ભારતમાં સજીવ ખેતી – એક તંદુરસ્ત રાષ્ટ્ર પ્રતિ પ્રયાણ (Organic farming in India – A mission towards a healthy nation)

        તાજેતરના વર્ષોમાં સજીવ ખેતીનો પ્રસાર થતાં ખેડૂતોમાં તેનો વ્યાપ અને ખ્યાતિ વધવા પામી છે. ગ્રાહકો અને ખેડૂતોમાં સજીવ ખેતી ધ્વારા ઉગાડેલ ‘ઑર્ગેનિક ફૂડ’ તરફની પસંદગીમાં વધારો થવા પામેલ છે. લીલી જીવનશૈલી (ગો ગ્રીન લાઈફ સ્ટાઈલ – Go green lifestyle) અપનાવનારાઓ સજીવ ખેતી ધ્વારા ઉગાડેલ ખોરાકનો વપરાશ કરે છે.  

        નોર્થબોર્નના જણાવ્યા મુજબ ” ખેતર એ સંપૂર્ણપણે જૈવિક હોવું જોઈએ, તેમાં રહેતા જીવો જીવંત હોવા જોઈએ અને તેમાં રહેતા સજીવોનું જીવન સંતુલિત હોવું જોઈએ.” વધુમાં તેના જણાવ્યા મુજબ સજીવ ખેતી એટલે ‘એવી પરિસ્થિતિકીય ઉત્પાદન વ્યવસ્થા પદ્ધતિ કે જે જૈવવૈવિધ્યતા, જૈવિક ચક્રો અને જમીનમાં જૈવિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરી તેમાં વધારો કરે.’

        સજીવ ખેતીની પેદાશોના ઉત્પાદન માટે કૃત્રિમ જંતુનાશકો, પ્રતિજૈવિકો (એન્ટિબાયોટિક્સ), વૃદ્ધિ નિયામકો (અંતઃસ્ત્રાવો), જી. એમ. પાક, સુએઝ, સ્લજ અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવતો નથી જ્યારે પરંપરાગત ખેતીમાં કૃત્રિમ જંતુનાશકો અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરી પાકનું વધુ ઉત્પાદન અને નફો મેળવવામાં આવે છે. પરંપરાગત ખેતીમાં જંતુનાશકો અને રસાયણોનો ઉપયોગ કીટકો, જીવાતો અને નીંદણોને દૂર કરે છે અને કૃત્રિમ અંતઃસ્ત્રાવો અને ખાતરોનો ઉપયોગ પાકની વૃદ્ધિમાં વધારો કરે છે. આમ કૃત્રિમ જંતુનાશકો અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરી પરંપરાગત ખેતી ધ્વારા પેદા થતી પેદાશોનો ખોરાકમાં ઉપયોગ કરવાનું લોકો પસંદ કરતા ન હોઈ સજીવ ખેતીનો વ્યાપ વધતો જાય છે. આ બાબતને ધ્યાને લઈ અત્રે ખેડૂતોને સજીવ ખેતીની પ્રક્રિયા અને તેનાથી થતા પર્યાવરણીય લાભો અંગેની વિગતો દર્શાવેલ છે :

સજીવ ખેતીનું વર્ણન :     

        ધી ઈન્ટરનેશનલ ફેડરેશન ઑફ ઑર્ગેનિક એગ્રિકલ્ચર મુવમેન્ટ (IFOAM) એ સૂચવ્યા મુજબ સજીવ ખેતીના મુળભુત ચાર સિદ્ધાંતો છે જેવા કે આરોગ્ય (health), પરિસ્થિતિવિજ્ઞાન (ecology), નિષ્પક્ષતા (fairness) અને કાળજી (care) . સજીવ ખેતીના ઉત્પાદનના મુખ્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓમાં ખેતી પ્રણાલીમાં જૈવિક ચક્રોને પ્રેરણા પુરી પાડી વધારો કરવો, જમીનમાં મૂળ ઊંડે સુધી પહોંચે ત્યાં સુધીની ફળદ્રુપતા જાળવી તેમાં વધારો કરવો, દરેક પ્રકારના પ્રદૂષણમાં ઘટાડો કરવો, જંતુનાશકો અને રાસાયણિક ખાતરોના વપરાશથી દૂર રહેવું, ખોરાકમાં જૈવવૈવિધ્યતાનું સંરક્ષણ કરવું, ખોરાકના ઉત્પાદનમાં બૃહદ સામાજીક -પરિસ્થિતિકીય અસરને ધ્યાનમાં લેવી અને પુરતી માત્રામાં ઊંચી ગુણવત્તા ધરાવતો ખોરાક પેદા કરવો વગેરે બાબતોનો સમાવેશ થાય છે.  

        યુએસડીએ (USDA) ધ્વારા મૂકવામાં આવેલ નેશનલ ઑર્ગેનિક પ્રોગ્રામમાં દર્શાવ્યા પ્રમાણે ઑર્ગેનિક ફૂડ પ્રોડક્શન એક્ટ (OFPA, 1990) મુજબ પાકની ખેતી અને પશુપાલન એમ બંનેમાં કેટલીક ખાસ પૂર્વશરતોનું પાલન કરવું જરૂરી છે. ખેતરમાં છેલ્લા ત્રણ વર્ષમાં કૃત્રિમ જંતુનાશકો, રાસાયણિક ખાતરો અને નીંદણનાશકોનો વપરાશ કરવામાં આવેલ ન હોય તેમજ આજુબાજુમાં આવેલ ખેતરોના સંપર્કથી ઓછામાં ઓછું પ્રદૂષિત થયેલ હોય તેવા ખેતરમાંથી પકવેલ પેદાશ ‘ઑર્ગેનિક’ તરીકે સ્વિકાર્ય બને. તેમાં જી. એમ. પાકોની જાતો, સુએઝ, સ્લજ અને આયનકારી વિકિરણનો ઉપયોગ કરવા ઉપર સખત પ્રતિબંધ છે. ખેતી પદ્ધતિઓ, પાક પરિભ્રમણ અને આવરણ પાક તેમજ પશુ અને પાકની આડપેદાશોનો ઉપયોગ કરી જમીનની ફળદ્રુપતા અને પોષકતત્વોનું પ્રમાણ જાળવી વધુ ઉત્પાદન લેવામાં આવે છે. કૃત્રિમ જંતુનાશકો અને નીંદણનાશકોનો ઉપયોગ કર્યા સિવાય ભૌતિક અને જૈવિક નિયંત્રણ પદ્ધતિઓ અપનાવી જીવાત, રોગ અને નીંદણનુ નિયંત્રણ કરવામાં આવે છે.  

સજીવ ખેતીના લાભો :  

(1) તે પ્રદૂષણના સ્તરમાં ઘટાડો કરી પર્યાવરણનું આરોગ્ય જાળવવામાં મદદ કરે છે.

(2) તે ખેતીપેદાશમાં અવશેષોના સ્તરમાં ઘટાડો કરી માનવી અને પશુઓના આરોગ્યને થતા નુક્સાન કે જોખમમાં ઘટાડો કરે છે.

(3) તે ખેતીના ઉત્પાદનને ટકાઉ સ્તર સુધી જાળવી રાખવામાં મદદ કરે છે.

(4) તે ખેતી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરી જમીનના આરોગ્યમાં સુધારો કરે છે.  

(5) તે ટુંકા ગાળે કુદરતી સ્ત્રોતોનો આદર્શપણે ઉપયોગ કરી ભવિષ્યની પેઢી માટે તેની જાળવણી કરવામાં    મદદ કરે છે.

(6) તે પશુઓ અને મશીનો ધ્વારા વપરાતી ઊર્જામાં બચત કરી પાક નિષ્ફળતાનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.

(7) તે જમીનના ભૌતિક ગુણોમાં સુધારો કરે છે જેવા કે, માટીને ભરભરી બનાવવી, જમીનની ફળદ્રુપતા કે સ્થિતિ, હવાની સારી અવરજવર, મૂળનો સહેલાઈથી ફેલાવો, જળ સંગ્રહ શક્તિમાં વધારો અને જમીનના ધોવાણમાં ઘટાડો વગેરે.

(8) તે જમીનના રાસાયણિક ગુણોમાં સુધારો કરે છે જેવા કે, જમીનમાંના પોષકતત્વોનો પૂરવઠો અને જાળવણી, પાણી તથા હવા ધ્વારા પોષકતત્વોમાં થતો ઘટાડો અટકાવવો અને અનુકુળ રાસાયણિક પ્રતિક્રિયામાં વધારો કરવો વગેરે.

પર્યાવરણીય અસર :    

        પર્યાવરણના સંરક્ષણમાં સજીવ ખેતી એક રક્ષણાત્મક ભૂમિકા ભજવે છે. એવું માનવામાં આવે છે કે સજીવ ખેતી એ પર્યાવરણ માટે ઓછી હાનિકારક છે કારણ કે તેમાં કૃત્રિમ જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી કે જે પાણી, જમીન અને તેની આસપાસમાં રહેતા અને જલજ જંગલી જીવોને નુક્સાનકર્તા છે. વધુમાં સજીવ ખેતી એ પરંપરાગત ખેતી કરતાં વધુ સારી છે કે જેમાં પાક પરિભ્રમણ અપનાવી જૈવવૈવિધ્યતાની જાળવણી કરવામાં આવે છે. પરંપરાગત ખેતી કરતાં સજીવ ખેતી જમીનના ભૌતિક-જૈવિક ગુણો જેવા કે, જમીનમાં રહેલ સેન્દ્રિય પદાર્થો, બાયોમાસ, ઉત્સેચકો, જમીનની સ્થિરતા, જળનું ઝમણ, જળ પકડાશ ક્ષમતા, પાણી અને પવનથી થતું ધોવાણ વગેરેમાં સુધારો કરે છે.

સજીવ ખેતી અને ટકાઉ વિકાસ :

        ટકાઉ કૃષિ એ ત્રણ મુખ્ય લક્ષાંકોનું સંકલન છે જેમાં પર્યાવરણીય આરોગ્ય, આર્થિક નફાકારકતા અને સામાજીક તથા આર્થિક સમાનતાનો સમાવેશ થાય છે. ટકાઉપણાનો સિદ્ધાંત ભવિષ્યની પેઢીની જરૂરિયાતોને ધ્યાને રાખી હાલની જરૂરિયાતોને પુરી પાડવાનો છે. ટકાઉ પર્યાવરણ માટે સજીવ ખેતીનો મુળભૂત અભિગમમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે :

(1) કુદરતી રીતે જમીન અને કૃષિ પરિસ્થિતિતંત્રની સુધારણા અને જાળવણી કરવી.

(2) કુદરતી સ્ત્રોતોનો વધુ પડતો ઉપયોગ અને પ્રદૂષણ અટકાવવું.

(3) બિન-પુનઃપ્રાપ્ય ઊર્જાના સ્ત્રોતોનો ઓછામાં ઓછો વપરાશ કરવો.

(4) કુદરતી પરિસ્થિતિતંત્રમાં ઉપલબ્ધ કુદરતી સ્ત્રોતોનું સંયોજન કરી બગાડ અટકાવવો.

(5) જમીનમાં સેન્દ્રિય ખાતરો ઉમેરી જંતુનાશકોનો ઉપયોગ અટકાવી તેની હાનિકારક અસર ઘટાડી જમીનના આરોગ્યની સુધારણા અને જાળવણી કરવી.

(6) સલામત, સુરક્ષિત અને સ્વસ્થ પર્યાવરણ પેદા કરી આદર્શ આર્થિક વળતર મેળવવું.

(7) સ્વદેશી જાણકારી અને પરંપરાગત ખેતી પદ્ધતિના ગુણોનો સ્વિકાર કરવો.  

ભારતમાં સજીવ ખેતી-ઉત્પાદન, ખ્યાતિ અને આર્થિક વૃદ્ધિ :  

        વિશ્વમાં ઑર્ગેનિક ફૂડ અને સજીવ ખેતીનો વ્યાપ વધતો જાય છે. સને 1985થી છેલ્લા ત્રણ દસકામાં સજીવ ખેતીનો વિસ્તાર અને ઉત્પાદન એકધારૂ રીતે વધતું જોવા મળેલ છે. સને 2017માં વિશ્વમાં 698 લાખ હેક્ટર વિસ્તાર સજીવ ખેતી હેઠળ હતો જેમાં સને 2016ની સરખામણીએ 20 ટકાના દરે વધારો જોવા પામેલ છે. આ સજીવ ખેતી હેઠળ નોંધાયેલ મોટો વિકાસ દર છે. સને 2017માં વિશ્વમાં સજીવ ખેતી હેઠળ આવરી લેવાયેલ જમીન ધરાવતા દેશોમાં ઓસ્ટ્રેલિયા 356.5 લાખ હેક્ટર સાથે મોટા દેશ તરીકે અને ભારત દેશ 17.8 લાખ હેક્ટર જમીનમાં સજીવ ખેતી ધરાવી વિશ્વમાં આઠમા ક્રમાંકે છે.

        ભારતમાં કુલ ખેડાણ વિસ્તારના ફક્ત 0.03 ટકા વિસ્તાર સજીવ ખેતી હેઠળ આવેલો છે. ભારતમાં સને 2002માં 14000 ટન સજીવ ખેતીની પેદાશોનું ઉત્પાદન થયેલ જેમાંના 85 ટકા પેદાશની નિકાસ કરવામાં આવેલ. ભારતમાં સજીવ ખેતીના વિકાસમાં મુખ્ય અવરોધક બાબત સરકારની સજીવ ખેતીના પ્રોત્સાહન માટેની નિર્ણાયક નીતિનો અભાવ છે.

        તાજેતરમાં ભારત સરકાર ધ્વારા સજીવ ખેતીનો વ્યાપ વધારવા માટે નીચે દર્શાવેલ કાર્યક્રમો અને યોજનાઓનો અમલ કરવામાં આવેલ છે :

(1) ધી પરંપરાગત કૃષિ વિકાસ યોજના (PKVY)

(2) ઑર્ગેનિક વેલ્યૂ ચેઈન ડેવલપમેન્ટ ઈન નોર્થ ઈસ્ટર્ન રીજિયન સ્કીમ

(3) રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (RKVY)

(4) ધી મિશન ફોર ઈન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઑફ હોર્ટિકલ્ચર

                1 નેશનલ હોર્ટિકલ્ચર મિશન (NHM)

                2 હોર્ટિકલ્ચર મિશન ફોર નોર્થ ઈસ્ટ એન્ડ હિમાલયની સ્ટેટસ

                3  નેશનલ બામ્બૂ મિશન (NBM)

                4  નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ (NHB)

                5 કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ (CDB)

                6  સેન્ટ્રલ ઈન્ટસ્ટિટ્યૂટ ફોર હોર્ટિકલ્ચર, નાગાલેન્ડ    

(5) નેશનલ પ્રોગ્રામ ફોર ઓર્ગેનિક પ્રોડક્શન (NPOP)

(6) નેશનલ પ્રોજેક્ટ ઓન ઓર્ગેનિક ફાર્મિંગ (NPOF)

(7) નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રિકલ્ચર (NMSA)

                ભારતમાં સજીવખેતી સાથે સંકળાયેલ મુખ્ય રાજ્યોમાં ગુજરાત, કેરાલા, કર્ણાટક, ઉત્તરાખંડ, સિક્કીમ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, તમિલનાડુ, મધ્ય પ્રદેશ અને હિમાચલ પ્રદેશ વગેરેનો સમાવેશ થાય છે.

        ઍગ્રિકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટસ એક્ષ્પોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (અપેડા – APEDA) અને રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઓર્ગેનિક એગ્રિકલ્ચરના જણાવ્યા મુજબ વિશ્વમાં સજીવ ખેતી હેઠળ જમીન ધરાવતા દેશોમાં આઠમા ક્રમાંકે અ સજીવ પાકો તથા કૃષિની જમીનના ગુણોત્તરમાં 88મા ક્રમાંકે છે છેલ્લા દસકામાં ભારતમાં સજીવ ખેતીના ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ જોવા મળેલ છે.

ભારતમાં સજીવ ખેતીની સંભાવનાઓ :

        ભારત એ કૃષિપ્રધાન દેશ છે જેની 67 ટકા વસ્તી ખેતી ઉપર નિર્ભર છે અને તેની 55 ટકા માનવશક્તિ ખેતી અને તેને સંલગ્ન પ્રવૃત્તિઓ ઉપર આધારિત છે. ખેતી એ ભારતની વધતી જતી વસ્તીની મુળભૂત જરૂરિયાતો પુરી પાડે છે અને ખેતીમાંથી 30 ટકા આવક મળે છે. ભારતમાં હજારો વર્ષોથી ગ્રામ્ય સમાજ ધ્વારા દેશી પદ્ધતિઓથી સજીવ ખેતી કરવામાં આવે છે.

        ભારતમાં સજીવ ખેતી ધ્વારા ઉત્પાદિત પેદાશોની માંગ લોકોમાં વધી છે અને લોકો સલામત તથા ગુણવત્તાયુક્ત ખોરાકના ઉપયોગ અને  કૃત્રિમ જંતુનાશકોના ઉપયોગ વિના સજીવ પ્રક્રિયા વડે જમીનના આરોગ્યની જાળવણી અંગે જાણતા થયા છે. સજીવ ખેતીના વાવેતર ધ્વારા ખેડૂતો વધુ આવક પ્રાપ્ત કરતા થયા છે. ભારતમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારનો સેન્દ્રિય પદાર્થોના સ્ત્રોતોનો ઉપયોગ કરી સજીવ ખેતી કરવામાં આવે છે.

        ભારતમાં પરંપરાગત રીતે ખેતી કરતા ખેડૂતો તેમની જ્ઞાન આધારિત ઊંડી સમજ, ઘનિષ્ઠ અવલોકન, જમીનની ફળદ્રુપતા જાળવવાની પદ્ધતિઓ અને જીવાત વ્યવસ્થાન ધ્વારા અસરકારક રીતે સજીવ ખેતીનું પાક ઉત્પાદન મેળવી આર્થિક વૃદ્ધિ હાંસલ કરે છે. આમ સજીવ ખેતીમાં થયેલ વૃદ્ધિ નોધપાત્ર છે.

        સજીવ ખેતીમાં વિવિધ નવીન ટેકનોલૉજીની શોધ થયેલ છે જેવી કે, માયકોરાઈઝા ફુગ અને નેનો-બાયોસ્ટીમ્યુલેન્ટસનું સંકલન, સેન્સર ટેક્નોલૉજી અને સ્પેશિયલ જીયો ડેટા ધ્વારા સજીવ ખેતીનું મેપિંગ વગેરે.

        તર્કસંગત ખેતી તાંત્રિકતાનો (Rational Farming Technology) વિકાસ ઊર્જા સક્રિયકરણ (Element Energy Activation) ના સિદ્ધાંતના આધારે કરવામાં આવેલ છે જે પરિસ્થિતિકીય અને આર્થિક રીતે પાકના ટકાઉ ઉત્પાદનની ખાતરી આપે છે જે ભારતની પ્રાચીન માન્યતાઓ/તત્વજ્ઞાન તથા આધુનિક વૈજ્ઞાનિક જ્ઞાન ઉપર આધારિત છે.

ટેક્નોલૉજીની કામગીરી :

(1) જમીનનું ઊર્જાકરણ :   

        જમીન અને છોડના માઈક્રોફ્લોરાની પુનઃસ્થાપના અને ગતિશીલ રીતે પુનઃસક્રિયકરણ કરવું.

(2) છોડનું ઊર્જાકરણ :

        પોષકતત્વોના વપરાશની કાર્યક્ષમતા અને જીવાત/રોગના ચેપ સામેની છોડની પ્રતિકારક શક્તિ એમ બે પ્રકારની સંરક્ષણ પદ્ધતિની છોડમાં પુનઃસ્થાપના કરવી.

સારાંશ :

        સજીવ ખેતી ધ્વારા વધુ પોષણદાયી અને સલામત ખોરાકનું ઉત્પાદન મળે છે. ચીલાચાલુ રીતે કરવામાં આવતી ખેતી કરતાં સજીવ ખેતી એ પર્યાવરણ-મિત્ર (Eco – friendly) છે. સજીવ ખેતી જમીનને ફળદ્રુપ રાખે છે તથા પર્યાવરણની જાળવણી કરે છે અને ગ્રાહકોના આરોગ્યને પ્રોત્સાહન આપે છે. ભારત સહિત વિશ્વમાં સજીવ ખેતીની પેદાશોનું બજાર ઝડપી ગતિએ વિકસતું જાય છે. સજીવ ખેતી દેશના લોકોનું આરોગ્ય જાળવે છે. આવક નિર્માણ ધ્વારા દેશનો આર્થિક વિકાસ કરે છે. ભારત હાલમાં વિશ્વમાં ઓર્ગેનિક ક્ષેત્રે સૌથી મોટો દેશ છે જે નજીકના ભવિષ્યમાં દેશને પોષણદાયી, પરિસ્થિતિકીય અને આર્થિક રીતે તંદુરસ્ત બનાવશે.


સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, જાન્યુઆરી – 2023


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *