લીંબુ વર્ગનાં ઝાડવાં એ સદાપર્ણી, રૂટેસી કૂળનાં અને ઉષ્ણ તથા ઉપોષણ કટીબંધવાળા ગરમ વિસ્તારોમાં થાય છે. લીંબુવર્ગનાં ફળોમાં સંતરાં (Mandarins – Citrus reticulata), મોસંબી (Sweet orange – Citrus sinensis) અને લીંબુ (Acid limes – Citrus aurantifolia) નો સમાવેશ થાય છે જે ભારતમાં સામાન્યપણે જોવા મળે છે. ઉપરાંત આ જૂથમાં જૈવવૈવિધ્યતા રૂપે ગેપફ્રુટ (Grapefruit – Citrus paradisi), પુમેલો (Pummelo – Citrus maxima) અને લેમન (Lemon – Citrus limon)નો પણ સમાવેશ થાય છે. લીંબુવર્ગનાં ફળો વિટામિન સી, કેરોટીનોઈડસ, ફ્લેવોનોઈડસ, પેક્ટીન, કેલ્શિયમ, પોટેશિયમ, ફાયટોન્યુટ્રિયન્ટસ અને ફીનોલિક કમ્પાઉન્ડસથી સમૃદ્ધ છે. ભારતમાં વિવિધ ખેત-હવામાન વિસ્તારમાં લીંબુ વર્ગનાં વિવિધ ફળો થાય છે જે વિવિધ ઋતુમાં બજારમાં વેપારી ધોરણે ઉપલબ્ધ થાય છે જેના પોષણ અને ઔષધિય મૂલ્યની માહિતી કોઠા – 1 માં અને ભારતમાં લીંબુવર્ગના ફળોના વાવેતર અને ઉત્પાદનની માહિતી કોઠા – 2માં દર્શાવેલ છે :
કોઠો – 1 : લીંબુવર્ગનાં ફળોનું પોષણ અને ઔષધિય મૂલ્ય
| ક્રમ | પાક | પ્રખ્યાત જાતો | પોષણ અને ઔષધિય મૂલ્ય |
| 1 | સંતરાં | નાગપુર મેન્ડેરીન, કિન્નુ, દાર્જિલિંગ મેન્ડેરીન, ખાસી મેન્ડેરીન, ડેઈઝી | (1) વિટામિન સી, એ, રેસા, પોટેશિયમ અને મેંગેનીઝથી સમૃદ્ધ છે. (2) ઊંચું એન્ટિઓક્સીડેન્ટસ ધરાવે છે. (3)હ્રદયરોગ અને મૂત્રપિંડની પથરીનું જોખમ ઘટાડે છે. |
| 2 | મોસંબી | કટર વેલેન્સીયા કટોલ ગોલ્ડ, બ્લડ રેડ, જાફ્ફા, પાઈનપલ | (1) વિટામિન સી અને એ થી સમૃદ્ધ છે. (2) એન્ટિઓક્સીડેન્ટસમાં ફોલિક એસિડ, કેલ્શિયમ (100 મિ.લિ. જ્યુસમાં 19 મિ.ગ્રા.) અને પોલીફિનોલ્સ ધરાવે છે. (3) ફિનોલિક એન્ટિઓક્સીડેન્ટસ ધરાવે છે જે વિવિધ કેન્સરના કોષોને અટકાવે છે (4) બ્રેસ્ટ કેન્સરને અટકાવવામાં સાઈટ્રસ ફ્લેવેનોઈડસ મદદ કરે છે. (5) એલડીએલ કોલેસ્ટીરોલના સ્તરમાં ઘટાડો કરે છે. |
| 3 | લીંબુ | એનઆરસીસી-8, પીકેએમ-1, બાલાજી,પ્રથાલિની, સાઈ સરબતી, પીડીકેવી બહાર લાઈમ | (1) ફલેવોનોઈડસ, લિમોનોઈડસ, કીમ્પફેરોલ, ક્વેરસેટિન અને એસ્કોર્બિક એસિડ વગેરે એન્ટિઓક્સીડેન્ટસ ધરાવે છે. |
| 4 | લેમન | આસામ લેમન, પંત લેમન, બારમાસી લેમન, કોંકણ લેમન | (1) વિટામિન સી માં સમૃદ્ધ (100 ગ્રામમાં 25.54 મિ.ગ્રા.) (2) ફાયટોકેમિકલ્સ, પોલીફીનોલ્સ, ટરપેમ્સ અને ટેનિન્સ ધરાવે છે. (3) 1 લિટર જ્યુસમાં 47 ગ્રામ સાઈટ્રિક એસિડ ધરાવે છે જે લીંબુ વર્ગના ફળોનાં સૌથી વધુ |
| 5 | પુમેલો | એનઆરસીસી-પુમેલાં-5, યુએસ-પુમેલો-145 | (1) રેસા, સુગર અને ઓર્ગેનિક એસિડથી સમૃદ્ધ (2) ઈ.કોલાઈ, બેસિલસ, સબટિલિસ, સાલમોનેલા એન્ટરિટિડિસ અને સ્ટેફાયલોકોક્સ ઓરીયસ વગેરે સામે પ્રતિજીવાણુ ગુણો ધરાવે છે. (3) તેના ફળની છાલ અને માવો તથા આથવેલ પ્રોડક્ટસમાં એન્ટિઓક્સીડેન્ટ ક્ષમતા રહેલી છે. (4) તે ડાયાબીટીસ વિરોધી ગુણ ધરાવે છે. |
| 6 | ગ્રેપફ્રુટ | સ્ટાર રૂબી, માર્શ સીડલેસ, ફ્લેમ ગ્રેપફ્રુટ, રેડ બ્લુશ | (1) તે વિટામિન સી, બી કોમ્પલેક્ષ વિટામિનો, ઝિન્ક , કોપર, આયર્ન, પોટેશિયમ અને ખાદ્ય રેસા પુરા પાડે છે. ખાસ કરીને તેની સ્ટાર રૂબી જાત વિટામિન એ નો ઉત્તમ સ્ત્રોત છે અને તે ગ્રેપ્રુફ્ટની તમામ જાતો કરતાં લાયકોપીનનું ઊંચુ સ્તર ધરાવે છે. (2) ગ્રેપફ્રુટને દૈનિક ધોરણે આહારમાં લેવામાં આવે તો ખરાબ કોલેસ્ટીરોલના પ્રમાણમાં 15.5 ટકા અને ટ્રાયગ્લીસરાઈડસના પ્રમાણમાં 27 ટકા જેટલો ઘટાડો કરી શકાય છે. (3) ચયાપચયમાં વધારો કરી વજનમાં ઘટાડો, ચરબી બાળવામાં મદદરૂપ, લોહીમાંની શર્કરા અને ઈન્સ્યુલિનના સ્તરને સ્થિર કરવું વગેરેમાં મદદ કરે છે. (4) તેમાં રહેલ લાયકોપીન કેન્સર પેદા કરતા મુક્ત કણો (ફ્રી રેડિકલ્સ) માં ઘટાડો કરે છે અને નરિન્જેનિન પ્રોસ્ટેટ કેન્સરના કોષોમાં થયેલ ડીએનએના નુક્સાનને અટકાવવામાં મદદ કરે છે. |
કોઠો- 2 : ભારતમાં લીંબુ વર્ગના ફળોનો વાવેતર વિસ્તાર અને ઉત્પાદન
| ક્રમ | લીંબુ વર્ગનો પાક | વર્ષ 2014-15 | વર્ષ 2017-18 | ||
| વિસ્તાર (હજાર હેક્ટરમાં) | ઉત્પાદન (હજાર મે.ટનમાં) | વિસ્તાર (હજાર હેક્ટરમાં) | ઉત્પાદન (હજાર મે.ટનમાં) | ||
| 1 | લીંબુ/લેમન | 268 | 2950 | 286 | 3148 |
| 2 | સંતરાં(મેન્ડેરીન) | 299 | 3699 | 428 | 5101 |
| 3 | મોસંબી | 275 | 4229 | 185 | 3266 |
| 4 | લીંબુવર્ગના અન્ય ફળપાકો | 111 | 777 | 103 | 1030 |
| સ્ત્રોત : હોર્ટિકલ્ચર સ્ટેટિસ્ટીક્સ એટ એ ગ્લાન્સ, ગર્વમેન્ટ ઑફ ઈન્ડિયા, 2018 | |||||
ભારતમાં લીંબુ વર્ગના વાવેતર યુક્ત વિસ્તારો :
ભારતના વિવિધ ભાગોમાં લીંબુ વર્ગની વિવધ પ્રજાતિઓનું વાવેતર થાય છે. સંતરાંનું મોટા પાયે વાવેતર મહારાષ્ટ્રના વિદર્ભ પ્રદેશમાં, છિંદવારા, અગર માળવા, શાજાપુર, રાજગઢ અને મધ્યપ્રદેશના મંદસૌર તથા રાજસ્થાનના જાલાવડ જીલ્લામાં થાય છે જ્યારે કિન્નુંનું વાવેતર પંજાબના અભોર અને ગંગાનગર પ્રદેશ તથા હરિયાણાના કેટલાક ભાગોમાં થાય છે. ભારતના મોસંબી ઉગાડતા મોટા રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, મધ્યપ્રદેશ, આસામ, બિહાર, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, પંજાબ અને હરિયાણાનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર રાજ્યમાં મોસંબીની ખેતી જાલના, ઔરંગાબાદ, પરભણી, નાંદેડ, નાગપુર, અમરાવતી અને અહમદનગર જીલ્લાઓમાં થાય છે. તેનું વાવેતર 10.81 લાખ હેક્ટર વિસ્તારમાં થાય છે જેમાંથી 73.20 લાખ ટન ઉત્પાદન મળે છે. કર્ણાટક રાજયમાં કુર્ગ મેન્ડેરીન અને ઉત્તર પૂર્વ ભારતમાં ખાસી મેન્ડેરીન જાત પ્રખ્યાત છે. ભારતમાં મોટાપાયે લીંબુનું વધુ વાવેતર મુખ્યત્વે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, બિહાર વગેરે રાજ્યોમાં અને મર્યાદિત પ્રમાણમાં અન્ય રાજ્યોમાં વાવેતર થાય છે.
ક્ષારીય જમીનોમાં કિન્નુ મેન્ડેરીન :
કિન્નુ મેન્ડેરીન એ કિંગ ઓરેન્જ અને વિલ્લો લીફ મેન્ડેરીથી પેદા કરેલ સંકર જાત છે જે પંજાબમાં કિંગ ઑફ ફ્રુટસ તરીકે જાણીતી છે. આ જાત એ ફક્ત ભારત જ નહિ પાકિસ્તાન અને બાંગલાદેશમાં લીંબુ ઉદ્યોગ ક્ષેત્રે ક્રાન્તિ આણી છે. તેનો 100 મિ.લિ. જ્યુસ 31 મિ.ગ્રા. વિટામિન સી ધરાવે છે એટલે કે તે વિટામિન સી થી સમૃદ્ધ છે. તેનું વાવેતર રાજસ્થાનના શ્રી ગંગાનગર જીલ્લો, પંજાબ અને હરિયાણાના કેટલાક ભાગો, હિમાચલ પ્રદેશની ટેકરીઓ વગેરે સૂકા અને અર્ધસૂકા વિસ્તારોમાં થાય છે. આ પાકમાંથી ઊંચુ આર્થિક વળતર મળતું હોઈ તેનું વાવેતર દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રના નાગપુર અને અકોલા વિસ્તાર, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારમાં વધતુ જાય છે. આવા વધારે કિન્નુ ઉત્પાદન આપતા વિસ્તારોમાં જમીનમાં ક્ષારીયતા (ખારાશ) વધવાથી અને પાણીના સ્તરમાં વધારો થવાથી હાનિકારક અસર પહોંચી છે. લીંબુવર્ગના પાકો ખારાશ સામે વધુ સંવેદનશીલ છે જેના કારણે પંજાબના ફઝિલ્કા જીલ્લાના અભોર તેમજ હોંશિયારપુર અને ભટીંડા વિસ્તારમાં સૌથી વધુ અસર થવા પામી છે. તાજેતરમાં થયેલ અભ્યાસ મુજબ રંગપુર લાઈમ અને રૂબિડોક્સ જાતનો ઉપયોગ કરી બનાવેલ કલમ ક્ષાર સામે પ્રતિકાર કરે છે જે કિન્નુનું વાવેતર કરતા ખેડૂતોને મદદરૂપ થશે.
મહારાષ્ટ્રના પ્રખ્યાત નાગપુર મેન્ડેરીન :
ખાસ કરીને મૃગ બહારમાં લેવાતો નાગપુર મેન્ડેરીન જાતનો પાક વિશ્વમાં સ્વાદ અને સુગંધમાં પ્રથમ નંબરે જાણીતો છે. મેન્ડેરીનના વાવેતર માટે નાગપુર જીલ્લો પ્રખ્યાત છે અને નાગપુર શહેરનો ઓરેન્જ સીટીનું લેબલ લાગેલ છે. સને 2014માં નાગપુર મેન્ડેરીન જાતે જીઆઈ ટેગ-385 મેળવેલ છે. મહારાષ્ટ્ર રાજયમાં સંતરાંના વાવેતરનો કુલ 80 ટકા વિસ્તાર અમરાવતી અને નાગપુર જીલ્લામાં આવેલો છે જે અનુક્રમે 48.88 ટકા અને 31.45 ટકા વિસ્તાર ધરાવે છે. મહારાષ્ટ્રના લીંબુ વર્ગના વિદર્ભ બજારમાં અમરાવતી જીલ્લાનો હિસ્સો 37.36 ટકા અને નાગપુર જીલ્લાનો હિસ્સો 23.87 ટકા છે.
ભારતમાં લીંબુ ઉદ્યોગના વિકાસમાં આઈસીએઆર-સીસીઆરઆઈ, નાગપુરનો ફાળો :
મહારાષ્ટ્રના નાગપુર ખાતે લીંબુવર્ગના ફળોના સંશોધન માટે આઈસીએઆર (ICAR) ધ્વારા સંચાલિત સેન્ટ્રલ સાઈટ્રસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CCRI) આવેલ છે જેની સ્થાપના જુલાઈ 1985માં થઈ હતી. તે ખેડૂતો, ઉદ્યોગો, શિક્ષણ અને અન્ય સર્વે માટે વિકાસ અને સંશોધન તથા વિસ્તરણ અને ખેત સલાહ સેવા આપતું એક વિશ્વાસપાત્ર કેન્દ્ર છે. આ સંસ્થા તેના 12 જેટલા પેટા કેન્દ્રો વડે લીંબુવર્ગની ખેતી કરતા ખેડૂતો માટે લીંબુમાં ઉત્પાદકતા અને નફાકારકતા વધે તે માટેની ટેક્નોલૉજી વિક્સાવવાનું મુખ્ય કાર્ય કરે છે.
સારાંશ :
વિશ્વમાં કોવિડ-19 ની મહામારીને કારણે થયેલ અસર જોતાં લીંબુ વર્ગના ફળો કે જે રોગપ્રતિકારક શક્તિ વધારનાર ખોરાક એટલે કે ઈમ્યુનિટી બુસ્ટર ફુડઝ (Immunity booster foods) હોઈ તેનું ખેડૂતો વધુ વાવેતર કરે તે માટે રાજ્ય સરકારના કૃષિ વિભાગો, આઈસીએઆર સંસ્થાઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ વગેરેએ સઘન પ્રયાસો કરવા જોઈએ અને ખેડૂતોને ઉદભવતા પ્રશ્નોનું નિરાકરણ કરવું જોઈએ.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, માર્ચ-2023
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

