કૃષિ એ ભારતીય અર્થકરણની કરોડરજ્જૂ છે પરંતુ તેના ટકાઉપણા માટે તે કેટલાક પડકારોનો સામનો કરી રહી છે. પર્યાવરણીય ગુણવત્તામાં સુધારો કરવો, બિન-પુનઃપ્રાપ્ય સ્ત્રોતોનો અસરકારક રીતે ઉપયોગ કરવો, ખેતીના કાર્યો અર્થક્ષમ રીતે કરવા અને છેવટે ખેડૂતો ગુણવત્તાયુક્ત જીવન જીવી શકે તેવા પ્રયાસો કરવા એ એક મહત્વની બાબત છે. ટકાઉ ખેતી એ એક એવા પ્રકારની વ્યવસ્થા છે કે જેમાં કૃષિને લગતી પરિસ્થિતિકીય પદ્ધતિના ઉપયોગ વડે જૈવવૈવિધ્યતા, ઉત્પાદકતા, પુનર્જીવન ક્ષમતા, જીવનશક્તિ અને કાર્ય કરવાની ક્ષમતાની જાળવણી કરવામાં આવે છે કે જેથી વર્તમાન અને ભવિષ્યમાં પરિસ્થિતિકીય આર્થિક અને સામાજીક વગેરે કાર્યો સ્થાનિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે નોંધપાત્ર રીતે કરી શકાય અને અન્ય પર્યાવરણને હાનિ ન થાય.
ટકાઉ કૃષિનો અભિગમ કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ કરવાનો એવો રસ્તો બતાવે છે કે જેથી ઉત્પાદન ક્ષમતા પુનઃજીવિત થાય અને પર્યાવરણતંત્રને કોઈ હાનિ ન પહોંચે. ટકાઉ કૃષિની પદ્ધતિઓનો ઉપયોગ કરી ગ્રામ્ય ખેડૂત સમાજની સામાજીક-આર્થિક પરિસ્થિતિમાં સુધારો કરવા અને પર્યાવરણીય અધોગતિ અટકાવવા માટે કેટલીક વ્યૂહરચનાઓ અપનાવવાની જરૂરિયાત છે.
ખેતીમાં ટકાઉપણા માટે અપનાવવાની પદ્ધતિઓ :
ખેડૂતો પોતાની ખેતીમાં ઉત્પાદકતામાં વધારો કરી અને પેદાશની ગુણવત્તામાં સુધારો કરી વધુ ઉત્પાદન અને આવક પ્રાપ્ત કરી શકે તે માટેની ઉજળી તકો રહેલી છે. ખેડૂતો અત્રે દર્શાવેલ ટકાઉ કૃષિ પદ્ધતિઓનો ઉપયોગ કરી ખેતીના ઉત્પાદનમાં વધારો અને કૃષિ પરિસ્થિતિતંત્રની જાળવણી કરી શકે છે.
(1) પાક પરિભ્રમણ :
આ પદ્ધતિનો ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતામાં વધારો, જમીનની રચનામાં સુધારો જમીનમાંના પોષકતત્વોમાં સુધારો અને નિયમન, જમીનના ધોવાણનો અટકાવ, નીંદણ વ્યવસ્થા અને રોગ-જીવાતના ફેલાવાનો અટકાવ વગેરે અનેકવિધ ફાયદાઓ થાય છે. પાક પરિભ્રમણમાં કઠોળપાકો, ટર્નિપ, મૂળા વગેરેનું કવર પાકો તરીકે વાવેતર કરવામાં આવે છે કે જે પ્રાથમિક રીતે જમીનનું ધોવાણ મંદ કરે છે, જમીનનું આરોગ્ય સુધારે છે, જળની પ્રાપ્યતામાં વધારો કરે છે, નીંદણને દબાવી દે છે, રોગ-જીવાતનું નિયંત્રણ કરવામાં મદદ કરે છે, જૈવવૈવિધ્યતામાં વધારો કરે છે અને સમગ્રપણે ખેતી પદ્ધતિને મદદરૂપ બની ફાયદો કરે છે.
(2) આંતરપાક :
ખેતરમાં બે કે તેથી વધુ પાકો એક સાથે લેવા કે જેમાં પાકને પોષકતત્વોની જરૂરિયાત અલગ અલગ હોય તેવા પાક પસંદ કરવા. આ પદ્ધતિ પાકનું ઉત્પાદન વધારવામાં અને નીંદણનું નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે. આંતરપાકમાં ઊંડા મૂળ ધરાવતા પાકોની સાથે છીછરા મૂળ ધરાવતા પાકો, છાંયામાં થતા પાકો સાથે ઊંચા થતા પાકો લેવામાં આવે છે. આંતરપાકમાં ઉદાહરણ તરીકે સોયાબીન સાથે મકાઈ, ચોખા સાથે બાજરી, કઠોળપાકો સાથે ધાન્યપાક પસંદ કરવામાં આવે છે.
(3) શૂન્ય ખેડ :
ખેતરમાં પાકના વાવેતર કરતાં પહેલાં ખેડ કરવાથી નીંદણ દૂર થાય છે પરંતુ તેનાથી જમીનનું ધોવાણ થાય છે. તેથી જમીનના આરોગ્યમાં સુધારો કરવા અને જમીનનું ધોવાણ અટકાવવા માટે શૂન્ય ખેડ પદ્ધતિ અપનાવવી જોઈએ કે જેમાં સીધા જ બી જમીનને વિક્ષેપિત કર્યા વિના વાવવામાં આવે છે.
(4) મલ્ચિંગ (આવરણ) :
તેના અનેકવિધ લાભો છે જેવા કે, જમીનમાંનું પાણી, નીંદણનો ઉગાવો, જમીનનું ધોવાણ વગેરેમાં ઘટાડો કરી જમીનના બાંધામાં સુધારો કરે છે તેમજ જમીનમાં અળસિયાંની અવરજવરમાં વધારો કરે છે. મલ્ચિંગ તરીકે ઉગાડાતા પાકો જમીનના પી એચમાં ઘટાડો કરી પોષકતત્વોની લભ્યતામાં વધારો કરે છે. પાકની વાવણી પહેલાં અને પછી તેમજ ઊભા પાકમાં પણ મલ્ચિંગ કરવામાં આવે છે.
(5) વર્મિકમ્પોસ્ટિંગ :
આ એક પોષકતત્વોથી સમૃદ્ધ સેન્દ્રિય ખાતર છે જે પાકની વૃદ્ધિમાં વધારો અને જમીનની ગુણવત્તામાં સુધારો કરે છે. આ પર્યાવરણ મિત્ર (ઈકો ફ્રેન્ડલી) તેમજ આર્થિક રીતે વ્યવહારક્ષમ ટેકનોલૉજી છે જે સેન્દ્રિય આડપેદાશ કે કચરાને જૈવિક પ્રક્રિયા ધ્વારા મૂલ્ય વર્ધક પદાર્થમાં રૂપાંતરિત કરે છે. આવા પોષકતત્વોથી ભરપૂર સેન્દ્રિય ખાતરનો ઉપયોગ જમીનના આરોગ્યમાં વધારો કરે છે જેને પરિણામે પાક કે છોડના આરોગ્યમાં સુધારો થાય છે.
(6) સમોચ્ચ (કન્ટુર) ખેતી :
સમોચ્ચ ખેતી એ એક એવી પદ્ધતિ છે કે જેમાં ઢોળવવાળી જમીન ઉપર એવી રીતે ખેડ કરવામાં આવે છે કે જેથી વરસાદના પાણીનો સંગ્રહ થાય અને જમીનનું ધોવાણ અટકાવી શકાય. આ એક પ્રકારની ટકાઉ ખેતી પદ્ધતિ છે કે જે પાક ઉપર પુર, તોફાન કે જમીનને ધસતી અટકાવે છે, જમીનનું ધોવાણ ઘટાડે છે, વહેતા પાણીનું નિયંત્રણ કરે છે, અને ભેજનો સંગ્રહ કરી બહાર જતો અટકાવે છે જેથી જમીનની ગુણવત્તા અને બાંધામાં વધારો થવા પામે છે.
(7) સંકલિત જીવાત વ્યવસ્થા :
રાસાયણિક પદ્ધતિઓનો લધુત્તમ ઉપયોગ કરી કેટલીક જૈવિક અને યાંત્રિક નિયંત્રણની પદ્ધતિઓનો ઉપયોગ કરી જીવાત નિયંત્રણ અપનાવવામાં આવે છે. જીવાત નિયંત્રણ પદ્ધતિઓમાં પાકની વાવણી માટે યોગ્ય જગ્યા કે સ્થળની પસંદગી, ખેતર અને ઓજારો/સાધનોની સ્વચ્છતા, તંદુરસ્ત બિયારણ કે છોડ/ધરૂની પસંદગી, પાક પરિભ્રમણ, મલ્ચિંગ (આવરણ), ટ્રેપનો ઉપયોગ, જીવાતનો ફેલાવો કે ચેપ અટકાવવા માટે પાકની વાવણી કે કાપણીની તારીખોના સમયમાં ફેરફાર વગેરેનો સમાવેશ થાય છે.
(8) ખેત-વન પદ્ધતિઓને અપનાવવી :
ખેત વન ઉછેરવાથી ખેતી પદ્ધતિઓમાં સ્થિતિસ્થાપકતામાં સુધારો થાય છે અને હવામાનની અસરો સામે રક્ષણ પુરૂ પાડે છે. ખેતરમાં વૃક્ષો કે ઝાડવાં ઉછેરવાથી પાકના ઉત્પાદનમાં વધારો થવાની તકો રહે છે. વધુમાં તે જમીનના ભૌતિક ગુણોમાં સુધારો કરે છે, જમીનમાંના સેન્દ્રિય તત્વોની જાળવણી કરે છે અને પોષકતત્વોના ચક્રને પ્રોત્સાહન આપે છે જેના કારણે પર્યાવરણીય ટકાઉપણામાં વધારો થાય છે. પાક અને પશુઓને પવન સામે રક્ષણ મળે છે, ખરાબાની જમીનને પુનઃસ્થાપિત કરે છે, જળ સંરક્ષણમાં સુધારો કરે છે, જીવાતોને મર્યાદિત રાખે છે અને જમીનનું ધોવાણ અટકાવે છે. આ પદ્ધતિના ઉપયોગથી ખેતી પાકોની સાથે વૃક્ષોના વાવેતરથી વધારાની આવક મેળવી શકાય છે.
(9) ચોકસાઈપૂર્વકની ખેતી :
આ એક પ્રકારની સંકલિત કૃષિ વ્યવસ્થાની વ્યૂહરચના છે કે જેમાં ખેડૂતો ઈનપુટસ અને ખેતી પદ્ધતિઓના ઉપયોગને સમાયોજિત કરી શકે છે. આવી ખેતી પદ્ધતિઓમાં બીની પસંદગી, રોપણી, ખેડ, ખાતર, જંતુનાશકો, પિયત વગેરેનો સમાવેશ થાય છે. આ પદ્ધતિના ઉપયોગથી અનેકવિધ લાભો મળે જેવા કે, નફાકારક ઉત્પાદકતા, ટકાઉપણું, પાકતી ગુણવત્તા, પર્યાવરણીય સંરક્ષણ ધ્વારા જીવનની ગુણવત્તામાં સુધારો, અન્નની સલામતી અને ગ્રામ્ય આર્થિક વિકાસ વગેરે
(10) ડાંગરની ખેતીમાં એસઆરઆઈ ટેકનિકનો ઉપયોગ :
ડાંગરના પાકમાં એસઆરઆઈ (સીસ્ટમ ઓફ રાઈસ ઈન્ટેન્સીફિકેશન – SRI) ટેકનિકનો ઉપયોગ કરી પિયત ડાંગરના ઉત્પાદનમાં વધારો કરી શકાય છે જેમાં તંદુરસ્ત પાકની વહેલી રોપણી, છોડની ઓછી ઘનતા, જમીનને ફળદ્રુપ બનાવવી અને પાણીનો બચાવ કરવો વગેરે બાબતોનો સમાવેશ થાય છે. આ એક પ્રકારની ટકાઉ કૃષિની પદ્ધતિ છે કે જેથી ખેડૂતોને પર્યાવરણીય, સામાજીક અને આર્થિક ફાયદાઓ થાય છે.
(11) સજીવ ખેતી :
સજીવ ખેતીનો ઉપયોગ ખેડૂતો, ગ્રાહકો અને કુદરત ત્રણે માટે ફાયદાકારક છે. તે ટકાઉ ખેતી પદ્ધતિનો પાયો હોઈ જમીનના આરોગ્યને જાળવે છે અને કુદરતી ખાતરોના ઉપયોગને પ્રોત્સાહન આપે છે. પાકમાંથી મળતી આડપેદાશ કે કચરો જેના ઉપયોગથી બનતું ખાતર પાકનો ખોરાક બને છે. સજીવ ખેતી કરતા ખેડૂતો પશુપાલન ધ્વારા મેળવાતા છાલિયા ખાતરનો ઉપયોગ ખાતર તરીકે અને ગૌમૂત્રનો ઉપયોગ જીવાત નિયંત્રણ માટે કરે છે.
(12) સંરક્ષિત ખેતી :
જમીનને ઓછામાં ઓછો વિક્ષેપ આપવો, સપાટી ઉપર પાકના અવશેષોની જાળવણી કરવી અને પાક પરિભ્રમણ એમ ત્રણ સિદ્ધાંતોના આધારે આ પદ્ધતિ વિકસાવવામાં આવી છે કે જે પાકના ઉત્પાદનમાં વધારો કરે છે અને જમીનની ફળદ્રુપતા જાળવી તેને ટકાઉ બનાવે છે. આ પદ્ધતિના ઉપયોગથી જમીનના આરોગ્યમાં સુધારો અને જોખમના પ્રમાણમાં ઘટાડો થાય છે. આ કૃષિને ટકાઉ બનાવે છે અને લોકોના જીવન ધોરણમાં સુધારો કરે છે.
(13) સંકલિત ખેતી પદ્ધતિ :
આ એક પ્રકારની મિશ્ર ખેતી પદ્ધતિ છે કે જેમાં પાક, પશુપાલન, મત્સ્ય ઉછેર, મરઘાં પાલન, રેશમ ઉછેર અને ખેતી-વન વગેરેનો સમાવેશ કરવામાં આવે છે કે જેથી વિવિધ સ્ત્રોતોનો અસરકારક રીતે ઉપયોગ કરી આર્થિક રીતે ફાયદો મેળવી કૃષિનું ઉત્પાદન વધારી શકાય, આ પદ્ધતિના સિદ્ધાંત મુજબ પાક કે પશુપાલનમાંથી મેળવેલ આડપેદાશ કે કમરાને અસરકારક રીતે પુનઃચક્રિય કરી ઈનપુટ તરીકે વાપરવાનો સંકલિત અભિગમ અપનાવવામાં આવે છે. આ કુદરત આધારિત પાક વ્યવસ્થાનો ઉપયોગ રોગ-જીવાત અને નીંદણોનું નિયંત્રણ કરવામાં મદદરૂપ બને છે તથા પાક ઉત્પાદન મેળવવા માટે હાનિકર્તા ખેત રસાયણોનો ઓછો ઉપયોગ કરવો પડે છે.
(14) હાઈડ્રોપોનિક્સ :
આ એક પ્રકારની વધુ મહત્વની ટકાઉ પોતી પદ્ધતિ છે કે જેમાં જળ સંરક્ષણ, હાનિકારક રસાયણોનો અભાવ અને જમીનને નુક્સાન થતું નથી વગેરે બાબતો ઉપર ભાર મૂકવામાં આવે છે. આ પદ્ધતિમાં જમીનને બદલે જળ આધારિત પોષકતત્વોથી યુક્ત દ્રાવણ બનાવી તેમાં છોડ ઉછેરવામાં આવે છે. હાઈડ્રોપોનિક્સ પદ્ધતિમાં લેટ્યુસ અને ટામેટા ઉગાડવાના સારા પરિણામો મળેલ છે.
સારાંશ :
ટકાઉ ખેતી પૃથ્વી પરના કુદરતી સ્ત્રોતો અને પર્યાવરણનું સંરક્ષણ કરે છે, તે જમીનનું ધોવાણ અટકાવવામાં મદદ કરે છે, જમીનની ગુણવત્તાની જાળવણી અને જળ સંરક્ષણ તેમજ જમીનનો વધુ સારો ઉપયોગ કરવામાં મદદ કરે છે. આવી પદ્ધતિઓનો ઉપયોગ પર્યાવરણ માટે ફાયદાકારક છે, ખેતીમાં આર્થિક સ્થિરતા અને ખેડૂતોને ગુણવત્તા યુક્ત જીવન પ્રદાન કરે છે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, મે 2023
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

