ભારતમાં પરમાકલ્ચર ખેતી (Permaculture farming in India)

                પરમાકલ્ચરનો અભિગમ અને ચળવળ અંગ્રેજી શબ્દ ‘પરમેનન્ટ’ (Permanent) અને ‘એગ્રિકલ્ચર’ એ બંને શબ્દોમાંથી ઉદભવેલ છે. તેમાં જીવનને ટકાઉ બનાવવા ઉપર ભાર મૂકવામાં આવે છે જેથી તેને ‘પરમેનન્ટ કલ્ચર’ (Permanent culture) પણ કહેવાય છે. સને 1970માં ઓસ્ટ્રેલિયન જીવશાસ્ત્રી બિલ મોલિસોન અને તેના શિષ્ય ડેવિડ હોલ્મગ્રેન ધ્વારા આ પદ્ધતિ વિકસાવવામાં આવેલ. તેઓના જણાવ્યા મુજબ “તે સાવધ રીતે જમીનના માળખા અને કુદરતના સંબંધને જોડી બનાવેલ એવી એક રચના છે કે જે પુરતા પ્રમાણમાં અન્ન, રેસા અને ઊર્જાની સ્થાનિક જરૂરિયાતોને પુરી પાડે છે.”  

      તેના કેન્દ્રમાં સામાજીક-પરિસ્થિતિકીય રીતે જમીનનો ઉપયોગ ટકાઉ રીતે થાય તે વિચાર રહેલો છે. પરમાકલ્ચર પદ્ધતિનો અમલ કરતી વખતે મુખ્ય ત્રણ નીતિવિષયક બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે :

(1) પર્યાવરણનું રક્ષણ કરો

(2) લોકોનું રક્ષણ કરો

(3) વપરાશ અને પુનરૂત્થાનને મર્યાદિત કરી વધારાના જથ્થાનું પુનઃવિતરણ કરો.  

        પરમાકલ્ચરની જટીલ બાબતોમાં નીચેનો સમાવેશ થાય છે :

(1) જે તે જગ્યાઓ આવેલ જમીનની લાક્ષણિકતાઓ

(2) ખેતર અને ખેત-પદ્ધતિમાં વિવિધ સ્તરે તત્વો વચ્ચેની પારસ્પરિક અસર

(3) તત્વોની અવકાશી વ્યવસ્થા માટે વિવિધ સામાજીક પરિસ્થિતિય કાર્યો માટેનો સહસંબંધ પેદા કરવો

        પરમાકલ્ચર પદ્ધતિની કૃષિ પ્રણાલીમાં પાર્થિવ અને જળચર પદ્ધતિ, પશુપાલન અને વર્ષાયુ કે જે તે ઋતુમાં થતા ખેતીપાકોના સંકલન ઉપર ભાર મૂકવામાં આવે છે તેમજ તેમાં વધારામાં જળસંગ્રહ માળખુ, ખેત-વન, સજીવ ખેતી, સામાજીક વિજ્ઞાન, પશુ અને પાક સંવર્ધનનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.

પરમાકલ્ચરના સિદ્ધાંતો :   

        ડેવિડ હોલ્મગ્રેન ધ્વારા કુદરતી પર્યાવરણ, પૂર્વ-ઔદ્યોગિક અને ટકાઉ સમુદાયનો ઊંડો અભ્યાસ કરી પર્યાવરણ સિદ્ધાંતનો અમલ કરવાના વિચાર સાથે પરમાકલ્ચર માટેના 12 માર્ગદર્શક સિદ્ધાંતો રજૂ કરેલ છે :

(1) અવલોકન અને આંતરપ્રક્રિયા :

        જે તે જગ્યાના લાંબા સમય સુધી અને વિચારપૂર્વકના અવલોકન સાથે તેની રચના થાય છે.

(2) ઊર્જાને જકડો અને સંગ્રહ કરો :

        ઊર્જાને એકત્ર કરો. પાણી વધુ પુરાય જથ્થામાં હોય ત્યારે તેનો સંગ્રહ કરો કે જેથી તે જરૂરિયાતના સમયે લભ્ય બને.

(3) ઉત્પાદન મેળવો :

        આ પદ્ધતિ ધ્વારા શક્ય બને તેમ સ્વાશ્રયી બની પોતાની જરૂરિયાતની ચીજવસ્તુઓ ખાત્રીપૂર્વક પેદા કરો.

(4) સ્વનિયમનનો અમલ કરશે અને પ્રતિસાદ સ્વિકારો :

        તંદુરસ્તી પદ્ધતિનું સંતુલન જાળવવા માટે યોગ્ય નકારાત્મક પ્રતિસાદ જાણો.

(5) પુનઃપ્રાપ્ય ઊર્જાના સ્ત્રોતો અને સેવાઓનો ઉપયોગ અને કિંમત જાણો :

       સૂર્યપ્રકાશ અને વરસાદનું પાણી વગેરે જમીનને પુનઃજીવિત કરે છે અને બાહ્ય ઈનપુટસને ટાળે છે.

(6) કોઈ બગાડ પેદા કરતું નથી :

        દરેક પ્રકારના કચરા કે બગાડનો પુનઃચક્રિત કરી ઉપયોગી સંસાધન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.  

(7) માળખામાંથી રચના કરો :

        કુદરતમાં રહેલ માળખાનો ઉપયોગ કરી પ્રત્યક્ષ ઉપયોગમાં લેવાય તેવી રચના કરવી.

(8) અલગ કરવાને બદલે એકીકૃત કરો :  

        એક પાક લેવાને બદલે એક કરતાં વધુ પાક લેવા ફાયદાકારક છે. આ બાબત ધ્યાનમાં રાખી એકબીજા પાકને સુમેળ સધાય તેવી રચના કરવી.

(9) નાના અને ધીમા ઉકેલોનો ઉપયોગ કરો :  

        નાના પાયે પ્રયોગ કરી સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરવો. મોટા અને જટીલ ઉકેલ કરતાં નાના અને સાદા ઉકેલ જાળવવા સરળ છે.  

(10) ઉપયોગ અને મૂલ્યમાં વિવિધતા :   

        વિવિધતા સ્થિતિસ્થાપકતામાં વધારો કરે છે અને આ પદ્ધતિને નિષ્ફળ બનતી અટકાવે છે.

(11) વિવિધ બાબતોનો ઉપયોગ અને સીમાંત ખર્ચ :  

        જે તે જગ્યાએ વિવિધ બાબતોનો ઉપયોગ અંગે વિચારણા કરવી અને સર્જનાત્મકતા ધ્વારા સીમાંત ખર્ચને ઘટાડવો.

(12) સર્જનાત્મકતાનો ઉપયોગ અને બદલાવને આવકાર આપવો :

        દરેક પરિસ્થિતિકીય પદ્ધતિઓમાં ઉત્ક્રાંતિ પરિણામ અવલોકન વડે જમીનમાં થતા ફેરફારો જોવા મળે છે જેનું કાળજીપૂર્વક અવલોકન જે તે સમયે અને સ્થળે કરવું જોઈએ.  

ભારતમાં પરમાકલ્ચર :

        સને 1986માં બિલ મોલિસોને ભારતમાં એક વર્કશોપમાં ખેડૂતો અને સંસ્થાઓને સૌ પ્રથમ પરમાકલ્ચરની માહિતી આપેલ. પરમાકલ્ચરનું પ્રથમ નિદર્શન ફાર્મ સને 1987માં આંધ્રપ્રદેશના ઝહાસેરાબાદ જીલ્લામાં ડેક્કન ડેવલપમેન્ટ સોસાયટી નામની સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી શરૂ કરવામાં આવેલ. ત્યારબાદ દેશના વિવિધ ભાગોમાં અનેક સ્થળે ખેડૂતો ધ્વારા પરમાકલ્ચરના નિદર્શનો યોજવામાં આવેલ.

        પ્રથમ વખત ભારતમાં સને 2016માં 1000 થી વધુ ખેડૂતો, શિક્ષણશાસ્ત્રીઓ અને પરમાકલ્ચર અપનાવનાર વગેરે ભેગા મળી હૈદ્રાબાદ સ્થિત અરણ્ય એગ્રિકલ્ચરલ ઓલ્ટરનેટિવ્ઝ (Aranya Agricultural Alternatives) નામની એક સંસ્થા સ્થાપી નેશનલ પરમાકલ્ચર કન્વર્જન્સ (NPC) યોજી હતી જે પરમાકલ્ચર ચળવળનું મુખ્ય કેન્દ્ર બનેલ છે. આ સંગઠન રચાયા બાદ ભારતમાં ‘ઈન્ડિયા પરમાકલ્ચર નેટવર્ક’ ની સહાય વડે પરમાકલ્ચરનો વિકાસ થયો છે. સને 2017માં ભારત ઈન્ટરનેશનલ પરમાકલ્ચર કન્વર્જન્સ (IPC) માં એક યજમાન બનેલ જેનો મુખ્ય વિષય ‘સ્વસ્થ સમાજ તરફ’ (Towards healthy societies) હતો.

        વર્તમાન સમયમાં પરમાકલ્ચરનો એક પદ્ધતિ તરીકે સારી રીતે પ્રચલિત બનેલ નથી અને તેના મોટા ભાગના હસ્તક્ષેપ બિન સરકારી છે.

        પરમાકલ્ચર એ નવા કે સુધારેલ વિચાર અને પદ્ધતિનો એક ભાગ છે. તે હાથ પરના પ્રશ્નોના ઉકેલ અંગેની જાણકારી પુરી પાડી સર્વગ્રાહી, અસરકારક અભિગમ ધરાવતી પદ્ધતિ વિકસાવે છે કે જે ઉપર દર્શાવેલ સિદ્ધાંતોને આભારી છે. પરમાકલ્ચર શા માટે કામ થયું ? કે ન થયું ? તે અંગેની સમજ ટુલ્સ કે વિચાર થકી આપવામાં મદદ કરે છે. આ જ્ઞાન મેળવી આપણે ભૂતકાળમાં શું કરેલ અને ભવિષ્યમાં તેમાં શું સુધારા કરી શકાય તે જાણી શકીએ છીએ.

        આ બાબતે એક ડગલું આગળ વધી જણાવીએ તો પરમાકલ્ચર પદ્ધતિમાં વિવિધ બાબતોને એક સાથે આવરી લઈ તેમાં સંવાદિતા જાળવીને સુમેળ સાધવામાં આવે છે. તેના પરિણામે આ પદ્ધતિથી અણધાર્યા લાભો અને સગવડ મળે છે.

પરમાકલ્ચરના લાભો :          

(1) જળ વપરાશમાં ઘટાડો :

       નકામા અને વરસાદના પાણીનો ઉપયોગ કરી પાણીને બચાવી તેના ખર્ચમાં ઘટાડો કરી શકાય છે. ફક્ત ખેતીલાયક જમીનના માલિકો જ નહિ પરંતુ મોટા ખેતરોમાં પણ તે ખર્ચ માટે વધુ અસરકારક અને પાકોને પાણી પૂરૂ પાડવાનો અસરકારક ઉપાય છે.  

(2) ખર્ચમાં અસરકારક :

        પરંપરાગત રીતે કરવામાં આવતી ખેતીની સરખામણીએ પરમાકલ્ચર પદ્ધતિ ખર્ચની રીતે વધુ અસરકારક છે. ખેડૂતો જંતુનાશકો કે ખાતરો માટે નાણાં ખર્ચવા તૈયાર નથી. પરમાકલ્ચર પદ્ધતિ ઓછી જાળવણી માંગે છે કે જેમાં જરૂર મુજબ પિયત આપવામાં આવે છે અને ક્યારેક મલ્ચ (આવરણ)નો ઉપયોગ કરવામાં આવે છે જે મજૂરી ખર્ચ બચાવી નાણાંની બચત કરે છે.  

(3) નકામા કચરામાં ઘટાડો :

        પરમાકલ્ચર પદ્ધતિમાં કોઈ જ વસ્તુ નકામી હોતી નથી. બગીચાનો કચરો, પાંદડાં કે આડપેદાશ વગેરેનો ખાતર તરીકે અથવા તો પશુઓના ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક પરમાકલ્ચરના ઉત્સાહી લોકો કચરા મુક્ત જીવનશૈલી જીવવા માટે શૌચાલયના કચરામાંથી કમ્પોસ્ટ ખાતર બનાવે છે.

(4) પ્રદૂષણ ઓછું :    

        પરમાકલ્ચર એ કુદરતી રીતે અન્ન ઉગાડવાની પદ્ધતિ છે જેમાં ટ્રેક્ટર જેવા યાંત્રિક સાધનોનો ઉપયોગ કરવામાં આવતો નથી કે જે બળતણ ધ્વારા પ્રદૂષણ પેદા કરે છે.

(5) ઓછું ઝેરી :

        પરમાકલ્ચરમાં સેન્દ્રિય ખાતરો અને જીવાત નિયંત્રણની એવી પદ્ધતિઓ વાપરવામાં આવે છે કે જે સજીવ ખેતીમાં ઉપયોગ થાય છે. તેમાં કોઈ જંતુનાશકો કે રાસાયણિક ખાતરો વપરાતા ન હોઈ પાક ઉત્પાદન ઓછું ઝેરી હોય છે.  

(6) મૂલ્યમાં સુધારો :

        પરમાકલ્ચરની પદ્ધતિમાં ઓછો બગાડ, જરૂર મુજબનો વપરાશ, પ્રદૂષણમાં ઘટાડો અને અન્યોને મદદ કરવી વગેરે જેવા નૈતિક અને સકારાત્મક મૂલ્યો લોકોમાં કુદરતી રીતે વિકસાવે છે.  

(7) વધુ આત્મનિર્ભર :

        પરમાકલ્ચર પદ્ધતિ ખેડૂતને પોતાના ખેતરમાં વધુ પાકો લેવા માટે પ્રેરે છે. પોતાના ખોરાક માટે જોઈતી અને જરૂર મુજબની ચીજવસ્તુ મેળવીને આત્મનિર્ભર બનાવે છે.  

(8) વર્તમાન પદ્ધતિમાં લાગુ પાડી શકાય :

        વર્તમાન કૃષિ પદ્ધતિઓમાં પણ પરમાકલ્ચર સિદ્ધાંતોનો ઉપયોગ કરીને નાના કે મોટા પાયા ઉપર પરમાકલ્ચર પદ્ધતિને અપનાવી અન્ન પેદા કરી શકાય છે.

સામાન્ય પરમાકલ્ચર પદ્ધતિઓ :

(1) ખેત-વન (એગ્રો ફોરેસ્ટ્રી – Agroforestry) :

                પરમાકલ્ચરના આ અભિગમમાં વૃક્ષો કે ઝાડવાંની સાથે પશુપાલન અથવા પાકો ઉગાડવામાં આવે છે. તેનું નામ જ ખેતી અને વનનું સંયોજન દર્શાવે છે.  

(2) હિલ કલ્ચર (Hill culture) :

         આ પદ્ધતિમાં મોટા જથ્થામાં લાકડાને દાટી જમીનમાંના ભેજની જાળવણી ક્ષમતામાં સુધારો કરવામાં આવે છે. આ કહોવાતાં લાકડાં વાદળી જેવું કામ કરી પાણીને જમીન ઉપર વહેવડાવે છે. જમીન ઉપર કહોવાઈને કમ્પોસ્ટ ખાતર બને તેવા પદાર્થો જમીન ઉપર નાખવામાં આવે છે. આમ પરમાકલ્ચરના સિદ્ધાંત મુજબ ઊર્જાને એકત્ર કરી સંગ્રહ કરવામાં આવે છે.

(3) વરસાદ અને સુએઝના પાણીનો સંગ્રહ :  

        ચોમાસા દરમ્યાન જમીન ઉપર વહી જતા પાણીને એકત્ર કરી સંગ્રહ કરવો જેથી જ્યારે જરૂર પડે ત્યારે ખેતીમાં તેનો ઉપયોગ કરી શકાય. આ પરમાકલ્ચરના ‘ઊર્જાને જકડો અને સંગ્રહ કરો’ ના સિદ્ધાંતને અનુસરે છે.

(4) ચક્રિય ચરિયાણ (Cell or Rotational grazing) :  

        ચરિયાણ એ એક પ્રકારની નકારાત્મક પ્રવત્તિ છે કે જે જવાબદારીના ભાન વિના કરવામાં આવે તો પર્યાવરણનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. જો પશુઓ ધ્વારા વધુ પડતું ચરિયાણ કરવામાં આવે તો તેની નકારાત્મક અસરો જોવા મળે છે. પરમાકલ્ચરમાં સક્રિય ચરિયાણ એક પસંદગી પામેલ પદ્ધતિ છે. તેમાં પશુઓના સમૂહને નિયમિત પણે વિવિધ ખેતરો ખરાબાની જમીન અથવા વનમાં ચરિયાણ માટે લઈ જવામાં આવે છે.

(5) શીટ મલ્ચિંગ (Sheet mulching) :   

        આ એક પ્રકારની સજીવ પદ્ધતિ છે જેમાં કોઈ ખોદકામ કરવામાં આવતું નથી અને જમીનને કુદરતી રીતે જંગલની જેમ રાખવામાં આવે છે જેમ કે જંગલની જમીન ઉપર પાંદડાંનું આવરણ થાય છે. શીટ મલ્ચિંગ જમીનમાં પોષકતત્વો અને સેન્દ્રિય પદાર્થો ઉમેરવામાં મદદ કરે છે, નીંદણના ઉગાવાને દબાવી દે છે, ઉષ્ણતામાનને મધ્યમ રાખે છે, હિમ સામે રક્ષણ આપે છે, ઘસારો અને બાસ્પીભવન ઘટાડી વરસાદના પાણીને શોષે છે.  

(6) ખેડ નહિ અથવા લધુત્તમ ખેડવાળી ખેતી પદ્ધતિ :   

        આ પદ્ધતિમાં ખેતરની જમીનને કોઈ વિક્ષેપ પાડવામાં આવતો નથી. પાકની રોપણી પહેલાં જમીનને ખેડ કર્યા વિના છોડી દેવામાં આવે છે. આમ કરવાથી જમીનમાં પાણી જળવાય છે, જમીનમાંનો કાર્બન જળવાય છે, જમીનની ગુણવત્તામાં સુધારો થાય છે અને જમીનની સપાટી ઉપર રહીને ઉગતા નીંદણનાં બીજમાં ઘટાડો થાય છે.  

(7) આંતરપાક અને સાથી વાવેતર (Companion planting) :  

        બે કે તેથી વધુ પાકની પ્રજાતિઓનું એકમ વિસ્તારમાં આંતરપાક તરીકે વાવેતર કરવાથી એકબીજા ઉપર તેની લાભદાયી અસર થાય છે. આથી વાવેતરના ઉદાહરણ તરીકે ટામેટા, ગાજર કે કોબીજ જેવા મુખ્ય પાકમાં તુલસી, ઓરેગાનો, ચાઈવ્ઝ કે લસણ જેવા ઉગ્ર-વાસ ધરાવતા પાકો કે ઔષધિય છોડનું આંતરપાક તરીકે વાવેતર કરવું

        આવી ઉગ્ર-વાસ ધરાવતા કેટલાક છોડની સુગંધનો જીવાતોને અણગમો હોય છે. એટલું જ નહિ, તેમાંના કેટલાક સાથી પાક તરીકે પાકનો વિકાસ સારો થાય તેમાં મદદ કરે છે. અન્ય કેટલાક જમીનની ઢીલી બનાવે છે કે અન્ય ફાયદાઓ કરે છે.

(8) માર્કેટ ગાર્ડનિંગ (Market gardering) :

                ભારતમાં મોટા પાયે કરવામાં  આવતી પરંપરાગત ખેતીને બદલે કેટલીક વાર શહેરી પર્યાવરણમાં જમીનના નાના પ્લોટમાં ખેતી કરવી તેને માર્કેટ ગાર્ડનિંગ કહેવાય. આવી ખેતી કરનાર માર્કેટ ગાર્ડનર્સ પોતાની ખેતીપેદાશ ખેડૂતો માટેના બજારમાં વેચાણ કરે છે અથવા તો પોતાની ખેતી પેદાશ સીધી રેસ્ટોરન્ટ કે ગ્રોસરી સ્ટોરમાં સીધી જ વેચે છે.

        આ પદ્ધતિમાં એક એકર થી ઓછી જમીનમાં નાના પાયે રોકડિયા પાકોનું ઘનિષ્ઠ વાવેતર કરવામાં આવે છે.   

સારાંશ :  

        પરમાકલ્ચર એ સતત પણે વધુ ઉત્પાદન પેદા કરવા અને હાલના સ્તરે ઉત્પાદકતા જાળવી રાખવા માટેનો એક ઉત્તમ રસ્તો છે. સજીવ ખેતીની પદ્ધતિઓનો બગાડ અટકાવવામાં આવે છે અને તેની મહત્વની બાબતોને આવરી લેવામાં આવે છે. આ પશુપાલન અને પાકો એમ બંનેની યોગ્ય વ્યવસ્થા કરવા માટેનો એક પર્યાવરણીય-મિત્ર અને ટકાઉ કૃષિ માટેનો એક સર્વગ્રાહી અભિગમ છે. પરંપરાગત ખેતીની માફક પરમાકલ્ચર ખેતી પણ નફાકારક તેમજ સરળ અને ઓછા મજૂરોની જરૂર રહે છે. આમ કહી શકાય કે ભવિષ્યમાં પરમાકલ્ચરનો ઉપયોગ વધવા પામશે.  


સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, ડિસેમ્બર – 2022  


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *