હરિયાળી ક્રાંતિ દરમ્યાન કૃષિ રસાયણોનો ઉપયોગ શરૂ થયો જે કૃષિમાં એક મહત્વનો ભાગ હતો. ઊંચુ ઉત્પાદન આપની જાતોના ઉપયોગ સાથે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો વધારે પ્રમાણમાં વપરાશ થયો, જેને આજે અટકાવી શકાય તેમ નથી. કૃષિ રસાયણો એટલે એવી રસાયણોની પ્રોડ્કટ કે જેનો વપરાશ ખેતીપાકોની જીવાત વ્યવસ્થા માટે થતો હોય. આવા તમામ રસાયણો કે જે ખેતીમાં વપરાય છે તેમાં કૃત્રિમ ખાતરો, ફુગનાશકો, કીટનાશકો, નીંદણનાશકો, અંતઃસ્ત્રાવો (હોર્મોન્સ) અને અન્ય વૃદ્ધિકારક રસાયણોનો સમાવેશ થાય છે. પરંતુ ખેતીમાં મોટા પ્રમાણમાં જંતુનાશક રસાયણો (પેસ્ટીસાઈડ્સ) નો ઉપયોગ થાય છે જેમાં ફુગનાશકો, કીટનાશકો, નીંદણનાશકો, ઉંદરનાશકો (રૉડેન્ટીસાઈડ્સ) મૃદુકાયાદિનાશકો (મોલેસીઆઈડ્સ) અને કૃમિનાશકોનો સમાવેશ થાય છે. કૃષિ રસાયણોનો કૃષિમાં ઉપયોગ કરતાં છોડને પોષણ પુરૂ પાડે છે, છોડના વિકાસમાં વધારો કરે છે, રોગ- જીવાતથી છોડને રક્ષણ પૂરૂ પાડે છે અને છોડમાં રોગ પ્રતિકારક શક્તિ પેદા કરે છે તેમજ તેના ઉપયોગથી પર્યાવરણમાં પ્રદૂષણ પેદા થાય છે. જમીન એ આપણા જીવન માટે જરૂરી છે. આવી જમીનમાં અપૂરતા કે વધારે પડતા કૃષિ રસાયણોનો ઉપયોગ થવાના કારણે હાનિકારક અસર થવા પામી છે. આથી સંપૂર્ણપણે કૃષિ રસાયણો ઉપર આધારિત રહેવું જરૂરી નથી. પરંતુ કૃષિ રસાયણો સહેલાઈથી આપી શકાતા હોઈ અને તેની ઊંચી અસરકારકતા હોઈ તેનો વપરાશ દિન-પ્રતિદિન વધતો જાય છે અને આ કૃષિ રસાયણોનો વધારે પડતો ઉપયોગ ભવિષ્યમાં તેના દ્વારા પૃથ્વી ઉપર રહેતા તમામ જીવોને ખોરાકની હરોળ ધ્વારા આરોગ્યને હાનિ પહોંચાડી માંદગી જેવા પ્રશ્નો ઊભા કરશે.
કૃષિ રસાયણોની જમીન આરોગ્ય ઉપર અસર :
નિયમન , જમીનની ભૌતિક અને રાસાયણિક પરિસ્થિતિમાં જૈવિક રીતે કાર્યરત પદાર્થો પેદા કરી છોડનો જમીનની ઈકોસીસ્ટમમાં જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો મહત્વનો ભાગ ભજવે છે. જમીન એ સૂક્ષ્મજીવોનું રહેઠાણ છે એટલું જ નહિ તેમને વિશ્વમાં જીવિત રહેવા માટે જરૂરી પોષણ પણ પૂરુ પાડે છે. સૂક્ષ્મજીવો જમીનની કેટલીક દેહધાર્મિક અને પરિસ્થિતિકીય કાર્યો કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. જેમાં જમીનમાંના સેન્દ્રિય પદાર્થોનું કહોવાણ, હવામાંના નાઈટ્રોજનનું સ્થિરીકરણ, માયકોરાઈઝાની રચના, ખનીજો અને પોષકતત્વોની પ્રાપ્યતાનું વિકાસ કરવો વગેરેનો સમાવેશ થાય છે. તેથી છોડના વિકાસ માટે અનુકુળ જમીન પ્રાપ્ત થાય છે. જમીનમાં જંતુનાશકો આપવાને કારણે જમીનમાં રહેલા સૂક્ષ્મજીવોને હાનિ થાય છે. તે જમીનની ઈકોસીસ્ટમમાં વિવિધ જૈવરાસાયણિક પ્રતિક્રિયાઓ દ્વારા વિક્ષેપ પેદા કરે છે. જંતુનાશકોની જમીનમાં સતત હાજરી રહેતાં તે જંતુનાશકોના રસાયણો અન્ન હરોળ મારફતે ખોરાકમાં પ્રવેશી માનવ આરોગ્યને હાનિ પહોંચાડે છે. વિવિધ અભ્યાસો દ્વારા જાણવા મળેલ છે કે જમીનમાં વધુ પડતા જંતુનાશકોનો ઉપયોગ થવાથી જમીનમાંના સૂક્ષ્મજીવોની વૈવિધ્યતાને હાનિકારક અસર થયેલી જોવા મળે છે. જંતુનાશકોના ઉપયોગને પરિણામે સેન્દ્રિય પદાર્થોના ખનીજીકરણ અને પોષકતત્વો ઉપર હાનિકર્તા અસર થતાં છોડને તે પ્રાપ્ય થતાં નથી.
કૃષિરસાયણોના લાભો :
કૃષિરસાયણોનો મુખ્ય લાભ તે આપવામાં સરળ છે, અને સરવાળે મજૂરી ખર્ચ ઓછો થાય છે. બજાર રાસાયણિક ખાતરો અને જંતુનાશકોથી ભરપૂર છે અને કેટલીક કંપનીઓ કૃષિરસાયણોના માર્કેટિંગમાં સંકળાયેલી છે અને તેમાં વધારો થતો જાય છે. રાસાયણિક ખાતરો પાકને આપતાં તે સહેલાઈથી લાભ્ય બને છે અને તરત જ તેનો પ્રતિભાવ આપે છે. આ જ રીતે નીંદણનાશકો પણ હાથથી નીંદામણ કે અન્ય રીતોથી નીંદામણની સરખામણીએ ઓછા મજૂરી ખર્ચ વડે નીંદણનું નિયંત્રણ કરે છે. પાકોમાં રોગ અને જીવાતનાં હૂમલા સામે રક્ષણ મેળવવા માટે ખેડૂતો જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે અને પાક ઉત્પાદન જાળવી આર્થિક લાભ મેળવે છે. પાકમાં જીવાતો સામે જંતુનાશકોનો ઉપયોગ સમયસર અને અસરકારક પરિણામ આપે છે જે જૈવિક એજન્ટો કે અન્ય પદ્ધતિઓ દ્વારા સમયસર મેળવી શકાતું નથી.
કૃષિરસાયણોના લાભા-લાભ
લાભો ગેરલાભો
સરળ પ્રાપ્યતા <- કૃ -> જમીન આરોગ્યમાં બગાડ
ઊંચી અસરકારકતા <- ષિ -> પર્યાવરણીય પ્રદૂષણ
સરળ રીતે વપરાશ <- ર -> રસાયણોની જળચરને હાનિકારક અસર
ત્વરિત પ્રતિભાવ <- સા -> ઝેરી રસાયણોની અન્ન હરોળ મારફતે
ય માનવ આરોગ્ય પર અસર
ણો
કૃષિરસાયણોના વધુ પડતા ઉપયોગના કારણે પેદા થતી મુખ્ય ખામીઓ :
કૃષિરસાયણોનો વધારે પડતો ઉપયોગ જમીનને ઍસિડિક બનાવે છે, જમીનમાંના સેન્દ્રિય પદાર્થોમાં ઘટાડો કરે છે અને તે રીતે જમીનના આરોગ્યને બગાડે છે. વધુ પડતા રાસાયણિક ખાતરોનો ઉપયોગ આર્થિક રીતે ખોટ પેદા કરે છે એટલું જ નહિ પાકને જરૂર કરતાં વધુ માત્રામાં આપતાં તે જમીનના જળસ્ત્રોતમાં જમા થઈ તેને પ્રદૂષિત કરે છે. આવા રસાયણોના ઉપયોગને કારણે જળમાં રહેતા સજીવોની સમૃદ્ધિ ઉપર હાનિકારક અસર થાય છે. આવા રસાયણોનો વધુ પડતો જથ્થો લીલ કે શેવાળની વૃદ્ધિને ઉમેરી પ્રાણવાયુના પ્રમાણમાં ઘટાડો કરે છે. જેની અસર તે જગ્યાએ રહેતા જીવોની પ્રજાતિ ઉપર થતાં તે વિસ્તાર મૃતઃપ્રાય બને છે. જો પાકને વધુ પડતા રાસાયણિક ખાતરો આપવામાં આવે તો તે તેનો પ્રતિભાવ આપતાં નથી. સતત ઝેરી રસાયણો આપવાને કારણે તે જીવની પેશીઓમાં જમા થઈ અન્નની હરોળ મારફતે પહોંચી માનવ આરોગ્યને હાનિ પહોંચાડે છે. વધુ પડતા જંતુનાશકોનો ઉપયોગ રાગ, જીવાત અને નીંદણોનો ઘટાડો કરે છે અને કુદરતી જૈવવૈવિધ્યતાને હાનિકારક અસર પહોંચાડી ફાયદાકારક જીવોનો નાશ કરે છે. જીવાતનો ફરીથી ઉપદ્રવ થવો અને ગૌણ જીવાત મુખ્ય જીવાત બનવી તેવું સામાન્યપણે જોવા મળે છે. જમીનમાં રહેલ સૂક્ષ્મજીવોના જથ્થામાં ઘટાડો થાય છે જે જમીનના આરોગ્યને હાનિ પહોંચાડે છે. પર્યાવરણમાં આવા રસાયણોમાં વધારો થતાં માનવ આરોગ્યને હાનિ પહોંચાડે છે. રસાયણોના છંટકાવને કારણે માનવી, પશુઓ અને પક્ષીઓના આરોગ્યને હાનિ થયાના સમાચારો સમાચારપત્રોમાં અવારનવાર જોવા મળે છે.
સારાંશ :
એવું કહેવામાં આવે છે કે કોઈપણ વસ્તુનો વધુ પડતો ઉપયોગ સારો નથી. આ જ બાબત કૃષિરસાયણોના વપરાશને લાગુ પડે છે. તેથી સંપૂર્ણ રીતે કૃષિરસાયણો ઉપર ઓછામાં ઓછો આધાર રાખી સંકલિત પોષણ અને જીવાત વ્યવસ્થાપનની પદ્ઘતિઓનો ઉપયોગ કરવો જોઈએ. વ્યાપક રીતે જીવાતોને મારતી જંતુનાશક દવાઓનો ઉપયોગ જૈવવૈવિધ્યતાને હાનિકર્તા હોઈ તેના ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. સમયપત્રકને બદલે જરૂરિયાત મુજબ જંતુનાશકોનો વપરાશ કરવો જોઈએ જેથી તેનો વધુ પડતો ઉપયોગ ટાળી શકાય. પાક માટે જમીનની તૈયારીથી જ ખેતી પદ્ધતિઓ સાથે સંકલન કરી સેન્દ્રિય ખાતરો, જૈવિક ખાતરો આપી જંતુનાશક રસાયણોનો વપરાશ ઘટાડી શકાય છે. જંતુનાશક દવાઓનો યોગ્ય માર્ગદર્શન મુજબ ઉપયોગ કરવાથી તેનો વધારે પડતો ઉપયોગ અને માનવ આરોગ્યને થતી હાનિ અટકાવી શકાય છે. જમીનના આરોગ્યને જાળવવા માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને કાર્બનિક સુધારકો જમીનમાં ઊમેરી જમીનમાંના સૂક્ષ્મજીવોના જથ્થામાં વધારો કરવો જોઈએ. ખેતીમાં પ્રણાલીગત (સીસ્ટેમિક) અને બિન પ્રણાલીગત (નોન- સીસ્ટેમિક) જંતુનાશકોનો તેના વિકલ્પ રૂપે ઉપયોગ કરી જીવાત પ્રતિકારકતા, ગૌણ જીવાતનો વિસ્ફોટક ઉપદ્રવ અને જીવાતનો પુનઃઉપદ્રવ અટકાવી શકાય. ઘણા ખેડૂતો સજીવ ખેતી તરફ વળ્યા છે પરંતુ તે તરફ એકદમ વળવું મુશ્કેલ છે જેથી ધીમે-ધીમે કૃષિરસાયણોનો ઉપયોગ ઘટાડી તેના ઉપરનો આધાર ઓછો કરવો તે વધુ લાભકારક છે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, જાન્યુઆરી 2024
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

