયોજન બદ્ધ રીતે ગમે તે પર્યાવરણમાં બાંધકામ કરીને બનાવી શકાય છે કે જેમાં વિપરીત હવામાન કે વધુ તાપમાનનો ભય રહેતો નથી. વધારામાં ઓછી જમીનનો ઉપયોગ કરી ઊભા સ્તરે છોડ ઉગાડી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

(4) પરિસ્થિતિકીય સંતુલન જાળવવું :   

        આ પદ્ધતિમાં કૃષિ સાધનો ચલાવવા માટે વપરાતા અશ્મીભૂત બળતણની જરૂરિયાત રહેતી નથી એટલે કે પર્યાવરણ માટે ફાયદાકારક છે. વર્ટિકલ ફાર્મિંગ જમીનની સપાટીને અસર કરતું નથી એટલે કુદરતી પ્રાણીઓની વસ્તીના આરોગ્ય, આવાસ અને તેના પર્યાવરણને સંતુલિત રાખી જૈવવૈવિધ્યતામાં વધારો કરે છે.  

(5) રસાયણો કે જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી :  

        વર્ટિકલ ફાર્મિંગમાં જંતુનાશકો આપવાની જરૂર પડતી નથી કારણ કે નિયંત્રિત પર્યાવરણને કારણે જીવાતો અંદર પ્રવેશી પાકને નુક્સાન કરી શક્તી નથી તેમજ ભેજના પ્રમાણનું કાળજીપૂર્વક નિયમન થતું હોવાથી ફુગના રોગો થતા નથી.

(6) પરિવહન ખર્ચમાં ઘટાડો :   

        ખોરાકની પૂરવઠા હરોળમાં છેક છેલ્લે સુધી ખોરાક વિતરણ કરવા માટેનો પરિવહન ખર્ચ વધુ આવે છે. વધુમાં એક દેશથી અન્ય દેશમાં ખેતીપેદાશ નિયમિત રીતે સમુદ્ર મારફતે પહોંચાડવામાં આવે છે. વર્ટિકલ ફાર્મિંગનો મોટામાં મોટો ફાયદો એ છે કે તેનાથી નોંધપાત્ર રીતે પરિવહન ખર્ચમાં બચત કરી શકાય છે, અંગારવાયુનું ઉત્સર્જન ઓછું થાય છે અને સંગ્રહ માટે શીતાગારની જરૂર પડે છે જેનાથી પેદાશને તાજી રાખી શકાય છે અને વધુ નફાકારક છે.

વર્ટિકલ ફાર્મિંગના ગેરફાયદાઓ :  

(1) જમીન અને બાંધકામ ખર્ચ :

        વર્ટિકલ ફાર્મ કિંમતી શહેરી વિસ્તારોમાં આવેલા હોય છે. કેટલાક વર્ટિકલ ફાર્મ ઝેરીકચરાના નિકાલની જગ્યા, નિર્જન વિસ્તાર અથવા ત્યજી દેવાયેલા બાંધકામોમાં આવેલા છે કે જ્યાં જમીન અને બાંધકામનો ખર્ચ ઓછો થાય છે.  

(2) ઊર્જાનો વપરાશ :   

        વર્ટિકલ ફાર્મમાં કૃત્રિમ પ્રકાશ અને હવામાન નિયંત્રણ પ્રક્રિયા માટેના ખર્ચમાં મોટો વધારો થાય છે. પરંપરાગત ખેતી કરતાં પરિવહન ખર્ચ ઓછો થાય છે.  

(3) યુએસડીએ ઓર્ગેનિક સર્ટિફિકેશન માટે વિવાદ છે :

        વર્ટિકલ ફાર્મમાં ઉગાડતા પાકોની પેદાશને ઓર્ગેનિક પ્રમાણપત્ર આપવા માટેનો ઉકેલ બાકી છે. ઘણા કૃષિ નિષ્ણાતોના મતે પ્રમાણિત સજીવ પાક (સર્ટિફાઈડ ઓર્ગેનિક ક્રોપ) એટલે ફક્ત જંતુનાશકો અને નીંદણનાશકોની ગેરહાજરીનો સમાવેશ નહિ પરંતુ તે સંપૂર્ણ રીતે જમીનની પરિસ્થિતિ અને કુદરતી પદ્ધતિમાં થયેલ હોય.  

(4) પાકની પ્રજાતિઓની મર્યાદિત સંખ્યા :

        હાલમાં ચાલુ વર્ટિકલ ફાર્મ પાક મોડેલમાં લેટયુસ, તુલસી અને સલાડ માટે વપરાતા પાકો ઉપર મુખ્ય ભાર મૂકવામાં આવે છે કે જે ઊંચુ મૂલ્ય ધરાવતા, ઝડપથી ઉગતા, ઓછા ફૂટપ્રિન્ટવાળા અને ઝડપી ટર્ન ઓવર ધરાવતા હોય. અનાજ અને ધીમા ઉગતા શાકભાજીના પાકો વેપારી ધોરણે વર્ટિકલ ફાર્મિંગ પદ્ધતિ જેટલું ઉત્પાદન આપી શક્તા નથી.  

(5) પરાગનયનની જરૂરિયાત :

        વર્ટિકલ ફાર્મમાંના પર્યાવરણમાં કીટકો પ્રવેશી શક્તા નથી એટલે જે પાકો કીટકો ધ્વારા થતો પરાગનયન ઉપર આધારિત છે તેવા પાકો માટે આ પદ્ધતિ ગેરફાયદારૂપ છે. આવા પાકોમાં માનવો ધ્વારા પરાગનયન કરવું પડે છે જે સમય માંગે છે અને તેના માટે વધુ માણસોની જરૂર પડે છે.  

સારાંશ :  

        યુએસમાં શહેરી વર્ટિકલ ફાર્મની સંખ્યા વધતી જાય છે જે વાર્ષિક વૃદ્ધિ દરથી જણાય છે. ભારતમાં આ પ્રકારનો અભિગમ હજુ પ્રયોગના તબક્કામાં છે. વિશ્વમાં ઘણા વર્ટિકલ ફાર્મની રચના કરવામાં આવી છે અને જેમ જેમ આધુનિક ટેકનોલૉજી અને વિચારોનો અમલ થશે તેમ તેમ નફાના ગાળામાં અને ઊર્જાની અસરકારકતામાં વધારો થશે.   

        મોટા ભાગના વર્ટિકલ ફાર્મ ટુંકા ગાળામાં ઉત્પાદન આપતા અને ઊચું વળતર આપતા પાકો જેવા કે સલાડ, ગ્રીન્સ વગેરે ઉપર નજીકના ભવિષ્યમાં ધ્યાન કેન્દ્રિત કરશે અને પડોશીઓ કાપણી બાદ ખોરાક તરીકે વારંવાર ખરીદવા માટે પ્રેરાશે. જો કે ભવિષ્યમાં વર્ટિકલ ફાર્મના ફેલાવા બાબતે હજુ અનિશ્ચિતતા છે. શહેરી આયોજકો અને ટકાઉ કૃષિ સમાજ એ વર્ટિકલ ફાર્મ કે જેનું વિશ્વમાં બાંધકામ થયેલ છે અને કાર્યરત છે તેના ઉપર બારીકાઈથી નજર રાખવાની જરૂર છે.


સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, ઓગષ્ટ 2024)      


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *